"શુ કહ્યું?" ફોન મુકતા જ તરત સમીર બોલી પડ્યો, "આશ્રમમાંથી હતો?"
"હા આશ્રમમાંથી જ હતો અજય મહારાજનો. એ હિસ્સો આપવા તૈયાર છે." પહેલીવાર એજન્ટ કઈક ઉત્સાહમાં બોલ્યા.
“એ કોણ છે?” રુદ્રસિહે પૂછ્યું.
“એ આચાર્યનો મુખ્ય ચેલો છે.”
"પણ વગર કોઈ પ્રુફ એ શું કામ તૈયાર થાય?" મનુએ વચ્ચે સવાલ કર્યો.
"વગર કોઈ કારણે કોઈને તૈયાર કઈ રીતે કરવો એ મારો વિષય છે મનું. ટોમને ધોળા દિવસે આશ્રમમાં મુકવાનું ભયાનક જોખમ મેં કેમ લીધું હશે? એ લોકો ફફડી જાય જો કોઈ રૂબરૂ આવીને ધોળા દિવસે આમ બ્લેકમેઇલિંગનો લેટર આપે તો. ધારો કે હમણાં કોઈ અહીં આવે અને એવો ધમકી કે બ્લેકમેઇલિંગનો લેટર આપે તો શું આપણા બધાના હાંજા ગગડી ન જાય? એ માણસ કોણ હશે? એની પાછળ એવો શુ પાવર હશે કે એ એકલો જ આપણા અડ્ડા ઉપર આવ્યો એ બધા સવાલથી જ માણસ છળી મરે."
"એક્સેલેન્ટ બોસ એક્સેલેન્ટ." દીપ બબડયો અને તાળી ઠોકી દીધી. મનુ સહિત બધાને એ વાત હવે સમજાઈ. ટોમે છાતી ટટ્ટાર કરીને ટ્રીસ સામે જોયું અને હળવેકથી કાનમાં કહ્યું, "આવો ડેરિંગબાજ બીજો નહિ મળે કહું છું આવતા મહિને હાથ પીળા કરી નાખ."
પણ ટ્રીસે એની વાત સાંભળી જ ન હોય એમ એજન્ટને કહ્યું, "બટ સર તમને સો ટકા ખાતરી છે એ માંડવાલી કરશે?"
"યસ માય ચાઈલ્ડ." કહીને એજન્ટ ટોમની ગુસ પૂસ સાંભળી હોય એમ ઉમેર્યું, "આ કોઈ પ્યાર મહોબત નથી કે એક વાર પ્રપોઝ કરીએ અને સામેવાળો છોકરીની જેમ ઇનકાર કરે. આ તો બારુદનો ઢેર છે અહી એક ભૂલ થાય એટલે સીધો જ ધડાકો."
આ સાંભળીને ટોમ ક્યાં છે એ ભૂલીને ખડખડાટ હસી પડ્યો, "એજન્ટ તમે તો મશ્કરી પણ કરો છો." કહીને એણે ટ્રીસને કોણી મારી, "જો એજન્ટ પણ કહે છે કે હવે તું વધારે ભાવ ખાય છે."
"એ બધું પછી ટોમ." એજન્ટ ફરી ગંભીર થઈને બોલ્યા, "સવાલ તો એ છે કે હવે આ બધાને પકડવા કઈ રીતે? આપણે ક્યાં ખરેખર માંડવાલી કરવી છે. જોકે મેં એને બરાબર ફફડાવ્યો છે. એને પણ ખબર તો પડી જ ગઈ હશે કે આપણે જે કોઈ પણ છીએ તે એમ સમજીએ છીએ કે આ બધું કરવાવાળો આચાર્ય છે એટલે એને ડર ન હતો પણ એણે જેવું કહ્યું કે આશ્રમથી હું અજય બોલું છું એટલે તરત મેં કહ્યું કે હું તમારી જ રાહ જોતો હતો. પછી એણે જ્યારે એમ કહ્યું કે હું એકલો નથી એટલે વીસ ટકા નહિ આપી શકું ત્યારે મેં અંધારામાં તીર ચલાવી લીધું એ તો મને પણ ખબર છે તું એકલો નથી. કારણ આવા કામ કઈ એકલા હાથે ન જ થાય એ તો સ્વભાવિક છે. પણ જે રીતે ટોમ લેટર લઈને ગયો અને જે રીતે અનુપ સોનિયા એ બધા વિશે મેં એને વિગત આપી હતી એ લેટર વાંચીને એ એમ જ સમજ્યો હશે કે જેમ આશ્રમ સુધી આ માણસે પગેરું કાઢ્યું છે તેમ અસલી કરતા હરતા આચાર્ય નહિ પણ અજય છે એ પણ જાણી લીધું હશે."
બધા એજન્ટ એ’ને સાંભળી રહ્યા.
"અને છેલ્લે બે શબ્દો કહીને મેં એના હૃદય ઉપર હાથીનો પગ મૂક્યો છે." આદિત્ય મુશુકુરાયા.
"એ શું?" સરફરાઝ બોલ્યો.
"વિજયી ભવ..."
એ સાંભળીને સમીર અને સરફરાઝ બંને એ એકબીજા સામે જોઇને સ્મિત વેર્યું.
"હવે તમે બધા આજનો દિવસ અહીં રહો હું, રુદ્ર અને મનું ત્રણેય દિલ્હી જઈએ છીએ. આગળનો પ્લાન પછી સમજાવીશ." કહીને એજન્ટ, રુદ્રસિંહ અને મનું એજન્ટ હાઉસ બહાર નીકળ્યા. થાર ગાડીમાં ત્રણેય બેઠા. ટોમને એરપોર્ટ સુધી મુકવા આવવા માટે સાથે લીધો અને રવાના થયા.
દિલ્હી જવાનું કારણ એ હતું કે અજય મહારાજ આટલા કામ એકલા હાથે કરે તે શક્ય નહોતું. જરૂર તેમાં મોટા માથા હોવા જોઈએ અથવા કમસેકમ પોલીસ તેમાં ભળેલી હોવી જોઈએ. એટલે પોલીસની મદદ લેવી જોખમી હતું.
*
રાઇન્સ અને માર્શલ આશ્રમમાં દાખલ થતાં જ ગાડીમાંથી ઉતર્યા. અને રીતસરના ભાગતા જ અંદર પ્રવેશ્યા.
"અજય મહારાજ..." ખંડમાં દાખલ થતાં જ રાઇન્સ અંગ્રેજીમાં બોલી ઉઠ્યો "અનુપ એન્ડ લંકેશ ઇઝ નો મોર."
"વોટ?" હમણાં જ ચંદ્રા સાથે લીલા કરીને આવેલા અજયના ચહેરા ઉપર નવાઈ ઉપસી આવી.
"યસ બોસ, હું નિધિની પાછળ ગયો હતો. એ જુહીના ઘરે ગઈ. ત્યાં અનુપ પહેલેથી જ જુહીના ઘરે હતો. પણ હું ગયો ત્યારે જુહી અને નિધિ ગાયબ હતા. દર્શન અનુપ અને લંકેશની ડેડબોડી પોલીસ લઈ જતી દેખાઈ." હંફાળા ફાંફાળા અવાજે એ બોલી ગયો.
"કુલ ડાઉન રાઇન્સ કુલ ડાઉન. અનુપ અને લંકેશ સાથે આપણે કોઈ સંબંધ નથી અને દર્શન તો પાગલ હતો."
"એટલે?"
"એટલે એમ કે પોલીસ તપાસમાં કઈ ઉખડવાનું નથી." અજયે એને કહ્યું અને બધાને ખંડ બહાર ધકેલી દીધા. પછી એણે ફોન ઘુમાવવા શરૂ કર્યા.
*
સી.બી.આઈ.ની બિલ્ડીંગ સામેના એરિયામાં મનું, રુદ્રસિંહ અને એજન્ટ એ હોટેલ અનુપમના બીજા મજલે રૂમમાં પુલાવ ખાઈ રહ્યા હતાં.
હાથ ધોઈ મો લૂછી મૂછો સરખી કરતા આદિત્યએ કોઈ નંબર ડાયલ કર્યો. ફોન સ્પીકર પર મુક્યો અને ટેબલ પર ગોઠવ્યો. થોડીવાર રિંગ વાગતી રહી.
"યસ પ્લીઝ." સામેથી અવાજ આવ્યો.
"કેમ છે દોસ્ત?"
"વુ આર યુ?" સર સાંભળવા ટેવાયેલા કાનને દોસ્ત શબ્દ અજુગતો લાગ્યો. નંબર પણ અજાણ્યો હતો એટલે સામેથી પ્રશ્ન પૂછાયો.
"અહીં નામ કહું કે પછી રૂબરૂ હોટેલ અનુપમના રૂમ નંબર 33માં મળે છે?"
"હોટેલ અનુપમ? યુ મીન સીબીઆઈ ઓફીસ સામેની બિલ્ડીંગમાં?" સામેથી આવતા અવાજમાં નવાઈ ભળતી બધાને સ્પસ્ટ દેખાઈ એટલે રુદ્ર્સીહ પણ મલક્યા.
"યસ માય ડિયર અને આ અવાજ તને જે ક્યાંક સાંભળેલો હોય તેવું લાગે છે ને એનો જવાબ પણ એ નાનકડી રૂમમાં મળી જશે." કહીને ફોન કટ કરી દીધો.
"રુદ્ર તું બક્ષીને તો ઓળખે છે ને?" ફોન કટ કરીને આદિત્યએ રુદ્રસિહને પૂછ્યું.
"બક્ષી એટલે આદિ પેલો બક્ષી જેની સામે તું બૉમ્બ ધડાકામાં શહીદ થયો હતો?" હવે રુદ્ર્સીહને સમજાયું સામેથી આવતો અવાજ પરિચિત કેમ લાગતો હતો.
"યસ એ જ બક્ષી અત્યારે દિલ્હીમાં છે. બહુ તરક્કી કરી છે. જોઈએ કેટલુંક કામ કરી શકે છે આપણું."
"પણ એ આમ ફોન માટે આવશે?"
"ન જ આવે ને! પણ જે માણસ ગુજરી ગયો હોય એનો અવાજ ફોન પર વર્ષો પછી સાંભળવા મળે તો એ જાસૂસનું મગજ ગોટાળે ચડે કે નહીં?"
"એટલે આ બક્ષી અંકલ એ જ ને જેમને લીલા દેસાઈ અને વિઠ્ઠલદાસના મર્ડર વખતે ત્યાં બોલાવ્યા હતા?" મનુએ બાળપણની મેમરી ઉપર જોર આપીને યાદ કર્યું.
"તું જ જોઈ લે ને..." કહીને આદિત્ય રૂમ બહાર ગયા અને હોટેલના કાઉન્ટર તરફ આંગળી કરી.
મનું અને રુદ્રસિંહે પણ પાછળ જઈને એ તરફ નજર કરી. શૂટ બુટ અને ટાઈમાં એક માણસ કાઉન્ટર ઉપર કશુંક પૂછતો હતો. રુદ્રસિંહ અને મનું બંને એને ઓળખી ગયા. એ મી. બક્ષી હતા.
મી. બક્ષી ૩૩માં દાખલ થયા એ સાથે જ એમના પગ જાણે જડ થઈ ગયા હોય એમ ઉભા રહી ગયા.
આ તો રુદ્રસિંહ છે. અને એની સાથે આ આદિત્ય જેવો કોણ? અને પછી ફોનમાં સાંભળેલો ઓળખીતો અવાજ યાદ આવતા જાણે કોઈએ ધક્કો માર્યો હોય એમ વૃદ્ધત્વને ધ્યાનમાં રાખ્યા વગર જ બક્ષી દોડ્યા.
"આદિત્ય? તું?" કહીને સીધા જ એ આદિત્યને ભેટી પડ્યા.”ઓહ માય ગોડ તું જીવે છે....!” બક્ષીના આશ્ચર્યનો કોઈ પાર ન હતો.
"હા હું... બક્ષી, કેમ મને જીવતો જોઈને ડઘાઈ ગયો કે?" આદિત્યના ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું.
"અરે કદાચ મરી જાઓત..! હૃદય બંધ પડી જાઓત..!" બક્ષીને જાણે શ્વાસ ચડી ગયો હોય એમ ખુરશીમાં બેઠા. પછી રુદ્રસિંહની અને મનુની હાજરીનો ખ્યાલ આવતા બંને સાથે ઔપચારિક વાત કરી.
"માય ગોડ આદિ યાર તું છે?" કહીને ફરી બક્ષી ઉભા થઈને એજન્ટ એને સ્પર્શી જોયા. ત્યારે મનુથી હસ્યા વિના રહેવાનું નહિ.
"અરે છોકરા તું હશે છે પણ આ માણસ વર્ષોથી મરેલો છે. આઈ ટેલ યુ મેં મારી નજરે વિસ્ફોટમાં એને મરતો જોયો છે. અને આજે આટલા વર્ષે..." ફરી અટકીને બક્ષી ખુરશીમાં બેસી ગયા. રૂમાલ કાઢીને એસી રૂમમાં પણ ચહેરો લૂછવો પડ્યો.
"વેલ બક્ષી એ બધું પછી સમજાવીશ. અત્યારે તારું કામ છે. કામ જરાક અઘરું છે."
"અઘરું ન હોય તો આદિત્ય મારી પાસે ઓછો આવે? પણ પહેલા મને એ કહે આ બધું છે શું?"
અદિત્યએ મી. બક્ષીને ઘણા સમજાવ્યા કે પછી કહીશ પણ એ નાના બાળકની માફક વાતને વળગી જ રહ્યા. આખરે ગેરેજમાં થયેલા ધમકામાં કોણ મર્યું અને એ વિસ્ફોટ કઈ રીતે થયો. એજન્ટ એ ખુદ જ આદિત્ય છે અને પછી એ કઈ રીતે ક્યાં જીવ્યા એ બધી જ વાત કરી.
"એટલે આદિ તું જ એજન્ટ એ હતો? આઈ મીન બધા ખૂન તું કરતો હતો?"
"એ લિટલ કરેક્શન... ખૂન નહિ બક્ષી હું ન્યાય તોળતો હતો."
"ઓહ વેલ ન્યાય પણ પેલી શુ નામ હતું..." કહીને બક્ષીએ મગજ ઉપર જોર આપીને યાદ કર્યું, "હા લીલા દેસાઈ અને પેલા દાસની બોડી. પછી ત્યાંથી મળી આવેલું રેકોર્ડિંગ એ બધું જ તે કર્યુ હતું અને મને ખબર જ ન પડી?" હજુ ય બક્ષીની આંખોમાં નવાઈ ડોકિયું કરતી હતી.
રુદ્રસિંહ ચા લઈ આવ્યા. બધાએ આડા અવળી વાતો કરી. આખરે બક્ષી સભાન થયા.
"બોલ એજન્ટ એ શું કામ કરવાનું છે?"
"પી.એમ. સાથે મિટિંગ કરવાની છે. મિટિંગ તો હું પણ કરી દઉં પણ એજ યુ નો હું મરેલો માણસ છું. એટલે તારે મિટિંગ કરવાની છે તારા જ નામે."
"એ તો સમજ્યો પણ કરવાનું શુ?"
"વેલ, સાંભળ એક આશ્રમ છે..." અદિત્યએ બક્ષીને દોઢ વર્ષના મિશનની રજે રજ વાત કરી.
"ઓહ આ તો મોટું રેકેટ છે યાર."
"યસ હવે જરા વિચાર અત્યારે ગુજરાતમાં ઇલેક્શન તો નજીક જ છે. પી.એમ. બીજા રાજ્યો તો હાર્યા છે."
"અરે યાર બુરી રિતે હાર્યા છે." બક્ષી વચ્ચે બોલી ઉઠ્યા.
"એટલે જ તો પલ્સ પોઇન્ટ છે ને. પી.એમ.ને તારે હું કહું એટલું સમજાવી દેવાનું છે." પછી અદિત્યએ બક્ષીને પ્લાન સમજાવ્યો.
"પણ આદિત્ય યાર એમાં સમય લાગશે."
"ઇટ્સ નોટ પોસીબલ. તારે હમણાં જ ઇમરજન્સી મિટિંગ કરીને મળવું પડશે અને આજે રાત્રે જ મારે એક ટિમ જોઈએ."
"પણ પી.એમ. અત્યારે વિદેશમાં છે. પેલો અક્કલ વગરનો અમેરિકી પ્રેસિડેન્ટ દિવસે ચાર દિવસે કોઈ પ્રોગ્રામ ગોઠવે છે. આખી દુનિયાના આગેવાનોને ઇનવાઈટ કરે છે. શુ કરીએ યાર એની પાસે ટેકનોલોજી છે ગરજના માર્યા જવું પડે."
બક્ષી વધારે રાજકારણમાં ઘૂસે એ પહેલાં જ અદિત્યએ કહ્યું, "એ બધું ઠીક છે તું ફોનથી બધું સમજાવી લે જે. અને જો એ ન માને તો મને કહે ત્યાં સુધી હું પ્લાન બી ઘડુ છું."
"ઠીક છે હું બનતી કોશિશ કરી જોઉં છું."
"વિજયી ભવ." અદિત્યએ કહ્યું એ સાથે બધા થોડાક હળવા બન્યા અને છુટા પડ્યા.
હોટેલથી નીકળીને ટેક્સી રોકી ત્રણેય એરપોર્ટ તરફ રવાના થયા. અને મી. બક્ષી સી.બી.આઈ. બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યા.
*
અજયે કરેલા ફોન કોલથી ડોકટર મનોહર, સી.એ. હરીશ, માફિયા રુસ્તમ અને નામચીન ગુંડો લીલાધર બધા આવી ગયા હતા. મુખ્ય બિલ્ડીંગમાં અજયના ખંડમાં મીટીંગ ગોઠવાઈ. અજયે બધાને અત્યાર સુધીની પરિસ્થિતિ સમજાવી પછી પોતાનો નિર્ણય કહેતો હોય એમ બોલ્યો.
"એને પંદર ટકા આપીને ભાગીદાર બનાવી લેવો એ એક જ રસ્તો છે હવે."
ઘડીભર કોઈ કશું બોલ્યું નહિ. પણ ડોક્ટર મનોહર પારાવાર અકળામણ અનુભવવા લાગ્યો. આખરે એણે કઈક વિચારીને મોઢું ખોલ્યું.
"સવાલ પંદર ટકાનો નથી પણ સવાલ એ છે કે આ બધું પગેરું એણે શોધ્યું કઈ રીતે હશે? એવા એની પાસે કેવા માણસો હશે?" ડોકટર વિચક્ષણ માણસ હતો. કિડનીનો એનો ધંધો હતો. આશ્રમમાં જે લાશો દટાઈ હતી એમાંથી ઘણાના અંગ એણે કાઢી લીધા હતા. રાઇન્સ અને મર્સલ એ અંગો અમેરિકા જેવા દેશમાં જરૂરિયાતવાળા કરોડપતિઓને વેંચતા હતાં. એ માટેની સુવિધા સરકારી અફસરો સાથે સાંઠગાંઠ પણ થયેલી જ હતી. એટલે જ ડોકટર આ વાત સાંભળીને હચમચી ગયો. એને એક સવાલ થતો હતો શુ કાળું પ્યારે આ બધું જાણતો હશે? અને નહિ જાણતો હોય તો જાણી લેશે પછી ટકાવારી વધારે માંગશે તો?
"પણ અજય જ્યારે એના બધા જ ધંધાઓ વિશે ખબર પડશે ત્યારે એ ટકાવારી વધારે નહિ માંગે?" ડોકટરે થોડીક વધારે સ્પસ્ટતા સાથે એ જ વાતને પ્રશ્ન તરીકે પૂછી.
"એનું મેં વિચારી લીધું છે. એને ચાર પાંચ મહિના ભાગ આપતા રહીશું. ત્યાં સુધી તમારું કામ બંધ રહેશે. અલબત્ત આશ્રમના હિસાબ ચાલુ રહેશે."
"અને પછી?"
"પછી એને વિશ્વાસ બેસી જશે એટલે એક દિવસ આવી જ રીતે એને મિટિંગમાં જ ખતમ કરવાનો રહેશે." અજયે ખંધાઈમાં હસીને કહ્યું.
"એ કામ મારુ." મારધાડની વાત ખૂન કરવાની વાત હોય એટલે રુસ્તમ જાણે મનપસંદ કામ હોય તેમ તરત બીડું ઝડપી લેતો.
"એ બધું પછી રુસ્તમ. અને મિટિંગમાં આપણે શક્ય એટલી માહિતી એની પાસેથી કઢાવી લઈશું. પણ કોઈએ એને પૂછવાનું નથી કે એણે બધું કઈ રીતે ભેદી રીતે આ પગેરું કાઢ્યું છે." અજય બધા સામે કઈક ખાસ મુદ્દો કહેતો હોય તેમ નજર ફેરવીને ઉમેર્યું, "કારણ કે એને પૂછવાથી આપણી હાર બેવડાઈ જાય."
"યસ." રુસ્તમ બોલ્યો, "એના ઉપર હવે સતત નવા માણસો વોચ રાખશે એટલે જેમ એણે પગેરું મેળવ્યું એમ આપણે પગેરું મેળવી જ લઈશું."
"શક્ય હશે તો એની મોત પછી એના માણસોને કોઈ પોલીસ કેસમાં પણ સંડોવી દઈશું." હરીશે સૂચન કર્યું પણ એ રુસ્તમને ગમ્યું નહિ કારણ એમાં એને કોઈનું કાસળ કાઢવાનો મોકો ન મળે. રુસ્તમ વિકૃત માણસ હતો એને ખૂન અને રેપ આ બે કામમાં કોઈ ગજબનો આનંદ મળતો. લીલાધર પણ એમાં બાકાત ન હતો. એ બંને એક થાળીમાં ખાનારા હતા. પણ રહેણી કરણી અને દેખાવ બંનેની છેક જ અલગ. રુસ્તમ પાતળો અને ઉંચો તેમજ શહેરી કપડા પહેરતો જયારે લીલાધર જાડો અને ઊંચાઈમાં રુસ્તમ કરતા નીચો હતો. એના પહેરવેશમાં ધોતી, પગમાં મોજડી, હાથમાં જાડું ચાંદીનું કડું અને પહેરણ તેમજ પહેરણ ઉપર ઉનાળા સિવાય દરેક સિઝનમાં કાળી જર્સી (સ્વેટર) પહેરીને જ રાખતો.
"પોલીસ ક્યાં જરૂરી છે? એને અહીં એક મિટિંગમાં પકડીશું ચાર પાંચ મહિના પછી અને બીજી તરફ આપણા માણસો એના માણસોને દબોચી લેશે." લીલાધર પણ રુસ્તમના ટેકામાં બોલ્યો.
"યસ પોલીસના લફરામાં આપણે પડવું નથી. વિમલા જેમ એના માણસોની લાશ મળી આવશે ક્યાંક પહાડીઓમાંથી. આપણા દેશમાં ક્યાં ખાસ તપાસ થાય છે? અને થાય છે તો એના પરિણામ ક્યાં આવે છે? અને આવે તો ય સબૂત ક્યાં મળવાના છે?" રુસ્તમના માર કાપનો શોખ એની બોલીમાં સ્પષ્ટ દેખાતો હતો.
"એ બધી પછીની વાત છે.” અજય આ લોકોની વાતથી જરા કંટાળ્યો હોય તેમ વાતને ફરી મુદ્દા પર લાવવા બોલ્યો, “અત્યારે તો એને એમ જ લાગવું જોઈએ કે હવે એ આપણો પાર્ટનર છે."
આ રીતે આ ખૂંખાર ગુંડાઓની ટીમે આયોજન ઘડ્યું. ત્યારે એમને ખબર ન હતી કે ચાર પાંચ મહિનાઓ પછી તો આ આશ્રમ કે એની બીજી કોઈ શાખા ક્યાંય રહેવાની નથી. પણ શિકારીને ક્યાં ખબર હોય છે કે ક્યારેક કોઈ શિકાર પાછળ ભાગતા શિકારીની આંખો એની પાછળ આવતા ભયાનક જોખમને જોઈ નથી શકતી. અનેક શિકાર કર્યા પછી શિકારી ભૂલી જાય છે શિકારી પણ ઘણીવાર શિકાર બને છે...!
*
"દેખો સાહેબ આવો મોકો ક્યારેય મળવાનો નથી. સી.બી.આઇ.એ આ લોકોને ઝડપયા છે. નજીકમાં જ ગુજરાતમાં ઇલેક્શન છે. બીજા રાજ્યોમાં આપણી કારમી હાર થઈ છે. જો તમે આની મંજુરી આપશો તો ગુજરાતભરમાં હાહાકાર થશે."
"એ તો ઠીક છે મી. બક્ષી પણ હું એમ એટલો ઝડપી નિર્ણય કઈ રીતે લઈ શકું?" વડાપ્રધાન અવઢવમાં હતા.
"એ તમારી સત્તામાં જ છે સર. પણ જસ્ટ ઈમેજીન. અત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષની સરકાર છે જ્યાં આવા ભયાનક કામ ચાલે છે. સી.બી.આઈ. જો આ પકડશે. આશ્રમમાંથી આવા ભયાનક ક્રિમિનલસ મળશે, હજારો આત્મહત્યાઓના ભેદ ઉકેલવાનું કામ કેન્દ્ર સરકારે પાર પાડ્યું છે એ જાણીને ગુજરાતની પ્રજા વાહ વાહ કરશે. અને અત્યારની વિરોધ પક્ષની સરકાર આંખ આડા કાન કરીને બેઠી હતી એવા મેસેજ આપણે ફેસબુક અને વોટ્સએપ ઉપર ફરતા કરી દઈશું. અરે સાહેબ તમે જ વિચારોને કેન્દ્ર સરકારની વાહ વાહ કરવા આપણે લેખકો ક્યાં નથી રાખ્યા? જેને જેને આપણે એવોર્ડ આપ્યા છે એ બધા લેખકો પાલતું કૂતરાની જેમ આપણે જેમ કહીશું એમ કરવાના છે. અરે એકાદ મહિનામાં તો એના ઉપર એક પુસ્તક પણ આવી જશે. ત્યારે ચાલુ રાજ્ય સરકાર ઉપર માછલા ધોવાશે. થું થું કરશે પ્રજા. અને પછી દોઢ બે મહિના પછીની ચૂંટણીમાં એક તરફી મતદાન થશે. એ ઇતિહાસ બનશે સર હિસ્ટ્રી." પોતાની વાકપટુતા અને બોલવાની હતી એટલી કારીગરી બક્ષીએ વડાપ્રધાન ચંદ્રકાંત શાહના કાનમાં ઠાલવી દીધી.
"ઓકે મી. બક્ષી પણ તમે કહો છો એમાનું ન થયું તો?"
"એવી કોઈ શક્યતાઓ નથી સાહેબ. અને છતાં માની લો કે એવું ન થયું તો આમેય આપણી સરકાર કેટલા દિવસની મહેમાન છે? બીજા રાજ્યોમાં જંગી બહુમતીથી વિપક્ષ જીત્યો જ છે ને. આ એક પ્રયત્ન આખા દેશમાં તમારી પ્રતિસ્થા બદલી શકે છે."
ઘડીભર સામેથી પી.એમ. કાઈ બોલ્યા નહિ એટલે બક્ષીએ જ કહ્યું, “જસ્ટ થીંક ઓફ ઈટ સર...”
"ઠીક છે હું તમે કહ્યું એટલી વ્યવસ્થા હમણાં જ કરાવી દઉં છું." ચંદ્રકાંત આમ તો અવઢવમાં હતા પણ સી.બી.આઈ. ઓફિસર બક્ષીની ધારદાર લાલચ સામે આખરે એ જુકી ગયા.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky