Pal Pal Dil Ke Paas - Nargis - 35 in Gujarati Biography by Prafull Kanabar books and stories PDF | પલ પલ દિલ કે પાસ - નરગીસ - 35

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પલ પલ દિલ કે પાસ - નરગીસ - 35

નરગીસ

૧૯૪૮ માં રીલીઝ થયેલી “આગ” થી રાજકપૂર અને નરગીસની જોડી જામી હતી. તે જ વર્ષે રીલીઝ થયેલી અતિ સફળ ફિલ્મ “અંદાઝ” માં તો નરગીસની સાથે રાજકપૂર અને દિલીપકુમાર બંને હતાં.

નરગીસનો જન્મ તા. ૧/૬/૧૯૨૯ ના રોજ કોલકત્તામાં થયો હતો. પિતા ઉત્તમચંદ મુલચંદ મૂળ રાવલપીંડીના રહેવાસી હતાં. માતા જદનબાઈ જાણીતા ક્લાસિકલ સિંગર ઉપરાંત હિન્દી સીનેજગતમાં નૃત્યનિર્દેશન સાથે પણ સંકળાયેલા હતા. નરગીસનું સાચું નામ ફાતિમા રશીદ હતું. ૧૯૩૫માં માત્ર છ વર્ષની ઉમરે તેણે બેબી નરગીસના નામથી બાળકલાકાર તરીકે કરિયરનો પ્રારંભ કર્યો હતો. ફિલ્મ હતી “તલાશ એ ઇશ્ક”. નરગીસની ઉમર ૧૪ વર્ષ થઇ ત્યારે મહેબુબખાને તેમની ફિલ્મ “તકદીર’ માં મુખ્ય નાયિકાનો રોલ આપ્યો હતો.

એ તો બહુ જાણીતી વાત છે કે રાજ કપૂરની અને નરગીસની પ્રથમ મુલાકાત યુવાન રાજ જયારે જદનબાઈને મળવા તેની ઘરે ગયો ત્યારે થઇ હતી. રાજ કપૂર તેની પ્રથમ ફિલ્મ “આગ” માટે નરગીસને લેવા માંગતો હતો. તેના માટે નરગીસની માતા જદનબાઈની પરવાનગી લેવી જરૂરી હતી. નરગીસે રસોડામાંથી આવીને દરવાજો ખોલ્યો હતો. તેના માથા પર લોટ ચોંટેલો હતો. આબેહુબ તે જ દ્રશ્ય રાજકપૂરે “બોબી” માં સ્ક્રીન પર રિશી કપૂર અને ડીમ્પલની પ્રથમ મુલાકાત સમયે દર્શાવ્યું હતું. નરગીસે રાજ કપૂર સાથે કુલ ૧૬ ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં અતિ સફળ ફિલ્મોમાં બરસાત (૧૯૪૯), આવારા(૧૯૫૧), શ્રી ૪૨૦(૧૯૫૬) તથા એવીએમ પ્રોડક્શનની ચોરી ચોરી(૧૯૫૬) નો સમાવેશ થાય છે.

નરગીસની માઈલ સ્ટોન ફિલ્મ એટલે૧૯૫૭ માં રીલીઝ થયેલી “મધર ઇન્ડિયા”. દિલીપ કુમારે જયારે નરગીસના પુત્રનો રોલ કરવાની ના પાડી ત્યારે મહેબુબખાને તેને એવો પણ વિકલ્પ આપ્યો હતો કે બાપ દીકરા બંનેની ભૂમિકા તે ભજવી શકે છે. જો એમ થયું હોત તો ફિલ્મમાં સુનીલ દત્ત અને રાજ કુમાર જોવા ન મળ્યા હોત. જોકે દિલીપકુમારે તો પણ હા નહોતી પાડી. વાસ્તવમાં મહેબુબખાને ૧૯૪૦ માં “ઔરત” ફિલ્મ બનાવી હતી જેની રીમેક ફિલ્મ એટલે જ “મધર ઇન્ડિયા”. મહેબુબખાને “ મધર ઇન્ડિયા” માં માત્ર એક જ કલાકારને રીપીટ કર્યો હતો. હા તે અભિનેતા એટલે કનૈયાલાલ,જેણે બંને ફિલ્મોમાં સુખી લાલાનું પાત્ર ભજવ્યું હતું. નરગીસની પાછળ “રાધા રાની” “રાધા રાની” કહીને નરગીસના શરીરને પામવાના પ્રયાસો કરતાં લાલચુ જમીનદારના કિરદારને પરદા પર તેણે અદ્ભુત રીતે જીવંત કરી બતાવ્યું હતું. “મધર ઇન્ડિયા” માં જયારે કનૈયાલાલ ભૂખ અને તાવમાં પીડાતા નાના બાળક બીરજુને ચણા ખાવા માટે આપે છે ત્યારે માતા રાધા (નરગીસ)ના કહેવાથી ભૂખ્યો બીરજુ ઘાસમાં ચણા ફેંકી દે છે પણ ખાતો નથી. કનૈયાલાલના ગયા બાદ બીરજુની તબિયત વધારે બગડે છે. ભૂખ અને તાવથી પીડાતા બાળકની દશા ન જોવાતા એક મા નું હ્રદય દ્રવી ઉઠે છે. રાધા (નરગીસ)ને બહાવરી થઈને ઘાસ અને કાદવ માંથી ચણા વીણતી બતાવવામાં આવે છે. સિનેમાઘર બેઠેલા ગમે તેવા કઠણ હ્રદયના માણસની આંખ પણ ભીની થઇ જાય તેવો વાસ્તવિક અને શ્રેષ્ઠ અભિનય તે દ્રશ્યમાં નરગીસનો હતો. ત્યારબાદના દ્રશ્યમાં હવેલીમાં જઈને ગળામાંથી સાડીનો છેડો નીચે લાવીને કનૈયાલાલને શરણે થતા પહેલાં એક લાચાર અને નિસહાય મા તરીકે તે લક્ષ્મીજીની મૂર્તિ સામે પડકાર ફેંકતી હોય તેમ દ્રષ્ટિપાત કરે છે. કદાચ આ જ નરગીસના અભિનયની ચરમસીમા હતી.

“મધર ઇન્ડિયા” ના જ સેટ પર આગ લાગી અને આગની જ્વાળાઓમાં ફસાયેલી નરગીસ ને સુનીલ દત્તે બચાવી હતી તે વાત તો સૌ કોઈ જાણે છે. જોકે એક ઇન્ટરવ્યુમાં સુનીલદત્તે સ્પષ્ટતા કરી હતી કે હું તો નરગીસને પહેલેથી જ મનોમન ચાહતો હતો. અમારા લગ્નને આ ઘટના સાથે ખાસ કોઈ નીસ્બત નથી.

“મધર ઇન્ડિયા” માટે નરગીસને ૧૯૫૭ નો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મને ૧૯૫૮ નો આંતરરાષ્ટ્રીય પુરષ્કાર પણ પ્રાપ્ત થયો હતો. ૧૯૫૮ માં જ નરગીસને ભારત સરકારે પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત કરી હતી. એક ફિલ્મી હસ્તીને પદ્મશ્રીથી સન્માનિત કરવાનું ભારત સરકારનું તે પ્રથમ પગલું હતું. આજે પણ “મધર ઇન્ડિયા” ની ગણના હિન્દી સીનેજગતની લેન્ડમાર્ક ફિલ્મ તરીકે થાય છે. “મધર ઇન્ડિયા” સૌ પ્રથમ એવી હિન્દી ફિલ્મ હતી જેને ઓસ્કાર માટે નોમીનેશન મળ્યું હતું.

તા. ૧૧/૩/૧૯૫૭ ના રોજ નરગીસના લગ્ન સુનીલદત્ત સાથે થયા હતા. લગ્ન બાદ નરગીસે ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી નાખ્યું હતું. ૧૯૬૮ માં રીલીઝ થયેલી ફિલ્મ “રાત ઔર દિન” માટે પણ નરગીસને નેશનલ એવોર્ડ મળ્યો હતો. સુનીલ દત્ત સાથે બોર્ડર પર જઈને તેણે ફૌજી માટેના દરેક પ્રોગ્રામમાં અચૂક હાજરી આપી હતી. નરગીસે રાજ્ય સભાના સદસ્ય તરીકે પણ ઉત્સાહથી કામગીરીની શરૂઆત કરી હતી પણ ટર્મ પૂરી થાય તે પહેલા જ નરગીસને કેન્સરનું નિદાન થયું હતું સુનીલદત્તે અમેરિકા લઇ જઈને તેની સારવાર કરાવી હતી પણ નરગીસનું આયુષ્ય જ ખૂટી પડયું હતું. અમેરિકાના ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરીને કહી દીધું હતું કે નરગીસને દવા કરતા વધારે દુઆની જરૂર છે. ઇન્ડિયા પરત આવ્યા બાદ નરગીસની અંતિમ ઈચ્છા તેના લાડકા દીકરા સંજયને મોટા પરદે જોવાની હતી. નરગીસે કહ્યું હતું. ”મેરી તબિયત ચાહે કિતની ભી ખરાબ કયો ના હો મુઝે વ્હિલચેર પે લે જાના, લેકિન મૈ અપની આંખોસે મેરે સંજુ કો સિનેમા કે બડે પરદે પર દેખના ચાહતી હું. ” કમનસીબે નરગીસે દેહ છોડયો તા. ૩/૫/૧૯૮૧ ના રોજ અને સંજય દત્તની પ્રથમ ફિલ્મ “રોકી” નો પ્રીમિયર શો થયો હતો તા. ૭/૫/૧૯૮૧. માત્ર ૫૨ વર્ષની ઉમરે જીવનલીલા સંકેલી લેનાર નરગીસ આજે તો હિન્દી સીનેજગતનું યાદગાર સંભારણું બનીને રહી ગઈ છે.

સમાપ્ત