...૧...
"હાય ડાર્લિન્ગ!"
"ઓહ, હાય ડિયર! આવ! આવ, બેસ."
બગીચાના એક બાંકડે બેસીને વૃક્ષની ડાળ પર બેસેલા પક્ષીઓના પ્રેમાલાપ ને માણી રહેલા એનું ધ્યાન પોતાનાથી થોડે દૂર બેસેલા છોકરા છોકરી પર ગયું. બે પ્રેમી પંખીડાઓ ને ડિસ્ટર્બ ન કરવા એમ સમજી એણે મોં ફેરવી લીધું.
"યાર, તારૂ કાયમનું છે આ, આટલા સમય પછી મળી છે તો ય મોડા આવવાની તારી ટેવ ગઈ નથી."
"બસ પણ સ્વીટહાર્ટ,ગુસ્સો નહી કર! તને મળવા આવતી હતી તો તૈયાર થવામાં થોડી વાર લાગી ગઈ"
"કોણ જાણે ક્યાંથી ભટકાઈ ગઈ તું મને!"
"કોલેજ માં ઘણી બધી છોકરીઓ હતી,તને હું જ મળી હતી? કોઇ સારી ગોતી લેવી'તી ને."
"સારૂ ચલ એ કહે કે આજે અચાનક આ રીતે મને મળવાનું કઈ ખાસ કારણ?"
"હા, આ લે મારા લગ્નની કંકોત્રી, એક અઠવાડિયા ની રજા લઈ લેજે, મારે તું મારી સાથે જોઈશે સમજ્યો?"
એટલામાં એ ફરી ચમક્યો,
શું? લગ્નની કંકોત્રી? મતલબ? એ બન્ને પ્રેમી પંખીડાઓ નથી? આટલી કલોઝ ફ્રેન્ડશીપ?
જોત જોતામાં કેટલાય પ્રશ્નો એના મગજ માં ફરી વળ્યા.
એક મિનિટ, પહેલા એનો પરિચય આપી દઉં. યુવાવસ્થા વટાવી વાનપ્રસ્થશ્રમ ભણી ધપી રહેલો ચાલીસેક વર્ષ નો આ યુવાન એટલે ' પરમ '.
બન્ને ની વાતો સાંભળતા જ એ ભૂતકાળ માં સરી પડ્યો. ઘડી ના છટ્ઠા ભાગમાં કેટલાય વર્ષો રીવાઇન્ડ થઈ ગયા. અને એ એના કોલેજ કાળ માં પહોચી ગયો.
...૨...
બી. કોમ નું પહેલું વર્ષ. એકાઉન્ટ્સ માં નબળો હતો એટલે પહેલા જ વર્ષથી એણે કોલેજના જ એક પ્રોફેસર નું ટ્યુશન રાખી લીધું.
' મે આઈ કમ ઈન સર?'
ટાંકણી પડે તોય સંભળાય એવા નીરવ વાતાવરણમાં એ અવાજે ખલેલ પહોંચાડી. બધાનું ઘ્યાન એ તરફ દોરાયું. આશરે સવા પાંચેક ફૂટ હાઇટ, મધ્યમ બાંધો, શ્યામ વર્ણ ની એક છોકરી ક્લાસ ના દરવાજે આવી ને ઉભી રહી. એ છોકરી એટલે પિહું.
ક્લાસ માં ૧૪ બેન્ચ. બે ભાગ, બન્ને ભાગમાં ૭-૭ બેન્ચ. એક ભાગની સાતેય બેન્ચ પર છોકરાઓ બેસેલા. બીજા ભાગની પ્રથમ ચાર બેન્ચ પર છોકરીઓ, વચ્ચે એક બેન્ચ ખાલી અને છેલ્લી બે બેન્ચ પર છોકરાઓ બેસેલા. બીજે ક્યાંય જગ્યા ન હોવાથી પિહુ ખાલી બેન્ચ પર પરમની આગળ આવીને બેસી ગઈ.
સાહેબ એ એનો પરિચય પૂછ્યો. ખૂબ જ ધીમા પણ સ્પષ્ટ અવાજે મક્કમતા થી એણે પોતાનો પરિચય આપ્યો. પરમ ઘણું ખરું એના વ્યક્તિત્વ થી પ્રભાવિત થયો હતો અને એની સાથે બોલવા ના પ્રયત્નો કરતો, પણ શરમાળ પ્રકૃતિ ના કારણે બોલી શકતો નહીં. વર્ગમાં દરરોજ નિયમિત જતો. અભ્યાસ પણ સારી રીતે કરતો, પણ લખવાનો મોટો આળસુ એટલે નોટ બનાવેલી નહી. એમ કરતાં કરતાં સેમેસ્ટર પૂરું થવા આવ્યું અને પરીક્ષા નજીક આવી ગઈ. હવે શું કરવું એ વિચારતો જ હતો એટલા માં પીહુ એની નિયત જગ્યાએ પરમની આગળ ની બેન્ચ પર આવી ને બેસી ગઈ. બસ, પછી તો શું હતું? મળી ગયો પરમને મોકો પિહૂ સાથે વાત કરવાનો. એણે હિંમત કરી જ નાખી.
એક્સક્યુઝ મી! સેમેસ્ટર પતવા આવ્યું છે અને પરીક્ષાઓ નજીક છે પણ મારી નોટસ રેડી નથી, શું તમે મને આજે તમારી નોટ આપશો? હું ઝેરોક્ષ કરાવી ને આપી દઈશ - પરમ એ પૂછ્યું.
પીહું એ કહ્યું - હા, પણ આજે નહિ શનિવાર એ લઈ જજો, સોમવારે કોલેજ માં આપી દેજો.
ઓકે. આટલું બોલીને એ જતો રહ્યો.
(શનિવારે ટ્યુશન છૂટ્યા પછી)
અં... તમારી નોટ?
પિહુુ એ પોતાની નોટ પરમ ને આપી. પરમ નોટ લઈને ચાલવા લાગ્યો એટલામાં પીહૂ એ એને અટકાવ્યો.
' તમારું નામ તો કયો, હું કોલેજમાં તમને કેવી રીતે બોલાવીશ? '
પરમ એ બહુ શિફત થી જવાબ આપ્યો : ફેસબુક માં રિકવેસ્ટ મોકલી છે, એક્સેપ્ટ કરી લેજો ને! આટલું કહી જાણે જંગ જીત્યો હોય તેમ હરખાતો હરખાતો પરમ નીકળી ગયો.
પછી થી આ બધું જ રેગ્યુલર બની ગયું, નોટ તો એક બહાનું હતું, ઉદ્દેશ તો પિહુ ને રોજ મળવાનો હતો. એક વખત પરમ એ ફેસબૂક પર પિહુને મેસેજ કર્યો કે સોમવારે હું કોલેજ નથી આવવાનો, તમારી નોટ ક્યાં આપી જાવ? મને તમારો મોબાઈલ નંબર આપો, હું ફોન કરીને તમે કહેશો ત્યાં નોટ આપી જઈશ. પરંતુ પિહુ એ કહ્યું કે મંગળવારે કોલેજ આવે ત્યારે નોટ આપી દે. જેટલી સરળતાથી નોટ ની આપલે થઈ હતી એટલી સરળતાથી નંબર ન મળ્યો. જેનાથી નારાજ થઈ ને પરમ એ એની નોટ લેવાનું કે એને મળવાનું બંધ કરી દીધું. આમ ને આમ થોડો સમય પસાર થઈ ગયો. પિહુને પણ ખ્યાલ આવી ગયો હતો અને તેને પણ આદત પડી ગઈ હતી આ રીતે એને મળવાની.
એક દિવસ અચાનક પિહુ એ પરમ ને ફેસબુક પર મેસેજ કર્યો જેમાં એનો મોબાઈલ નંબર લખેલો હતો. બીજી જ ક્ષણે પરમ એ પોતાના મોબાઈલમાંથી પિહુ ને મેસેજ કર્યો. નોટ્સ માટેની મુલાકાતો હવે નોટ વગર પણ થવા લાગી. સવારે એક બીજાના મેસેજ થી જ આંખ ખુલતી, દિવસની શરૂઆત અને અંત મેસેજ કે કોલ થી થવા લાગ્યા. કોલેજ આવ્યા પછી પણ એક બીજાને મેસેજ થયા કરતા, જો લેક્ચર ન ભરવાનું નક્કી થાય તો સાથે જ બંક મરાતો. આખો આખો દિવસ બન્ને કોલેજ ના પાર્કિંગ માં બેસી રહેતા.
એક દિવસ પરમ એ પિહુને પૂછયું - આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ કરતા તો કંઇક વધારે જ છીએ. તો આપણું રિલેશન શું હશે? (પિહુ ને પણ એજ લાગણી છે જે પરમ ને છે એ જાણવાની પરમ ને ઈચ્છા જાગી.)
પિહુ એ કહ્યું - સંબંધ ને નામ આપવું જરૂરી છે? એમ કહી તે હળવેથી મલકાઈ અને બીજી વાતો કરવા લાગી. પરમ ને જવાબ મળ્યો ન હતો પરંતુ એક વાત ચોકકસ હતી કે આ વાત થી પિહુ ને કોઈ તકલીફ નથી થઈ એવું એને સમજાયું.
...૩...
આમ ને આમ ૩ વર્ષ વિતી ગયા, કોલેજ પૂરી થવામાં હતી અને આખી જીંદગી મન માં કોઈ અફસોસ ન રહી જાય એટલા માટે છેલ્લા દિવસે એણે પિહુ ને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. બન્ને ને અલગ અલગ કોલેજ માં નંબર આવેલ એટલે છેલ્લા પેપર પહેલા પરમ એ પિહુ ને ખાસ મળવા બોલાવી. પોતાની લાગણીઓને એણે એક પત્રમાં લખી પરબીડિયામાં પેક કરી ને હળવેથી પિહુ ની બેગ માં સરકાવી દીધું. પેપર પૂરું થયા પછી મળવાનું નક્કી કરી ને બન્ને પોતપોતાના કેન્દ્ર માં છેલ્લું પેપર લખવા માટે જતા રહ્યા. પેપર પૂરું થઈ ગયા પછી પરમ એની નિયત જગ્યાએ પિહુ ની પ્રતીક્ષા કરવા લાગ્યો. સમય વિતી ગયો. સાંજ પડવા આવી પણ ન પિહુ આવી કે ન એનો જવાબ. શું થયું હશે? પિહુ કોઈ તકલીફ માં હશે? કેમ મળવા નહી આવી હોય? વગેરે અનેક સવાલો એને થયા પરંતુ બન્ને વચ્ચે એક સમજણ હતી અને એ મુજબ ક્યારેય પણ એક બીજાથી છુટ્ટા પડવાનું થાય તો કારણ આપીને નીકળી જવું. પરમ એ મનોમન નક્કી કરી લીધું કે એને સમય નહી મળ્યો હોય જવાબ આપવાનો અને આ વાતને એણે જરા પણ દિલ પર લીધા વિના એના જવાબની રાહ જોવા લાગ્યો.
...૪...
દિવસ, મહિના અને વર્ષ વીતતા વાર ન લાગી. પરમ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયેલો. એક દિવસ અચાનક પરમને એક પત્ર મળ્યો. ડિજિટલ જમાનામાં કોઈ પત્ર લખે એ વાત એને થોડી અજીબ લાગી પણ એણે પત્ર ખોલીને જોયું. નનામો પત્ર હતો પણ હસ્તાક્ષર જાણીતા હતા. હા, એ પિહુ નો જ પત્ર હતો. એણે લખ્યું હતું કે પરીક્ષા પત્યા પછી એ મળવા આવવાની હતી પણ એના ઘરેથી એના પપ્પા સરપ્રાઇઝ આપવા માટે એને કીધા વગર જ એને લેવા આવી પહોંચ્યા હતાં. એમણે પરમનો પત્ર વાંચ્યો અને કશું જ કહ્યા વગર પિહુ ને લઈને નીકળી ગયા.
વાત ને આગળ વધારતા એણે લખ્યું હતું કે, "મે તારો પત્ર વાંચ્યો છે, હું બહુ જલદી થી તારા પત્રનો જવાબ આપીશ પણ એ પહેલા હું મારા ઘરે બધાને મનાવી લઉં, ત્યાં સુધી મારી રાહ જોજે.
સોરી એન્ડ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટે્ડ !!!" પત્રના અંતે એણે એની બહેનપણી નો નંબર લખી આપ્યો હતો.
બન્ને વચ્ચે ફરી વાર બધું જ પહેલા જેવું થઈ રહ્યું હતું. પરમ એ એને સમજાવી કે તેમનું રિલેશન એ કાયમ નું છે, અને પિહુનો જવાબ ગમે તે હશે એમનો સંબંધ નહી બદલાય. અને કહ્યું કે હવે જ્યારે તું સામેથી મને ફોન કરીશ ત્યારે જ આપણે વાત કરીશું. ઘરે મનાવી લે બધાને, હું રાહ જોઇશ.
ફરી એક વાર પરમને હૈયે ટાઢક વળી અને તે પિહુના ફોનની રાહ જોવા લાગ્યો. છએક મહિના વીત્યા અને ફરી એક વખત પરમને કુરિયર મળ્યું. જેમાં એક ઇન્વિટેશન કાર્ડ હતું અને સાથે હતો એક પત્ર. જેમાં લખ્યું હતું:
"હું ઘરે બધાને મનાવી શકી નથી, આ મારા લગ્નની કંકોત્રી છે અને બ્લેન્ક રાખી છે. તારે આવવાનું નથી. હવે આપણે ક્યારેય નહી મળીએ.
વન્સ અગેઇન સોરી એન્ડ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ!!
- તારી પિહુ"
ખુબ ઊંડો નિસાસો નાખીને પરમ ખાલી એટલું જ બોલી શક્યો, "યસ, આઈ અન્ડરસ્ટેન્ડ ડિયર".
- પાર્થ ગઢવી "પરમ"