marubhumi ni mahobbat - 22 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમી ની મહોબ્બત - ૨૨

Featured Books
Categories
Share

મરુભૂમી ની મહોબ્બત - ૨૨

જેસલમેરની હોટેલમાં અમારા ચીફ સાથે સિક્રેટ મીટીંગ પતાવી અમે છુટા પડ્યા હતા.

અમે નિમ્બલા જઈ રહ્યા હતા.

મને એમ હતું કે પાછાં ફરતી વખતે હીના મારી સાથે વાતચીત કરશે પણ, એ પાણીદાર યુવતીએ ફરીથી પોતાના ચહેરા પર ગુસ્સો લાવી મને પરેશાન કરી મુક્યો હતો.

" હીના..હવે શું છે..? " મને સમજાતું નહોતું કે મારે આ છોકરીને કેમ મનાવવી.

" એક કામ કરો ઓફિસર..તમે બાળમેર સત્યદેવજીને મલી આવો..મારે સોહનજીની ફરીએકવાર મુલાકાત કરવી પડશે.." હીના કડક સ્વરે બોલી.

" એ તો જશુ મલવા પણ તું મારી સાથે દોસ્તની ભાષામાં વાત ન કરી શકે..? " હું એની સામે દયામણી નજરે જોઈને બોલ્યો.

" આપણે ડ્યુટી પર છીએ અને તમને સેટિસ્સફાઈડ માટે કહીં દઉં કે હું બે પળો માટે ભાવુક બની ગઈ હતી એક અર્થમાં મારા પર કમજોરી સવાર થઈ ગઈ હતી..એનો ઉલ્ટો અર્થ લેવાની જરૂર નથી.. ઓફિસર,તમે તમારી ડ્યૂટી કરો.. હું મારી ડ્યૂટી કરું..આ મિશન કમ્પલીટ થાય એટલે જીવનમાં ક્યારેય મારી સામે આવવાની કોશિશ ન કરતાં..ઓકે.." હીના નિષ્ઠુરતાની હદ વટાવી રહી હતી.

" હીના.. તું કેમ આમ કરે છે..? "

" જોબ..ઓફિસર..જોબ...મારા માટે જોબ ફર્સ્ટ...તમારા જેવો ફાલતું ટાઈમ તો છે નહીં કે અજાણ્યા ગામમાં ગમે તેની સાથે રંગરંગલીયા મનાવતી ફરું.."

" હવે તું હદ વટાવે છે હીના.."

" કેમ..? પેલી અજાણી છોકરીનું નામ આવતાં તમને મરચાં લાગ્યા.. ઓફિસર.."


" એક તો તું આ ઓફિસર ઓફિસર કહેવાનું બંધ કર યાર... તારા મોંઢે કેટલું વાહિયાત લાગે છે ખબર છે તને..અને મહેંક વિશે તું મનફાવે તેમ બોલે છે એ તારા જેવી સભ્ય છોકરીને શોભતું નથી.."

" એક વાત યાદ રાખજે સ્મિત..મેં ફક્ત મારા એક સમયની દોસ્તીને લીધે તને એકવાર માફ કર્યો છે બાકી હું ચીફને કહી શકી હોત કે આ મિશનમાં સામેલ એક માણસ પ્રેમમાં પડ્યો છે ને વિશ્વાસ કરવા લાયક નથી.." હીના દાંત કચકચાવીને પોતાના અસ્સલ રંગમાં આવીને બોલી.

" તને કેમ મ્હેકની આટલી ઈર્ષ્યા થાય છે..પણ.."

" મને આવી ફાલતું વાતોમાં રસ નથી.. સ્મિત.. પ્લીઝ મારુ માથું ના ખા..ગમે ત્યાં જા..એને લઈને પાકિસ્તાન ભાગી જા..મને મારી ફરજ બજાવવા દે...આમ પણ હું સમજી ગઈ છું કે તારી દોસ્તી મારી જિંદગીની સૌથી મોટી ભુલ હતી.."

" એ મૈત્રી નહોતી, મહોબ્બત હતી હીના..તને એનું દુઃખ થાય એ સ્વાભાવિક છે..એ માટે મેં માફી પણ માંગી લીધી છે.. એનું હવે શું છે..? "

" વેરી ગુડ..તો તો પછી તે તારી થનારી પત્ની હેતલની પણ માફી માંગી લીધી હશે ને..? "

હીનાએ ઝાટકા જેવો સવાલ કર્યો ને હું સ્તબ્ધ થઈ ગયો.

મને સમજાયું નહીં કે મારે શું જવાબ આપવો...?

હેતલ મારી થનારી પત્ની હતી.એ કચ્છના કોઈ ગામડામાં મારી રાહ જોતી હતી.હીનાએ આ સમયે એનું નામ યાદ કરાવી મને રીતસરનો ધ્રુજાવી નાખ્યો હતો.

મેં હેતલને સમજાવવાની કોશિશ કરી હતી.અરે, ચોખ્ખું જણાવી દીધું હતું કે હું બીજાં કોઈને ચાહુ છું પણ,એ સંસ્કારોને વરેલી છોકરી માનવા તૈયાર નહોતી.એના વધું પડતાં વિશ્વાસ આગળ હુ પરાસ્ત બન્યો હતો.

હેતલ ભલે આધુનિક હતી પરંતુ, એનાં મુલ્યો અઢારમી સદીના હતાં.

મારે એને બીજીવાર મળવું પડશે..? એને સમજાવવી પડશે કે હું માટીપગો છું.તારા જેવી સુંદર,સંસ્કારી પત્ની સામેથી આવે છે છતાં, મરુભૂમીની એક શ્યામલ છોકરી સાથે લફરું કરીને સૌને ,મારી જાતને મદહોશ કરી રહ્યો છું.

" છે કોઈ ઉતર તારી જોડે..? " હીનાએ મારી આંખોમાં આંખો પરોવીને પુછ્યું.

મેં નજર નીચી ઢાળી.

" જે માણસ પોતાની પત્નીનો ના થઈ શક્યો એ દોસ્તનો શું થવાનો..? " કડવાં વખ જેવા શબ્દો સંભળાવી હીનાએ પોતાના બેય કાનમાં ઈયરફોન ભરાવી દીધાં.

મારું માથું ફાટી ગયું હતું.

હીના સામે દલીલ કરવાની મારી હિંમત નહોતી.કયો રસ્તો લેવો એ મને સમજાતું નહોતું.

ક્યાં જાઉં..? શું કરું..?

મહેંક...યસ ,મારે મહેંકને મળવું પડશે.એની સાથે તડ ને ફડ વાત કરવી પડશે.

હું એ સુંદરી ખાતર કેટલું બધું ગુમાવી રહ્યો હતો..? એ શું મારી ખાતર કશું ગુમાવવાની તૈયારી રાખશે..?

અવશ્ય એ મને ચાહતી હતી પણ,સમાજ સામે ઝઝુમી શકશે..?

હાલ તો હીના,મારી પ્રિય દોસ્ત મારાથી દુર જઈ રહી હતી.

આજે વિચારું છું કે જો મેં હીનાને સાચવી લીધી હોત તો મારા ઘરની મેડીએ બેસીને સંસ્મરણોને વાગોળતાં વાગોળતાં દિવસો ગુજારવા ન પડ્યા હોત..!