મેહમૂદ
વાત ૧૯૬૦ ની છે. દો બીઘા જમીન, સી આઈ ડી,પરવરીશ અને પ્યાસા જેવી ફિલ્મોથી અભિનેતા તરીકે મેહમૂદનું નામ જાણીતું થઇ ગયું હતું. પિતા મુમતાઝ અલીએ લખેલી સ્ક્રીપ્ટ પર ૨૮ વર્ષના મેહમૂદે ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું હતું.ફિલ્મ હતી “છોટે નવાબ”. મેહમૂદે એસ.ડી.બર્મનના ઘરે જઈને તેમને સંગીતકાર તરીકે કરારબધ્ધ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.બર્મન દા પાસે ત્યારે ઢગલાબંધ કામ હતું એક પણ તારીખ આપી શકાય તેમ નહોતી.બર્મન દા પોતાની તકલીફ કહી રહ્યા હતા ત્યારે અંદરના રૂમમાંથી લયબધ્ધ વાગતા તબલાનો અવાજ મેહમૂદના કાને અથડાયો હતો. “દાદા યે કૌન બજા રહા હૈ ?” મેહમૂદે પૂછ્યું હતું. “મેરા બેટા પંચમ બજા રહા હૈ”.બર્મન દા એ જવાબ આપ્યો હતો. તે જ ઘડી એ મેહમૂદે ખુશીથી ઉછળીને કહ્યું હતું. “મુઝે મેરા મ્યુઝીક ડીરેક્ટર મિલ ગયા”. આમ પંચમ એટલેકે આર ડી ને “છોટે નવાબ” ના સંગીતકાર તરીકે પ્રથમ બ્રેક મળી ગયો હતો.ત્યાર બાદ “ભૂત બંગલા”માં પણ મેહમૂદે આર.ડી.બર્મનને જ લીધા હતા.
વાત મેહમૂદના સંઘર્ષના દિવસોની છે.અચાનક બી આર ચોપરાએ મેહમૂદને એક ફિલ્મ માટે સાઈન કર્યો હતો. ફિલ્મનું શૂટિંગ શરુ થાય તે પહેલાં મેહમૂદને ખબર પડી કે બી આર ચોપરાએ મીના કુમારીની ભલામણને કારણે જ રોલ આપ્યો છે.મેહમૂદે બી.આર.ચોપરાને કહી દીધું હતું “સર, મૈ આપકી યે ફિલ્મ નહિ કર શકતા” આમ મેહમૂદે તે ફિલ્મ એક ઝાટકે છોડી દીધી હતી. મેહમૂદ પહેલેથી જ આત્મ સન્માનમાં જબરદસ્ત માનતો હતો. સંઘર્ષના એ આકરા દિવસોમાં પણ મહેમૂદને પોતાની અભિનયક્ષમતા પર કેટલો બધો આત્મવિશ્વાસ હતો તેનો ખ્યાલ આ પ્રસંગ પરથી આવે છે.
મેહમૂદનો જન્મ તા.૨૯/૯/૧૯૩૨ ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા મુમતાઝઅલી સારા ડાન્સ ડીરેક્ટર અને એક્ટર હતા.પિતા સાથે સ્ટુડિયોમાં કાયમ જતો દસ વર્ષનો તોફાની બાળક મેહમૂદ અશોક કુમારના ધ્યાનમાં આવી ગયો હતો.આમ “કિસ્મત” માં અશોકુમારના બાળપણનો રોલ મેહમૂદની કિસ્મતમાં હતો તેથી અચાનક મળી ગયો હતો.
આઠ ભાઈ બહેનોનું બહોળું કુટુંબ અને પિતાની મર્યાદિત આવકને કારણે કિશોરાવસ્થામાં મેહમૂદે લોકલ ટ્રેનમાં ડબ્બે ડબ્બે ફરીને કાંસકા પણ વેચ્યા છે. પી.એલ.સંતોષીના ડ્રાયવર તરીકે પણ તેણે ખાસ્સો સમય સુધી નોકરી કરી હતી. ક્યારેક તે મીનાકુમારીને ટેનીસ શીખવાડવા માટે પણ જતો. થોડા વર્ષો બાદ નામ અને દામ કમાયા બાદ મીના કુમારીની નાની બહેન મધુ સાથે મહેમૂદે લગ્ન કર્યા હતા.
ગુરુદત્તનું ફૂલ સાઈઝનું પોસ્ટર મેહમૂદના બેડરૂમમાં હમેશા જોવા મળતું કારણકે તેના સંઘર્ષના દિવસોમાં ગુરુદત્તની “સી આઈ ડી” અને “પ્યાસા” એ જ તેની ઓળખ બનાવી હતી. જોકે ૧૯૫૮ માં રીલીઝ થયેલી રાજ કપૂર સાથેની “પરવરીશ” પણ મેહેમૂદને ખૂબ ફળી હતી.”સસુરાલ”, “જીદ્દી” તથા “લવ ઇન ટોકિયો” જેવી ફિલ્મોમાં મહેમૂદની જોડી શોભા ખોટે સાથે સારી જામી હતી. તે દિવસોમાં મેહમૂદને હીરો જેટલું જ વેઈટેજ મળતું હતું અને પૈસા તો હીરો કરતા પણ વધારે મળતા હતા. મેહમૂદના કોમેડી દ્રશ્યો મોટાભાગની ફિલ્મોના અનિવાર્ય અંગ બની ગયા હતા.અરુણા ઈરાની સાથે મહેમૂદે કેટલીય ફિલ્મોમાં કોમેડી કરીને દર્શકોના મન જીતી લીધા હતા. મેહમૂદની હોમ પ્રોડક્શનમાં બનેલી ફિલ્મોમાં પડોશન, બોમ્બે ટુ ગોઆ, કુંવારા બાપ,સબ સે બડા રૂપૈયા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. “મૈ સુંદર હું” મેહમૂદના બેનરની નહોતી છતાં આખી ફિલ્મનો ભાર તેના પર જ હતો. એ વાત તો ખૂબ જાણીતી છે કે અમિતાભ બચ્ચનના સંઘર્ષના દિવસોમાં જયારે તેની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી ત્યારે “બોમ્બે ટુ ગોઆ” માં અરુણા ઈરાનીને મુખ્ય હિરોઈન બનાવીને સામે હીરોના રોલ માટે અમિતાભની પસંદગી કરવામાં આવી હતી. જેનું મુખ્ય કારણ મેહમૂદના ભાઈ અનવરઅલી સાથે અમિતાભને “સાત હિન્દુસ્તાની” સમયે સારી દોસ્તી થઇ ગઈ હતી..
બહુ ઓછા લોકોને ખબર છે કે મેહમૂદે અનેક વાર અંબાજીના દર્શન કર્યા છે. પોતાની ફિલ્મ નિર્માણ કંપનીનું નામ તિરુપતિ પિક્ચર્સ રાખ્યું હતું. મોટાભાગની ફિલ્મોમાં તેનું નામ મહેશ જ રહેતું...જે શંકર ભગવાનનું જ એક નામ છે. “કુંવારા બાપ” માં પોલીયોથી પીડાતા દીકરા માટે મેહમૂદને પ્રાર્થના કરતા બતાવવાનું માત્ર દસ સેકન્ડનું એક દ્રશ્ય જ લેવાનું નક્કી થયું હતું પણ મેહમૂદે આખું ગીત એડ કરાવ્યું હતું...કિશોર કુમારના કંઠે ગવાયેલું તે ગીત એટલે “ઓ ભોલેનાથ..જય હો પ્રભુ સબસે જગત મેં ઉંચા હૈ તુ ”.તે ગીતના ફિલ્માંકન સમયે મેહમૂદની આંખમાં પોતાના પોલીયોગ્રસ્ત દીકરા મૈકી પ્રત્યેનો વાત્સલ્ય ભાવ સ્વાભાવિક રીતે જ ઉભરી આવતો જોવા મળે છે. “કુંવારા બાપ” માં મેહમૂદના પિતા મુમતાઝઅલી પણ મહત્વની ભૂમિકામાં હતા.આમ દર્શકોને ત્રણ પેઢીનો અભિનય એક જ ફિલ્મમાં જોવા મળ્યો હતો. કોમેડી કરવામાં માહેર મેહમૂદે “કુંવારાબાપ” માં કોમેડીની સાથે ભાવુક દ્રશ્યો અદભૂત રીતે ભજવીને દર્શકોની આંખ ભીની કરી દીધી હતી. લગભગ ચાર દાયકાની લાંબી કરિયરમાં અઢીસો કરતા પણ વધારે ફિલ્મોમાં અભિનય કરનાર મેહમૂદની સફળ ફિલ્મોનું લીસ્ટ અતિશય લાંબુ છે.
સીનેજગતમાં અઢળક નામ અને દામ કમાનાર મેહમૂદ પાસે ૧૯૯૦ નાં દસકમાં કોઈજ કામ નહોતું. આખરે ૧૯૯૪ માં(જે નિર્માતા પી.એલ.સંતોષીના ડ્રાયવર તરીકે યુવાનીમાં મેહમૂદે નોકરી કરી હતી તેમના જ પુત્ર) રાજકુમાર સંતોષીએ મેહમૂદનો હાથ પકડયો હતો. સલમાનખાન અને આમીરખાનને લઈને તેમણે કોમેડી ફિલ્મ બનાવી હતી. તે ફિલ્મ એટલે “અંદાઝ અપના અપના” જે મેહમૂદની છેલ્લી ફિલ્મ હતી. “ભાઈજાન” તરીકે ઓળખાતા એક્ટર,ડીરેક્ટર અને પ્રોડયુસર મેહમૂદનું અવસાન તા. ૨૩/૭/૨૦૦૪ ના રોજ થયું હતું.
સમાપ્ત