જ્યોતિષમાં હવે ચંદ્રની સાથે લેન્ડર વિક્રમે ય નડશે કે કેમ?
(નોંધ : આ લેખ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. થોડા સમય પહેલા ચીનમાં પત્રકારોની બદલે ન્યૂઝ લખી આપે તેવી ટેકનોલોજીનું જે સંશોધન થયું તેના દ્વારા જ આ લેખ શક્ય બન્યો છે. આનો લખનાર કોઈ માણસ છે જ નહીં. માટે આ વાંચીને જો કોઈની ધાર્મિક-જાતિય લાગણીઓ દુભાય તો ઘરમાં (હોય તો) રહેલું કોમ્પ્યૂટર અને ચાઈનિઝ મોબાઈલ ફોડી નાંખવો અને ચીનને ગાળો દેવી. હોવ…હમ્બો…હમ્બો…!)
તમને યાદ હોય તો વર્ષો પહેલા ગણપતિ દાદાએ દૂધ પીધેલું. (જયદેવ…જયદેવ…) એવી જ રીતે થોડા સમય પહેલા ચાંદા મામામાં એક સંપ્રદાયના સાધુ દેખાયેલાં, અને ભક્તો મામા બની ગયેલાં. (ચાંદા)મામાએ ભક્તોને મામા બનાવ્યાં! LOL જોકે, એ તો શ્રદ્ધાળુંઓને જ દેખાય, પણ ચાંદા પર હવે મને રેંટિયો કાંતતી ડોશી અને બકરીની સાથોસાથ લેન્ડર વિક્રમ પણ દેખાઈ રહ્યું છે અને ખબર નહીં તે ખર્ચના કારણોસર મિશન સાથે સહમત હોત કે નહીં, પણ ઈસરોની આ સિદ્ધિથી ખુશ થયેલું પેલા રેંટિયો કાંતતા ડોસાનું બોખુ સ્મિત પણ દેખાઈ રહ્યું છે! હોવ…
સ્મિત બ્મિત છોડીએ તો મારો પ્રશ્ન વૈજ્ઞાનિક નહીં, પણ જ્યોતિષ શાસ્ત્રીય છે કે પહેલા લોકોને ચંદ્ર નડતો તે હવે ભેળું લેન્ડર વિક્રમ પણ નડશે કે કેમ? આઈ મિન, ચંદ્રની વિંટી પહેરીએ એટલે સાથે વિક્રમનું યે બકી(ગણાઈ) જાય કે હવેથી એની નોંખી વિંટી કરાવવી પડશે? એના જાપ અલગથી કરાવવા પડશે કે કેમ? લેન્ડર વિક્રમ સિગ્નલ્સ છોડતું હોવાથી તેની યુવતીઓ પર અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર પડશે?
મારા જેવા પૂનમનો જન્મ ધરાવનારા નંગોએ ચંદ્રની સાથોસાથ એના પર ખોડાયેલા પેલા લેન્ડરનો પણ નંગ બી બનાવડાવવાનો થશે કે કેમ? જ્યોતિષખોરો તાકીદે નવી માર્ગદર્શિકા જાહેર કરે. જો લેન્ડર વિક્રમના નવા જાપ-બાપ કરાવવાના થતાં હોય તો એના ભાવ-તાલ જાહેર કરો. વાચકો નોંધ લે કે આગળની લીટીમાં જાપ શબ્દ પછી બાપ ફ્લો ફ્લોમાં લખાઈ ગયું છે, કરાવવાના માત્ર જાપ જ હોય, બાપ તો ઓલરેડી હોય જ અને એ એક જ હોય. એમાં 108 કે 1008 જેવું ન હોય. જેમણે 108 કે 1008 શ્રી પ.પૂ.ધ.ધૂ.ઓને બાપ બનાવ્યાં હોય એમનો પ્રશ્ન અલગ છે. ખેર, એ જ લાઈનમાં ‘ભાવ’ પછી લેવા-દેવા વિનાનો ‘તાલ’ શબ્દ આપણે લગાડ્યો ને…? બાકી એનું યે ક્યાં કામ હતું? હોવ…
લેન્ડરના સંપર્ક કે કાર્ય કરતાં પણ વધુ મને ડર એ વાતનો છે કે સમાજમાં જે રીતે સમયાંતરે જાત જાતના અને ભાત ભાતના ઢબુ પૈસાના ઢ જેવા ઢબુડી માતાજીઓ ફૂટીને ફાટી નીકળ્યાં અને તેમના મંદિરોથી માંડી વ્રતોની ચોપડીઓના પણ વેપલા મંડાણા એ જ રીતે પેલા લેન્ડર વિક્રમની પણ બાધા-આખડીઓ નહીં શરૂ થઈ જાય ને? શું મિલિંદ ગઢવી જેવા કવિઓએ પોતાની પંક્તિઓ યે બદલવી પડશે કે –
મેં તો લેન્ડરને મૂક્યું છે પાપણે,
મારા સપનાના સિગ્નલો હલબલે રે LOL…
આ ઈસરોવાળા બી ધર્મવાળાઓની જબરી મંતરી નાંખે છે હોં! આઈ મિન, મંતર તંતરમાં માનનારાઓની જબરી મેથી મારે રાખે છે. કહે છે કે ચંદ્ર માણસને પાગલ બનાવી શકે છે. મારી જ વાત લઈએ. મારો જન્મ પૂનમનો. મારી આસ-પાસના લોકોને પૂછી જોજો. જોકે, અહીં મારા પાગલ’પન્ન’ની વધુ વાત નથી કરવી. પેલા પાપી અમેરિકાના મહાપાપી (સત્યા)નાસાવાળા નાસપિટ્યાંઓએ ચંદ્ર પર માણસ ઉતાર્યો એ ઘટનાથી સાડા છ વર્ષની ઉંમરે દીક્ષા લેનારા જૈન મુનિ અભયસાગરજી મ.સા.ના મગજને ખુબ દુ:ખ પહોંચ્યું અને તેમણે ‘જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન’ પુસ્તક ઘસી કાઢ્યું. પછી જેમ હડકાયું કૂતરું દરેકને બચકાં ભરવા હડીયું કાઢે એમ એ પુસ્તક અને કોઈ જૈન સંસ્થા આજે પણ અનેકના બ્રેઇનવોશ કરતી ફરે છે કે એ તો અમેરિકાએ રશિયા સામેની હરીફાઈમાં દુનિયાને દુ બનાવવા માનવના ચંદ્ર પર ઉતરાણનું સ્ટુડિયોમાં શૂટિંગ કરેલું છે. બાકી, પૃથ્વી તો અમદાવાદીઓ બોલે છે એમ નાકની દાંડી જેવી સપાટ છે. સીધી લીટીમાં સીધે સીધી હાયલી જ જાય છે, એવું મહારાજશ્રીએ પોતાની સિદ્ધિઓ થકી સિદ્ધ કરેલું છે. તમે એ સંસ્થાની મુલાકાતે જાવ તો એ તમને પણ એવું સિદ્ધ કરી બતાવે, બોલો! આ વાત બિલકુલ જોક નથી. જે દેશમાં આવા ધુપ્પલો હાલતાં હોય અને લોકો એને હલાવી યે લેતાં હોય એમાં અલગથી જોક ક્યાં કરવાં?
ક્યારેક ક્યારેક તો મને થાય છે કે આપણને ખોટું ભણાવવામાં આવ્યું છે કે ભારત એક ખેતીપ્રધાન દેશ છે. વાસ્તવિકતા તો એ છે કે ભારત એક ધુપ્પલ પ્રધાન દેશ છે. નેતા-પ્રધાનો ધુપ્પલો હાંકે, ચમચાઓ એ ચાટે ને આગળ પાસઓન કરે, પ્રજા એ જ ચવાયેલી-ચટાયેલી ધુપ્પલોથી પેટ ભરે રાખે.
ઇન્દિરા ગાંધીએ ધુપ્પલ ચલાવેલી કે અમે ગરીબી હટાવીશું. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ આખી કોંગ્રેસ હટવા આવી છે, પણ ગરીબો ઓલમોસ્ટ ઠેરના ઠેર છે. નરેન્દ્ર મોદીએ ધુપ્પલ હાંકેલી કે અમે કોંગ્રેસને હટાવીશું આજે લગભગ આખું ભાજપ જ અમિત શાહની ફાંદની જેમ કોંગ્રેસથી ફાટફાટ થાય છે ત્યારે મને કટાક્ષલેખનના ભીષ્મ પિતામહ શરદ જોશીએ વર્ષો પહેલા ભાખેલી એક વાત યાદ આવી જાય છે કે – ‘જ્યાં સુધી પક્ષપાત, અનિર્ણયાત્મકતા, ઢીલાપણું, દોગલાપણું, બેમોઢાળાપણું, પૂર્વગ્રહ, ઢોંગ, દેખાડો, સસ્તી આકાંક્ષા અને લાલચનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ દેશને કોઈ ‘કોંગ્રેસમુક્ત’ ન કરી શકે. કોંગ્રેસ કાયમ રહેશે. જમણે, ડાબે, વચ્ચે, વચ્ચેની વચ્ચે, ગમે ત્યાં, ક્યાંય પણ કોઈ પણ રૂપમાં કોંગ્રેસ તમને દેખાતી રહેશે. આ દેશમાં જે કંઈ પણ થાય છે તે અંતત: કોંગ્રેસ જ હોય છે. ભાજપ પણ અંતત: કોંગ્રેસ થઈ જશે.’ હોવ…હમ્બો…હમ્બો…!
ફ્રી હિટ :
रोज़ तारों को नुमाइश में ख़लल पड़ता है,
चाँद पागल है अँधेरे में निकल पड़ता है।
– राहत इंदौरी