Koobo Sneh no - 24 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 24

Featured Books
Categories
Share

કૂબો સ્નેહનો - 24

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 24

માઉન્ટ આબુ પહોંચ્યા પછી મુગ્ધદિક્ષા દુઃખી થયેલા વિરાજને કોઈપણ પ્રકારે ખુશ કરવા માંગતી હતી. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

અનંત આકાશ કુસુમવત્ લાગી રહ્યું હતું. હોટૅલ બાલ્કનીમાં બેઠેલા બેઉં જણાં સમયને આંખોમાં પૂરીને જીવનની ઉત્તમ ક્ષણોને માણી રહ્યાં હતાં. સવારે સનસેટ પોઇન્ટ પર સૂર્યોદય નિહાળવા જવાનું નક્કી કરી બંને રૂમમાં આવ્યાં હતાં.

આખાયે હોટેલ રૂમમાં મધમધતા મીઠા પાણીના ઝરા ફુટી પડ્યાં હતાં. દિક્ષાએ પહેરેલા શોર્ટ ટોપમાં દેહનાં સમગ્ર વળાંકો સુસ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં, એની કામણગારી કાયા વિરાજના દિલો દિમાગને પ્રેમ કરવા માટે આહ્વાન આપતું હતું‌. બેઉંનામાં એક સહિયારો કંપન વછૂટ્યો હતો. એમનાં અંગેઅંગ હિલ્લોળે ચડ્યાં ને, એક ભવમાં સાત ભવ જીવવાનું નક્કી કરી એકમેકમાં વીંટળાઈ વળ્યાં હતાં.


સૂરજ હજુ ક્ષિતિજે ઊગી રહ્યો હતો, એનાં બરફાચ્છાદિત કૂણાં કિરણો બેઉંની સંવેદનામાં વધારો કરી રહ્યાં હતાં. સનસેટ પોઇન્ટ પર સૂર્યોદયનું અદભૂત દ્રશ્ય નિહાળીને બેઉં જણાં આનંદિત થઈ ઉઠ્યાં હતાં આમપણ વિરાજની ઉદાસી તો રાત્રે જ ખંચેરાઈ ગઈ હતી.

નક્કી લેકના શિકારામાં બોટિંગ કરીને બેઉંનું હૈયે હૈયું ડોલી ઉઠ્યું હતું અને ઘુંઘટો તાણેલી દુલ્હન ટોક રોકને ત્યાં દૂરથી નિહાળીને સંતોષ માની લીધો હતો. હાથમાં હાથ પરોવીને સવાર સાંજ નક્કી લેકના ગાર્ડનમાં ટહેલતાં અને ત્યાં બાંકડે બેસી આઇસ્ક્રીમની મોજ માણતાં. ઢળતો સૂરજ માણવા સૂર્યાસ્ત સમયે સનસેટ પોઇન્ટ પહોંચી જતાં. સાંજ એટલે સૂર્યનો અસ્ત થવાનો સમય!! છતાં આકાશને કેસરી રંગે રંગીને ખીલેલી સંધ્યા સૂરજ આપતો જાય છે. ગુરુ શિખર પરથી કુદરતી દ્રશ્યો એમના મન મસ્તિષ્કને પ્રફુલ્લિત કરી રહ્યા હતા.

કેટલાયે દિવસોની જાણે અધુરી રહી ગયેલી અઢળક વાતો વાગોળતા, ગાર્ડનમાં બાંકડે લપાઈને બેઠેલાં બેઉં કલરવ કરતાં પ્રેમી પંખીડાઓ આજે પંખીઓના ટહુકા માણી રહ્યાં હતાં.
અને દિક્ષા અચાનક કંઈક યાદ આવતાં ઝૂમી ઊઠી હતી. અને બોલી,
"વિરુ.. યુ રિમેમ્બર!!? આજે શું છે?"


"ફોર્ટીન્થ ફેબ... ઓહ.. હું તો ભૂલી જ ગયો હતો. હમમમ... યુ ઓન્લી વન ઓફ માય વેલેન્ટાઇન.."

"યસ આજે વેલેન્ટાઇન ડે છે."

"તને યાદ છે? આપણે ત્રણ વર્ષ પહેલાં એકબીજાને આ દિવસે જ પ્રપોઝ કર્યુ હતું. વીલ યુ બી માય વેલેન્ટાઇન?" એમ કહીને દિક્ષાએ ગુલાબ એની સામે ધર્યું.

"દિક્ષુ, તારા હાથમાં આ જ રીતે ગુલાબ જોઈને, હું આશ્ચર્યથી કેનવાસ પરના ચિત્ર માફક ડઘાઈને જોઈ જ રહ્યો હતો."

"અને તને એવું પણ લાગ્યું હતું કે, હું જોક કરી રહી હતી તારી સાથે.."

"હા અને હું આજુબાજુ જોવા લાગ્યો હતો કે, તું કોઈ બીજા ફ્રેન્ડસ્ સાથે મળીને તું મારી ખીલી ઉડાવી રહી છે કે શું..!!"

"બુદ્ધુ.."

"કેમકે મેં તો સપનામાંય વિચાર્યુ નહોતું કે, તારા જેવી સુંદર છોકરી મને પ્રપોઝ કરે!!"

"અને તારું એકીટસે જોઈ રહેવાથી મને લાગ્યું કે તું મારા પ્રપોઝનો અસ્વિકાર કરી રહ્યો છે."

"અને હું બોલી ઉઠ્યો હતો. 'તારા અને મારા વચ્ચે જમીન આસમાનનો ફરક છે, પ્લીઝ.. દિક્ષા મારો જોક ના કર બધાં જોઈ રહ્યા છે.."

અને હું તારી ખોટી ભ્રમણા દૂર કરવા બોલી હતી,
"અરે એવું નથી વિરાજ રિયલી આઇ લવ વિથ યુ બોટમ ઇન હાર્ટ. બધાં મારી પાછળ પડેલા રહે છે, પણ એક તું જ એવો છે કે, જે મારી સામે નજર મિલાવીને વાત પણ નથી કરતો."

"અને તું અચાનક ત્યાંથી ઉભો થઈ ગયો હતો, મને તો એમ જ કે તું મારો અસ્વિકાર કરીને જઈ રહ્યો છે.. પણ તું ત્યાં બાજુના પ્લાન્ટમાંથી જાસૂદનું સુંદર રેડ ફ્લાવર આપીને મારો વેલેન્ટાઇન ડે અમેઝિંગ બનાવી દીધો હતો. હું એટલી બધી ખુશ થઈ ગઈ હતી કે છલાંગ મારીને ચીસ પાડી ઉઠી હતી અને સંતાઈને પાછળ આપણને જોઈ રહેલા બધાં ફ્રેન્ડસ્ કિકિયારીઓ કરીને આપણી બાજુ કૂદી પડ્યાં હતાં."
અને બંને ક્યાંય સુધી ખડખડાટ હસતાં રહ્યા હતાં.


"કદાચ એ મારા જીવનનો બેસ્ટ દિવસ હતો. વિરુ, એ જાસૂદનું ફ્લાવર હજુ મેં સાચવી રાખ્યું છે. બસ એ દિવસ પછી ક્યારેય એકબીજાને મળ્યા વિના આપણો એક દિવસ પણ નીકળ્યો નહોતો."

એકબીજાના હ્રદય છલોછલ છલકાય નહીં ત્યાં સુધી વિંટળાયેલા રહેતાં હતાં બેઉં જણાં, જીવનની અમૂલ્ય પળોનું ભાથું બાંધી લખલુટ આનંદ સાથે પાછાં ફર્યા હતાં. આમજ એકબીજા પ્રત્યેનો પ્રેમ વધુને વધુ પ્રગાઢ થતો ગયો‌ હતો. ©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 24 માં મંજીનું સીમંત પ્રસંગ.. અને ભારે હૈયે, વિરાજ અને વહુ દિક્ષાને અમેરિકા જવાની અમ્માએ આપેલી વિદાય..

-આરતીસોની ©