તમસ
ચારે કોર નિરાશાનો અંધકાર છવાઈ ગયો છે. તે જોઈ રહ્યો છે ટી.વી. ધડકતાં હૈયે.મુંબઈમાં આંતકવાદીઓએ કાળો કેર વર્તાવ્યો છે.મુંબઈનાં કેટલાં ક જાંબાઝ પોલીસ તથા પોલીસ ઓફિસરો શહીદીને વર્યાં છે. આંતકવાદીઓની હડફેટમાં કેટલી વ્યક્તિઓએ પોતાનાં જાન ગુમાવ્યાં છે તેની ચોક્કસ વિગતો નથી મળતી.તે અધ્ધર શ્વાસે કમાન્ડોની કાર્યવાહી જોઈ રહ્યો છે. સાથે સાથે તેનાં હૈયે આક્રોશ ભડકી રહ્યો છે. શાસન કર્તાઓ પર મૂંગો ફિટકાર લાવાની જેમ ધગધગી રહ્યો છે.પાડોશી દેશ પાકિસ્તાનની તોફાની હરકતથી ના સમજાય તેવો રોષ ઉછળતાં દરિયાઈ મોજાંઓની જેમ કિનારે આવી તૂટી રહ્યો છે.તે લાચાર છે વર્તમાન સરકારની કમજોરી પર! હા પણ હવે એનો ઉપાય શું? આમ ક્યાં સુધી ચાલ્યાં કરશે?
તેનાં જેવાં કરોડો ભારતીયો લાચાર છે .દરેકનાં હ્રદયમાં ધગધગતો લાવા ઉકળી રહ્યો છે જે મૌન છે.સત્તાધીશો ધૃતરાષ્ટ્રની જેમ અંધ બની ફાંફા મારી રહ્યાં છે. ઈતિહાસનાં બંધ પાનામાં સળવળાટ થઈ રહ્યો છે.તે જોઈ રહ્યો છે રાજપાટની રમત.તે જાતને પૂછી રહ્યો છે યુગે યુગે આમ જ ચાલવાનું છે? તેની નજર સમક્ષ છવાઈ જાય છે પાંચ પાંચ પતિની પત્નીની દશા. કેવી નિસહાય! લાચાર! પરવશ! તે પોતાની જાતને , દેશની પ્રજાને દ્રૌપદીની કક્ષામાં જોઈ રહ્યો છે. આ અંધકારમાંથી બહાર નીકળવાનો માર્ગ વિચારી રહ્યો છે. પણ તે ખુદ બંધન અનુભવી રહ્યો છે કારણ તાળું ખોલવાની ચાવી તેનાં હાથમાં નથી! વિદુર જેવી સ્થિતિ અનુભવી રહ્યો છે. સત્તા પાસે શાણપણ નકામું.એક તક મળે તો .. તો ... સમય તેનો હાથ પકડશે?
સમય ને કાળને વિનંતિ કરે છે બસ એક દિવસનો સુલતાન બનાવી દે તો પાડોશી દેશને બોલતો બંધ કરી દઉં. તેની પાસે સત્તા હશે, સૈન્યનો સાથ હશે, પ્રજાનો આક્રોશ હશે, અને સમજાવટના માધ્યમથી પૂરી દુનિયાનો સાથ હશે.અને એક પળ સમય એવો આવશે કે પાડોશી દેશની નાપાક હરકત ઘડીનાં છઠ્ઠા ભાગમાં ખતમ કરી નાખશે. તે જાણે છે કુદરત હંમેશા સાહસિકોને સાથ આપે છે અગ્નિ પરીક્ષા લઈને. તે જોઈ રહ્યો છે મુઠ્ઠી વાળીને વર્તમાન શાસકોની લાચારી, દુનિયાનાં સત્તાધીશોને કરાતી આજીજી! જુઓ, જુઓ, પાડોશી દેશ મારા ઘરમાં આવી ભાંગભોડ કરી જાય છે! આ તોફાની દેશ પર લગામ તાણો! સમય ને તે જોઈ રહ્યો છે ખડખડાટ હસતાં! જાણે કહેતો ના હોય કે તું કેમ ચૂપ છે?
તે જાણે છે. થોડા સમયમાં બધું ખતમ થઈ જશે. પાડોશી દેશ નાગાઈ કરીને પોતે આવું કૃત્ય કર્યું છે નો ઈન્કાર કરશે. સહાનુભૂતિનો ધોધ વરસી જશે અને બધી વાતો ઈતિહાસનાં પાનામાં સમાઈ અંધકારની ગલીમાં ખોવાઈ જશે. તેની નજર આકાશ તરફ જાય છે. અમાસની રાતે ધ્રૂવનો તારો તારાઓ વચ્ચે સ્થિર એકધારો પ્રકાશિત થઈ રહ્યો છે. તે મનોમન નક્કી કરે છે રાજકારણનાં દાવ રમ્યા વગર છૂટકો નથી જો પાડોશી દેશોનાં છમકલાં કાયમ માટે ખતમ કરવા હોય તો. તે વિચારોમાં ખોવાઈ જાય છે.જો તે સૈન્યમાં હોતતો જરૂર સેનાપતિ બન્યો હોત. કારણ માથે કફન પહેરીને તે ફરે છે.સેનાપતિ બન્યો હોત તો કાયર નેતાઓને ઉથલાવી સત્તા હાંસલ કરી શક્યો હોત. સત્તા હાથમાં હોત તો પાડોશી દેશને મસળીને ધૂળમાં ભેળવી દીધું હોત . પણ તેરમણનો તો તેની ઈચ્છાઓની આડે ઊભો છે તેનું શું?
તે ઊભો થયો.ભંડારીયામાંથી હારમોનિયમ કાઢ્યું. સાફ કરી બે હાથ જોડી મસ્તક મનાવ્યું અને સૂરોને કોમળ આંગળીઓ વડે વહાલ કરવા લાગ્યો.સારેગમના સપ્તક સૂરમાં ડૂબવા લાગ્યો.ધીરે ધીરે વંદે માતરમ્ ગાતાં ગાતાં એની આંખો સમક્ષ ભારતમાતાની તસ્વીર ઊભરી આવી. ક્ષુતિ સ્તુતિ કરતો જાય અને આંખોમાંથી આસું નીકળતાં જાય. આંખો સુકાતી ગઈ અને એનાં સ્નાયુઓ સખત થયાં ગયાં.એની આંખો ધેરાવા લાગી... એ ધ્રૂજી રહ્યો છે.ચારે બાજુ ગોળ ગોળ ફરતી દેખાય છે , અંધકારનાં કુવામાં ડૂબી રહ્યો છે એવાં અનુભવ સાથે ઢળી પડે છે..
નાનપણમાં શાળામાં ગાંધીજીની આત્મકથા નું એક પ્રકરણ વાંચ્યું હતું. દેશ સેવા કરવી હોય તો પો પાડવો જોઈએ. એટલે કે પોતાની ઓળખ સ્થાપવી જોઈએ. કંઈક કરી બતાવવું જોઈએ.તે વિચારવા લાગ્યો. શું કરવું. સૌ પ્રથમ તે રાજકીય પાર્ટીમાં જોડાયો. અશક્ય કામો શક્ય કરી બતાવ્યાં.તેને તેનાં જેવાં નવયુવકોની ટીમ બનાવી. તે યુવાન હતો. જોશ હતું. માથે કફન બાંધીને ફરતો હતો. સૌ પ્રથમ તેનાં શહેરમાં માફિયાઓ ની સામે પડ્યો .આ માટે વિરોધ કરવાવાળા તેની પાર્ટીનાં કેટલાંક ધારાસભ્યો હતાં. તે ચોંકી ગયો. હાઈકમાન્ડ પાસે વાત નાખી. પણ કશો મેળ ના પડ્યો. તે ચૂપ રહ્યો. પોતાનું સંગઠન ઊભું કરી કાશ્મીરમાં લાલ કિલ્લા વચ્ચે ત્રિરંગો ફરકાવાની જાહેરાત કરી.પણ તેનાં તરફ કોઈએ લક્ષ ન આપ્યું.તેને કરેલી જાહેરાત ભૂલાઈ ગઈ. બધું રાબેતામુજબ ચાલતું હતું. તેને એક વાત સમજાણી કે ભારતીય રાજકારણમાં રાજકીય નેતાઓ ડરપોક છે. પોતાના કિલ્લામાં રહીને પક્ષીય કાર્યકરોની આહુતિ આપી પોતાના રોટલાઓ શેકી લે છે. તે સમય આવ્યે પોતાના જેવા યુવકોને લઈ કાશ્મીર પહોંચી સ્વાતંત્ર્ય દિવસે તિરંગો ફરકાવી દેશનાં નેતાઓને અચંબામાં નાખી દીધાં અને એ સાથે તેનું વ્યક્તિત્વ ખીલવા લાગ્યું.
કેટલાક મિત્રોએ સમજાવ્યું કે તે તેનો શારિરીક બાંધો સુધારે.કેમ બોલવું,કેટલું બોલવું,તેનો અભ્યાસ કરે.તેનાં વર્ગો ભરે. આધુનિક તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવા મિડિયાનો અભ્યાસ કરે. કેટલાંક મિત્રોએ રાજકારણનાં પાઠ ભણવા ચાણક્ય, હિટલર,નાં પુસ્તકો આપ્યાં.તો કોકે કૃષ્ણનું રાજકીય ચરિત્રનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું અને કહ્યું કે એક વરસ અજ્ઞાતવાસમાં જઈ આ બધાંનો અભ્યાસ કરે અને ગાંધીજીની જેમ દેશમાં ખૂણેખૂણે ફરીવળી આમ જનતાની આશા,આકાંક્ષાને સમજે.એટલું જ નહીં હિન્દુ મુસ્લિમ વચ્ચે ખાઈ ખોદી રાજકારણ રમતાં પક્ષોની કેડ ભાંગી નાખે.
પાંડવોની જેમ એક વરસ અજ્ઞાતવાસમાં કાઢ્યો.પ્રજાની નાડ પારખવા પ્રયત્ન કર્યો. સાથે સાથે પ્રજાને સમજાવા લાગ્યો કે અન્યાય સામે સૌએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. મૂંગે મોઢે સહન કરવાથી કાંઈ વળવાનું નથી.આ માટે ચૂંટણી નામનાં હથિયારનો ઉપયોગ કરવો જોઈએ.
તે જોઈ રહ્યો છે પોતાની જાતને.ગાંધીજીની જેમ પોતાના કુટુંબ કબીલા સાથેના સંબંધોની મર્યાદા બાંધી દીધી. પોતાના કુટુંબને એક આમ ભારતીયોની જેમ જોવા લાગ્યો. લાગણીનાં મોજાંથી પલળી ન જવાય તેની તકેદારી લીધી.ધીરે ધીરે, ધીમે ધીમે સૌનો વિશ્વાસ જીતી લેવો એ નીતિ અપનાવી. રાજકારણમાં સાધારણ રીતે દરેક સવાલોના જવાબ તાબડતોબ અપાતાં નથી. તેમાં તેને ફેરફાર કરી, જ્યાં જરૂર હોય ત્યાં આક્રમણતા અપનાવી, અને જ્યાં જરૂર ન હોય ત્યાં શાબ્દિક હુમલો બંધ કરી સદંતર મૌન રહેવું અને મોકો જોઈ હથોડો મારવો. હવે તે વિચારવા લાગ્યો. હવે શું કરવું? પોતાના વતનના મુખ્ય પ્રધાન બનવું. આ માટે હાઈ કમાન્ડની નજરમાં વસવું જરૂરી હતું. પક્ષીય હાઈકમાન્ડ જૂનાં જોગીઓની જોહુકમીથી કંટાળ્યાં હતાં. તેને પોતાનો દાવ ફેંક્યો. પક્ષમાં પંચોતેરની ઉપરની વ્યક્તિઓએ સક્રિય રાજકારણથી દૂર રહીને પક્ષનાં સ્તંભ બનવું જોઈએ અને ભષ્ટાચારને નાબૂદ કરવા પક્ષીય ભષ્ટાચારીઓને દૂર કરવા જોઈએ. આમ પ્રજા ભષ્ટાચારથી ત્રાસી ગઈ છે. પ્રજાને નવો ચહેરો જોઈએ છે. નવો મંત્ર જોઈએ છે. પ્રજા આપેલા વચનો ભૂલી નથી ગઈ. પ્રજાને આકર્ષવા આધુનિક વિચારો, મર્દાનગી ભરેલો અવાજ, યુવા જગતને આકર્ષિત કરી શકે એવા નવા ચહેરાની જરૂર છે.પક્ષીય સંગઠન તેની વાતોથી પ્રભાવિત થઈ. જૂના જોગીઓ નારાજ થયા.પણ તેને પોતાની પાંખો એવી રીતે વિસ્તારી દીધી કે સૌ કોઈ તેનાં પ્રત્યે આકર્ષીક થવા લાગ્યાં.
કહે છે ને કે કિસ્મત આપવા બેસે ત્યારે છપ્પર ફાડીને આપે છે. એની જન્મભૂમિમાં સૌ મીઠી નીંદર માણી રહ્યાં હતાં ત્યારે ત્યાંની ધરતી ધ્રૂજી ઊઠી ને આંખનાં પલકારામાં આકાશમાં ધૂળનાં ગોટેગોટા ઉડવા લાગ્યાં.માનવ,પશુપક્ષીઓની ચીચીયારીઓ વચ્ચે મકાનો, વૃક્ષો, નદીનાળાં, ધરતીમાં સમાઇ ગયાં.સવારનો સૂરજ ઊગ્યો ત્યારે દુનિયાને જાણ થઈ કે ત્યાં ધરતી કંપે કાળો કેર વર્તાવ્યો છે.તેને તો સમાચાર સાંભળી તમ્મર આવી ગયાં.અમદાવાદથી પોતાના વતન તરફ જવા રવાના થયો . રાજ્ય સરકાર ની ઉદાસીનતા જોઈ હાઈકમાન્ડને મેસેજ એવો લખીને મોકલ્યો કે તેઓને પણ પોતાની જમીન પગ તળેથી ખસતી નજરે ચડી. અને રાતોરાત નિર્ણય લેવાઈ ગયો.સૌ કોઈ આ નિર્ણયથી સ્તબ્ધ થઈ ગયાં. તે સીએમ થઈ ગયો હતો.એક પછી એક પોતાના પાનાં ખોલતો ગયો અને પોતાની ચાલ સફળ થતી ગઈ અને એક અનજાણ ચહેરો વિશ્વભરમાં ખ્યાતિ પામતો ગયો સાથે સાથે એની આસપાસ રાજકીય વિરોધનો વંટોળ ઊઠતો ગયો પણ પ્રજાકીય કામો દ્રારા પ્રજામાં એવી લોકપ્રિયતા મેળવી કે મુઠ્ઠીભર રાજકીય નેતાઓ તેને નિસહાય બનીને તેનો તેજોમય પ્રકાશ ખમી ન શક્યાં.પાર્ટી હાઈકમાન્ડ જે હતાશાથી ધેરાયેલી હતી તે તેનાં ઉદયથી પ્રભાવિત થઈ અને આંતરિક વિરોધને દબાવી તેને લોકસભાની ચૂંટણીનો જંગ તેનાં માથે નાખ્યો. તે ખુશ હતો.કિસ્મતનાં ચારે હાથ તેનાં પર છલકાતાં હતાં. અને ભારતની આમ જનતા એનાં મર્દાનગીભર્યા ભાષણોથી, ગરીબાઈને બદલે વિકાસનાં નારાથી ખુશ હતી. વિકાસ હશે તો ગરીબાઈ દૂર થશે, પાડોશી દેશને એનાં ઘરમાં જઈને પડકારશું તો ભારતને હેરાન કરતાં ડરશે. જેવા સાથે તેવાની નીતિ અપનાવાની જરૂર છે.કોઈની પાસે દયાની ભીખ માંગવાની જરૂર નથી. ભષ્ટાચારીને જેલનાં સળિયા પાછળ ધકેલશું તો કાળાનાણાંની મદદથી દેશ સમૃધ્ધ થશે.
અત્યાર સુધીનાં દરેક રાજકીય પક્ષોનાં નેતાઓ ડધાઈ ગયાં. ગરીબી, નાતજાત,હિન્દુમુસ્લિમ વગેરેની મદિરાથી રાજકીય નેતાઓ એવા ટેવાઈ ગયાં હતાં કે તેની રાજરમત કોઈને ન સમજાઈ. પ્રજા ની આંખો તેનાં પ્રભાવમાં એવી આવી કે તેને પીએમની પોસ્ટ મળી. તે પણ હવે નિશ્ચિંત હતો. તેને કશું ગુમાવવાનું ન હતું. તેને આવતી કાલની ચિંતા ન હતી. તેની પાસે આજની કોરી પાટી હતી.આ કોરી પાટી પર આમ જનતાની આશા, ઉમ્મીદો, સ્વપ્નો ચિતરવા લાગ્યો.અને એક રાતે એવો ધડાકો કર્યો કે પાડોશી દેશની કમજોરીની જાણ દુનિયાને થઈ ગઈ. ભારતીય આમ જનતાનાં મનનો પડઘો ચારેકોર ગૂંજવા લાગ્યો.
અચાનક તેની આંખો જોઈ રહી છે અંધારિયો રૂમ. બારીએ લટકતાં પડદા. બાજુમાં બેઠી છે તેની પત્ની, તેનો છોકરો.પપ્પાએ આંખો ખોલી એ જોઈ છોકરો હોસ્પિટલની નર્સને ખબર આપવા દોડી જાય છે. પોતે કોમામાં ચાલ્યો ગયો હતો તે જાણી વિચારવા લાગ્યો. તેને તેની પત્નીને કહ્યું કે પડદા હટાવી, બંધ બારીઓ ખોલે. અંધકારથી તેનો જીવ અકળાય છે. તેનાં છોકરાનાં હાથમાં સમાચાર છે કે ભારતનાં પી.એમ. એ એરસ્ટ્રાઈક કરી છે. પાડોશી દેશનાં સત્તાધીશો પોતાની નબળાઈ ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.ધમકી આપી રહ્યાં છે. આ તો ખાલી ઘરમાં ઘૂસી ગયાં પણ ખબર ના પડી અને અણુબોંબની ધમકી! આને કહેવાય ખાલી ચણો વાગે ઘણો. તેને પોતાના છોકરાને સમજાવતાં કહ્યું.તે આંખો ચોળી બારી બહાર જોયા રહ્યો છે વિખરાતા તમસને!
સમાપ્ત.