Devil Return-2.0 - 19 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-2.0 - 19

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-2.0 - 19

ડેવિલ રિટર્ન-2.0

19

ફાધર વિલિયમની જીંદગી પર મોટી આફત આવી ચુકી છે એ જાણ્યાં પછી અર્જુન ફાધર વિલિયમને ડેવિડથી બચાવવા માટે ગયો હોવાથી નાયકની આગેવાનીમાં બધાં પોલીસકર્મીઓ કુનેહપૂર્વક વેમ્પાયર પરિવારની સામે ખરાખરીનો ખેલ ખેલે છે.. લસણ, પવિત્ર જળ અને ત્યારબાદ યુ. વી લાઈટનો ઉપયોગ કરી એક પછી એક વેમ્પાયર ગુલામોનો ખાત્મો થઈ જતાં વેમ્પાયર પરિવારનાં સભ્યોને પણ પોતાની મોત નજીક દેખાઈ રહી હોય છે. જ્હોન અને ડેઈઝી પોતાની જીંદગી દાવ પર લગાવી ક્રિસ, ઈવ અને ટ્રીસા ને ત્યાંથી ભાગી જવાનો સમય આપે છે. યુ. વી લાઈટનાં તીવ્ર પ્રકાશમાં સંપૂર્ણ સળગીને જ્હોન અને ડેઈઝી મૃત્યુ પામતાં બધાં પોલીસકર્મીઓ રાહત અનુભવતાં સાવચેતીથી જીપમાંથી હેઠે ઉતરે છે.

"સાહેબ, હવે આ બધાં નું શું કરીશું.. ?"જીપમાંથી ઉતરતાં જ પોતાની સામે પડેલી વેમ્પયરોની લાશો જોઈ સરતાજે નાયકને ઉદ્દેશીને કહ્યું.

"આ બધાં જ મૃતદેહોને તાત્કાલિક ખાડો કરી જમીનમાં ઉંધા દાટી દઈએ.. અને જે રીતે એસીપી સાહેબે કર્યું હતું એમ કરીએ. "નાયક પોતાનાં સાથીદારોને આદેશ આપતાં બોલ્યો.

નાયકનાં આમ બોલતાં જ સરદાર પટેલ ગાર્ડનની સામેનાં ખુલ્લાં ભાગમાં જ પોલીસની ટીમ દ્વારા સંખ્યાબંધ ખાડા બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ.. . જોડે-જોડે પોલીસ જીપમાંથી મીઠાં ભરેલી થેલીઓ ઉતારવામાં આવી. એસીપી અર્જુનની ગેરહાજરીમાં પણ એની સલાહ મુજબ વર્તીને પોતે જે રીતે પોતાનાં સાથી કર્મચારીઓની મદદથી વેમ્પયરોનો ખાત્મો કર્યો હતો એનાં લીધે નાયક ગર્વ મહેસુસ કરી રહ્યો હતો. વેમ્પયરોનાં મૃતદેહોને દાટવા જે ખાડા ખોદાઈ રહ્યાં હતાં ત્યાં ઉભાં ઉભાં નાયક મનોમન અર્જુન ફાધર વિલિયમને બચાવવામાં સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.

*****

ડેવિડનાં હાથમાં સપડાયેલાં ફાધર વિલિયમ હવે થોડી જ ક્ષણોનાં મહેમાન હોય છે ત્યાં અચાનક અર્જુન આવી પહોંચે છે. અર્જુનને જોઈ ડેવિડનાં ચહેરા પર પારાવાર ગુસ્સો ઉભરી આવે છે અને એ અર્જુનને ઉદ્દેશીને બોલે છે.

"ઈન્સ્પેકટર અર્જુન તું અહીં.. ?"

"ડેવિડ, જ્યારે-જ્યારે આ શહેર પર કોઈ મુશ્કેલી આવી ચડે છે ત્યારે-ત્યારે એ મુશ્કેલીનો કાળ બનીને સદાય હું ત્યાં પહોંચી જાઉં છું. "અર્જુનનાં અવાજમાં નીડરતા હતી.

"તને મારું નામ પણ ખબર છે.. ?એક રીતે સારી બાબત છે જેથી તને એ તો યાદ રહેશે કે તારો અંત કોનાં હાથે થયો હતો. "ફાધર વિલિયમને પડતાં મૂકી હવે અર્જુન તરફ જોઈ ડેવિડ બોલ્યો.

"આટલો બધો ઘમંડ છે તને તારી જાત પર.. જે પોતે સૂર્યનો પ્રકાશ જીરવી ના શકે એ મને આવી ધમકી આપે એમાં દમ નથી.. "અર્જુન પણ હવે પૂરાં મૂડમાં હતો.

"સારું કર્યું તું અહીં આવી ગયો.. તારી ગેરહાજરીમાં તારાં બધાં સાથીદારો અને આ શહેરનાં સેંકડો લોકોની આજે હત્યા કરીને મારાં ભાઈ-બહેનો બ્રાન્ડનની મોત નો સાચો બદલો લઈ શકશે.. અને હું અહીં તને સ્વધામ પહોંચાડી બ્રાન્ડનને સાચી શ્રદ્ધાંજલી આપીશ. "ડેવિડ પોતાનાં સ્વભાવ મુજબ બોલ્યો.

"એ તો સમય જ બતાવશે કે તું મને સ્વધામ પહોંચાડે છે કે પછી તું પોતે જ તારાં ભાઈ જોડે પહોંચી જાય છે. "અર્જુનનાં આમ બોલીને દમામ સાથે ડેવિડ તરફ અગ્રેસર થયો.

ડેવિડ પણ પોતાનો બધો ગુસ્સો અર્જુન પર ઉતારી દેવાનાં આશય સાથે ડેવિડ પણ અર્જુનની તરફ ક્રોધાવેશ આગળ વધ્યો. ફાધર વિલિયમ, ચાર્લી અને બ્રાયન અર્જુન અને ડેવિડ વચ્ચે થનારો મુકાબલો આતુરતાથી જોઈ રહ્યાં હતાં. સત્ય-અસત્ય, દેવ-દાનવ, ઈશ્વર-શૈતાન વચ્ચેની આ લડાઈમાં કોની જીત થશે એ હવે આવનારી થોડી મિનિટોમાં જ નક્કી થઈ જવાનું હતું.

ડેવિડ જે આક્રમકતાથી અર્જુન તરફ આગળ વધ્યો એ પરથી નક્કી હતું કે આ મુકાબલો ખરાખરીનો થવાનો હતો.

એક જોરદાર ત્રાડ સાથે ડેવિડે અર્જુન જોડે પહોંચતાં સાથે જ પોતાનો જમણો હાથ અર્જુન પર ઉગામ્યો જેનાં પ્રતિકાર કરતાં અર્જુને પોતાની જાતને કમરથી નીચી નમાવી દીધી જેથી ડેવિડ નો ઘા વિફળ ગયો.. આ સમયે અર્જુને તક વાપરી પોતાનાં માથાનો જોરદાર પ્રહાર ડેવિડ પર કરી દીધો જેનાંથી ડેવિડને ભારે દર્દ થયું અને મોં માંથી ચીસ નીકળી ગઈ.

પોતાની આ નાની પણ જરૂરી જીત પર અર્જુનનાં મુખ પર સ્મિત ફરી વળ્યું અને અનાયાસે જ એનો હાથ પોતાની મૂછ પર ફરી વળ્યો. એક સામાન્ય માણસ દ્વારા પોતાને આમ પોતાને હરાવી દેવામાં આવતાં ડેવિડે વધુ આક્રમક બની અર્જુનની ઉપર છલાંગ લગાવી દીધી. અર્જુન આ માટે તૈયાર હોય એમ એને ડેવિડનાં આ હુમલાને વિફળ બનાવતાં પોતાનો જમણો પગ એનાં પેટનાં ભાગ પર મારી દીધો.

આમ કરતાં ડેવિડ ગડથોલિયા ખાઈને જમીન પર પટકાયો. હવે આમ સીધી લડાઈમાં સામાન્ય દેખાતો અર્જુન પોતાને ભારે પડી રહ્યો હોવાનું લાગતાં ડેવિડે હવે પોતાની ચમત્કારી શક્તિઓનો ઉપયોગ કરવાનું મન બનાવી લીધું. આ મુજબ ડેવિડે પોતાની ગતિ અને સ્ફૂર્તિનાં જોરે અર્જુનને માત આપવાનું મન બનાવી લીધું.

ડેવિડ પોતાની જગ્યાએ ઉભો થયો અને અર્જુનની તરફ જોઈ બોલ્યો.

"હવે બહુ થયું.. તારો ખેલ હવે ખતમ થઈ જશે. "

અર્જુને પોતાની જાતને ડેવિડ સાથે મુકાબલો કરવાં તૈયાર તો કરી પણ જે ડેવિડે કર્યું એ અર્જુનની સમજ બહારનું સાબિત થયું. ડેવિડ વીજળીની ગતિએ અર્જુનની તરફ ધસી આવ્યો. ડેવિડની ગતિ આગળ અર્જુનની એકપણ ના ચાલી અને ડેવિડનાં ઉપરાછપરી ત્રણ-ચાર ઘા એ અર્જુનને સારી એવી ઈજા પહોંચાડવાનું કામ કર્યું. ડેવિડ નાં આ હુમલાથી અકલાયેળા અર્જુને પોતાની રિવોલ્વર નીકાળી ડેવિડ પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું.

ડેવિડે અર્જુનની ફરતે વર્તુળાકાર ગતિમાં વિજળીવેગે ઘુમવાનું શરૂ કરી દીધું. અર્જુનનાં ઘણાં પ્રયત્નો છતાં એની રિવોલ્વરમાંથી નીકળેલી એકપણ ગોળી ડેવિડને સ્પર્શી ના શકી.. ડેવિડની ચાલ કામયાબ રહી અને એ અર્જુનને માનસિક રીતે થકવી દેવામાં સફળ થયો.

અર્જુને અકળામણમાં પોતાની ખાલી રિવોલ્વરને પણ ગુસ્સામાં ડેવિડ તરફ ફેંકી દીધી.. અર્જુનને આમ થાકેલો અને રઘવાયેલો જોઈ ડેવિડ પુનઃ સ્થિર થઈ ગયો અને અર્જુનને ઉદ્દેશીને બોલી.

"શું થયું એ શહેરનાં તારણહાર ને.. અહીં નાં લોકોનો મસીહા આટલી જલ્દી હારી ગયો. "

ડેવિડનાં આ શબ્દો શૂળની માફક અર્જુનને ખૂંપી ગયાં હોય એવું એ અનુભવી રહ્યો હતો. હવે પોતે ડેવિડને સબક શીખવાડીને જ રહેશે એ મંછા સાથે અર્જુને પોતાની જાતને તૈયાર કરી. અર્જુનને ગુસ્સે કરવાની ડેવિડની યોજના આ સાથે પૂર્ણ જણાતી હતી પણ અર્જુનની એ સમયે જ નજર ફાધર વિલિયમ પર પડી. ફાધર વિલિયમની આંખોમાં નજર પડતાં જ અર્જુન સમજી ગયો કે એ અર્જુનને શાંત રહી, ધીરજથી ડેવિડનો મુકાબલો કરવાં કહી રહ્યાં હતાં.

અર્જુને પોતાનું મગજ દોડાવતાં પોતાની જાતને થોડી સંભાળી અને ધીરજથી ડેવિડનો મુકાબલો કરવાનું નક્કી કર્યું. ડેવિડ વધુ પડતો ગુસ્સેલ છે એ જાણતાં અર્જુને ડેવિડને એની જ દવાનો સ્વાદ ચખાડવાનું નક્કી કર્યું.

"શું થયું તું થાકી ગયો કે શું.. ? બાકી આ શહેરમાં જ્યાં સુધી હું મોજુદ છું ત્યાં સુધી તું અને તારાં ભાઈ-બહેનો કોઈનું કંઈપણ ઉખાડી નહીં જ શકો. બીજાં કોઈની તો ખબર નહીં પણ તું જરૂર તારાં ભાઈ જોડે સ્વધામ પહોંચી જઈશ. "અર્જુને જાણી જોઈ ડેવિડને ઉકસાવતાં કહ્યું.

અર્જુનને ગુસ્સે કરવાની યોજના બનાવી ચુકેલાં ડેવિડનું મગજ અર્જુનની વાત સાંભળી ગરમ થઈ ગયું.. ગુસ્સેથી રાતોચોળ થઈ ચુકેલો ડેવિડ આ સાથે જ અર્જુન તરફ આગળ વધ્યો. અર્જુને ડેવિડને ઉકસાવીને એની વિચારશક્તિને નબળી બનાવી દીધી હતી.

"હું તને જીવતો નહીં છોડું.. "ઉંચા અવાજે આટલું કહી ડેવિડે અર્જુનની ઉપર તરાપ મારી.. પણ અર્જુને હોંશિયારીથી પોતાનું શરીર બીજી તરફ લઈ જઈ ડેવિડને ચકમો આપી દીધો.

આવું જ ત્રણ-ચાર વખત થયું એટલે ડેવિડ બઘવાઈ ગયો.. ફાધર વિલિયમ, ચાર્લી અને બ્રાયન અર્જુન દ્વારા આ રીતે ડેવિડને બરાબરની ટક્કર આપવામાં આવતાં ખુશ જણાતાં હતાં. ફાધર વિલિયમ અત્યારે ઈચ્છે તો ચર્ચની અંદર જઈ હોલી વોટર પોતાની જોડે લાવી એનો ડેવિડ પર ઉપયોગ કરી શકે એમ હતાં છતાં એમને એવું ના કર્યું કેમકે એમને અર્જુન પર પૂર્ણતઃ વિશ્વાસ હતો કે આજે અર્જુન ડેવિડને સ્વધામ પહોંચાડીને જ રહેશે.

આ દરમિયાન ડેવિડને પોતાનાં ભાઈ-બહેનો કોઈ મોટી મુસીબતમાં મુકાઈ ગયાં હોવાનો ભાસ થયો.. અર્જુન અહીં હોવાં છતાં એનાં ભાઈ-બહેનો કઈ રીતે કોઈ તકલીફમાં મુકાય એ ડેવિડને સમજાઈ નહોતું રહ્યું. રક્તપિશાચ હોવાથી ટેલીપથી દ્વારા એકબીજાં સાથે સંપર્ક સાધી શકવાની ક્ષમતા ધરાવતાં હોવાથી ડેવિડે જ્હોન સાથે સંપર્ક સાધવાની કોશિશ કરી જોઈ પણ એમાં એને સફળતા ના મળી. ડેવિડ ને એક જગ્યાએ શાંત ઉભો રહેલો જોઈ અર્જુને ડેવિડને ઉદ્દેશીને કહ્યું.

"શું થયું.. ?કેમ ડરી ગયો કે શું.. કે પછી તને તારાં ભાઈ જોડે જવાની જે ઉતાવળ હતી એ જતી રહી.. ?"આ કહ્યાં બાદ અર્જુન જે રીતે અટ્ટહાસ્ય કરવાં લાગ્યો એ જોઈ ડેવિડનો પિત્તો ગયો અને એને જોરદાર ત્રાડ નાંખી અર્જુન તરફ દોટ મૂકી.

અર્જુન આ સમયે પોતાનાં પેન્ટમાં મૂકેલાં લેધર પોકેટમાં મુકેલી ચાંદી ની છરી હાથમાં લઈ એને પીઠ પાછળ છુપાવી ડેવિડને અંતિમ ઘા આપવાં તૈયાર થઈ ચૂક્યો હતો. ફાધર વિલિયમે જ્યારે વેમ્પાયર વિશે જણાવ્યું ત્યારે ચાંદીનાં હથિયારથી વેમ્પયરોને મારી શકવાની વાત પણ જાણી હતી એટલે જ અર્જુન પોતાનાં એક ક્ષત્રિય મિત્ર ગુલાબસિંહ જોડેથી આજે સવારે જ આ ચાંદીની ધારદાર કટાર જેવી છરી લઈ આવ્યો હતો.

મદમસ્ત સાંઢની જેમ પોતાની ઉપર ચડી આવેલાં ડેવિડને અર્જુને જોરદાર કુનેહનું પ્રદર્શન કરતાં એનાં ધૂંટણનાં ભાગે મારી કમરેથી ઝુકવા મજબુર કરી મુક્યો.. ડેવિડ નાં નીચે ઝુકતા જ અર્જુને સેકન્ડનાં છઠ્ઠા ભાગમાં ચાંદીની છરી ડેવિડનાં ગરદનની અંદર હુલાવી દીધી. અર્જુનનાં બાવડાનું બળ એટલું વધુ હતું કે છરી ડેવિડની ગરદનની આરપાર નીકળી ગઈ.

આમ થતાં જ ડેવિડની એક જોરદાર ચીસ વાતાવરણમાં ગુંજી વળી.. એક મનુષ્ય દ્વારા પોતાને મળેલી આ હાર પચાવી લેવી ડેવિડ માટે અશક્ય હતી. અર્જુનને ઓછો આંકવાની ભૂલ એનાં માટે ભારે સાબિત થઈ ચૂકી હતી.

મોત નજીક આવતાં ડેવિડે અર્જુનની હિંમતને દાદ આપતો હોય એમ એની તરફ પ્રશંષાભરી નજરે જોયું.. અર્જુને પણ ડેવિડની આંખોમાં રહેલી પોતાની તારીફ અને પસ્તાવાનાં ભાવ વાંચી લીધાં. પોતાની સાથે થયેલાં અન્યાયને લીધે વેમ્પાયર બનેલાં આ પરિવારનાં સભ્યો પ્રત્યે અર્જુનને હમદર્દી હોવાં છતાં અર્જુન જોડે કોઈ બીજો વિકલ્પ વધ્યો નહોતો આ લોકોની હત્યા સિવાય.

આખરે ડેવિડ એક મરણતોલ ચીસ સાથે જમીન પર ફસડાઈ પડ્યો.. એનાં ગળામાંથી નીકળતું લોહી ધીરે-ધીરે એનાં મૃતદેહની જોડે રેલાઈ રહ્યો હતો. અર્જુન જમીન પર પડેલાં ડેવિડનાં મૃતદેહને જોતો હતો ત્યારે ફાધર વિલિયમ અર્જુનની જોડે આવી એનાં ખભે હાથ મૂકીને બોલ્યાં.

"અર્જુન, તે જે કર્યું એ સમયની માંગ હતી માટે મન નાનું ના કર.. જા તારી છરી લેતો આવ અને આ રક્તપિશાચની અંતિમવિધિની તૈયારી કર.. ત્યાં સુધી હું ચાર્લી અને બ્રાયનને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરું.. "

અર્જુને ફાધરની વાત સાંભળી ડેવિડની ગરદનમાંથી લોહી નીતરતી છરી નીકાળી અને મનોમન ડેવિડની માફી માંગી કે એ કર્મનાં હાથે મજબૂર હોવાથી આ હત્યાનું પાપ કરવું પડ્યું. અર્જુને બગીચામાં પડેલાં પાવડા વડે બગીચાની મધ્યમાં જ આ સાથે ખાડો કરવાનું શરૂ કરી દીધું.

ફાધર વિલિયમે હોસ્પિટલમાં કોલ કરી તત્કાળ ચાર્લી અને બ્રાયનને હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી.. ચાર્લી અને બ્રાયનને ઘણી ઈજાઓ પહોંચી હતી પણ ફાધર વિલિયમનાં બચી જવાની અને પોતાને ગંભીર હાલતમાં પહોંચાડનારા એ રક્તપિશાચ ડેવિડનાં મૃત્યુની ખુશી એમનાં ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

આ દરમિયાન ચર્ચ જોડે મોજુદ કવાટર્સમાંથી બધાં લોકો ચર્ચની જોડે આવી ચુક્યાં હતાં.. એ લોકોની મદદથી અર્જુને ડેવિડનાં મૃતદેહને ખાડો ખોદી ઊંધો રાખી દીધો અને એની ઉપર મીઠું અને લીંબુ નાંખી જમીનમાં દાટી દીધો.

બ્રાયન અને ચાર્લીને પણ એમ્બ્યુલન્સ આવીને હોસ્પિટલમાં લઈ ગઈ એટલે અર્જુને ત્યાંથી જવાં માટે ફાધર વિલિયમની રજા માંગી અને શહેરમાં શું બન્યું છે એ જાણવાં ધડકતાં હૈયે નાયકને કોલ લગાવ્યો.

ત્રણ-ચાર રિંગ વાગ્યાં પછી નાયકે અર્જુનનો કોલ રિસીવ કરી જે જવાબ આપ્યો એ સાંભળી અર્જુન ખુશીથી ઝૂમી ઉઠ્યો. અર્જુને પણ ડેવિડનો ખાત્મો કરી ફાધર વિલિયમને બચાવી લીધાં છે એ જાણીને નાયકને પણ રાહત થઈ. પોતાનાં સાથી કર્મચારીઓએ જે રીતે વેમ્પાયર ગુલામો અને વેમ્પાયર પરિવારનાં બે સભ્યોનું કામ તમામ કર્યું હતું એ જાણ્યાં બાદ એ લોકોને રૂબરૂ શાબાશી દેવાં અર્જુન બાઈક પર બેસી ત્યાંથી નીકળી પડ્યો. !

પોતાની અને પોતાની ટીમની આ ભવ્ય જીત પર ખુશ થઈ રહેલાં અર્જુનને એ ખબર નહોતી કે આગામી સમય એની શું પરીક્ષા લેવાનો હતો. !!

*****

વધુ આવતાં ભાગમાં.

વેમ્પાયર પરિવારનાં બચેલાં લોકો સાથે શું થશે.. ? વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આગામી સમય શું નવું રહસ્ય લઈને આવવાનો હતો.. ? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***