મનુએ નોંધણી કરાવી અને એ ત્રણેય રૂમમાં જવા નીકળ્યા એ જ સમયે પેલો ગોવાળ જેવો દેખાતો માણસ આશ્રમ તરફ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો હતો.
હંફાતી છતીએ દેહાતી કપડામાં એ સીધો જ દોડતો એના છાપરા તરફ ધસ્યો ત્યારે લખુંભા અને જોરાવર એ તરફ જ હતાં. એને દોડતો આવતો જોયો એટલે જોરાવરે લખુંભાને કહ્યું, "પેલો ગોવાળ કેમ દોડે છે?"
"શી ખબર આપણે શું." લખુંભાએ કહ્યું એટલે જોરાવર પણ ખભા ઉલળીને બોલ્યો, "કૂતરા પાછળ પડ્યા લાગે છે." અને લખુંભા સાથે આશ્રમ જોવા લાગ્યો.
પેલો ભાગતો આવીને બીજા ગોવાળ પાસે ઉભો રહ્યો.
"શુ થયુ અલ્યા?" બીજા ગોવાળે પૂછ્યું પણ પેલો અંગ્રેજીમાં બોલ્યો.
"ઘેર આર ઇન્ડિયન ફોર્સ..." આંગળી કરતો દિશા બતાવતો પેટમાંથી વળીને એ ઉપરા ઉપર બે વાર બોલ્યો ત્યારે લખુંભાને સમજાયું નહીં કે એ શું બોલ્યો. પેલા ગોવાળની ઓરત પણ ઝુપડીમાંથી બહાર દોડી આવી.
"સાલો થોડો શ્વાસ લઈને કઈક બોલે તો સમજાય ને પેલાને..." બીજા ગોવાળના ચહેરા ઉપરના ભાવ જોઈને લખુંભાએ એમ જ ધાર્યું કે પેલો ઉતાવળમાં હાંફતા હાંફતા બોલ્યો એટલે પેલાને પણ મારી જેમ સમજાયું નહીં હોય. પણ તદ્દન અંગ્રેજીમાં એ ગોવાળ બોલે એવી કલ્પના તો લખુંભાને આવે જ ક્યાંથી?
"વોટ?" પેલો હવે તાડુક્યો
"યસ ધેય આર ઇન નાઉ. આઈ હેવ સીન ધેમ ઘેર..." પેલાને હવે શ્વાસ ધીમે પડ્યો એટલે લખુંભાને હવે સમજાયું કે એ અંગ્રેજી બોલે છે. પણ શું બોલે છે એ અભણ લખુંભા કે જોરાવરને સમજાયું નહીં.
"સાલા આશ્રમમાં તો ગોવાળિયાય ભણેલા છે." લખુભા હસ્યો અને બીડી પીવાની તલબ જાગી એટલે જોરાવરના ગજવામાંથી જાતે જ બીડી કાઢી લીધી.
"બાપુ હમણાં અહીં ના પીવો આ આશ્રમ છે."
"તે અહીં કઈ સારા માણસો રહે છે એમ?" બેફિકરું હસીને એણે માચીસ પણ કાઢી લીધી.
"અરે પણ અહીં આવેલા માણસો તો બિચારા સારા છે ને. દૂર જઈને પીવો." જોરાવર થોડો સમજુ હતો.
"ઠીક છે." કહીને લખુંભા આશ્રમની બિલ્ડીંગની પછીત ભણી સરક્યો. બીડી સળગાવી અને ધુમાડા કાઢવા લાગ્યો. એ જ સમયે આકાશમાં વાતાવરણ બદલ્યું. વાદળો દોડી આવ્યા. જાણે અચાનક જ ભૂરા આકાશમાંથી પ્રગટ્યા હોય એમ ઉપસી આવ્યા.
"બીડી પીવાઈ જાય એટલી વાર ખમજે..." આકાશ ભણી જોઈને લખુંભાએ વાદળોને કહ્યું એ સમયે આખાય આશ્રમ ઉપર વાદળોના લીધે છાયડો પડવા લાગ્યો. પણ એ છાયો જાણે શેતાની હોય એમ વાદળોમાં થતા ગડગડાટ અને પવનના સુસવાટા ભયંકર લાગતા હતા.
બહાર ફરતા બધા અંદર દોડી ગયા. કોઈ ઓરડીઓમાં ગયું કોઈ પેલી મનું એન્ડ ટીમસ ઉતર્યા એ બિલ્ડીંગમાં ગયા. માત્ર લખુંભા જ બીડી પીવા માટે ઉભા રહ્યા. અને જોરાવર માલિક માટે ઉભો રહ્યો એ જ સમયે લપાતા છુપાતા બક્ષી એન્ડ ટીમસ તેમજ મેજર એન્ડ ટીમસ મુખ્ય બિલ્ડીંગની નજીક આવી ગયા.
પેલા બંને ગોવાળિયા અને એની ઓરત પણ મુખ્ય બિલ્ડીંગમાં પ્રવેશવા આગળની તરફ દોડ્યા પણ લખુંભાને એમ કે વરસાદ પડવાની તૈયારી છે એટલે આશરો લેવા દોડ્યા હશે. લખુંભા આરામથી બીડી પીવા લાગ્યો. જોરાવર એને તાકી રહ્યો. થોડીવારે તેને પણ તલબ જાગી એટલે બીડી કાઢીને સળગાવવા પ્રયત્ન કર્યો પણ પવનના લીધે માચીસની બે સળીઓ હોલવાઈ ગઈ.
“આય લાય....” લખુભાએ તેના હાથમાંથી બાકસ લીધું અને બંને હાથના પોલાણમાં સળી ધરી. જોરાવરે ઝડપથી બીડી ચેતાવી અને ફૂંકો મારવા લાગ્યો. ત્યારે તેમને ખબર નહોતી કે તેમની ઉપર મોત ઉભું હતું.
*
આદિત્ય, અજય મહારજ અને બીજા ચાર માણસો દેખાય છે. સ્નાઇપરના વ્યુ ફાઈન્ડરમાં આંખ માંડીને ક્યારનાય બેઠા રુદ્રસિંહે કહ્યું.
"પણ વરસાદ પડવાની તૈયારી છે ચાચુ."
"એ જ તો સમસ્યા છે મનુ. વરસાદમાં ચશ્મા ભીંજાશે તો મને બરાબર દેખાશે નહિ."
"બક્ષી અને મેજર કેટલે આવ્યા?"
"એ લોકો એક્શન માટે તૈયાર છે." મનુએ વળતો મેસેજ છોડ્યો.
"આ આદિ જોડે તો કમ્યુનિકેશન પણ થાય તેમ નથી." પણ રુદ્રસિંહ વાક્ય પૂરું કરે એ પહેલાં તો મોટા ફોરાનો વરસાદ તૂટી પડ્યો. ક્ષણ ભરમાં તો રુદ્રસિંહના ચશ્મા ઉપર પાણી રેલાવા લાગ્યું.
"શીટ... ડેમ ઈટ... ડેમ ઈટ...." રુદ્રસિંહ બરાડી ઉઠ્યા, "આ આદિને હવે વાત લંબાવવાની જરૂર નથી. જલ્દી ઉઠ. યાર" જાણે સ્નાઇપરમાં નજીક દેખાતા આદિત્ય પોતાની વાત સાંભળવાના હોય એમ રુદ્રસિંહ દાંત કચકચાવીને બોલી ઉઠ્યા. હવે તો ચશ્મામાં બરાબર દેખાતું પણ ન હતું. વરસાદથી રુદ્રસિંહના ભીના સફેદ વાળ કપાળ ઉપર આવીને ચોંટી ગયા. એક આંખ બંધ કરી, બીજી આંખ સ્નીપરના વ્યુ ફાઈન્ડરમાં તાકીને એના ઉપર બીજા હાથનું નેવજુ કરી ચશ્મા ઉપર પડતા વરસાદને રોકવા મથતા રુદ્રસિંહ અકળાયા. વરસાદના છાંટા પણ ખુબ ઠંડા હતા તેથી તેમનો આછો જભ્ભો પલળીને પીઠમાં આછી ધ્રુજારી થવા લાગી.
આખરે આદિત્ય ઉભા થયા. પેલા બધા જોડે હાથ મિલાવ્યા અને એક બેગ લઈને ચાલવા લાગ્યા પણ એ જ સમયે એક ભયાનક ધડાકો થયો અને જાણે વાદળ ફાટ્યું હોય એમ આદિત્ય હતા એ બિલ્ડીંગની પાછળથી ધુમાડાનો ગોટો ઉપડ્યો.
બિલ્ડીંગની બારીમાંથી જોતા મનું અને પૃથ્વી ચોકયા.
"એ શું હતું?" પૃથ્વી બોલી ઉઠ્યો. એની આંખો ફાટી ગઈ.
પણ એ શું હતું એ સમજતા વાર લાગે એ મતનો મનું ન હતો. એણે આંખના પલકારે પિસ્તોલ ખેંચી લીધી અને દરવાજા તરફ દોડ્યો. સલ્ફરની તીવ્ર વાસ બારીમાંથી પવન સાથે ધસી આવતા પૃથ્વી બરાડી ઉઠ્યો, “ઓહ માય ગોડ...”
તેનો હાથ હજુ કઈ સાજો થયો ન હતો છતાં એણે પણ રિવોલ્વર કાઢીને મનું પાછળ દોટ મૂકી.
આ બંને દોડ્યા ત્યારે ધડાકો સાંભળીને એ જ બિલ્ડીંગમાં આરામ કરતા રાઈન્સ અને માર્શલ પણ દરવાજા બહાર નીકળ્યા હતા પણ બે માણસોને હથિયાર સાથે દોડતા જોઈ એ બંને ફરી રૂમમાં ધસી ગયા. કારણ એ બંને જાણતા નહોતા કે આ માણસો અજયના છે કે કોઈ બીજી પાર્ટી છે.
*
“ઓકે મીટ યુ અગેઇન...” પૈસાની બેગ લઈને આદિત્ય ઉભા થઇ ગયા.
“અરે કાળું પ્યારે કોફી તો પીતા જાઓ... માંગવી લીધી છે, ચંદ્રાદેવી તરત જ બનાવી લાવશે.” મનોહરે ફોર્સ કર્યો જેથી કાળું પ્યારે (આદિત્ય)ને લાગે કે આ લોકોએ સાચોસાચ મને પાર્ટનર બનાવી લીધો છે.
“નહિ નેક્સ્ટ ટાઈમ... અત્યારે હું ઉતાવળમાં છું.” કહીને આદિત્ય બેગ લઈને ચાલવા લાગ્યા બરાબર એ જ સમયે બિલ્ડીંગનો ધડાકો થયો હતો. ( બરાબર એ જ સમયે મનુ અને પૃથ્વી રૂમ બહાર ગન લઈને ધસ્યા હતા.)
દરવાજે પહોંચેલા આદિત્ય પણ કઈ સમજી શક્યા નહી. આટલી ભયાનક મેઘ ગર્જના શક્ય નથી એ સમજતા વાર લાગી નહિ તેમ છતાં શુ થયું હશે એ સમજવું અત્યંત વિકટ હતું. શુ જવાનોએ ગ્રેનેડ જીંક્યો હશે? પણ એમ ગ્રેનેડ કેમ ઝીંકે? હું અહીંથી નીચે પહોંચું પછી જ મનું આદેશ આપવાનો હતો ને? એમાં પણ જવાનો ગ્રેનેડ ઝીંકે એવો તો કોઈ પ્લાન હતો જ નહી. આદિત્ય ખુદ પળભર માટે મૂંઝાઈ ગયા.
એ પળ ભરની સ્તબધાંમાં પેલા કાયમી માર કાપ કરવા આતુર રહેતો રુસ્તમ આદિત્યની પીઠ પર રિવોલ્વર તાકીને ઉભો થઇ ગયો.
"મુવ બેક..."ના અવાજ સાથે જ આદિત્ય પાછળ ફર્યા. કારણ પીઠ પાછળ થયેલા સેફટી પિન હટાવવાના અવાજ પીઠને અફળાઈને કરોડરજ્જુના તંત્રો વડે મેસેજ સીધો જ આદિત્યના મગજમાં ઉતર્યો હતો.
"શુ થયું બહાર? તારા માણસોને લઈને આવ્યો છે?" રુસ્તમેં મોટા અવાજે ગાળ દઈને પૂછ્યું. અજય મહારાજ, હરીશ અને લીલાધર બધા હેબતાઈને ઉભા થઇ ગયા.
આદિત્યના ચહેરા ઉપર ગન જોઇને કોઈ રેખાઓ બદલી નહિ એટલે રુસ્તમ ગીન્નાયો અને બરાડ્યો, “કાળું પ્યારે યુ આર ડેડ...” કહી એણે ઘોડો દબાવવા આંગળી ઊંચકી અને ટ્રીગર ઉપર ગોઠવી.
આદિત્યએ બારી તરફ નજર કરી અને મનમાં બબડ્યા, ‘યસ આઈ એમ યોર ડેડ...’
એ જ સમયે બારીના કાચના ટુકડા ભયાનક વેગે ઉછળ્યા અને અંદરની તરફ વેર વિખેર થઈ ગયા. બધાની નજર બારી તરફ ખોડાઈ પણ રુસ્તમ ગરદન ફેરવીને પાછળ જોઈ ન શક્યો. પેલા ચારેયે બારી તરફથી નજર હટાવી અને જમીન ઉપર પાથરેલી ચાદર તરફ જોયું માથામાં મોટું કાણું પડેલો ઓરીના ડાઘવાળા ચહેરાવાળો રુસ્તમ પડ્યો હતો. ચાદર ઉપર લોહીનો એક રેલો વહેવા લાગ્યો હતો.
શું થયું એ હજુ પૂરું સમજાય અને એ ચારમાંથી કોઈ ગન કાઢે એ પહેલાં તો આદિત્ય સમય સુચકતા વાપરીને બહાર નીકળી ગયા. અને દરવાજો બંધ કરી દીધો.
હરીશ દોડીને રુસ્તમ પડ્યો હતો એ તરફ ધસ્યો પણ બીજી જ પળે એના મરુન શર્ટમાં દેખાતી છાતીના ડાબા ભાગે બુલેટ ઉતરી ગઈ. એ પણ ત્યાં જ ઢગલો થઇ ગયો. એનો મરુન શર્ટ લોહીથી ભીનો થઈને વધારે ડાર્ક બનવા લાગયો. પણ હવે આ બન્ને કઈ રીતે મર્યા છે એ સમજતા બાકીના ત્રણેયને વાર ન લાગી.
“મનોહર લીલાધર બંને સુઈ જાઓ...” અજયે ચાદર ઉપર પડતું મુકીને રાડ પાડી. એ સાથે જ પેલા બંને પણ ચાદર ઉપર સુઈ ગયા.
અજય મહારાજ પડ્યો પડ્યો જે બારીના કાચ તૂટ્યા હતા એ તરફ સરકવા લાગ્યો. પેલા બંનેએ પણ એનું અનુકરણ કર્યું. એની પાછળ બારી તરફ ઘસડાવા લાગ્યા.
*
બહાર આવીને ધડામ દરવાજો બંધ કરીને ઉતાવળે પગલે આદિત્ય ચાલવા લાગ્યા એ બધું કોફી લઈને આવતી ચંદ્રાએ જોયું.
ચંદ્રા કોઈ આમ ઓરત ન હતી. એ નિર્દય પાખંડી હતી. એણીએ પણ સીડીઓ ચડતા ધડાકો સાંભળ્યો હતો અને સીડીઓ ઉપર સજ્જડ થઈ ગઈ હતી. એકાએક કાળું પ્યારેને (આદિત્યને) આમ દરવજો બંધ કરતા અને બેગ લઈને ભાગતા જોઈને એણીએ કોફીની ટ્રે છુટ્ટી આદિત્ય તરફ ફેંકી.
હાથમાંની બેગ આદિત્યએ આડી ધરીને ટ્રે ખાળવાનો પ્રયાસ કર્યો પણ એક કપ બેગ ઉપર થઈને સીધો જ આદિત્યના કપાળે અથડાયો. ગરમ લ્હાય કોફીથી કપાળ અને ચહેરાનો જમણો ભાગ બળ્યા. ચામડીમાં જાણે હજાર વીંછી કરડ્યા હોય એવી બળતરા થઈ. એક તરફની આંખ પણ બંધ થઈ ગઈ. કોફી રેલાઈને સફેદ શર્ટ ઉપર ઉતરી ત્યાં સુધી ચહેરા ઉપર એસીડ ફેક્યું હોય તેવી કાળી બળતરા થવા લાગી. પણ આદિત્યનું મગજ પુરેપુરું એ પીડામાં કોન્સંટ્રેટ થઈને પરિસ્થિતિ ભૂલી જાય એમાંનું ન હતું.
છતાં આદિત્ય સ્વસ્થ થાય એ પહેલાં તો ચંદ્રાએ સીડી પાસેથી છુટ્ટી પડેલી લાકડાની સીડીનો કઠેડો ખેંચીને આદિત્ય પાસે ધસી ગઈ. આદિત્ય હજુ આંખ ખોલીને બરાબર દેખે એ પહેલાં જ માથા ઉપર આવતો લાકડાનો હાથો દેખાયો. પણ આદિત્ય માત્ર સહેજ ખસી શક્યા. લાકડું માથાને બદલે ખભા ઉપર અથડાયું પણ છેક કમર સુધી બંને હાથ ખેંચીને આશ્રમમાં ઘી દૂધ ખાઈને તપતપતી ચંદ્રાએ મારેલું એ લાકડું એટલા જોરથી વાગ્યું કે આદિત્યના પગ લથડયા અને એ ઢીંચણમાંથી વળીને ત્યાં જ ફસડાઈ પડ્યા. બેગ એમના પગમાં જ પડી રહી.
હજુ પણ આદિત્ય સ્વસ્થ થાય એ પહેલા ચંદ્રાએ સાડી ઊંચી કરીને જમણા પગની લાત આદિત્યની છાતીમાં ઠોકી એ સાથે જ એ ઉછળીને ફરી પટકાયા.
પહેલીવાર કોઈએ આદિત્ય ઉપર આવો હુમલો નહોતો કર્યો પણ ક્યારેય આમ માર ખાધી ન હતી. એમાંય એક ઓરત? એ અચંમ્બો પૂરો થાય એ પહેલા જ સ્વસ્થ થવાનું હતું. આદિત્યએ નીચે પડેલી બેગને બંને પગની લાત મારી. બેગ જઈને પેલીના પગમાં અથડાઈ એટલે પેલી સહેજ નીચી વળી ગઈ. એ જ સમયે અદિત્યએ સામે ઓરત છે એ જોયા વગર જ કસીને એના ઝડબા ઉપર લાત ઠોકી દીધી.
ચીસ સાથે ચંદ્રા ઉછળીને સીડીઓમાં પટકાઈ અને પછી સંતુલન ન રહેતા એ ગબડી. ઘડીક એનું માથું અને ઘડીક ઢીંચણ આરસની સીડીઓને અથડાતાં છેક સીડીના વળાંક સુધી એ ગબડી.
આ તરફ દરવાજો હજુય ખુલ્યો ન હતો કારણ બારીમાંથી ગોળી આવી છે અને રુસ્તમ તેમજ હરીશ મર્યા છે એ અજય અને પેલા બંને સમજી ગયા હતા. એટલે બારી નીચે જ એ સંતાયી ગયા. એમાંથી એકેય હલી શકે તેમ ન હતો.
આદિત્ય સીડીઓ તરફ ફર્યા. એમને હાંફ ચડી હતી. હજુ એમણે સીડીના પહેલા જ પગથીયે પગ મુકયો એ સાથે જ કોઈએ પાછળથી બાથમાં પકડીને ભીંસી લેવા દબાણ કર્યું. એ હાથ પુરુષના હતા.
આદિત્યએ એક હાથે સીડીનો તૂટેલો કઠેડો અને બીજા હાથે દીવાલની ખાંચ પકડીને બંને પગ ઉછાળી જમીન તરફ ઉંધા c આકારે પછાડ્યા એ સાથે એ વ્યક્તિ ઉછળીને સીડીના પગથીયા ઉપર આદિત્યના આગળના ભાગે પટકાયો. તેણે પડતા પહેલા કોટનું પડખું પકડ્યું હતું પણ આદિત્ય બેલેન્સ ચુક્યા નહી. મોઘા કાપડના કોટની સિલાઈ ફાટી અને કોટ ચિરાયો. આદિત્યએ પકડેલી કઠેડાનું લાકડું કટ... કટ... અવાજ સાથે ખીલ્લામાંથી ઉબ્ળ્યું પણ મોટા ખીલ્લા મારેલા હતા એટલે પૂરેપૂરું ઉખડ્યું નહિ.
પેલો આદિત્યની ઊંચાઈનો માણસ પગથીયા ઉપર પડ્યો એ જ સમયે તેનું માથું પગથીયાની ધાર સાથે અથડાયું. તેના માથામાંથી પગથીયા ઉપર લોહીનો રેલો ઉભરાયો. જોતજોતામાં તેના માંથામાંથી નીકળતું લોહી ચંદ્રા પડી હતી ત્યાં પહોંચી ગયું. એ મરી ગયો છે તેની ખાતરી આદિત્યને થઈ. તેમને હાંફ ચડી ગઈ. ફાટેલો કોટ ઉતારી તેમાંથી હથીયાર કાઢી લઇ એમણે કોટ ફગાવ્યો અને સીડીઓ ઉતરવા લાગ્યા.
*
ધડાકો થતા જ બક્ષી ડઘાઈ ગયા હતા. ધડાકાની દિશામાં લાશ ઉછળી હતી એ પણ બક્ષીએ જોયું હતું પણ એ બધું કઈ રીતે થયું એ કોઈને સમજાયુ નહિ.
છતાં એક વાત ચોક્કસ હતી કે ત્યાં કોઈએ ગ્રેનેડ ફેંક્યો હતો અને મેજર સહિત પાંચેય જવાનોના ફુરચા ઉડી ગયા હશે. ત્યા કોઈ બચ્યું હોય એ શક્ય ન હતું. પણ એ તરફ જવાનો હવે કોઈ અર્થ ન હતો. બક્ષી અનુભવી હતા. પાંચેય જવાનોને ઓર્ડર આપવા લાગ્યા.
“ક્રોવલ....” ની સુચના આપીને બક્ષી જ્યાં હતા ત્યાં જ સુઈ ગયા. અને પોતે જે જગ્યાએ હતા એ કોઈએ જાણી લીધું હોય અને બીજો ગ્રેનેડ આવે તો પોતાના પણ ફુરચા ઉડી જાય. એટલે ઝડપભેર ક્રોવલીંગ કરીને ઘાસમાં આગળ વધવા લાગ્યા. પાંચેય જવાનો પણ તાલીમ પામેલા હતા. એમણે પણ બક્ષી જેમ જ ઝડપથી બંને કોણીઓ ટેકવીને આગળ વધવાનું શરુ કરી દીધું.
બક્ષી અને જવાનોને સમજાયું નહિ કે આશ્રમમાં ગ્રેનેડ ક્યાંથી આવ્યો. ગ્રેનેડ સિવાય આટલો ભયાનક ધડાકો શક્ય ન હતો. અરે જવાનોને અને મેજરને દુરથી ઉછળતા જોઇને બક્ષી સહીત બધાય જવાન સમજી ગયા હતા કે અહી ધારણા કરતા વધારે ખતરનાક દુશ્મન છે.
"જવાન મેજર જીવતા હશે કે નહીં એ ખબર નથી પણ દુશ્મન પાસે ગ્રેનેડ છે." ખસતા ખસતા જ બક્ષીએ કહ્યું. બક્ષીને છાતીમાં શ્વાસ ફૂલવા લાગ્યો હતો કારણ એ કોઈ આર્મી જવાન ન હતા. ટ્રેનીંગ લીધેલી હતી પણ જવાનીમાં કરેલા સાહસ આ ઉમરે કરવા કઈ સહેલા ન હોય. એક હાથમાં પિસ્તોલ સાથે સરકવું યુવાન જવાનો જેમ સહેલું ન હતું. બક્ષી ખસતા રહ્યા પણ હાથમાં રાઈફલ અને પીઠ ઉપર બેક પેક બાંધેલા જવાનો એમની નજીક જલ્દી આવી ગયા. સૌથી પહેલા સુલખન બક્ષીની બરાબર બાજુએ આવ્યો. બધાના કપડા ભીની માટીમાં લથબથ થઇ ગયા હતા. દરેકના ચહેરા ઉપરથી પાણી નીતરતું હતું એટલો વરસાદ ઝીંકાતો હતો.
"યસ સર..." ખસતા ખસતા હજુય ધડાકા તરફ જોતા જવાન તંદ્રામાંથી બહાર આવ્યા.
"હવે તમારી પાસે ઓર્ડર લેવા માટે આ સી.બી.આઈ. એજન્ટ છે. હું મેજર જેવો કાબીલ નથી પણ ચોક્કસ પહેલા હું મરીશ. આર યુ રેડી?"
"યસ સર..." કહીને બાજુમાં સરકતા સુલખને બક્ષીથી નજર મિલાવી. એની આંખમાં મેજરનો બદલો લેવાની તીવ્ર આગ બક્ષીને દેખાઈ.
પણ અહી લાગણીઓથી કામ ચાલે તેમ ન હતું. દુશ્મન શક્તિશાળી હતા. બક્ષીએ હવે યુદ્ધના ધોરણે ચાર્જ લેવાનો હતો. ન એમની પાસે ગ્રેનેડ હતા. ન વધારે એમયુનેશન, ન ડોકટરી સહાય. હોય પણ ક્યાંથી માંડ બે ચાર માણસોને જેર કરવા માટે આર્મીના દસ જવાન જ કાફી હતા અરે એકાદ રાઇફલ કે મશીન ગન હશે તોય કામ થઈ જશે એવી ધારણા લઈને આવેલા મેજર, બક્ષી કે જવાનોને સપને પણ ખ્યાલ ક્યાંથી હોય કે અહીં આતંકવાદી હશે?
ગમે તેમ હવે પાંચ જવાન હતા. બધા જોડે થોડુંક એમયુનિશન અને રાઇફલ તેમજ પિસ્તોલ અને ખંજર હતા. અને ગ્રેનેડ ફેકનાર પાસે બીજું શું શું હશે એની આછી કલ્પના પણ એ કરી શકે તેમ ન હતા.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky