મૌસમી ચેટર્જી
૧૯૬૫ ની સાલ ની વાત છે. તરુણ મઝમુદાર એક બંગાળી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. સત્તર વર્ષની એક છોકરી તેના સીનનું શૂટિંગ પૂરું થતા સ્ટુડીયોમાં જ દુલ્હનનો ડ્રેસ ઉતારવા લાગી. તરુણ મઝ્મુદારે તે છોકરીને મેકઅપ રૂમમાં જઈને ડ્રેસ ચેન્જ કરવાની જાહેરમાં સલાહ આપી. ખલ્લાસ. તે છોકરીને ખોટું લાગી ગયું. દુલ્હનના ડ્રેસમાં જ તે સ્ટુડિયોમાંથી ભાગી ગઈ. સાંજ સુધી છોકરી ઘરે પરત ના આવતા તેના માતા પિતા ચિંતામાં પડી ગયા. પોલીસ સ્ટેશને FIR નોંધાવવામાં આવી. વાસ્તવમાં તે છોકરી ટ્રેન પકડીને તેના ફૈબાની ઘરે ભવાનીપુર પહોંચી ગઈ હતી. આખરે મોડી રાત્રે તે છોકરીનું માતા પિતા સાથે સુખદ મિલન થયું. તે છોકરી એટલે મૌસમી ચેટરજી. તે બંગાળી ફિલ્મ હતી “બાલિકાબધૂ” જેના પર થી ૧૯૭૬ માં શક્તિ સામંતે તરુણ મઝમુદારને જ ડીરેક્શન સોંપીને તે જ નામે હિન્દીમાં ફિલ્મ બનાવી હતી. હિન્દી વર્ઝનમાં તે રોલ રજની શર્માએ કર્યો હતો અને હીરો હતો સચિન. મૌસમીના આવા અણધાર્યા વર્તનથી તરુણ મઝમુદારે તેને ફિલ્મમાંથી કાઢી મુકવાનું ફાઈનલ કરી નાખ્યું હતું પણ તરુણ મઝમુદારની પત્નીની સમજાવટને કારણે મૌસમીને રાખવામા આવી હતી. વાસ્તવમાં તરુણ મઝમુદાર અને મૌસમીના પિતા પાડોશી હતા. બનેને ફેમીલી રીલેશન હતા. ”બાલિકાબધૂ” માટે સામે ચાલીને જ તરુણ મઝમુદારે મૌસમી માટે તેના પિતાને વાત કરી હતી. પિતાએ ઘસીને ના પાડી દીધી હતી. આખરે તરુણ મઝમુદારના પત્ની સંધ્યા રોયે મૌસમીની સલામતીની ખાતરી આપી હતી. અને મૌસમીના પિતા માન્યા હતા. ”બાલિકા બધૂ” માટે મૌસમીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.
મૌસમી ચેટરજીનો જન્મ તા. ૨૬/૪/૧૯૪૮ ના રોજ કોલકત્તામાં થયો હતો. સાચું નામ ઇન્દિરા. પિતા આર્મીમાં હતા. દાદા બ્રિટીશકાળમાં જજ હતા. એક બહેન એક ભાઈ અને બીમાર માતાના પરિવારમાં મૌસમીનું બાળપણ વીત્યું હતું. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર હેમંત કુમારના પુત્ર રીતેશ સાથે મૌસમીના લગ્ન માત્ર અઢાર વર્ષની ઉમરે થઇ ગયા હતા. તે જમાનામાં સામાન્ય રીતે લગ્ન બાદ અભિનેત્રી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દેતી. જોકે મૌસમીના કિસ્સામાં બિલકુલ ઉલટું થયું હતું. રીતેશની ખાસ કાંઈ આવક ન હતી. મૌસમી ફિલ્મોમાં કામ કરે તેવું હેમંત કુમાર અને તેમના પત્ની પણ ઇચ્છતા હતા. મૌસમીને પણ અભિનયમાં રસ હતો. જોકે મૌસમીને લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરતી વખતે સમયની પાબંદી પાડવી પડતી હતી. સાંજે છ પહેલા આજ્ઞાંકિત પુત્રવધૂ મૌસમીને ઘરે પહોંચી જવું પડતું. તે જમાનામાં તેને “ગુડ્ડી’ અને “કોશિશ” જેવી ફિલ્મો આ કારણસર જ છોડવી પડી હતી.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “અનુરાગ” (૧૯૭૨)થી મૌસમીની સાચા અર્થમાં કરિયરની શરૂઆત થઇ હતી. પ્રજ્ઞાચક્ષુ શિવાનીના રોલમાં તે છવાઈ ગઈ હતી. તેના ભાગે આવેલા એસ. ડી. બર્મનના સંગીતમાં મઢેલા અને લતાજીના કંઠે ગવાયેલા મધુર ગીતો જેવા કે “સુન રી પવન. ” અને “નીંદ ચુરાયે ચેન ચુરાયે” આજે પણ દર્શકો ભૂલ્યા નથી . વળી તેજ ફિલ્મનું વિનોદ મહેરા સાથેનું તેનું યુગલ ગીત “વોહ ક્યા હૈ .. ’પણ એટલું જ લોકપ્રિય થયું હતું. ફિલ્મ “કચ્ચે ધાગે” માં વિનોદ ખન્નાની હિરોઈન બનેલી મૌસમીની સાથે એક નાના રોલમાં તેનો પતિ રીતેશ પણ હતો જોકે તે ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે વિનોદ ખન્ના અને કબીર બેદીની આસપાસ જ હતી. ત્યાર બાદ એકાદ ફિલ્મમાં રીતેશ આવ્યો હતો ખરો પણ તે ફિલ્મ ચાલી નહોતી.
મૌસમીએ પુત્રી પાયલ અને આઠ વર્ષ પછી જન્મેલ બીજી પુત્રી મેઘાના જન્મ બાદ પણ અભિનય કરવાનું ચાલુ રાખ્યું હતું. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે “રોટી કપડા ઔર મકાન” નું ફેમસ ગીત “હાય હાય યે મજબૂરી” પહેલાં મૌસમી પર જ શૂટ થયું હતું. પાછળથી ફેરફાર કરવામાં આવતાં તે ગીત ઝીન્નત અમાન પર ફરીથી શૂટ કરવામાં આવ્યું હતું. તે ફિલ્મમાં ગેંગ રેપથી બચવા માટે મૌસમી ભાગીને અનાજના ગોડાઉનમાં દોડી જાય છે. મનોજ કુમારે લોટમાં રગદોડાયેલી મૌસમીનું તે દ્રશ્ય અસરકારક રીતે શૂટ કર્યું હતું. ”રોટી,કપડા ઔર મકાન” માટે મૌસમીને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.
“પ્યાસા સાવન” નું જીતેન્દ્ર સાથે મૌસમી પર ફિલ્માવાયેલું ગીત “તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ અન્ધેરો મે ભી રોશની મિલ રહી હૈ” તે જમાના નું પતિ પત્નીના ઉત્કૃષ્ટ સબંધોને ઉજાગર કરનારું ઉત્તમ ગીત બની ગયું હતું. જીતેન્દ્ર સાથે તેની અન્ય ફિલ્મો માં સ્વર્ગનર્ક, સંતાન. જસ્ટીસ ચૌધરી તથા ઉધાર કી ઝીંદગી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
સંજીવ કુમાર સાથે “અંગુર” અને “ઇતની સી બાત” માં મૌસમીની કોમેડી ટાઈમિંગ પરફેક્ટ હતી. “સ્વયંવર” માં સંજીવ કુમાર ઉપરાંત શશીકપૂર સાથે કામ કરવાનો પણ મૌસમીને મોકો મળ્યો હતો.
ધર્મેન્દ્ર સાથે સિક્કા, ઝુલ્મ કી હકુમત, મેરા ધરમ તથા આગ હી આગ જેવી લગભગ અડધો ડઝન માર ધાડની ફિલ્મો પણ મૌસમીએ કરી હતી.
અમિતાભ સાથે ૧૯૭૪ માં રીલીઝ થયેલી ફિલ્મ “બેનામ’ અને ૧૯૭૯ માં “મંઝીલ” માં મૌસમીનો અભિનય ખુબ વખણાયો હતો. ”મંઝીલ” નું કિશોર કુમારનું જે ગીત આજે વધારે સાંભળવા મળે છે “રીમ ઝીમ ગીરે સાવન સુલગ સુલગ જાયે મન” તે જ ગીત લતાજીએ પણ ગાયેલું છે જે ફિલ્મમાં મૌસમી પર સુંદર રીતે ફિલ્માવાયેલું છે. ૨૦૧૫ માં રીલીઝ થયેલી ફિલ્મ “પીકુ” માં પણ અમિતાભ સાથે મૌસમીનો ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે નાનો રોલ હતો.
આજે મૌસમીની પુત્રી પાયલ મુખર્જી ટીવી સીરીયલોનું નિર્દેશન કરે છે. પુત્રીના આગ્રહને વશ થઈને મૌસમીએ નાના પડદે પણ અનેક સીરીયલોમાં અભિનય કર્યો છે. મધર ટેરેસાની પ્રેરણાથી મૌસમી ચેટરજી અનેક સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલી છે.
સમાપ્ત