Jaane-ajaane - 45 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (45)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (45)

બીજી તરફ ભોળી રેવા આ વાતથી અને રોહનનાં મગજથી - વિચારોથી અજાણ હતી. તે તો પોતાનાં જીવનમાં માત્ર કૌશલને જોવાં માંગતી હતી. જાણે- અજાણે ઘણાબધા જીવન એકબીજામાં ગૂંચવાઈ ગયાં હતાં.

રોહનનાં વિચારો શરું થઈ ચુક્યાં હતાં. પણ તેને કોઈ ઉપાય જળ્યો નહીં. બીજી તરફ રેવા કૌશલ પાસે પહોંચી. કૌશલ કંઈક કામમાં વ્યસ્ત હતો એટલે તેણે રેવાને રાહ જોવાં કહ્યું. એક શાંત જગ્યાએ બેઠેલી રેવા, કૌશલની રાહમાં અધીરી બની રહી હતી. "ક્યારે કૌશલ આવે ને હું આ બધું કહું !... તેની પાસે મારી બધી મુશ્કેલીઓનું સમાધાન હોય છે તો આ વાતનું પણ હશે. પણ બીજી જ પળે વિચાર આવ્યો કે જો મેં રોહનને બધું જણાવ્યું અને તે મને કે મારી પરિસ્થિતિ ને સમજી ના શક્યો તો?... જો તેણે એવું કહી દીધું કે પહેલાં જ મને વાત કરવી જોઈતી હતી તો?!... રોહનને મળવાં ગઈ હતી તે વાત તેને પસંદ ના આવી તો?!...." અને રેવા ફરી ગૂંચવાઈ. શું કરે શું નહીં તેને સમજાતું નહતું. આ તરફ રોહનને કોઈ રસ્તો મળ્યો નહીં એટલે તેણે રેવાનાં બધાં કાચાં પાસાઓ શોધવાનાં શરું કર્યાં. અને આખરે રોહનની સામે રેવા અને પ્રકૃતિનો કિસ્સો આવ્યો. હવે રોહનને એક આશા દેખાય રહી હતી. તેણે તરત પ્રકૃતિને મળવાનું વિચાર્યું. પ્રકૃતિ પહેલેથી જ અનંતને ચાહતી હતી અને આ વાતની ભનક રોહનને હતી. છતાં તેણે પ્રકૃતિ ને રેવાની વિરુધ્ધ વાપરવાનું વિચાર્યું. અને આખરે પ્રકૃતિ અને રોહન સામસામે આવી ઉભાં.

પ્રકૃતિ રોહનથી તદ્દન અજાણી હતી. અને આ વાતનો ફાયદો રોહને ઉઠાવ્યો. રોહને વાત શરું કરી " પ્રકૃતિ... મને ખબર છે કે તું મને નથી ઓળખતી. અને હું પણ તને વધારે નથી ઓળખતો. પણ જેટલું પણ જાણું છું એ પરથી હું તને ભરોસો અપાવી શકું કે આપણાં બન્નેનો ફાયદો છે. " પ્રકૃતિ આશ્ચર્યથી રોહનની વાત સાંભળી રહી. રોહને વધાર્યું " રેવા કોણ છે એ તને કહેવાની જરૂર નથી. અને એ પણ કહેવું નહીં પડે કે તેની યાદો ખોવાય ગઈ છે ..." " હા... અને ક્યારે આવશે એ પણ નથી ખબર... કેટલાં સમયથી અહીંયા પડી છે..." પ્રકૃતિ નો ગુસ્સો બહાર આવી રહ્યો હતો. આ જોઈ રોહન બોલ્યો " અને હું તેની બધી વાતો અને બધી યાદો જાણું છું.." "કેવી રીતે? " પ્રકૃતિ એ તરાપ મારી. રોહને થોડું હસીને કહ્યું "શાંત થા.. શાંત થા... કહું છું બધું. " અને ધીમેથી વાત શરું કરી

" જે છોકરી ને તમેં રેવા કહો છો તેનું સાચું નામ નિયતિ છે. અને બાજુનાં એક શહેરમાં તેનું ઘર છે. અમેં પહેલી વાર કૉલેજમાં મળ્યાં હતાં. મારું આ બાઈક તેને મારી તરફ ખેંચી લાવ્યું હતું. તેને પહેલે થી જ આવાં બાઈકનો શોખ હતો. એટલે એ દિવસે તે મારાં પણ બઈકને જોતી હતી. આ જોઈ મેં તેની સાથે વાત કરવાની કોશિશ કરી અને તે ભાગી ગઈ. પછી ધીમેં ધીમે અમારી વાત એક ડાયરીથી શરૂ થઈ અને અમેં મિત્રો બન્યાં. થોડો સમય પસાર થયો એવામાં અમેં મિત્રો થી થોડાં વધારે બની ચુક્યાં હતાં. પણ અમેં એકબીજાને કશું કહીએ તે પહેલાં મારાં પરિવારમાં થોડી તકલીફ હતી તો મારે તેને છોડીને જવું પડ્યું. બે-ત્રણ વર્ષ વીત્યાં અમેં વાત પણ નહતી કરી.. ના મળ્યાં કે કોઈ જાતનો સંબંધ નહતો. પછી જ્યારે હું પાછો ફર્યો મને એ જ નિયતિ ફરીથી જોવાં મળી હતી જેને હું જાણતો હતો. એ દિવસે મારી ખુશીનો પાર નહતો રહ્યો અને અજાણે જ મારાં કાબુની બહાર થઈ તેની વધારે નજીક ચાલ્યો ગયો હતો. એ પળ, એ ક્ષણ અને એ અહેસાસ અકલ્પનિય હતો. પણ નિયતિ ત્યાંથી ભાગી ગઈ. કદાચ શરમાય ગઈ હશે એ વિચારી મેં તેને થોડો સમય આપ્યો અને બીજાં દિવસે મળવાં કહ્યું. તેણે હા પણ કહ્યું પણ....." રોહન બોલતાં બોલતાં ચુપ થઈ ગયો એટલે પ્રકૃતિ એ પુછ્યું "પણ શું?... શું રેવા એટલે નિયતિ નહતી આવી? " રોહને જવાબ તો આપ્યો પણ આ વખતે તેનો જવાબ તેનાં મગજમાંથી નિકળી રહ્યો હતો. " ના... તે આવી. પણ તેની સાથે એક એવી વાત લઈને આવી કે મારાં પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે કહ્યું હું તને કોઈ જાતનો પ્રેમ નથી કરતી. તું માત્ર મારાં મનને માણવાનો એક રસ્તો હતો. અને મને ભૂલી જજે.... અને તે ચાલી ગઈ. મેં તેને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે રોકાય નહીં. અને પછી ખબર નહીં શું થયું કે તે એકદમથી જ લુપ્ત થઈ ગઈ. અને મનેં થોડાં સમય પહેલાં જ ખબર પડી કે તે આ ગામમાં છે. અને સાચું કહું તો મારાં મનમાં હજું તેનાં માટે લાગણી ઓછી નથી થઈ. મને આજે પણ નિયતિ પાછી જોઈએ છે. પણ મને જાણવાં મળ્યું કે તે તો અનંત જોડે....." રોહને પોતાની નિચતાની સાબીતી આપી દીધી. અને પ્રકૃતિનાં મનમાં રેવા માટે વધારે ઝેર ભરી દીધું. પ્રકૃતિ એ રોહનની બધી વાત માની લીધી. કેમકે તેણે પહેલેથી જ રેવાને અનંત સાથે જોઈ હતી. પ્રકૃતિ હજું વિચારે એ પહેલાં રોહને કહ્યું "હું આજે પણ નિયતિને ચાહું છું. અને તેને પોતાની જિંદગી માં પાછી લાવવાં માંગું છું. અને આ બધી કાળઝાળમાં મને તારાં વિશે ખબર પડી. મને ખબર છે તું અનંતને પ્રેમ કરે છે અને તેને પોતાનાં જીવનમાં રાખવાં માંગે છે. પણ તને એ પણ ખબર હશે કે રેવા તેમ થવાં નહીં દે. હું તેને સારી રીતે ઓળખું છું, જો એકવાર તેણે વિચારી લીધું કે તેને આ જોઈએ છે તો પછી તે કોઈની પણ વસ્તુ છીનવી શકે છે. અને અનંત તો તેની તરફ ખેંચાતો જ જાય છે. " રોહનની દરેક વાતો પ્રકૃતિને સમજાવવાં યોગ્ય હતી. અને પ્રકૃતિનાં બદલાતાં ભાવ જોઈ લાગી રહ્યું હતું કે તે રોહનની વાતમાં ફસાવવા લાગી છે.
થોડીવારનાં સન્નાટા પછી પ્રકૃતિ એ જવાબ આપ્યો " તારી બધી વાત સાચી છે. પણ હવે શું થઈ શકે?... અને જો અનંત પણ રેવાને પસંદ કરવાં લાગ્યો હશે તો હું તેની ખુશીમાં ખુશ હોઈશ. હું જાતે જ પાછી ખસી જઈશ. પણ જો રેવાનાં મનમાં મેલ હશે અને તે અનંતને પણ તારાં જેમ વાપરતી હશે તો?....." પ્રકૃતિની વાતો સાંભળી રોહન મનમાં જ ખુશ થવાં લાગ્યો. તેને ખબર હતી કે પ્રકૃતિ હવે તે જેમ કહેશે તેમ કરશે.

બીજી તરફ રેવા જે કૌશલને બધી વાત જણાવવાનું વિચારીને બેઠી હતી તેની હજું કૌશલ સાથે વાત પણ નહતી થઈ શકી. એક એક ક્ષણ રેવા માટે અઘરો પડતો જતો હતો. પોતાનાં મનથી લડતી - ઝઘડતાં તે કૌશલની રાહ જોઈ બેઠી હતી. પોતે જે કહેવાની હતી તે સાચો નિર્ણય છે કે નહીં તેનું પણ ભાન નહતું. કૌશલને આવવામાં મોડું થવાં લાગ્યું. સાંજ થવાં લાગી અને અંધારું પણ વળવા લાગ્યું. એટલે નિરાશ બનેલી રેવા પોતાનાં ઘર તરફ પાછી ફરવાં લાગી. પોતાનાં વિચારોમાં મગ્ન બની તે બસ ધીમાં પગલાં ભરતી ચાલવા લાગી. આ તરફ કૌશલ હજું કામમાં અટવાયેલો હતો જેથી આખી રાત નિકળી ગઈ પણ તે રેવાને મળવાં ના આવી શક્યો. લાંબી કાળી રાત જેમતેમ કરી રેવાએ પસાર કરી. પણ નવો ઉગતો સુરજ પણ તેનાં માટે સારો નહતો. અઢળક પડકાર ઉભાં થઈ રહ્યાં હતાં.

સવાર પડતાંની સાથે જ સાક્ષી ત્યાં આવીને ઉભી હતી. રેવાની નજર તેની પર પડી. અવિચલ મનની એક અપાર શાંતિ અનુભવાય. " દીદી.... તમેં સવાર સવારમાં?...." રેવાએ ખુશ થઈ પુછ્યું. " હા... હું સવાર સવારમાં... અને આજે હું તારાં માટે જે સરપ્રાઈઝ લાવી છું ને તેને જોઈ તું ખુશીથી ઉછળી પડીશ. જોવું છે?.." સાક્ષીએ અધીરાઈમાં પુછ્યું. રેવાએ હકારમાં માથું હલાવ્યું અને સાક્ષીએ જોરથી બૂમ પાડી પપ્પા.... રેવાનાં કાન સફાળા જાગી ગયાં અને આખાં શરીરમાં એક ઝણઝણાટી ઉઠી ગઈ. ના જાણે કેટલી તપસ્યા અને આંસુઓ વહેડાવ્યાં હતાં આ એક ક્ષણ માટે. રેવાએ પોતાની દરેક શ્વાસમાં તેની એક જ ઈચ્છા પુરી થવાની આશ કરી હતી. એ હતી તેનાં પપ્પા સાથે મુલાકાત. જાગતાં - ઉંઘતા, હરતાં - ફરતાં દરેક વાતમાં રેવાને યાદ આવતાં પોતાનાં પિતા આજે તેની સામેં આવવાનાં હતાં. નવરાશની દરેક ક્ષણમાં વિચારેલું કે મારાં પપ્પાને મળી આ વાત કરીશ કે આ પ્રશ્ન પુછીશ પણ શું રેવા આજે એ દરેક વાત કરવા સક્ષમ રહેશે?... રેવાનું મન જોર જોરથી ફલાંગો મારી રહ્યું હતું, મોઢું સુકાય રહ્યું હતું અને આંખો ઝળહળી ઉઠી અને એક વ્યક્તિ બારણામાંથી અંદર આવ્યો. રેવાની આંખો વગર પલકારો મારે બસ એકીટશે જોતી જ રહી. રેવા ક્યારે નિયતિ બની ગઈ તેને ભાન ના રહ્યું અને પોતાનાં પિતાને પોતાની આંખો સામે જોતાં તે પોતાનાં ઘૂંટણીયે પડી બસ રડી પડી. નિયતિનાં પિતા જયેશભાઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો. જે દિકરીને રસ્તાની ગલીએ ગલીએ શોધતાં ફરતાં હતાં, દરેકનાં કહેવાં છતાં પણ નિયતિની મોતને ના માનનારનો વિશ્વાસ આજે સત્ય બની તેમની સામે હતો. મગજ તો જાણે બંધ પડી ગયું હતું. પોતે પોતાનાં કાબુની બહાર બસ નિયતિ તરફ પોતાનાં થાકેલાં, કરમાયેલા પગલાં ભરતાં રહ્યાં. પોતાનાં થથરતા હાથનો પંજો નિયતિ ના માથે મુક્યો અને બસ.... સમય રોકાઈ ગયો. નિયતિ અને તેનાં પિતા અધીરાં બની બસ રડી રહ્યાં. આખાં ઘરનું વાતાવરણ કરુણામય બની ગયું. સાક્ષી અને દાદીમાંની આંખોમાં પણ આંસુ હતાં. ઘણાં પ્રશ્નોથી ઘેરાયેલી રેવા નિયતિ બની પોતાનાં પિતાનાં હાથના સહારે બહાર આવી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું.
રોહન આ વાતથી અજાણ હતો પણ જ્યારે તેને ખબર પડશે કે નિયતિ તેનાં પિતાને મળી રહી છે તો કદાચ તેનાં મનમાં એક બીક ઉભી થશે. પણ આ બીક રેવા પર શું અસર કરશે?... શું રેવા રોહનથી બચી શકશે?.... શું તે પોતાનાં પિતાને ફરી મળી શકશે?.....


ક્રમશઃ