પિતા, મિત્રો, સગાં-વહાલાંઓ અને પત્રકારો જેમની હાંસી ઉડાવતા હતા એવા બે ભાઈઓ પોતાનું નામ અમર કરી ગયા!
કંઈક નવું કરવા મથનારાઓએ ‘પાગલ’ના ‘પ્રમાણપત્ર’થી ન ડરવું જોઈએ
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
અગિયાર દાયકાઓ અગાઉ અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં રહેતા બે ભાઈ ઓરવિલ અને વિલ્બરને એક વિચાર આવ્યો. તે બંને ભાઈને જે વિચાર આવ્યો હતો એવી કલ્પના સુદ્ધાં કોઇએ અગાઉ કરી નહોતી. જ્યારે તે બંને ભાઈ તો એ વિચાર અમલમાં મૂકવા ઈચ્છતા હતા.
બંને ભાઈએ સૌ પ્રથમ તેમના પિતા સાથે વાત કરી કે અમે આવું કંઈક વિચાર્યું છે અને એ વિચારને વાસ્તવિકતામાં પલટાવવા માટે અમે સંશોધન કરવા માગીએ છીએ.
તેમણે જે વાત કરી એ સાંભળીને તેમના પિતા ખડખડાટ હસી પડ્યા. તેમણે કહ્યું કે આવા હવાઈ તુક્કાઓ ક્યારેય વાસ્તવિકતામાં પલટાઈ ન શકે.
એ પછી બંને ભાઈઓએ તેમના કેટલાક પત્રકાર મિત્રો સાથે એ વાત શૅર કરી કે અમે આ દિશામાં સંશોધન શરૂ કરી રહ્યા છીએ. આ આઈડિયા તમને કેવો લાગે છે?
પત્રકાર મિત્રોએ પણ તે બંનેની ઠેકડી ઉડાવી. કોઈ અવાસ્તવિક આઈડિયા વિશે લખીને તેમની ઠેકડી પણ ઉડાવી.
બીજા કેટલાક મિત્રોએ ઑરવિલ અને વિલ્બરને કહ્યું કે તમારી બંનેની ડાગળી ચસકી ગઈ છે. તમે જે આઈડિયા અમલમાં મૂકવા માગો છો એ વાસ્તવિકતામાં પલટાવવાનું અશક્ય છે.
કોઈએ વળી કહ્યું કે પૈસા ઉડાવવાનો આ સૌથી બેવકૂફ આઈડિયા છે.
ઓરવિલ અને વિલ્બર એ બધી ટીકા-ટિપ્પણીઓથી સહેજ પણ વિચલિત ન થયા. તેમણે પોતાના આઈડિયાને સાકાર કરવા માટે રાતદિવસ એક કરવા માંડ્યા.
છેવટે ૧૯૦૩માં તેમણે પોતાના વિચારને વાસ્તવિકતામાં પલટાવીને સાબિત કરી આપ્યું કે તે બંને મૂર્ખ નહોતા, પણ તેમના વિચારને હસી કાઢનારાઓ બેવકૂફ હતા. તેમણે અમેરિકાના નોર્થ કેરોલિનાના કિટી હૉક વિસ્તારમાં પ્લેન ઉડાવી બતાવ્યું.
યસ, તે બંને ભાઈઓ હતા. ઑરવિલ રાઈટ અને વિલ્બર રાઈટ, પ્લેનના સંશોધક!
તમે કંઈ નવું કરવા જાઓ અને લોકો તમને મૂર્ખ કહે ત્યારે રાઈટ બંધુઓ જેવા સંશોધકોને યાદ કરી લેવા.
સાર એ છે કે કંઈક નવું કરવા મથનારાઓએ ‘પાગલ’ના પ્રમાણપત્રથી ન ડરવું જોઈએ.
***