ડેવિલ રિટર્ન 2.0
20
પોતાની બુદ્ધિ અને અપ્રિતમ શોર્ય વડે ડેવિડનો અંત આણી ફાધર વિલિયમને બચાવવામાં અર્જુન સફળ થાય છે. જ્હોન અને ડેઈઝી સમેત બધાં ગુલામ વેમ્પયરોનો ખાત્મો પોતાની ટીમ થકી થઈ ચૂક્યો હતો એ જાણી ચુકેલો અર્જુન પોતાનાં સાથીદારોને અભિનંદન આપવાં બાઈક પર સવાર થઈને સરદાર પટેલ ગાર્ડન તરફ આગળ વધ્યો.
નાયકનાં જણાવ્યાં મુજબ વેમ્પાયર પરિવારનાં બે સભ્યોને મારવામાં એ સફળ થયો છે ત્યારે અર્જુનને ખુશી તો થઈ પણ સાથે-સાથે એ વાતની ચિંતા પણ થઈ કે વેમ્પાયર પરિવારનાં ત્રણ સદસ્યો હજુ જીવિત છે, એમાં ખાસ કરીને ક્રિસ જીવિત હોવાનું જાણ્યાં બાદ અર્જુનને વધુ ચિંતા થઈ રહી હતી.
અર્જુન જ્યારે સરદાર પટેલ ગાર્ડન જોડે પહોંચ્યો ત્યારે હજુ રાતનાં બાર પણ નહોતાં વાગ્યાં છતાં અંધકાર અને શીતલહેર વાતાવરણને ગંભીર બનાવી રહ્યાં હતાં. અર્જુનનાં હેમખેમ ત્યાં પહોંચતાં જ નાયક, જાની, અશોક, વાઘેલા, અબ્દુલ, સરતાજ સહિત બધાંનાં ચહેરા પર એક ગજબની ખુશી જોવાં મળી જે દર્શાવતી હતી કે અર્જુન પ્રત્યે એ લોકોને કેટલું માન છે.
અર્જુન આવ્યો ત્યાં સુધીમાં જ્હોન, ડેઈઝી અને મૃત ગુલામ વેમ્પયરોને જમીનમાં દાટવાનું કામ લગભગ અડધું પૂર્ણ થઈ ચૂક્યું હતું. ગુલામ વેમ્પયરોનાં ચહેરા જોતાં અર્જુનને માલુમ પડ્યું કે એ બધાં આ શહેરનાં જ રહેવાસીઓ હતાં જેમને વેમ્પાયર પરિવાર દ્વારા પોતાનાં ગુલામ બનાવાયાં હતાં. ગઈ વખતે જ્યાં ગુલામ વેમ્પયરોની સંખ્યા દસ-બાર હતી તો આ વખતે એ સંખ્યા પચાસ સુધી પહોંચી જવાનું જોયાં બાદ અર્જુનનું હૃદય દ્રવી ઉઠ્યું. ડેવિડ ની હત્યાનો જે પસ્તાવો લઈને અર્જુન અહીં આવ્યો હતો એ આ માસુમ રાધાનગરવાસીઓનાં મૃતદેહો જોઈ નામશેષ થઈ ગયો.
"નાયક, તમે લોકો એ ખૂબ જ બહાદુરીથી આ કામ કર્યું છે.. એ માટે મને તમારાં બધાં પર ગર્વ છે. "
અર્જુનનાં મોંઢે પોતાનાં વખાણ સાંભળી દરેક પોલીસકર્મીનો ચહેરો હરખાઈ ગયો.
"સાહેબ, તમને સકુશળ જોઈ અમને પણ ઘણી ખુશી મહેસુસ થઈ રહી છે. "નાયકે અર્જુનને ઉદ્દેશીને કહ્યું.
"જ્યાં સુધી તમારાં બધાંનો સાથ અને આ શહેરનાં લોકોની દુવાઓ મારી સાથે છે ત્યાં સુધી મને શું થવાનું હતું. "અર્જુને હસીને કહ્યું.
એક કલાકની અંદર બધાં જ વેમ્પાયર ગુલામો અને જ્હોન તથા ડેઈઝીને જમીનમાં દાટવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી. અર્જુનનાં કહેવાથી નાયકે બધાં જ વેમ્પાયર ગુલામોનાં ફોટોગ્રાફ લઈ લીધાં જેથી એમનાં પરિવારજનોને એ લોકો હવે આ દુનિયામાં મોજુદ નથી રહ્યાં એ વિશે માહિતગાર કરી શકાય.
"તો નાયક, કેવો રહ્યો આ વેમ્પાયરો સાથેનો મુકાબલો.. ?"આખરે ત્યાં શું થયું હતું એ જાણવાંનાં ઉદ્દેશથી અર્જુને નાયકને પૂછ્યું.
આ સાથે જ નાયક કોઈ ફિલ્મની સ્ટોરી કહેતો હોય એવી અદાથી ત્યાં બનેલાં ઘટનાક્રમને એક પછી એક જણાવતો રહ્યો. નાયકની આવી અદાકારી જોઈ જ્યાં સુધી નાયક બોલતો રહ્યો ત્યાં સુધી અર્જુન મનોમન હસતો રહ્યો.
"નાયક, ચા નું કંઈક કરો.. અને એકાદ સિગરેટ પણ આપ. આજે તો ખુશીમાં એકાદ સિગરેટ પણ પીવી પડશે. "અર્જુનનાં આમ બોલતાં જ નાયકે એ લોકો મોજુદ હતાં ત્યાં જ તાપણું ચાલુ હતું એની ઉપર બે કોન્સ્ટેબલો જોડે ચા બનાવડાવાનું શરૂ કર્યું.
અડધા કલાકમાં ચા બનીને તૈયાર થઈ ગઈ એટલે નાયકે પોતાની જીપમાંથી મારબોલો સિગરેટનું પેકેટ નીકાળી અર્જુનને આપ્યું.. ચા ની સાથે સિગરેટનાં ધુમાડા હવામાં છોડતાં અર્જુનને જોવો પણ એક લ્હાવો હતો.
"સાહેબ, ત્યાં ચર્ચ જોડે શું થયું હતું એ જણાવશો.. ?"અબ્દુલે અર્જુનને સવાલ કર્યો.
અબ્દુલનાં આ પ્રશ્નનો વિગતે જવાબ આપતાં અર્જુને પોતાનો ડેવિડ સાથે જે મુકાબલો થયો એની સઘળી વિગતો જણાવી દીધી. રાતનાં ત્રણ વાગી ચુક્યાં હતાં અને વાતાવરણમાં હજુપણ નીરવ શાંતિ પ્રસરાયેલી હતી. વચ્ચે-વચ્ચે આવતો કૂતરાંની લવારીનો અવાજ અને ચિબરીનો અવાજ સુનકારને વધુ ભયાવહ બનાવીને બંધ થઈ જતો.
અચાનક અર્જુનને કંઈક યાદ આવ્યું.. જ્યારે ક્રિસે પોતાની જાતને પોલીસ જીપોથી ઘેરાયેલી મહેસુસ કરી ત્યારે એનાં મુખેથી 'દગો.. દગો' આવું કંઈક નીકળ્યું હોવાનું નાયકે પોતાની વાતની શરૂઆતમાં જ અર્જુનને જણાવ્યું હતું. અર્જુને પહેલાં આ વિશે વધુ વિચાર્યું નહીં પણ જેવી જ એની નજર દિપકની બાઈક પર પડી એ સાથે જ એને ઝબકારો થયો કે ક્રિસ નક્કી એ જાણી ગયો છે કે દિપકે એની જોડે વિશ્વાસઘાત કર્યો છે.
"નાયક, ફટાફટ જીપને સ્ટાર્ટ કર.. આપણે તાત્કાલિક દિપકનાં ઘરે જવું પડશે.. "અર્જુને ઉભાં થતાં જ નાયકને ઉદ્દેશીને કહ્યું.
નાયક અર્જુને આમ કેમ કહ્યું એ સમજી ચુક્યો હતો એટલે એ વગર કોઈ સવાલે અર્જુનની સાથે જીપમાં બેસી ગયો.. જીપને સ્ટાર્ટ કરી નાયકે જીપને દિપકનાં ઘર તરફ ભગાવી મુકી. પાંચ-સાત મિનિટમાં તો એ લોકો દિપકનાં ઘર જોડે આવી પહોંચ્યા હતાં.
અર્જુન જીપનાં ઉભાં રહેતાં જ કૂદીને જીપમાંથી હેઠે ઉતર્યો અને દોડીને દિપકનાં ઘરનાં દરવાજા તરફ ભાગ્યો.. દરવાજે પહોંચતાં જ અર્જુન દરવાજાને જોરથી નોક કરી 'દિપક.. દિપક.. ' એમ ચિલ્લાવા લાગ્યો. પોતાની જોડે દિપકે દગો કર્યો હોવાનું જાણી ચુકેલો ક્રિસ નક્કી દિપકને મારવાં ગયો હશે એવું વિચારી અર્જુન ત્યાં આવી પહોંચ્યો હતો.
બે-ત્રણ વાર અવાજ આપવાં છતાં દિપકે દરવાજો ના ખુલ્યો એટલે અર્જુનને પોતાની શંકા પર વધુ વિશ્વાસ બેઠો.. હવે અર્જુન ધીરજ ઘુમાવી ચુક્યો હતો એટલે એ દિપકનાં ઘરનો દરવાજો તોડવાનાં મનસૂબા સાથે પાંચેક ડગલાં પાછો પડ્યો.
અર્જુને પોતાની જાતને દિપકનાં ઘરનાં દરવાજા જોડે અથડાવવાં તૈયાર જ કરી ત્યાં દિપકનાં ઘરનો દરવાજો ખુલ્યો.. દરવાજો ખોલનાર વ્યક્તિ દિપક પોતે જ હતો એ જોઈ અર્જુનને સુખદ આંચકો લાગ્યો.
"દિપક, તું ઠીક તો છે ને.. ?"દિપકનાં નજીક આવી અર્જુન બોલ્યો.
"આવું કેમ પૂછો છો સાહેબ.. ?ઉલટાનો આ સવાલ મારે તમને કરવો જોઈએ. "અર્જુનનાં સવાલનો પ્રત્યુત્તર આપતાં દિપક બોલ્યો.
"તારાં કારણે જ અમે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ને મૂર્ખ બનાવ્યાં એ વાત ક્રિસ જાણી ચુક્યો હોવાથી એ તારાં પર હુમલો કરશે એ વિચારી મને તારી ચિંતા હતી.. "અર્જુન પોતાનાં અચાનક ત્યાં આવી ચડવાનું કારણ જણાવતાં બોલ્યો.
"મને સાહેબ હવે એનો કોઈ ડર નથી.. મેં જે ભૂલ કરી છે એની સજા મને જે મળશે એ મંજુર છે.. બાકી તમે મહેરબાની કરીને મને એ જણાવશો કે આખરે આજે શું બન્યું.. ?"દિપક બોલ્યો.
દિપકનાં સવાલનાં જવાબમાં અર્જુને પોતે કઈ રીતે ફાધર વિલિયમને ડેવિડનાં હુમલાથી બચાવ્યાં એ વિશે અને પોતાની ગેરહાજરીમાં પોતાની પોલીસ ટીમ દ્વારા કઈ રીતે ખૂની વેમ્પાયરો ને ધૂળ ચાટતા કરી દેવાયાં એની જાણકારી આપી. સાથે-સાથે ક્રિસ અને એની બે બહેનો હજુ જીવિત હોવાથી આ શહેર પરનું સંકટ ટળ્યું નથી જણાવતાં અર્જુને દિપકને સાચવીને રહેવાં કહ્યું.
દિપકને સહી-સલામત જોઈ અર્જુનને શાંતિ થઈ અને એ પુનઃ નાયકની સાથે જીપમાં બેસી સરદાર પટેલ ગાર્ડન તરફ જવાં નીકળી પડ્યો.
*******
પોતાનાં સાથી કર્મચારીઓ સાથે અર્જુન સવાર સુધી સરદાર પટેલ ગાર્ડન જોડે બેસી રહ્યો. રાતભર બધાં એ મોટું તાપણું કરી હસી-મજાકની વાતો કરી સારો એવો સમય પસાર કર્યો. સતત ઉજાગરા વેઠીને, પોતાનાં જીવની પરવાહ કર્યાં વગર પોતાની પડખે ઉભાં રહેનારાં દરેક પોલીસકર્મી પર અર્જુનને ગર્વ થઈ રહ્યો હતો.
ઘણાં દિવસ પછી એ લોકોને આટલાં ખુશ જોઈ અર્જુનને પણ સારું લાગી રહ્યું હતું.. અર્જુને આજે તો ત્રણ-ચાર બીજી સિગરેટની પણ મોજ કરી લીધી. આખરે સવારનાં સાત વાગતાં અર્જુને બધાં પોલીસકર્મીઓને જીપમાં બેસી પોલીસ સ્ટેશન જવાં આદેશ આપી દીધો. દિપક પણ સવારે બગીચામાં મોર્નિંગ વોક માટે આવ્યો ત્યારે અર્જુને એનાં બાઈકની ચાવી એને સુપ્રત કરી દીધી.
અર્જુન પોતાની ટીમ સાથે જેવો પોલીસ સ્ટેશન પહોંચ્યો એ સાથે જ એ સીધો પોતાની કેબિનમાં ગયો.. કેબિનમાં જતાં પહેલાં અર્જુને દિવસે ડ્યુટી હોય એવાં પોલીસકર્મી સિવાયનાં અન્ય પોલીસકર્મીઓને ઘરે જવાની છૂટ આપી દીધી હતી.
અર્જુને નાયકને પોતાની જોડે અંદર આવવાનું જણાવેલું હોવાથી કેબિનમાં અર્જુનની સાથે નાયક પણ મોજુદ હતો. નાયકે વેમ્પાયર ગુલામોનાં જે ફોટો પાડયાં હતાં એની પ્રિન્ટ કઢાવી એ લોકોની ઓળખ વહેલી તકે કઢાવી એમનાં પરિવારજનોને એ લોકો આ દુનિયામાં હાજર નથી એ વિશે માહિતી પહોંચાડવા જણાવી દીધું.
નાયક અર્જુનની આજ્ઞા માથે ચડાવી જેવો કેબિનની બહાર ગયો એ સાથે જ અર્જુન પણ પોતાની ખુરશીમાંથી ઉભો થયો અને ડ્રોવરમાં મુકેલી બુલેટની ચાવી હાથમાં લઈને બહાર નીકળ્યો. આજે એકસાથે ત્રણ વેમ્પયરોનાં મોત થયાં હોવાની ખબર પીનલને વહેલી તકે આપવાં ઉત્સુક અર્જુન પોતાની બુલેટ પર સવાર થઈને પોતાનાં ઘર તરફ ચાલી નીકળ્યો.
બિગ સ્ક્રીન થિયેટર વટાવી અર્જુન પોતાનાં નિવાસ સ્થાન એવાં રોઝ ગાર્ડન ટાઉન તરફ નીકળી પડ્યો. અર્જુને જ્યારે અહીં આ ટાઉનશીપમાં 10 નંબરનો બંગલો ખરીદ્યો ત્યારે આ ટાઉનશીપ શહેરનાં છેવાડે માલુમ પડતી હતી પણ હવે રાધાનગર શહેરનો જે હદે વિકાસ થયો હતો એનાં લીધે આ ટાઉનશીપ શહેરની મધ્યમાં હોય એવું લાગતું હતું.
પચ્ચીસેક મિનિટમાં અર્જુન પોતાનાં નિવાસસ્થાને પહોંચી ગયો.. બુલેટને પોતાનાં બંગલોમાં પડેલી પોતાની સ્વીફ્ટ કાર જોડે પાર્ક કરી અર્જુન ઘરનાં દરવાજા તરફ આગળ વધ્યો. રોજ અર્જુન જ્યારે ડ્યુટી પરથી ઘરે આવતો ત્યારે પીનલ એનું સ્વાગત કરવાં દરવાજે અચૂક આવી પહોંચતી પણ પીનલને ના જોતાં અર્જુનને આશ્ચર્ય થયું.
"ક્યાં ગઈ મારી વ્હાલી..? "આટલું બોલતાં અર્જુન દરવાજા તરફ આગળ વધ્યો.. અર્જુને દરવાજે નોક કરવાં જેવો હાથ દરવાજે અડાવ્યો ત્યારે એનાં અચરજ વચ્ચે દરવાજો અંદરથી ખુલ્લો હતો.
ઘરમાં પ્રવેશતાં જ અંદરની સ્થિતિને જોઈ અર્જુનનાં હૈયે ફાળ પડી.. ઘરનો બધો સામાન અસ્ત-વ્યસ્ત પડ્યો હતો અને કોઈ ઘરમાં નજરે નહોતું પડી રહ્યું.
"પીનલ.. પીનલ.. "મોટેથી બોલતો અર્જુન ઘરમાં આમ-તેમ પીનલને શોધવા લાગ્યો.. નક્કી અહીં કંઈક મોટી ઘટના બની હોવાનું અર્જુનને લાગી રહ્યું હતું. આ સ્થિતિ વચ્ચે પીનલ અને અભિમન્યુની ગેરહાજરી અર્જુનને ખટકી રહી હતી.
પીનલને શોધતો-શોધતો અર્જુન જેવો રસોડામાં પહોંચ્યો એ સાથે જ એની નજર રસોડાનાં ફર્શ પર પડેલી પીનલ પર પડી.. પીનલને જોઈને લાગતું હતું કે એ ભાનમાં નથી અથવા તો જીવિત નથી.
"પીનલ.. . "પોતાનાં પ્રાણથી અધિક વ્હાલી પત્નીને આ હાલતમાં જોઈ અર્જુન હાંફળો-ફાંફળો બની પીનલ તરફ અગ્રેસર થયો.
******
વધુ આવતાં ભાગમાં.
વેમ્પાયર પરિવારનાં બચેલાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે..? ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી..? આગામી સમય શું નવું રહસ્ય લઈને આવવાનો હતો.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન. આર. પટેલ (શિવાય)
***