૧૮ જાન્યુઆરી, ૨૦૧૯
સફેદીની હજુ હિંમત નથી થઈ કે મારા માથાના વાળમાં ક્યાંય પણ દેખાય, પણ આજે મારા જીવનનો સૌ પ્રથમ સફેદ વાળ દાઢીમાં જોવા મળ્યો. હા, સવારે અરીસા સામે દરરોજ આશરે દસેક મિનિટ હું કાઢતો હોઉં છું, ત્યારની જ આ વાત છે. એ સફેદ વાળને જોઈને આગળ હું વિચારું, કે 'હવે મને કોઇ મોહ નથી રહ્યો યુવાન દેખાતા રહેવામાં', એ પહેલાં મારી નજર વાળથી વિસ્તરીને મારા ખાસ હેન્ડસમ નહીં પણ તોય તરવરાટ ભર્યા લાગતા ચહેરા પર, મારા મધ્યમ બાંધાના સ્ફૂર્તિલા શરીર પર અને ખાસ કરીને પેટ, કે જે સફેદ વાળની જેમ જ હજુ ક્યારેય બહાર આવવાની ગુસ્તાખી નથી કરી શક્યું, પર પડી. "વાહ, ધ્રુવ ત્રિવેદી! તમારી જેવો ચાલીસની આસપાસની ઉંમરનો કોઈ 'યુવક' તમને પોતાને પણ ભાગ્યે જ જોવા મળે છે." આવું મનોમન હું બડબડવા લાગ્યો. હું વિચારું છું કે, આટલા ચાલીસ વર્ષોમાં મારી પાસે સતત કશું રહ્યું હોય તો એ છે મારું સદાબહાર શરીર. એ જ છે જેમાં ક્યારેય ખાસ બદલાવ આવ્યો નથી, બાકી મારું જીવન, મારો સ્વભાવ, મારી ઉંમર, અને સૌથી વધારે તો મારા વિચારો, મારું વલણ, મારું મન... એ બધામાં ધરખમ ફેરફાર આવી ગયા છે.
અરીસામાં જે દેખાતું હોય છે એ હકીકતનો એક નાનકડો ભાગ માત્ર હોય છે. બસ, આ બધા વિચારોમાં મત્લાનો શેર તો બાઇક પર હતો ત્યારે જ મગજમાં ફીટ થઇ ગયો, અને આયના વિષેના બાકીના શેર ઓફીસમાં બેઠા બેઠા વચ્ચે વચ્ચે સમય કાઢીને લખ્યાં. મારી ધૂનની સવારથી નોંધ લેતાં ડેમી એ બપોરે કહી પણ દીધું, 'નવી ગઝલ પોસ્ટ થશે આજે રાતે ફેસબુક પર, એમ ને? શેના પર છે?' મેં એની વાતમાં રસ લીધા વગર જવાબ આપ્યો, 'રાતે જ વાંચી લેજે.' જો કે મેં સાંજે ઓફીસથી નીકળતાં જ આખી ગઝલ પોસ્ટ કરી દીધી. ડાયરીમાં એના બે ચાર શેર ટપકાવું છું :
જોઈ રહ્યાં છો એકીટશ એ આયનાને શું ખબર?
કેવો જશે આજે દિવસ, એ આયનાને શું ખબર!
રોજે સવારે ખુશનુમા ચહેરા જ એ જોઈ શકે
આખા દિવસની કશ્મકશ, એ આયનાને શું ખબર!
આપી શકે અંદાજ એ કે કેટલા વરસો થયા,
કેવાં રહ્યાં સઘળાં વરસ, એ આયનાને શું ખબર!
- 'ધ્રુ'
હમણાં ફરી જોયું ફેસબુક ખોલીને, એ જ પંદર વીસ લાઇક આવી છે આમાં પણ. પણ ખુશીની વાત એ છે કે આ ગઝલમાં બે જાણીતા કવિઓની કોમેન્ટ આવી છે. એકે લખ્યું છે કે, 'વાહ!' અને બીજા એકે લખ્યું છે કે, 'સરસ.' છેલ્લાં ચાર છ મહીનાથી અમુક કવિઓના સંપર્કમાં રહું છું, અને હું જાણું છું કે ફેસબુક કવિતામાં પણ વ્યવહાર જ ચાલે છે. કોઇ જાણીતા કવિની ભંગાર ગઝલ નીચે ત્રણસો - ચારસો લાઇક અને દોઢ સો જેટલી કોમેન્ટ તો હોય જ. અને કોઇ મુશાયરાના આયોજક કવિ હોય એમની ઢંગ ધડા વગરની કવિતામાં આ આંકડો પાંચસોને પાર કરી જાય. અને ઉપરથી વાટકી વ્યવહાર પણ હોય. કોઇની પરાણે પરાણે કવિતા કહી શકાય એવી રચનાને હું નિયમિત લાઇક કરતો રહું તો જ મારી રચનામાં ક્યારેક એમની લાઇક આવવાની શક્યતા રહે, અને જે કવિએ મારી ગઝલમાં લાઇક આપી છે એમની આગળની બધી રચનામાં "વાહ, વાહ, વાહ, વાહ' એમ કોમેન્ટ કરતો રહીશ તો જ ફરી ક્યારેક એ મારી કવિતાને લાઇક આપશે. બાકી મારા જેવા નવા નિશાળીયાને કવિતાની દુનિયામાં કોણ ઓળખે! જો કે આટલા ટાઇમમાં સતત આ બધાં આધુનિક કવિઓની રચનાઓ વાંચી વાંચીને ઓછામાં ઓછા ચાર પાંચ કવિઓ તો મેં અલગ તારવ્યાં છે જેમની મોટાભાગની રચના મને બહુ જ ગમે, અને એમાંથી મારા સર્જન માટે પણ મને ઘણું શીખવા મળે. એની પહેલાં, છેલ્લાં ઘણાં મહીના તો મેં મરીઝ, જોન એલિયા અને પરવીન શાકિર વગેરેને વાંચવા સાંભળવામાં જ કાઢ્યાં હતાં.
બાકી કવિતા એટલે 'પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં'. એ હિસાબે મારા વેબ ડીઝાઈનીંગના ક્લાસ ઘણાં સારા. હું કોઇ માર્કેટીંગ કે એડવર્ટાઈઝ કરતો નથી, તોયે ચાલે રાખે. અને ડેમી સારી મળી ગઈ છે, મારે કોઇ ચિંતા જ નહીં. જો કે મારે એકલા માણસને જોઇએ કેટલું! પપ્પાના ગામડે ખેતર-ઘર વગેરે બધાના ભાગના બદલામાં ભાઇએ જે આપ્યું તેનાથી પોતાની ઓફિસ પણ થઇ ગઇ, અને જાતે એટલું તો કમાઇ લીધું કે આ બે બેડરૂમ હોલનો ફ્લેટ પણ થઇ ગયો. રહેવાનું મારે એકલાએ અને ખાવાનું મારે એકલાએ, જોઇએ કેટલું! મરીઝ સાહેબે આ શેર લખ્યો હતો કે ઘર ના રહે તો શું ચિંતા, આપણને પણ ક્યાં ઘરની કશી પરવા છે :
હવે જો ઘર ન રહ્યું, તો કરે છે કેમ વિલાપ?
તનેય ક્યાં હતી પરવા ‘મરીઝ’ ઘર બાબાત
- મરીઝ સાહેબ
અને મારી વિપરીત પરિસ્થિતિ છે, મને ઘર મળી ગયું તો પણ શું! મેં ક્યાં ઘર હોવા બાબત ઇચ્છા કે પરવા કરી હતી! પણ હવે કવિતા એ જ મારું જીવન છે, મારા શરીર પછીની એ એકમાત્ર એવી વસ્તુ જેને હું જીવનપર્યંત ક્યારેય નહીં છોડું એની ખાતરી છે... હા, અને શરીર પછીની જીવનની એકમાત્ર વસ્તુ જે ક્યારેય મને છોડીને નહીં જાય એની પણ ખાતરી છે.
હમણાં ફરીથી ફેસબુકમાં જોયું અને મારી ગઝલમાં પેલા બે કવિઓની કોમેન્ટની નીચે ત્રીજી કોમેન્ટ આવી ચૂકી હતી, સાગર પટેલ 'સાહેબ શ્રી'ની. સાહેબ લખે છે કે, 'અલ્યા! બસ કર, હવે તો બહુ હથોડા પડે છે તારી કવિતાઓના." બસ, આવા નાલાયક મિત્રો હોય પછી જીવનમાં જોઇએ કેટલું. પણ એના કરતાં વધુ ધ્યાન ખેંચાયું મારું ડેમીએ આપેલી લાઇક પર. મેં બે મહીનાથી જ્યારથી મારી કવિતા પોસ્ટ કરવાની ચાલુ કરી, એક પણમાં ડેમી લાઇક કરવાનું ચૂકી નથી. ભલે મારી રચના ગમે તેવી બકવાસ હોય. જો કે એ કશી કોમેન્ટ ક્યારેય નથી કરતી. 'રાતે વાંચી લેજે', એમ કહ્યું હતું મેં એને. અને કાલે એ, 'સરસ હતી, સર. વાંચી હો!' એમ કહેશે. ઓનલાઈન જ હતી, મેસેજ કરીને વાત કરવાનું મન થયું અને ફરી માંડી વાળ્યું.
૧૯ જાન્યુઆરી, ૨૦૧૯
'છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.'
- મરીઝ સાહેબ.
મરીઝ સાહેબનો આ શેર આમ તો હું કેટલીયે વાર યાદ કરતો હોઉં છું, પણ આજે યાદ કર્યો તેનું કારણ અમારી ઓફિસના સફાઇ વાળા સવિતાબેન છે. જે આજુ બાજુની ત્રણ - ચાર ઓફિસમાં પણ કચરા પોતું કરવા જાય છે, એના સિવાય આખો દિવસ અમારે ત્યાં હોય છે. એ ક્રિશ્ચયન છે. આજે આ કંઇ પહેલી વાર નહોતું પણ બાજુની ઓફિસવાળા પ્રહલાદભાઈ આજે ફરીથી પાર્કિંગમાં મારી સાથે 'ગોસિપ' કરવા ઉભા રહ્યા અને આજે ફરી સવિતાબેનની એ જ વાતો કાઢી. કહેવા લાગ્યા, 'કાલે તો તમારે ત્યાંથી સાંજે છૂટ્યા પછી સવિતા આગળ પેલા ઝેરોક્ષવાળા નિખિલયાને ત્યાં ગઇ, અને એણે તો શટર પાડી દીધું... રાતે છેક નવ વાગે શટર ઉંચું થયું. જલ્સા કરે છે આવા લોકો. સાંજે છ થી નવ સુધી... દે ઘપા ઘપ...' એમ બોલીને પ્રહલાદભાઇ 'ખી ખી ખી' વાળું હાસ્ય કરવા લાગ્યા, કોઇ પાગલ થયેલા પક્ષીની જેમ. હું પણ તેમની સાથે જોડાયો. કોઇ વ્યક્તિ બહુ જ ખુશ થઈને ખડખડાટ હસતું હોય તો તેની સાથે ઓછામાં ઓછું તેનાથી અડધા જેટલું તો હાસ્ય કરવું જ પડે, નહીં તો એ પાગલ લાગે અથવા આપણે જીંદગીથી હતાશ થયેલા લાગીએ. આ પણ એક નિયમ છે.
સવિતાબેન પાંત્રીસ-સાડત્રીસની આસપાસના હશે, એટલે મારા કરતા તો નાના જ. જો કે મારે ચાલીસ પતવા આવ્યા છે ત્યારથી મને તો એવું જ લાગે છે કે દુનિયાની મોટાભાગની વસ્તી મારાથી નાની છે, બહુ ઓછાં લોકો બચ્યાં છે જેમની ઉંમર મારા કરતાં મોટી હોય. ખેર, સવિતાબેનનો બાબો પંદર વરસનો છે જે દસમા ધોરણમાં છે. એમના પતિદેવ મને ખબર છે ત્યાં સુધી સિક્યુરિટી ગાર્ડ છે. પણ પોતાના બૈરાને સિક્યોર ના રાખી શક્યા. સવિતાબેન મારે ત્યાં લગભગ દોઢ વરસ ઉપરથી નોકરી કરે છે. એમને મારે ત્યાં નોકરી આપવા પહેલાનો ઈન્ટરવ્યુ ડેમીએ જ લીધો હતો. હા, કચરા પોતાનું કામ આપવા પણ ઈન્ટરવ્યુ તો રાખીએ જ. મારો સ્વભાવ એવો જ, અને ડેમી પડ્યો બોલ ઝીલવા તૈયાર જ હોય. હું કહું તો અગરબત્તી વેચવા વાળો સેલ્સમેન ઓફિસમાં ઘૂસી આવ્યો હોય એનો પણ ઈન્ટરવ્યુ લઇ લે ડેમી. સવિતાબેનનો ત્યારે ઈન્ટરવ્યુ થયો પછી ડેમીએ મને કહ્યું હતું, 'આ બેન બહુ મિલનસાર છે. આમને લઇ જ લઇએ, સર.' ડેમીને કોણ સમજાવે કે મિલનસાર મતલબ 'ચાલુ' માણસો. જો કે ડેમી પોતે મિલનસાર, પણ એના વિષે 'ચાલુ' જેવું મને ક્યારેય લાગ્યું નથી. અને મને ઓળખનારા તમામ લોકો (ડેમી, સાગર, ગામડે મારા ભાઇ - ભાભી અને મા સહિત) મને મીંઢા વ્યક્તિ તરીકે ઓળખે. હું કોઇ જોડે જલ્દીથી આત્મીયતા ના કેળવું તેવી છાપ અને ખરેખર એવો જ થઇ ગયો છું. એટલે કે હું પોતે મિલનસારનો વિરોધી શબ્દ કહેવાઉં. પણ હું કેટલો 'ચાલુ' રહ્યો છું મારા જીવનમાં તે ફકત હું જ જાણું. પણ, મારી સામાન્ય માનસિકતા એવી જ કે, 'મિલનસાર એટલે ચાલુ ટાઇપનું લફડેબાજ વ્યક્તિ.' અને સવિતાબેન ખરેખર મિલનસાર નિકળ્યા. ઝેરોક્ષની દુકાનવાળા નિખિલ સિવાય બાજુના કોમ્પલેક્ષમાં પટાવાળા બાબુભાઇ સાથેના એમના મિલનની વાતો પણ જોઇ-સાંભળી હતી. અને આ એમના દૂરના બનેવી જે અવાર નવાર બિમાર રહેતા, અને જેમની 'સેવા' કરવા એ અઠવાડિયે અેકાદ રજા તો લઇ જ લેતા એમની સાથેના 'મિલનનો સાર' ગણો તો કુલ ત્રણ જણાં તો છે જ.
શરીરની જરૂરિયાત, એકલતા, ભાવનાત્મક ખાલીપો... એવા અનેક કારણો હોય માણસને આવા રસ્તે લઇ જવા માટે. મને તો કોઇ અધિકાર જ નથી કે સવિતાબેન કે કોઇના ચરિત્ર વિષે કોઇ ટીપ્પણી કરું. મેં પોતે એવી જ જીંદગી જીવી છે ને લાંબા સમય સુધી! મેં એવું કેમ કર્યું એના માનસિક કારણો શોધીને, વિશ્લેષણ કરીને મારી જાતને નિર્દોષ ના કહી શકું. અને વ્યક્તિના જાતીય જીવનને દુનિયા કેમ ચરિત્રનો એક ભાગ માને છે તે મારી સમજની બહાર છે. માત્ર એક ભાગ નહીં, દુનિયા તો એને જ ચરિત્ર ગણે છે. ફરી એ જ શેર અહીં ટપકાવવાની ઈચ્છા થાય છે :
'છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.'
- મરીઝ સાહેબ.