Mata pitanu run kem chukavavu ? in Gujarati Motivational Stories by Nirav Patel SHYAM books and stories PDF | માતા પિતાનું ઋણ કેમ ચૂકવવું ?

Featured Books
Categories
Share

માતા પિતાનું ઋણ કેમ ચૂકવવું ?


માતા પિતાનું ઋણ કેમ ચૂકવવું ?
લે. નીરવ પટેલ "શ્યામ"
માતા-પિતાની સેવા કરવી તેમનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ છે, લોકો કહે છે કે આ જન્મમાં તેમનું ઋણ તો ક્યારેય ના ચૂકવી શકાય, પરંતુ હું માનું છું કે જો તમે ઈચ્છો તો એમનું ઋણ ચૂકવી શકો છો.કારણ કે બીજા જન્મમાં આપણને કયો અવતાર મળશે એ પણ આપણે નથી જાણતા હોતા તો બીજા જન્મની રાહ જ શું કામ જોવાની?


જો મનુષ્ય ધારે તો આજ જન્મમાં તેમના માતા-પિતાની યોગ્ય રીતે સેવા કરી, તેમને ઘડપણમાં પણ યોગ્ય માન સન્માન આપી અને તેમનું ઋણ અદા કરી શકાય છે. માતા-પિતાએ આપણને બાળપણથી જ સાચવ્યા છે અને આપણે ભલે ગમે તેટલા મોટા થઈ જઈએ પરંતુ આપણા માતા-પિતા આગળ તો આપણે હંમેશા બાળક જ રહેવાના. તેમનાથી મોટા આપણે ક્યારેય નથી બની શકવાના.

ઘણા લોકો જયારે માતા પિતા વૃદ્ધ થઇ જાય છે ત્યારે તેમની નાની નાની વાતોમાં આપણે ગુસ્સે થઇ જતા હોઈએ છીએ, તેમના ઘડપણમાં જ નહિ પરંતુ ઘણીવાર આપણે તેમના ઉપર ગુસ્સો કરતા હોઈએ છીએ, પરંતુ આપણને જયારે સમજણ પણ નહોતી ત્યારે આપણી ઘણીવાતોને તેમને નજરઅંદાઝ કરી હતી, આપણી ભૂલોને ભૂલી જઈને આપણને પ્રેમથી સમજાવ્યા હતા, ત્યારે એમને પણ આપણા ઉપર ગુસ્સો જરૂર આવ્યો જ હશે છતાં પણ એ ગુસ્સાને દબાવી એમને આપણને પ્રેમ જ પીરસ્યો છે એ વાતને ભૂલી જઈ ઘણા સંતાનો તેમના માતા-પિતા વિરુદ્ધ પણ થતા હોય છે.

ઘણીવાર ઘણી બાબતોમાં આપણે આપણા માતા-પિતાને "તમને ખબર ના પડે" એમ કહેતા હોઈએ છીએ. ત્યારે એકવાર વિચાર જરૂર કરજો કે શું ખરેખર તેમને ખબર નહીં પડતી હોય? આવું વાક્ય જયારે આપણે આપણા માતા પિતાને કહીએ છીએ ત્યારે એ વાક્ય એમના કાન સુધી નહિ એમના દિલમાં વાગતું હોય છે તે છતાં પણ એ પોતાના સંતાનોને દુઃખ ના પહોંચે એ માટે સામો પ્રત્યુત્તર પણ નથી આપી શકતા. પરંતુ એક વાત યાદ રાખજો મિત્રો ભલે આપણા માતા પિતા આપણા કરતા ઓછું ભણેલા હશે પરંતુ સમજશક્તિમાં એ તમારા કરતા પણ ઘણા આગળ હશે, બસ એ વાતને ક્યારેય તમારી આગળ વ્યક્ત નહીં કરે.

માતા-પિતાની જયારે જોવી હોય તો તમે જયારે કોઈ મુસીબતમાં ફસાયા હોય અને તમારી પાસે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહિ હોય ત્યારે તમેને જરા વાત કરજો, જોજો પળવારમાં તમારી મુસીબતનું સમાધાન નથી દેતા. માતા પિતા જેટલી સમજશક્તિ તમને બીજા કોઈમાં નહિ મળે, જે જ્ઞાન તમને મોટી મોટી શાળાઓમાં અને મોટા જ્ઞાની મહાત્માઓ પાસે નહીં મળે તે જ્ઞાન તમને તમારા માતા પિતા પાસેથી મળશે.

તમે રોજ સવારે ભલે તમારા માતા પિતાને પગે ના લાગતા હોય પરંતુ જો દિલથી તેમનું સન્માન કરતા હોય તો તે ચરણસ્પર્શ કર્યા બરાબર જ છે. આજે લોકો એકબીજાને દેખાડવા માટે માતા-પિતાની સામે તેમનો આદર સત્કાર કરતા હોય છે, મધર્સ ડે અને ફાધર્સ ડેના દિવસે પોતાના માતા-પિતા સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં શૅર કરતા હોય છે, તેમના સન્માનમાં પોસ્ટ પણ મૂકતા હોય છે અને છાના ખૂણે જ માતા પિતાનું ઘરમાં રહીને અપમાન પણ કરતા હોય છે, તેમની સામે તેમનો આદર પણ નથી કરતા હોતા.

ભલે તમારા માતા-પિતા તરફના પ્રેમને તમે દુનિયા સામે ના બતાવો પરંતુ જો તમારા દિલમાં તેમના માટે સન્માન હોય, તેમના માટે આદરભાવ હોય, તેમના એક બોલે તમે બેઠા થઇ જતા હોય તો તમે આદર્શ સંતાનની શ્રેણીમાં આવી શકો છો. નહિ તો બસ કહેવા ખાતર જ કહેવાશે કે "મા-બાપનું ઋણ આ જન્મના ના ચૂકવાઈ શકે જો તમે ઈચ્છો તો આ જન્મમાં જ તેમની સેવા ચાકરી કરી, એમને તમને જે રીતે બાળપણમાં સાચવ્યા એજ રીતે તેમને તેમના ઘડપણમાં સાચવશો તો આ જન્મમાં જ એમનું ઋણ ચૂકવાઈ જશે.

લે. નીરવ પટેલ "શ્યામ"