ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં...!
વિશ્વના સૌથી વધુ મેડિકલ એક્સપર્ટ્સ આપણી હોસ્પિટલ્સમાં જોવા મળે. ના, ડોક્ટર્સ કે નર્સિંગ સ્ટાફની નહીં, પણ દર્દીઓની આસ-પાસ મધમાખીની જેમ બણબણતા સગાઓ પૈકીની એક પ્રજાતિની વાત છે. ભારતીયોમાં દરેક રોગ અંગેની અદ્દભૂત એક્સપર્ટાઈઝ જોવા મળે છે. બશર્તે કે એ રોગ એમને પોતાને ન થયો હોવો જોઈએ.
આ પ્રજાતિ હોસ્પિટલના ખાટલે પડેલા ડોહાને પૂછશે કે, 'કાકા, ગળફો કેવા કલરનો હતો?' કાકો કહે - પીળો - તો કહેશે કે, 'નક્કી ટી.બી. હોવાનો... રિપોર્ટ કરાવો રિપોર્ટ... આજ-કાલ તો ટી.બી. સારવારથી મટી જાય છે. પહેલા જેવું નહીં.' એને વિના તપાસે ગળફાના રંગ પરથી આમ જજમેન્ટ ફેંકતો જોઈ પાછળ સાંભળી રહેલા ડોક્ટરને ઉધરસ ચડી જાય અને એને એકાદો પીળો ગળફો નીકળી આવે! હોવ...હમ્બો...હમ્બો...!
આ પ્રજાતિના લોકો જેટલા કોન્ફિડેન્સથી અભિપ્રાયોની ફેંકાફેંકી કરતા હોય એ જોઈને તો નવોસવો ડોક્ટરે ય હબકી જાય. ડોક્ટર લખે એ પહેલા આ સાલાઓ બે-ચાર ટેસ્ટ કરાવવાનુ સૂચવી દે. ભલુ હોય તો એકાદો ટેસ્ટ કરાવવાનું ડોક્ટરને ય સૂચવી દે કે, 'સાહેબ, ભેગાભેગા લોહીના ટકા ય ચેક કરાઈ લો ને...આ તો ઘા ભેગો ઘસરકો. એવું યે કંઈ હોય તો ખબર પડે ને...' એ તારું નખ્ખોદ જાય ટણપા... એવી ખબર પડે એની ડોક્ટરને નૈ ખબર પડતી હોય? એન્ડ વોટ ડુ યુ મિન બાય 'ઘા ભેગો ઘસરકો'? શાકમાર્કેટમાં નીકળ્યો છે? તે લીંબુ ભેગા મરચાં યે લેતા જઈએ...! તું 'હવે કેવું છે? ધ્યાન રાખજો અને કંઈ કામ-કાજ હોય તો કહેજો' કહેવાની વિધિ પતાઈને ઘરભેગીનો થા ને...!
કેટલાક તો મારા હાળા એવા હોય જે ડોક્ટરને સાઈડમાં રાખીને પોતે દર્દીના રિપોર્ટ્સ વાંચવા મંડી પડે. ચેસ્ટના એક્સ રેમાં કિડની બતાવતા હોય કે તમારી કિડનીમાં ફાંકુ છે! ફાંકુ તારા દિમાગમાં છે ટોપા... નાનપણમાં સાયન્સમાં તારી દાંડીઓ ઉડતી એ ભૂલી ગયો? તને સાદુ સાયન્સ નહોતું આવડતું આ મેડિકલ સાયન્સ છે... તું જપી જા બે... સાલાઓ, ઉંધો એક્સ રે ઝાલીને એનો વરતારો આપતા હોય...! હોવ...હમ્બો...હમ્બો...!
ખબર કાઢવા ગયા હોય ને દર્દીના સગાને કહેશે કે, 'આજ-કાલ તો ડેંગ્યુના બહુ વાયરા છે ભૈસાબ... ટેસ્ટ કરાઈ લો... ઓલા જમનાબેનની છોડીને ય તમારા બાપા જેવું જ થતું હતું. સમયસર ટેસ્ટ ના કરાયા તે નાની ઉંમરમાં જ ગુજરી ગઈ. સામાન્ય તાવ હમજી* (સમજી) મેડિકલથી ગોળીયું લાઈ લાઈને ખાધા કરી તે ડેંગ્યૂ ક્યારે વકરી ગયો એ જ ખબર ના રહી. આ તો તમારી ચિંતા એટલે કહીએ. આટલું જાણીએ તો કહીએ બાપાઆ...' આ સાલાઓ સમજે જ નહીં કે પેલાના બાપાને ખરેખર સામાન્ય તાવ હતો પણ તમે ખબર કાઢી ગયા પછી બી.પી. વધી ગયું!
આવા લોકો કોઈને કમળો હશે તો કહેશે કે, 'કમળો તો ભૈસાબ નૈ હારો* (હા=સા). કમળામાંથી કમળી ગાંઠ થઈ જાય ને ઈ ફાટે એટલે આખો માણા(માણસ) ઊભો ફાટી પડે. અમારા મેલ્લાના કમળા ડોશીને કમળો જ હતો. હવારે (સવારે) કમળી ગાંઠ થઈ ને હાંજે (સાંજે) કાઢી જવા પઈડા... કમળા ડોશી ગામ આખાને કમળો ઉતારી આલતી, પણ ઈનો પોતાનો કમળો ના ઉયતરો...બોલો...!'
દર્દીને શું આપવું શું ન આપવું એની આમને જેટલી ખબર પડે એટલી કોઈને ન પડે. કહેશે કે, 'કમળામાં તો ગોળ બૌ હારો ને દાળિયા પર જોર રાખવું. શેરડીનો રસ પીવડાવે રાખવો. આવામાં તો ડોક્ટરે ય એની જ સલાહ આપે.' હા, તે પણ ડોક્ટર આપશે એવી સલાહ. એ પૈસા જ એના લે છે. તમે જપો ક દિયોર... હોવ...હમ્બો...હમ્બો...!
હોસ્પિટલમાં એક પ્રજાતિ એવા લોકોની જોવા મળે જેઓ સતત વોર્ડના 'ચપ્પેચપ્પા'ની વિગતો જ ભેગી કર્યે રાખતી હોય. કયા ખાટલે કોણ દાખલ છે?, એમને કયો રોગ છે?, કેટલા ટાઈમથી દાખલ છે?, ડોક્ટરે શું કહ્યું છે? સહિતની તમામ વિગતો આમની પાસેથી તમને મળી જાય. કોઈ નવું ખબર કાઢવા આવે એની સામે આવી માહિતીઓનો ઢગલો કરે કે, ચોથા ખાટલે જે કાકા છે એમને ડોક્ટરે બીડી પીવાની ના પાડી હોવા છતાં માનતા નથી અને ખાનગીમાં ધુમાડા કાઢી આવે છે. ખૂણાના ખાટલે જે છોકરી પડી એ પ્રેમમાં ફિનાઈલ પી ગઈ છે. પેલા ભઈનો તો હવે પગ કાપવો પડશે. વોર્ડમાં જેવું કોઈ નવું દાખલ થાય કે તરત એના સગા પાસે જઈને પૂછપરછ શરૂ કરી દેશે. આગંતુકો જ્ઞાતીએ કેવા છે?થી માંડી કયા ગામના છે? સુધીની વિગતો જાણી લાવશે. કેમ જાણે એમના ઘરે એમને દીકરી વળાવવાની હોય...! આ લોકો બે-ચાર દિવસમાં જ હોસ્પિટલમાં એવા એડજસ્ટ થઈ ગયા હોય કે એમને જોઈને આપણને એવું લાગે કે વર્ષોથી ત્યાં સેટલ થયેલા હોય અથવા આજીવન હવે ત્યાં જ રહેવાના હોય.
વોર્ડમાં આવા બે-ચાર લોકોની જમાતે ભેગા થઈને એ પણ નક્કી કરી લીધુ હોય કે કઈ નર્સ સારી છે અને કઈ નથી સારી. જોકે, કેટલીક ખાનગી હોસ્પિટલ્સ તો નર્સ અને રિસેપ્શનિસ્ટ એવી રાખે કે કંઈ ન થયું હોય તો પણ બે-ચાર દિવસ રોકાવાની ઈચ્છા થઈ જાય. (હવે જોકે મી ટુ મુવમેન્ટનો વાયરો ફૂંકાયા બાદ જાણકાર પુરુષો એવા અભરખા દાબી રાખે છે!) જ્યારે સરકારી હોસ્પિટલના સ્ટાફની કેટલીક મહિલાઓ એવી હોય જેમને જોઈને જ પુરુષો જલદી રજા માંગી લે. ખાનગી હોસ્પિટલ્સની કેટલીક નર્સોના ચહેરા પર આકર્ષક ખીલ જોવા મળે જ્યારે કેટલીક સરકારી હોસ્પિટલ્સની નર્સના દાંત પર વિમલના ડાઘ દ્રશ્યમાન થાય. એવડી એ નર્સ ઓછી અને જેલની વોર્ડન જેવી વધુ લાગતી હોય. એ વોર્ડન વોર્ડમાં રાઉન્ડ મારવા નીકળે ત્યારે સોપો પડી જાય. એ વખતે પેલા પંચાતિયાઓની 'જમાત-એ-દોઢ ડાહ્યા’ પૈકીના એકાદા સાથે એને માથાકૂટ ન થાય તો જ નવાઈ.
કેટલાકે તો મનોમન મેડિકલ સાયન્સના પોતાના ધારા-ધોરણો એટલા ઊંચા બનાવી લીધા હોય કે જે ડોક્ટર દર્દીને તપાસ્યા વેંત બે-ચાર ટેસ્ટ કરાવવાનું ન કહે એ ડોક્ટર આમની નજરમાંથી નીચો ઉતરી જાય. કેટલાક વળી સો-બસો રૂપિયામાં અસાધ્ય રોગોના ઉટપટાંગ ઈલાજો બતાવતી ચોપડીઓ વાંચીને એવા બ્રેઈનવોશ થઈ ગયાં હોય કે એમને દરેક ડોક્ટર લૂંટવા બેઠો હોય એવું જ લાગે અને દરેક રોગની ગોળી કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ લાગે.
ભગવાન ન કરે તમારે કદી હોસ્પિટલ જવાનુ થાય, પણ આમ છતાં જો ક્યારેક જવાનુ થાય તો આસ-પાસમાં થોડું ઓબ્ઝર્વ કરજો. ખાસ કરીને સરકારી હોસ્પિટલ્સમાં આવા બે-ચાર કેરેક્ટર્સ તમને અચુક ભટકાવાના... હોવ...હમ્બો...હમ્બો...!
ફ્રી હિટ :
ડોક્ટર : તમે હવે બહુ થોડા સમયના મહેમાન છો. કોઈને મળવા બોલાવવા છે?
દર્દી : હા, બોલાવવા છે.
ડોક્ટર : કોને?
દર્દી : કોઈ બીજા સારા ડોક્ટરને.