'એક વ્યસની'
'શરૂઆત ક્યાંથી કરું સાહેબ?, વિશ્વ કેન્સર દિવસના કાર્યક્રમમાં મને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું.
કિર્તનભાઈ જે આખા કાર્યક્રમનું સંચાલન કરે છે એમને મેં ઘણા સમજાવ્યા કે આ વિષયમાં મને બહુ કડવું અને સત્ય બોલવાની આદત છે છતાં એ માન્યા નહિ અને આજે હું આપ સહુ સામે બોમ્બનો ગોળો બનીને જ ઉભી છું. બહુ ડરવાની જરૂર નથી. હું શબ્દોના જ ગોળા ફેંકુ છું, વાગે તો સહન કરવાના અને સમજાય તો કડવું ઝેર સમજીને પી લેવાનું.', બધા ઝીણું હસી પડ્યા.
વાણીબેન એટલે રાજકોટના એક શિક્ષક સાથે એક મહાન કવિયત્રી એટલે એમને કોઈ પહોંચી ના વળે. સ્વભાવે બહુ સીધા અને સમજણ જાણે ગળથુથીમાં મળી હશે. પરિવારે સુખી અને જિંદગીથી સંતોષો એવા વાણીબેનને વિશ્વ કેન્સર દિવસ પર માન- સમ્માન સાથે આમંત્રિત કર્યા હતા. આખો થિયેટર રૂપ ભરચક અને વાણીબેનને સાંભળવાનો લ્હાવો લેવા આવેલા લોકો ઉત્સુકતા પૂર્વક એમને સાંભળવા આતુર હતા.
'કિર્તનભાઈની લાગણીઓને માન આપી વધારે નહિ પણ એક કિસ્સો શેર કરવા માંગીશ જે ખરેખર મેં અનુભવ્યો છે એટલે એ જરા મારા મનની બહુ જ નજીક છે. વાત જાણે એક કે હું અમેરિકા મારા કાર્યક્રમ માટે ગઈ એટલે થોડા દિવસ ત્યાં રોકાઈ ને ત્યાંનું જીવન સમજવાનું પ્રયત્ન કરતી હતી અને સાંજે દરિયા કિનારે જઈને મારા લેખન કાર્ય કરું એટલે મારા માટે તો જન્નત જ જન્નત. લગભગ ૧૦ દિવસ સુધી હું જોતી રહી કે એક ઇન્ડિયન છોકરો (આમ તો ૪૦ વર્ષનો એટલે ભાઈ) દરિયા કિનારે આવે છે, કાગળ-પેન મારી પાસે માંગે છે અને પછી કઈ લખીને દરિયામાં ફેંકી દે છે. ૧૧માં દિવસે પણ એવું જ બન્યું પરંતુ આજે કાગળ દરિયામાં ફેંકાવને બદલે કચરાપેટીમાં નાખી એ ચાલ્યો ગયો. મેં એ કાગળ લીધો, થોડી તાપસ કરી અને હિંમત ભેગી કરીને એના ઘરે પહોંચી ગઈ ત્યાં એની વાઈફ અને એક ક્યૂટ દીકરી બેઠા હતા, માંડીને મેં બધી વાત કરી ત્યાં બંનેની આંખોનો દરિયો ઉભરાઈ ગયો ને હું ત્યાંથી દરિયા કિનારે મારા નિત્યકર્મ પ્રમાણે પહોંચી ત્યાં પેલો ઇન્ડિયન છોકરો મારી પાસે આવ્યો અને કાગળ-પેન માંગ્યા. એની નજીક જઈને મેં કાલ વાળા કાગળમાં લખેલી કવિતા એની પાછળ જઈને વાંચવાનું શરુ કર્યું.
'દુઃખ વહોરી લેવાનું મને વળગણ છે,
સુખના સાગરમાંથી સરકી જવાનું મને વળગણ છે,
હસતા કૂદતાં ને આનંદે જીવતા,
પરિવારની આંખમાં અજંતા જ,
આંસુનો દરિયો વહેવડાવી દેવાનું મને વળગણ છે,
સવાર સાંજ બસ આ દરિયા કિનારે,
બસ આમ બેખબર બની બેસી રહેવાનું મને વળગણ છે,
પેન-કાગળ શું હોય એ તો જાણતો નથી,
છતાં આજે હૈયાવરાળ કાઢવી છે,
છોડ્યું ના છૂટે ને એવું આ વળગણ છે,
સલાહ આપીને સરકી જતા લોકોથી મને નફરત છે,
કૂવો ખોદી ખૂદ ધક્કો મારતાં લોકોથી મને બહુ જ નફરત છે,
સચ્ચાઈની જ દુનિયા હતી મારી, સુખનું જ સરનામું હતું મારુ પણ,
જૂઠની ઝાઝી લત લગાડનાર આ મારી ખુદની 'જાત' સાથે પણ નફરત છે મને,
ખોટા રસ્તાની એક લપસણી જ તો છે આ,
શરૂઆતમાં ધીમે, પછી જોશમાં નીચે જ અવાય છે,
છોડવું છે પણ છૂટતું નથી એવા બહાના આપનાર મારી 'જાત' સાથે મને નફરત છે.'
આખી કવિતા પત્યા પછી મારા ખોળામાં માથું નાખી એ કલાક રડતો રહ્યો. મારા હ્દયના તાર ઝણઝણી ઉઠ્યા, ઉંમરમાં મારા કરતા નાનો કહેવાય એટલે મારા દીકરા સમાન જ. એણે દારૂ, સિગારેટ,
ડ્રગ્સ બધાનું વળગણ હતું. સમયને જતા ક્યાં વાર લાગે છે. લપસતાં પગને પ્રભુએ નિમિત્ત બનવેલ મારા અને પરિવારના હાથે એની જિંદગીની બધી જ શિકાયતો દૂર કરી દીધી. એ જ અજમેરભાઈ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે.', વીણાબેનની આંગળી ફરી અને બધાની આંખો અજમેરભાઈ પર અંકાઈ.
કાર્યક્રમ પૂરો થયો. કિર્તનભાઈનો આભાર માની બધા છુટા પાડવા લાગ્યા ત્યાં જ એક નાની છોકરી વીણાબેનના સાડલાને ખેંચવા લાગી.
'મેમ, મારા ભાઈને અમારી જિંદગીમાં પાછો લાવવા માટે તમને થેંક્યુ અને આ ગુલાબ. મારા ભાઈએ તમારો કાર્યક્રમ ઓનલાઇન જોયો અને આજે જ કેટલા વર્ષે અમને મળવા આવ્યો છે. હું સમજાણી થઇ પછી મારા ભાઈને મેં આજે જોયો છે. થેંક્યુ.', આંસુઓની અશ્રુધારા.
આસપાસ ઉભેલા બધા જ લોકો અને અજમેરભાઈ દેસાઈ ભીની આંખે એ ભાઈ-બહેનના મિલનને નીરખી રહ્યા.
-બિનલ પટેલ