સેનમી-ભાગ ૨
આજે રવિવાર છે.સવારથી જ સોનલ સલવાર અને લેગીન્સમાં તૈયાર થઈને ઘરના આંગણામાં આંટા મારી રહી છે. એના મનમાં એકસાથે હજારો વિચાર ચાલી રહ્યા છે. લીંપણના આંગણામાં પગથી નાની નાની કાંકરીઓ ઉખાડી રહી છે. છોકરો કેવો હશે? શું કરતો હશે? એને શું પસંદ હશે? મને ગમશે કે નહિ? અને ખાસ વાત તો એ કે હું એને ગમીશ કે નહિ? આ બધા વિચારો એની ચાલવાની સ્પીડમાં વધ-ઘટ કરી રહ્યા છે.
“બેટા સોનલ, ચાલો ઘરમાં આવીને બેસી જાઓ,મહેમાન આવતા જ હશે.” શંકરે હાકલ કરતા કહ્યું.
સોનલને હમણાં ઘરની અંદર આવવું તો નહોતું પણ બાપુને ના કહી શકે એમ નહોતી. કંકુ બેનનો હરખ આજે સમાતો નહોતો.પરોઢિયે ઉઠ્યા ત્યારથી એમનો પગ એક ઠેકાણે ટકતો નહોતો. મહેમાન માટે શાક શાનું બનાવીશું? મહેમાન માટે સોજીનો શીરો ઠીક રહેશે કે નહીં? મહેમાનને બેસવા માટે સોનલના કાકાના ઘરેથી મજાની કથ્થઈ કલરની ચટાઈ લઈને આવી. ઘરમાં દુજણું ના હોવાથી છાશની સગવડ કરી નાખી.એટલે એમ કહી શકાય કે પોતાના તરફથી તો બધી જ તૈયારીઓ કરી ને રાખી. બરાબર ૧૧ ના ટકોરે ઘરની ડાબી બાજુ જ્યાં છીંડું હતું ત્યાં જીપકાર આવીને ઉભી રહી. પચાસ આસપાસના બે માણસો જીપમાંથી ઉતર્યા ને છીંડામાં પ્રવેશ લીધો. એક પેન્ટ શર્ટમાં અને એક ધોતીમાં શોભતો હતો. પાછળ પાછળ ચાલીસ પિસ્તાલીસની લાગતી બાઈઓ એ પણ પ્રવેશ લીધો. કંકુ અને શંકર તેમને આવકારો આપવા આંગણામાં આવીને ઉભા રહ્યા. આવકારો આ ચારેયને આપી રહ્યા હતા પણ નજરો તો કોઈ ૨૫ વરસના જુવાનને શોધી રહી હતી. આખરે આંખોને ઠંડક વળી. ડીસંટ પેન્ટ શર્ટમાં પચીસ વરસનો જુવાન જીપમાંથી ઉતરીને એક નજરે ઘરને જોઇને છીંડામાં પ્રવેશ્યો.
“આવને બેટા અશોક, શરમાય શું છે?” આવનાર બે બાઈમાંથી એક બોલી. અશોક મધ્યમ બાંધાનો હસમુખ વ્યક્તિત્વ ધરાવતો યુવાન હતો. ઘરના આંગણા અને ઘરની વચ્ચે ઓસરીમાં પુરુષો માટે બેસવાની સગવડ કરી હતી. સ્ત્રીઓ માટે ઘરની અંદર ઘરની સ્ત્રીઓ જોડે બેસવાની સગવડ કરી હતી. ઓસરીમાં લગભગ દસેક જણ છ જેટલા ખાટલાઓમાં ગોઠવાયા.
“આવતી વખતે રસ્તો તો જડ્યો હતો કે પછી?” શંકરના નાના ભાઈએ વાત ચાલુ કરી.
“હાં એકાદ બે જણ ને પૂછવું પડ્યું, પણ મળી ગયો”પેન્ટ શર્ટ વાળા પુરુષે જવાબ વાળ્યો.
“ખુબ નાનું ગામ લાગે છે, કેટલી વસ્તી હશે?” ધોતીવાળા કાકાએ બીડી સળગાવતા પૂછ્યું.
પંદરસો જેટલી હશે. શંકરે ચીલમનો આગ્રહ કરતા અંદાજો માર્યો.
નાં, રે આપણે તો બીડી જ ભલી,”વારુ આમ આપણી નાતના કેટલા ઘર હશે? પચાસેક ખરા?” ધોતીવાળા કાકાએ બીડીનો ધુમાડો છોડતા કહ્યું.
“ના રે હવે. પચાસ ઘર હોત તો હું જોઈતું જ હતું. ગણીને વીસ ઘર, આ જુઓને આ લાઈનમાં પાંચ ઘર ને આવી બીજી એક લાઈન પાછળ દસ ઘરની અને પાંચેક આમ ખેતરોમાં વસેલા ઘરો. બાકી ગામ આખું શાવકારોની વસ્તી વાળું. પૈસે ટકે ગામમાં કોઈને જરાય ખોટ નહિ.” સોનલના કાકાએ પોતાના તરફથી તીર છોડ્યું. મારી સોનલબેન માટીની કુલડીઓમાં ચાના પાલા લઈને આવી. દરેકને એક એક કુલડી આપી. ચા પૂરી થાય ત્યાં સુધીમાં સોનલની માં કંકુ બહાર આવીને બોલી, ”કુમાર, આવો ને અંદર”. અશોક અને સોનલને કાકાના ઘરનો એક ઓરડો આપવામાં આવ્યો. અશોક અંદર પ્રવેશ્યો, સોનલ પહેલેથી જ અંદર બેસેલી હતી. સોનલ સો ટકા નર્વસ અને અશોક ૫૦ ટકા નર્વસ. અશોકે જ હાથ લાંબો કરતા શરુ કર્યું,” હાય મારું નામ અશોક છે”
“ હમમ, હું સોનલ” નીચું જોઇને જ મોઢામાંથી શબ્દો સર્યા. સોનલ ઓઢણીનો એક છેડો ગોળ ગોળ ફેરવી રહી હતી. જાણે મગજમાં વિચારોનું સૌરમંડળ ગોળ ગોળ ફરી રહ્યું હોય.
“બીબીએ ? બીબીએ ખતમ ને?“ અશોકને બધી જ ખબર હોવા છતાં માત્ર મૌન તોડવા ખાતર પૂછ્યું.
“એમબીએ, આ વરસે જ એમબીએ ખતમ થયું. ” સોનલે છાતી ફુલાવતા કહ્યું અને પૂછી પણ લીધું, “અને તમે?
“ડીપ્લોમા એન્જીનીયરીંગ કર્યું છે. હમણાં જોબ ચાલુ છે,સુરત એલએનટીમાં.” અશોક એ રિઝયુમ આપ્યો.
“તમને શું કરવું ગમે છે? એટલે આમ જનરલી? “ અશોકે ખુબ જ ઉત્સુકતાથી પૂછ્યું
“ડાન્સ. મને ડાંસ કરવો ખુબ જ ગમે છે.” સોનલે ખુબ જ નાદાનીથી ઉછળીને કહ્યું.
અશોકના વારંવાર આઘાપાછા ફરતા પગ એમને એમ જ થોભી ગયા. એમ.બી.એ થયેલી છોકરી નાચવા માંગે છે,અને નાચીને પેટ ભરવા માંગે છે એ વાત એના પેટમાં ઉતરી કે નહિ કોણ જાણે? હવે માહોલ જામ્યો હતો. ઓસરીમાં મજાના ચા ને કહુંબા થઇ રહ્યા હતા અને અંદર ગમગીન વાદળો વરસું વરસું કરી રહ્યા હતા. ક્રમશ: