જેનો યુવાન પુત્ર અકાળે મ્રુત્યુ પામ્યો હતો એવી વ્રુદ્ધાએ લોકપ્રિય ગાયક હેમુ ગઢવી પાસે જઈને એક અરજ કરી ત્યારે...
બીજાઓ માટે કંઈક કરી છૂટનારા માણસોનું જીવન સાર્થક ગણાય
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
વીતેલી સદીના ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ગાયક હેમુ ગઢવીના જીવનનો એક હૃદયસ્પર્શી કિસ્સો ગઈ કાલે મિત્રો સાથે શૅર કર્યો હતો. હેમુભાઈના પુત્ર અને જાણીતા લોકસાહિત્યકાર બિહારી હેમુ ગઢવી પાસેથી હેમુભાઈ વિશે ઘણા કિસ્સાઓ જાણવા મળ્યા છે. એમાંનો વધુ એક કિસ્સો શૅર કરવો છે.
હેમુભાઈ આકાશવાણીના રાજકોટ રેડિયો સ્ટેશનમાં ફરજ બજવતા હતા એ વખતે એક વ્રુદ્ધા તેમને મળવા ગઈ. તેણે હેમુભાઈને કહ્યું કે ‘મારો જુવાનજોધ દીકરો અકાળે મૃત્યુ પામ્યા છે. તે તમારો ગાંડો ચાહક હતો. તે તમને એક વખત રૂબરૂ સાંભળવા માગતો હતો, તમને મળવા માગતો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું એટલે તેની એ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. મારો દીકરો તો હવે નથી રહ્યો, પરંતુ આજે તેનું બારમું છે. તમે તેના ફોટો સામે ભજનો ગાવા આવો એવી અરજ લઈને તમારી પાસે આવી છું. તમે આજે રાતે અમારા ઘરે આવીને ગાશો?’
હેમુભાઈને તે વ્રુદ્ધાના શબ્દો સ્પર્શી ગયા. તેમણે કહ્યું, ‘હું જરૂર આવીશ, માજી.’
એ રાતે હેમુભાઈ તેમના સાથી કલાકારો ઈસ્માઈલ વાલેરા, શક્તિદાન ગઢવી (શક્તિદાન ગઢવી એટલે પછી સંન્યાસ લઈને મશહૂર ભજનિક બનેલા નારાયણ સ્વામી. તેમણે સંન્યાસ લીધો એ પછી નારાયણ સ્વામી નામ ધારણ કર્યું હતું. એ અગાઉ તેઓ શક્તિદાન ગઢવી તરીકે કાર્યક્રમો આપતા હતા. તેમની યુવાનીમાં જ હેમુભાઈએ તેમની પ્રતિભા પારખી લીધી હતી) અને હાજીભાઈ ઈસાભાઈ જેરિયાને લઈને તે વ્રુદ્ધાનાં ઘરે પહોંચ્યા.
તે વ્રુદ્ધાના બાર દિવસ અગાઉ મૃત્યુ પામેલા જુવાન દીકરાના ફોટો સામે તેના ઘરમાં હેમુભાઈએ અને તેમના સાથી કલાકારોએ નિ:સ્વાર્થભાવે, એક પણ પૈસો લીધા વિના આખી રાત ડાયરો કર્યો. એ વખતે તેમનું ઓડિયન્સ તે દુ:ખી વ્રુદ્ધા અને તેનું કુટુંબ હતું!
તે વ્રુદ્ધાનું ઘર હેમુભાઈના ઘરથી છ કિલોમીટર દૂર હતું. હેમુભાઈની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નહોતી. હેમુભાઈ પાસે એ વખતે જૂની સાઈકલ હતી. એ સાઈકલ પર તેઓ એ સાંજે તે વ્રુદ્ધાના ઘરે પહોંચ્યા. તેના ઘરે જવા માટે હેમુભાઈએ છ કિલોમીટર સાઈકલ ચલાવી અને આખી રાત ભજનો ગાયા પછી તેઓ જેટલું ફરી છ કિલોમીટર સાઈકલ ચલાવીને પાછા ફર્યા. અને ઘરે ફ્રેશ થઈને તેમના નિશ્ચિત સમય પર રેડિયો સ્ટેશન પર પહોંચી ગયા.
માત્ર પાંત્રીસ વર્ષની ઉંમરમાં આ દુનિયામાંથી વિદાય થઈ ગયેલા હેમુ ગઢવી આવી તો કેટલી યાદો છોડી ગયા.
પોતાના માટે તો બધા લોકો જીવતા હોય છે, પણ બીજાઓ માટે કંઈક કરી છૂટનારા માણસો બહુ ઓછા હોય છે. એવા માણસોનું જીવન સાર્થક ગણાય. કેટલાક કલાકારો તુંડમિજાજી હોય છે અને તેમને ઉમળકાભેર મળવા જનારા ચાહકોનું અપમાન કરી નાખતા હોય છે. એવા કલાકારોને આવા કિસ્સાઓનું નિત્ય પ્રાત:કાળે સાત વાર પઠન કરવાની ફરજ પાડવી જોઈએ.
***