અંત પ્રતીતિ
નીતા કોટેચા
(૫)
અણધારી વિદાય
સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. નિયત સમય મુજબ સિક્કો ઉછળે અને જમીન પર પડે ત્યારે જ વાસ્તવિકતા સામે આવે.
એક દિવસ ઓચિંતાનો સવિતાબહેનનો ધ્વનિને ફોન આવ્યો. “ધ્વનિ, તારા પપ્પાને હાર્ટએટેક આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, તો જલ્દી આવી જા.” ધ્વનિએ ફોન મૂકીને રડતાં રડતાં ઉષાબહેનને વાત કરી. ઉષાબહેને તરત જ ડ્રાઈવરને બૂમ પાડી, કાર કઢાવી. ધ્વનિને લઈને તેઓ અને મીનાક્ષીભાભી હોસ્પિટલમાં રવાના થયાં. રસ્તામાં મોબાઈલથી એમણે મનસુખરાય અને મનોજને સમાચાર આપ્યાં. તેઓ પણ તરત જ હોસ્પિટલમાં પહોંચી ગયાં. નવનીતરાયને બચાવવાની ભરપૂર કોશિશ થઈ રહી હતી. બધા સવિતાબહેન અને ધ્વનિને સાંત્વના આપતાં હતાં. થોડીવારમાં ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા, “માફ કરજો, પણ હવે એમને બચાવી શકવાનો કોઈ રસ્તો મારી પાસે રહ્યો નથી. બધા એમને મળી લ્યો.” ધ્વનિ અને સવિતાબહેન રડી પડ્યાં... ત્યારે મનસુખરાયે એમને સમજાવીને કહ્યું, “જુઓ, આપણને ડોક્ટરે કહ્યું છે, એ આપણે યાદ રાખવાનું છે. હમણાં એમની સામે જરા પણ કલ્પાંત ન કરો. એમને કંઈ કહેવું હશે તો પણ તેઓ નહીં કહી શકે.” એમની વાત સવિતાબહેન અને ધ્વનિને સાચી લાગી. બંનેએ કાળજુ કઠણ કર્યું, અંદર રૂમમાં નવનીતરાય પાસે ગયાં. નવનીતરાયનો શ્વાસ જોરજોરથી ચાલતો હતો. નવનીતરાયને ઘણું બધું કહેવું હતું, પણ તેઓ બોલી ન શક્યા. એમણે આંખના ઈશારાથી મનસુખરાય અને ઉષાબહેનને પોતાની પાસે બોલાવ્યા. પછી ધ્વનિનો હાથ એમના હાથમાં સોંપ્યો... મનસુખરાય સમજી ગયા અને તરત જ કહ્યું, “તમે જરા પણ ચિંતા ન કરશો. ધ્વનિ અમારી જ દીકરી છે. અમે એની આંખમાં કદી પણ આંસુ આવવા નહીં દઈએ. આ અમારા બંનેનું વચન છે.”
પછી નવનીતરાયે મનોજને ઈશારાથી પોતાની પાસે બોલાવ્યો... અને સવિતાબહેનનો હાથ એના હાથમાં આપ્યો. મનસુખરાયે તરત જ મનોજનો ખભો દબાવ્યો અને ઈશારાથી બોલવા કહ્યું. મનોજ તરત જ બોલ્યો, “પપ્પા, તમે ચિંતા ન કરશો. મમ્મી હવે મારી જવાબદારી છે. હું એમની ખૂબ સંભાળ રાખીશ.” આટલું સાંભળીને બસ.... નવનીતરાયે પોતાનો છેલ્લો શ્વાસ લીધો અને હંમેશ માટે શાંત થઈ ગયા. હવે ધ્વનિ અને સવિતાબહેનને સંભાળવા મુશ્કેલ થઈ ગયા હતા. કોઈને ક્યાં ખબર હતી કે એક દિવસમાં આમ અચાનક નવનીતરાય ચાલ્યા જશે.
ધ્વનિ અને સવિતાબહેનને શાંત પાડીને, મનસુખરાયે પોતાની પત્ની અને ભાભી સાથે બધાને નવનીતરાયના ઘરે રવાના કર્યા. મનોજ એમને મૂકીને પાછો હોસ્પિટલમાં આવ્યો. બધા પેપર પર સાઈન કરીને નવનીતરાયના દેહને ઘરે લઈ આવ્યા. બધા સગાઓને મનોજે ફોન કરી દીધા હતાં. એક કલાકમાં તો તેમના સમાજમાં ખબર ફેલાઈ ગઈ હતી કે નવનીતરાયનું અવસાન થયું છે. ઓફિસનો સ્ટાફ, નાતના જ્ઞાતિજનો, ઘરના સગાંસ્નેહીઓ બધા જ આવી પહોંચ્યા હતાં. થોડા સમય બાદ તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે સવિતાબહેન અને ધ્વનિની આંખમાં આંસુ રોકાતા નહોતા પણ તેમનું રુદન જોઈને ત્યાંના લોકોના હૈયામાં ભારે શોક છવાઈ ગયો હતો.
નવનીતરાયની અંતિમ ક્રિયા મનોજે કરી. તેણે ખરેખર એક દીકરાની ભૂમિકા ભજવી. થોડા જ સમયમાં નવનીતરાયનો દેહ પંચ મહાભૂતમાં ભળી ગયો. તેઓ લાંબી અમર યાત્રાએ જતા રહ્યાં. નવનીતરાયની ચિત્તા ઠંડી પડતાં, તેમના અસ્થિ એક હાંડીમાં લઈને મનોજ, મનસુખરાય, અવિનાશભાઈ, સમીર, ધવલ બધા જ ઘરે આવવા નીકળ્યા. તેમને અસ્થિ લઈને આવતાં જોઈને સવિતાબહેન વધુ કલ્પાંત કરવા લાગ્યા. તેમનો સાથ જીવનના પથ પર છૂટી ગયો. આ વિશાળ જગતમાં પોતે એકલા પડી ગયા. પોતાનું કોઈ ના રહ્યું... એમ વિચારીને તેમની જૂની યાદોને યાદ કરીને રડતાં હતાં. તેમની વેદના તેમના ચહેરા પર સાફ દેખાતી હતી. ઉષાબહેન, મીનાક્ષીભાભીએ સવિતાબહેનને ખૂબ જ સાંત્વના આપીને શાંત કર્યા.
બધાના ગયા પછી મનસુખરાય અને ઉષાબહેન સવિતાબહેન પાસે આવ્યાં અને હાથ જોડીને કહ્યું, “અમને ખૂબ જ દુઃખ છે. ધાર્યું ન હતું આમ નવનીતશેઠ છોડીને ચાલ્યા જશે. પણ અમે બધા તમારી સાથે છીએ. તમે જરા પણ ફીકર ન કરતાં.” તેઓ મનોજ, ધ્વનિ અને બાળકોને સવિતાબહેન પાસે જ મૂકીને ગયા જેથી સવિતાબહેને એકલું ન લાગે.
મનસુખરાયે બંને બાળકોને વ્હાલ કર્યું. ધ્વનિ સમજતી હતી કે મનસુખરાય માટે બાળકોની જુદાઈ બહુ તકલીફરૂપ હતી. પણ મમ્મી પાસે રહેવું પણ જરૂરી હતું. બધાના ગયા પછી બંને મા-દીકરીને જૂના દિવસો યાદ આવ્યાં... બંને ખૂબ રડ્યા. પપ્પા વગરનું ઘર જાણે સૂનું લાગતું હતું. કોઈ વ્યક્તિ બહાર ગઈ હોય તો એની રાહ જોવાય પણ નવનીતરાયના આવવાની કોઈ આશા નહોતી રાખવાની.
સવિતાબહેને આખી રાત પડખા ફેરવવામાં વિતાવી. રોજ રાતના સવિતાબહેન અને નવનીતરાય બાલ્કનીમાં બેસતા. રોજ રાતના કોફી નવનીતરાય બનાવતા પણ આજે કોઈએ કોફી બનાવી નહીં અને સવિતાબહેને પીધી નહીં. એમની આંખના આંસુ સુકાતા ન હતાં. પણ એમણે વિચાર્યું કે કેટલું પણ રડીશ પણ હવે જે વ્યક્તિ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે એ ક્યાંથી પાછા આવશે? બધી જ ખબર હોવા છતાં પણ એમનાથી નવનીતરાયની જુદાઈ સહન નહોતી થતી. મનમાં ને મનમાં તેઓ નવનીતરાય સાથે વાતો કરતાં હતાં. પણ ત્યાં કોઈ જવાબ મળવાનો ન હતો. બધી વાતો દિવાલ સાથે અથડાઈને પાછી ફરતી હતી.
ત્રણ દિવસ પછી બેસણું રાખવામાં આવ્યું હતું. તેમાં તેમના બિઝનેસ વર્ગના બધા જ મિત્રો, હરીફો, સગા સ્નેહીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યાં હતાં. લોકોનો તેમના પ્રતિ આટલો બધો સ્નેહ જોઈને ઘરના બધા ભાવુક થઈ ગયા. ધીરે ધીરે સવિતાબહેન અને ધ્વનિ રોજની જિંદગીમાં ગોઠવાયા. સવિતાબહેનને ગળે કોળિયો ઉતરતો જ નહોતો. ધ્વનિ અને મનોજ તેમને ખૂબ સમજાવતાં, ત્યારે માંડ બે-ત્રણ કોળિયા તેઓ ભરતાં. દરરોજ રાત્રે મનસુખરાય અને ઉષાબહેન તેમને મળવા આવતાં અને તેમની સાથે વાતચીત કરીને દિલાસો આપતાં. નવનીતરાયના મૃત્યુને થોડા દિવસ વીતી ગયા પછી બધા ભેગા મળીને તેમના બિઝનેસનું શું કરવું? તેની પર ચર્ચા કરી. મનસુખરાય કહેતા હતા કે ધ્વનિ ખુદ ભણેલી છે તો તે તેમનો બિઝનેસ સંભાળે... પણ ધ્વનિએ ના પાડતાં કહ્યું કે બાળકો નાના છે તેથી હમણાં એ બધું નહીં સાચવી શકે. મનોજને તો આમ પણ પોતાનો બિઝનેસ હતો જ તેથી આ જવાબદારી ઉઠાવી શકવા માટે સમય ન હતો અને મનસુખરાયની પણ હવે ઉંમર થઈ હતી. તેથી બધાએ નક્કી કર્યું કે ધંધો સમેટી લેવો. તે પણ તરત તો થવાનું શક્ય ન હતું... તેથી મનોજ તેના પર ધ્યાન રાખે પછી ધીરે ધીરે ધંધો સમેટી લેવો.
આમ ને આમ બીજા થોડા દિવસ વીતી ગયાં. હવે સવિતાબહેને વિચાર્યું કે ધ્વનિને કેટલા દિવસ રોકાવાય? હવે પોતે જ મજબુત થવું પડશે. બાળકોને મૂકીને જતી વખતે મનસુખરાયનો ચહેરો યાદ આવી ગયો. સવારે એમણે સામેથી ધ્વનિને કહ્યું, “હવે તું ઘરે જા. બેટા, તારા સાસરાવાળા તો ઘણા સારા છે. પણ એમના સારપનો ફાયદો ન ઉઠાવાય. એ લોકો કોઈ દિવસ સામેથી નહીં કહે કે ધ્વનિ ઘરે આવી જા.” ધ્વનિને પણ ઈચ્છા નહોતી મમ્મીને એકલા મૂકીને જવાની.. પણ એને પણ સમજાતું હતું કે કેટલા દિવસ ઘર મૂકીને રહી શકાશે? એણે સામેથી ઉષાબહેનને ફોન કર્યો, બધી વાત કરી. ઉષાબહેને કહ્યું, ”ભલે, બેટા... હું સાંજે આવું છું તને લેવા.” ઉષાબહેને સાંજે સવિતાબહેનના ઘરેથી નીકળતી વખતે પાછું કહ્યું, “સવિતાબહેન, ક્યારે પણ પોતાને એકલા ન સમજતાં. અમે તો આવ જાવ કરીશું. પરંતુ તમે પણ મન થાય ત્યારે ઘરે આવી જજો.” સવિતાબહેને એમનો ઉપકાર માન્યો.
એમના ગયા પછી સવિતાબહેન એકલા પડ્યાં. મન ભરીને નવનીતરાયના ફોટા સામે જોઈને રડી લીધું. એમને ખબર હતી કે આ દુઃખમાંથી એમણે પોતે જ બહાર આવવું પડશે. બીજે દિવસે સવારે તે રસોડામાં ગયાં. રોજ તો નવનીતરાયની માંગ રહેતી કે આ બનાવ અને તે બનાવ. સવિતાબહેન ક્યારેક કહેતા, “બે જણ માટે આટલું બધું બનાવવાનો કંટાળો આવે છે.” તો નવનીતરાય હંમેશા કહેતા, “સવિતા, આજે તો હું છું. પણ કાલે મને કંઈ થઈ જાય અને તું એકલી પડી જાય, તો શું જમીશ નહીં? પછી તો તારે તારી એકલી માટે રાંધવાનું રહેશે... અને જો મારા ગયા પછી તું રાંધીશ નહીં અને જમીશ નહીં, તો હું જ્યાં પણ હોઈશ ત્યાં મને દુઃખ થશે તે યાદ રાખજે.” એ વાત સવિતાબહેનને યાદ આવી. આંખોમાં અશ્રુ સાથે એમણે જમવાનું બનાવવાની શરૂઆત કરી, ત્યાં તો ધ્વનના ઘરે રસોઈનું કામ કરનાર ગીતામાસી આવ્યાં.
મનસુખરાય અને ઉષાબહેનનો આ નિર્ણય હતો કે ગીતમાસીને સવિતાબહેન પાસે રાખવા. એમણે ગીતામાસીને કહ્યું હતું કે હવે તેમણે સવિતાબહેન સાથે જ ત્યાં જ ઘરમાં રહેવાનું છે. અને અહીં કામ કરવા માટે એમની બહેન સીતામાસીને બોલાવી દેશે. સવિતાબહેન આ બધું જાણીને ખૂબ જ ગળગળા થઈ ગયાં. અને એમને થયું કે ખરેખર મનસુખરાય અને ઉષાબહેન જેવા વેવાઈ પામીને તેઓ ધન્ય થઈ ગયા છે... આટલું બધું ધ્યાન તો પોતાના સગા પણ ન રાખે. ગીતામાસીએ ઘરનું બધું જ કામ સરસ રીતે સંભાળી લીધું હતું અને એમને પણ ધર્મમાં ખૂબ જ રૂચી હતી તેથી નવરાશની પળોમાં બંને જણા સત્સંગ પણ કરતાં હતાં. અવાર નવાર મનોજ અને ધ્વનિ બાળકોને લઈને સવિતાબહેન પાસે આવતાં હતાં... અને ઉષાબહેન પણ કોઈ ને કોઈ બહાનું કરીને સવિતાબહેનને ઘરે બોલાવતાં.
બાળકોના ઘરે આવી જવાથી મનસુખરાય પાછા આનંદમાં આવી ગયાં હતાં. ઉષાબહેને ધ્વનિને કહ્યું, “તમારા અને બાળકો વગર તો ઘર સૂનું થઈ ગયું હતું.” મનસુખરાય અને મનોજે મળીને નવનીતરાયની બાકી રહેલી ઉઘરાણી પતાવી. ધંધો સમેટ્યો. બધી મૂડી બેંકમાં રાખી જેનાથી સવિતાબહેનને દર મહિને વ્યાજ મળતું રહે.
એક દિવસ મનસુખરાય અને ઉષાબહેન સવિતાબહેનને મળવા આવ્યા, બધા શાંતિથી બેઠા પછી મનસુખરાયરાયે વાતની શરૂઆત કરતાં કહ્યું, “સવિતાબહેન, હવે બધું બરાબર ચાલે છે ને? જુઓ, નવનીતરાય ગયાને બે મહિના જેવો સમય વીતી ગયો છે. તમે ક્યાં સુધી એકલા ઘરમાં બેસી રહેશો? એના કરતાં તમે દેરાસર જતાં આવતાં થાવ, અપાસરામાં સાધ્વીજીઓનો સત્સંગ કરો, ધર્મનું થોડું પારાયણ કરો તો તમારો પણ સમય પસાર થાય, જનારા તો જતા રહ્યાં છે. તેમની યાદો કદી પણ દિલમાંથી કે ઘરમાંથી નથી જવાની... પણ આપણે એ જ બધી યાદોમાં ઘેરાયેલા રહેશું તો જીવન પણ મુશ્કેલ થઈ જશે. સવિતાબહેન, આ દિવાળી પર આપણે આખા પરિવાર સાથે મહુડી, શંખેશ્વર, પાલિતાણાની યાત્રાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તેમાં તમારે પણ આવવાનું છે અને હું તમારી ના સાંભળવાનો પણ નથી.” સવિતાબહેને કહ્યું, “અરે, પણ હું કેવી રીતે બહાર નીકળી શકું?” મનસુખરાય બોલ્યાં, “કેવી રીતે બહાર નીકળી શકો? એટલે તમારા પગે ચાલીને બહાર નીકળો.” તેમનો આ જવાબ સાંભળીને ત્રણેય જણા હસી પડ્યાં. થોડી આનાકાની પછી સવિતાબહેન તેમની સાથે જવા માટે સંમત થયાં. થોડીવાર વાતોચીતો કરી, ચા નાસ્તો કર્યા અને પછી તેઓ જવા રવાના થયાં.
***