જંતર-મંતર
( પ્રકરણ : ચોવીસ )
સુલતાનબાબાએ ત્યારપછી ફરી લીંબુ તરફ મીટ માંડી. પછી તેઓ ચૂપચાપ નીચે બેસી ગયા. હળવેકથી એમણે હોઠ ફફડાવીને પઢવાનું શરૂ કરી દીધું અને ધીમે-ધીમે તેમણે પોતાનો અવાજ મોટો કરવા માંડયો. અને પઢતાં-પઢતાં જ એમણે જમણા હાથે સોય ઉઠાવી લીધી. પછી એ સોયને એમણે ડાબા હાથમાં લઈને, એમણે જમણા હાથે લીંબુ ઉઠાવી લીધું. ત્યાં સુધીમાં એમનો અવાજ ખૂબ મોટો થઈ ગયો હતો. આખાય બંગલામાં એમનો અવાજ ખૂબ જોશજોશથી પડઘાવા લાગ્યો હતો. કમરામાં એમના એ અવાજ સિવાય બિલકુલ ખામોશી હતી. હમણાં જ કંઈક અજુગતું બની જવાનું છે એમ ધારીને સહુ ધડકતા દિલે ઊભાં હતાં.
સુલતાનબાબાએ ખૂબ જ સહેલાઈથી અને આસાનીથી લીંબુમાં સોય પરોવી દીધી. પછી એમણે એ લીંબુ મનોજના હાથમાં આપતાં કહ્યું, ‘લે, બેટા ! પહેલા આને સાચવીને ઠેકાણે મૂકી દે.’
મનોજે લીંબુ લેવા માટે હાથ લંબાવ્યો. પણ કોઈક અજાણ્યા ભયથી એનું કાળજું ફફડી રહ્યું હતું. સુલતાનબાબાએ એની હથેળી ઉપર લીંબુ મૂકયું ત્યારે કોઈક અંગારો ચંપાતો હોય એમ એનો હાથ ધ્રૂજી ગયો.
પરંતુ એ લીંબુ હમણાં જ બરફના પહાડમાંથી કોતરીને કાઢવામાં આવ્યું હોય એવું બરફના ટુકડા જેવું હતું. ખૂબ દોડીને, થાકેલા, હાંફેલા માણસના શરીર ઉપર પરસેવાના રેલા ઊતરી પડે એવા પાણીના રેલા લીંબુ ઉપર દેખાઈ રહ્યા હતા. અચરજ અને ગભરાટની બેવડી લાગણી અનુભવતો મનોજ એ લીંબુ લઈને રસોડામાં મૂકવા માટે ચાલ્યો ગયો.
મનોજ પાછો ફર્યો એટલે સુલતાનબાબા સાથે બધાં જ મનોજના કમરામાં ગયાં. હંસા હજુ પણ પથારીમાં પડી હતી. મનોજે સુલતાનબાબા તરફ જોયું. સુલતાનબાબા હજી પણ હોઠ ફફડાવીને કંઈક પઢી રહ્યા હતા.
કમરામાં પગ મૂકતાં જ એમણે પોતાનો અવાજ મોટો કરી નાખ્યો હતો. હંસાની પથારીમાંથી થોડેક દૂર ઊભા રહીને સુલતાનબાબાએ પોતાના ગળામાંની લાલ માળા કાઢીને હાથમાં લીધી. એમણે થોડી થોડીવારે પઢી-પઢીને એ માળા ઉપર ફૂંકો મારવાનું શરૂ કર્યું અને પછી હળવે ડગલે તેઓ આગળ વધ્યા અને હંસાના નાકને અડે એ રીતે માળા ઊંચેથી લટકાવીને હંસાના નાક ઉપર ફેરવી.
-અને તરત જ ચમત્કાર થયો. જાણે ઈલમની લાકડી ફરતાં જ કાચની પૂતળી આળસ મરડીને બેઠી થઈ જાય એમ હંસાએ આંખો ખોલી.
હંસાને ભાનમાં આવેલી જોઈને રંજનાબહેનનો જીવ કંઈક હેઠો બેઠો. એમણે તરત જ હંસા પાસે દોડી આવતાં પૂછયું, ‘કેમ, વહુ હવે કેમ છે...?’
હંસાએ એમની વાતનો કોઈ જવાબ ન આપ્યો. એનું માથું ભમતું હોય, અને હજુ એ કોઈક બીજી જ દુનિયામાં હોય એમ ચકળવકળ આંખે બધાને જોઈ રહી. હવે ફરી બધાની નજર સુલતાનબાબા તરફ ગઈ. પણ સુલતાનબાબા આંખો મીંચીને ટટ્ટાર ઊભા રહીને કંઈક પઢી રહ્યા હતા.
થોડીકવાર પછી સુલતાનબાબાએ હળવેકથી આંખો ઉઘાડી અને પછી પેલી લાલ માળા હંસાના કપાળ ઉપર મૂકી, હંસાના શરીર ઉપર એક લાંબી ફૂંક મારતાં એમણે પેલી લાલ માળા હળવે-હળવે કપાળેથી માંડીને છેક પગની પાની સુધી એના શરીર ઉપર ફેરવી અને પછી તેમણે હંસાને કહ્યું, ‘બેટી....હવે હળવે-હળવે ઊભી થઈ જા....મૂંઝાવાની કોઈ જરૂર નથી.’
હંસા સુલતાનબાબાના કહેવાથી હળવેકથી ઊભી થઈ. ત્યારે સુલતાનબાબા ત્યાંથી ખસી જતાં મનોજ તરફ જોઈને બોલ્યો, ‘હવે એ સારી થઈ ગઈ છે. તમે ચિંતા ન કરો.’
સુલતાનબાબાની વાત સાંભળીને મનોરમામાસી અને રંજનાબહેને હંસાની પાસે સરકતાં પૂછયું, ‘કેમ છે હવે...?’
હંસાએ હકારમાં માથું હલાવ્યું, ‘ઠીક છે, મને પાણી આપો.’
મનોરમામાસી પાણી લેવા દોડી ગયાં. અને સુલતાનબાબા કમરાની બહાર નીકળ્યા. બહાર ચુનીલાલ ઊભા હતા. સુલતાનબાબાએ એમને ધરપત આપતાં કહ્યું, ‘ધીરજ રાખજો. હું તમારામાંથી કોઈનો પણ વાળ વાંકો નહીં થવા દઉં. મારો માલિક મારી સાથે છે.’ એમ કહેતાં એમણે પોતાના હાથની લાલ માળા ગળામાં પહેરતાં ઉમેર્યું, ‘શેઠ, આ બધી અંધી દુનિયાની રમત છે. એમાં આપણે કંઈ જોઈ ન શકીએ. પણ ઈલમના જોરે એમનો નાશ કરી શકીએ. મને વિશ્વાસ છે કે, તેર ગુરુવારમાં તો હું એમને ખતમ કરી નાખીશ. પણ હવે જેમ-જેમ એના ખતમ થવાના દિવસો નજીક આવતા જશે, તેમ-તેમ એ આપણને બધાંને મુશ્કેલીઓમાં મૂકવાના અને ડરાવવાના પ્રયત્નો....!’
ચુનીલાલે સુલતાનબાબાની વાત અધવચ્ચેથી કાપી નાખતાં અધીરાઈથી પૂછયું, ‘પણ હવે વહુને કેમ છે ?’
‘તમે જ અંદર જઈને જોઈ લો ને...!’ સુલતાનબાબાએ એક તરફ ખસી જતાં ચુનીલાલ માટે અંદર જવાનો રસ્તો કરી આપ્યો.
ચુનીલાલે કમરામાં પગ મૂકયો એટલે તરત જ હંસાએ સાડીનો છેડો માથા ઉપર લઈને સરખો કર્યો. ચુનીલાલ કંઈક પૂછે એ પહેલાં મનોરમાએ એમની નજીક આવતાં કહ્યું, ‘હવે વહુને ઠીક છે. તમે ચિંતા ન કરો.’
ચુનીલાલે મનોરમાને કહ્યું, ‘હવે એને આરામ કરવા દો, અને તમે રસોઈપાણીનું કામ કરો. વહુને પણ ચા-પાણી પીવડાવો.’ અને પછી એમણે પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી એકસો રૂપિયાની નોટ કાઢીને મનોજને આપતાં કહ્યું, ‘બહાર ઊભેલા બાબાને આપી દે.’
મનોજ સોની નોટ લઈને બહાર નીકળ્યો. સુલતાનબાબા તરફ નોટવાળો હાથ લંબાવતાં કહ્યું, ‘લો, બાબા ! બાપુજીએ આપ્યા છે.’
મનોજને એકસો રૂપિયાની નોટ સાથે ઊભેલો જોઈને બાબા ખિજવાઈ ગયા. ગુસ્સાથી ધૂંધવાઈને એમણે મોટેથી કહ્યું, ‘મારા ઈલમને ખરીદવા આવ્યો છે ? મને પૈસા બતાવે છે ?’
સુલતાનબાબાને ખિજવાયેલા જોઈને મનોજે થોથવાતા અવાજે પોતાનો બચાવ કર્યો , ‘બાબા ! આ તો બાપુજીએ ખુશ થઈને આપ્યા છે...!’
‘જો તમારે પૈસા આપીને ઈલાજ કરાવવો હોય તો બીજા કોઈકને બોલાવી લો...!’ એમ કહેતાં સુલતાનબાબાએ ચાલવા માંડયું.
મનોજ અને સુલતાનબાબાની રકઝક સાંભળીને, કમરામાંથી બધાં બહાર દોડી આવ્યાં.
સુલતાનબાબાને ચાલ્યા જતા જોઈને મનોરમામાસી સુલતાનબાબા તરફ દોડી ગયાં. એમને પહેલાંથી જ ખબર હતી કે મનોજ પૈસા આપવા ગયો છે અને સુલતાનબાબા કોઈની પાસેથી પાઈ પૈસો નથી લેતા એ વાતની પણ એમને ખબર હતી. એટલે એમણે સમયસૂચકતા વાપરીને સુલતાનબાબા પાસે જઈને કહ્યું, ‘બાબા, આ લોકોને તમારા સ્વભાવની ખબર નથી. પણ હું તમને જાણું છું. તમે પાઈ-પૈસો લીધા વિના જ કામ કરો છો.’
સુલતાનબાબાએ ઊભા રહેતાં કહ્યું, ‘ના, ના, આ લોકો મારા ઈલમને ખરીદવા બેઠા છે. મારી જિંદગી ધૂળમાં મેળવવા બેઠા છે.’
‘ના, ના, એવું નથી !’ મનોરમામાસીએ બાબાને સમજાવતાં કહ્યું, ‘એ છોકરો છે, નાદાન છે. એનાથી ભૂલ થઈ ગઈ છે. તમે માફ કરી દો.’ અને પછી હળવેથી રડતાં અવાજે કહ્યું, ‘અને એની ભૂલની સજા બિચારી આ છોકરીને શું કામ કરો છો ? એનો તો વિચાર કરો ? આપ તો વડીલ છો, સમજદાર છો....’
‘સારું...સારું...પણ હવે એવી ભૂલ ન કરતાં.’ કહેતાં સુલતાનબાબા ચુનીલાલ સામે ફર્યા અને બોલ્યા, ‘આજે ગુરુવાર છે. આમેય હું આજે સાંજે આવવાનો જ હતો. હવે હું સાંજે ફરી પાછો આવીશ.’
‘પણ તમે એટલે દૂર પાછા જશો અને આવશો તો થાકી જશો, તમે અહીં જ જમીને આરામ કરી લો ને...!’
‘ના, હું હવે દરગાહ ઉપર નહીં જાઉં, અહીં ગામમાં જ મારા એક-બે સંબંધી છે. એમને મળવા જઈશ અને સાંજના સમયે હું આવી જઈશ.’
‘પણ તમે અહીં જમીને જાવ તો સારું...!’ ચુનીલાલને સુલતાનબાબાને વધુ આગ્રહ કરતા જોઈને મનોરમામાસી વચ્ચે પડતાં બોલ્યા, ‘ચુનીભાઈ, બાબા કોઈને ત્યાં જમતા નથી. તમે જિદ્દ ન કરો અને એમને જવા દો.’
ચુનીલાલે કંઈ જવાબ ન આપ્યો અને સુલતાનબાબા ચાલ્યા ગયા.
સુલતાનબાબા ગયા એટલે મનોરમામાસી અને રંજનાબહેન રસોડામાં કામકાજમાં વળગી ગયાં. રીમા એમના કામમાં મદદ કરવા લાગી. હંસા પણ હેમંતને લઈને એનાં મેલાં થઈ ગયેલાં કપડાં કાઢીને એને તૈયાર કરવામાં પરોવાઈ....
જમી પરવારીને બધાંએ થોડીકવાર આરામ કર્યો ત્યાં તો સાંજ પડી ગઈ. એ દિવસે અમર રીમાને મળવા આવ્યો. પણ બારણું અંદરથી બંધ હતું એટલું બારણું ખખડાવવાનું એને ઠીક ન લાગ્યું. અને એ બહારથી જ ચાલ્યો ગયો હતો.
સાંજે સૂરજ આથમી ગયા પછી સુલતાનબાબા આવી પહોંચ્યા. આવતાં જ એમણે રીમાના કમરામાં જઈને સફેદ કપડું બિછાવ્યું. અને પછી નમાઝ પઢી. નમાઝ પઢીને તેઓ ત્યાં જ બેસી ગયા.
એ વખતે ઘરનાં બધાં સુલતાનબાબા પાસે હાજર થઈ ગયાં. સુલતાનબાબાએ રીમાને પોતાની પાસે બોલાવતાં કહ્યું, ‘બેટી, તું અહીં મારી સામે બેસ...’
રીમાને એમણે પોતાનાથી ચારેક ફૂટ દૂર બેસાડી અને પછી હંસાની તરફ જોતાં કહ્યું, ‘બેટી, તું એક ચોખ્ખી તાસક અને બે-ત્રણ લોટા પાણી લઈ આવ.’
હંસા તરત જ દોડી જઈને એક ચોખ્ખી તાસક અને એક વાસણમાં ત્રણ-ચાર લોટા જેટલું પાણી લઈ આવી.
સુલતાનબાબાએ પલાંઠી મારીને બેસતાં, તાસકને પોતાની સામે ગોઠવી. એમાં બે-ત્રણ લોટા પાણી નાખીને, લગભગ પોણી તાસક ભરી દીધી. અને પછી એમણે પઢવું શરૂ કર્યું. ધીમે-ધીમે હોઠ ફફડાવતાં જ એમણે પોતાની ઝોળીમાંથી એક ડાબલી કાઢી. એ ડાબલી ખોલીને પોતાની પાસે મૂકી. એમાંથી મરી જેવા કાળા દાણાઓ પોતાના હાથમાં લઈને ત્રણ વાર કંઈક પઢીને ત્રણ ફૂંકો મારી અને પછી એ દાણાઓ તાસકમાં નાખતાં જ એમાં જોરદાર ભડકો થયો અને એની સાથે જ આખાય કમરામાં સિકંદરનો ખડખડાટ હસવાનો અવાજ ગુંજી ઊઠયો. ઘરના બધાની છાતી જોશથી ધડકવા લાગી.
સુલતાનબાબાએ પોતાના ગળામાંથી પેલી લાલ માળા કાઢતા જોશથી ત્રાડ નાખી, ‘બોલ....આ છોકરીને શું કામ ત્રાસ આપે છે...?’
જવાબમાં સિકંદરે ફરી અટ્ટહાસ્ય કર્યું. સુલતાનબાબાએ ગુસ્સાથી ધ્રૂજતા અવાજે પૂછયું, ‘તું એની ભાભીને કેમ પરેશાન કરે છે ?’
‘એ તો આવા જ લાગની છે, સ્સાલી...!’ કહેતાં એ એક જોરદાર ગાળ બોલવા જતો હતો. પણ એ ગાળ બોલે એ પહેલાં તો અધવચ્ચે જ સુલતાનબાબાએ પોતાના હાથમાંની માળા જોશથી ભડકા ઉપર વીંઝી. ચાબુકનો ફટકો પેલા સિકંદરની પીઠ ઉપર પડયો હોય એમ એ ગાળને અધવચ્ચે જ છોડી દઈને બરાડયો, ‘મરી ગયો...મરી ગયો...ઓહ મારા ગુરુ...!’
સુલતાનબાબાએ ફરીવાર પોતાના હાથની માળા જોશથી તાસકમાં ફટકારી, ‘બોલ તું એને કેમ પરેશાન કરે છે ?’
‘ઓહ, મરી ગયો...મરી...ગયો...!’ પેલાથી ફરીવાર ચીસ પડાઈ ગઈ, થોડીવારની સન્નાટાભરી ખામોશી પછી સુલતાનબાએ એને ફરીથી પૂછયું, ‘બોલ...તું આ છોકરીની ભાભીને કેમ પરેશાન કરે છે ?’
‘એ મારા રસ્તામાં આડી આવે છે એટલે...શરૂઆતથી એ મારા પાછળ પડી છે, હું એની ઉપર પણ વેર લઈશ, મારી તાકાતથી એને પરેશાન કરીશ.’
‘પરેશાન કરીશ...?’ એમ પૂછતાં સુલતાનબાબાએ ફરી જોરદાર રીતે તાસકમાં માળા પછાડી, ‘તું એને પરેશાન કરીશ....બોલ કરીશ...?’ એમ કહેતાં પેલી તાસકમાં જોશજોશથી માળા વીંઝવા માંડી. પેલાની પીઠ ઉપર હંટરના ચાબખા વીંઝાતા હોય એમ પેલો કણસવા લાગ્યો. અને એની સાથોસાથ રીમા જમીન ઉપર આળોટીને પછડાવા લાગી. સુલતાનબાબાની માળા વધુ ને વધુ જોશથી પછડાઈ રહી. એક...બે... ત્રણ...ચાર....પાંચ...છ....સાત અને પછી એકાએક એ માળા પકડાઈ ગઈ. તાસકના પાણીમાં જ કોઈએ એ માળા પકડી લીધી હોય એમ એ ખેંચાવા લાગી...
સુલતાનબાબા બેય પગે બેઠા થઈ ગયા અને પછી જોશથી માળાને પાછી ખેંચવા લાગ્યા. એમના ચહેરા ઉપરનો ગભરાટ અને આંખો મીંચીને પૂરી તાકાતથી એ માળાને ખેંચતા જોઈને ખ્યાલ આવી જતો હતો કે, સામે પણ બહુ જ તાકાતથી માળા ખેંચાઈ રહી છે.
માળા ખેંચતાં-ખેંચતાં ઘડીકવારમાં સુલતાનબાબાના ચહેરા ઉપરથી પરસેવાના રેલા ઊતરવા લાગ્યા. એમણે પહેરેલો ઝભ્ભો પણ પીઠ અને પડખેથી પરસેવાને કારણે ચોંટી ગયો.
અચાનક સુલતાનબાબા પેંતરો બદલતા હોય એમ આંખો ખોલીને તાસકમાં એકીટસે તાકી રહ્યા. જોશજોશથી પઢવાનું શરૂ કર્યું અને પછી એમણે તાસકમાં એક જોરદાર ફૂંક મારી...
એ ફૂંક મારતાં જ તાસકમાં બહુ મોટો ભડકો થયો. જો સુલતાનબાબાએ સમયસર ચેતીને પોતાનું મોઢું ખસેડી લીધું ન હોત તો એમનો આખોય ચહેરો બળીને ભડથું થઈ ગયું હોત.
મોટા ભડકા સાથે જ માળા બહાર ખેંચાઈ આવી અને સાથે સાથે સિકંદરની પણ એક કારમી ચીસ સંભળાઈ. અને રીમા પણ પેટમાં જોરદાર લાત વાગી હોય એમ પેટ પકડીને બેવડ વળી ગઈ.
પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું....? હંસાનું શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? અમરનું શુ થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
***