ભાગ ૧૮
બીજા દિવસથી દરેક સમાચારમાં સિકંદરનું નામ ચમકવા લાગ્યું અને તેના જીવનની કથા પ્રસારિત થવા લાગી, જે સિકંદરે બહુ ચાલાકીથી વાઇસનેટ પર મૂકી દીધી હતી કે કેવી રીતે એક ગરીબ ઘરનો છોકરો પોતાની મહેનતથી મોટા એમ્પાયરનો એમ. ડી. બન્યો અને એવા પ્રૂફ ઉભા કરી દીધા કે કોઈ તેની સત્યતા પર આંગળી ચીંધી ન શકે.
કોર્ટમાં સંબિતરનો દાવો પહેલી હીયરીંગમાં જ ઉડી ગયો અને તે દિવસ પછી તે કોઈને દેખાયો નહિ. તેના ગાયબ થવા પાછળ જુદા જુદા તર્કો થવા લાગ્યા, કોઈ કહેતું હતું કે તે રીજન છોડીને ચાલ્યો ગયો, તો કોઈ કહેતું હતું કે તેનું ખૂન થઇ ગયું છે. ખૂનની વાર્તા ખુબ ચાલી, પણ તેની લાશ ન મળી એટલે તે સ્ટોરીએ દમ તોડી દીધો. તેના ગાયબ થવાની પોલીસ તપાસ થઇ, પણ કંઇ નક્કર પરિણામ ન આવ્યું.
એક દિવસ સિકંદરે ઇયાને પોતાની ઓફિસમાં બોલાવી અને પૂછ્યું, “તું અહીંની જાણકારી કોને આપતી હતી?”
ઇયાના ચહેરા ઉપર હવાઈઓ ઉડવા લાગી, છતાં હિંમત દેખાડીને કહ્યું, “એવું કંઇ જ નથી, હું બહુ જ ઈમાનદાર કર્મચારી છું.”
સિકંદરે કહ્યું, “તને ખબર હતી કે તારા કોમ્પ્યુટર અને ડિવાઇસ પર સર્વિલન્સ છે, તેથી તું સિરમના કોમ્પ્યુટરમાંથી માહિતી ચોરતી હતી.” એમ કહીને તેણે સિરમના કોમ્પ્યુટરનું એક બટન દબાવ્યું એટલે એક સ્ક્રીન ઓપન થઇ, જેમાં કઈ કઈ માહિતી કોપી કરવામાં આવી તેની જાણકારી હતી.
ઈયાનું મોઢું સિવાય ગયું એટલે સિકંદર હસ્યો અને કહ્યું, “એક કામ કર તને અહીં મોકલનાર તારા બોસ મિસાની સાથે મારી મિટિંગ કરાવ, હું તેને મળવા માંગુ છું.”
ઇયા સિકંદરના મોઢે મિસાનીનું નામ સાંભળીને સડક થઇ ગઈ. સિકંદરે કહ્યું, “તારા ફોનમાં તેની જાણકારી છે, તું હમણાં જ તેને કોલ કર.”
ઇયા ફક્ત ઓકે જ કહી શકી.
*****
શ્રેયસને સિરમના મૃત્યુના સમાચાર મળ્યા પછી તેણે ચીફ સાથે વાત કરી અને સાયમંડ ઉર્ફ સિકંદર પર નજર રાખવા કહ્યું . શ્રેયસની સ્પેસ ટ્રેઇનિંગ બે વર્ષ સુધી ચાલતી રહી અને જુદી જુદી કંપનીઓના ડાયરેક્ટરોના ગાયબ થવાની ન્યુઝ તેને મળતી રહી અને જુદી જુદી કંપનીઓનાં સિક્રીસમાં મર્જરના સમાચાર મળતા રહ્યા. હવે સિક્રીસ ફક્ત રોબોટિક્સ ફિલ્ડમાં નહોતી રહી, તે સંપૂર્ણ જગતમાં નંબર એક કંપની બની ગઈ હતી.
****
વર્ષ : ઈ. સ. ૨૨૪૫
APAL કંપનીએ પોતાનું મિશન લોન્ચ કર્યું . પહેલા ભાગમાં લખ્યું તેમ સોળ વ્યક્તિઓની બનેલી ટીમ તેમાં પ્રવાસ કરી રહી હતી. આપણે ફરી તેમની ઓળખાણ કરી લઈએ.
કપ્તાન : રેહમન
ડૉક્ટર : ડો સીકર
પાયલટ : વિલ્હેમ અને કૃષ્ણા
કો પાયલટ : બ્રિજ અને કેસર
વૈજ્ઞાનિક અને ઈન્જીનીયર ની ટીમ : કેલી , ઇયાન , વુલમર્ગ , જેમ્સ , પીટર ,શ્રીકાંત,સરોજ ,વેન , બ્રુસ અને શ્રેયસ.
આ બધામાં શ્રેયસ અને કેલીનાં નામ છેલ્લી ક્ષણે જોડવામાં આવ્યા હતાં, જેમાં શ્રેયસના નામનો વિરોધ રેહમને કર્યો, તેનું કારણ તેની ઉંમર હતી, પણ બેને તેની ઉપયોગીતા વિષે સમજણ આપી અને કહ્યું, “શ્રેયસનું નામ ખુદ ડો. હેલ્મે સજેસ્ટ કર્યું છે.”
આ અંતરીક્ષયાનને લોન્ચ કરવા માટે સ્પેશિયલ લોન્ચર ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેણે અંતરીક્ષયાન ‘એન્દ્રી’ ને ગુરુથી આગળ પહોચાડ્યું. ત્યારબાદ વિલ્હેમે એન્દ્રીને ઓન કર્યું અને બાકી બધી સિસ્ટમ ચેક કરીને પૃથ્વી ઉપર ઓલ વેલના સંકેતો મોકલ્યા અને અંદરની લાઈટો ગ્રીન કરી, તે પછી બધાં પોતપોતાના ઇન્કયુબેટરમાંથી બહાર આવ્યા. બહાર આવ્યા પછી બધાં પહેલાંથી મળેલી સૂચના અનુસાર કંટ્રોલ રૂમમાં આવ્યા અને ત્યાં રેહમને એન્દ્રીની પોઝિશનની માહિતી આપી અને કહ્યું, “પહેલાં બધાં રિલેક્સ થાઓ અને કંઈક ખાઈ લો અને બધા એક વાતનું ધ્યાન રાખે કે એન્દ્રીમાં જો સિગ્નલ રેડ થાય તો પોત પોતાના ઇન્કયુબેટરમાં જતા રહેવાનું છે. નાવ રિલેક્સ, બોઇસ, ગર્લ્સ એન્ડ ઓલ્ડમેન.”
છેલ્લો શબ્દ શ્રેયસ સામે જોઈને ઉચ્ચાર્યો. શ્રેયસ આછકલું હસ્યો તે સમજી ગયો કે રેહમન તેને વધારે પસંદ નથી કરતો. એટલામાં કેલીએ તેના ખભા પર હાથ મુક્યો અને તેના પાસે જઈને ગણગણી કે “કમ ઓન તેની વાતને ઇગ્નોર કર.”
તે બંને લંચ રૂમ તરફ જવા લાગ્યા એટલે પાછળથી ઇયાનનો અવાજ આવ્યો, “હે ઓલ્ડી, વેટ હું પણ સાથે આવું છું.”
કેલીએ આંખો કાઢી એટલે ઇયાને કહ્યું, “સોરી સોરી શ્રેયસ, હું ફક્ત મજાક કરી રહ્યો હતો.”
એટલે શ્રેયસે કહ્યું, “નો પ્રોબ્લેમ, હું નાના છોકરાઓની વાતને સિરિયસલી નથી લેતો.”
એટલે ઇયાને તેનો ચેહરો પડી ગયો હોય એવો બનાવ્યો અને બંને હસી પડ્યા અને હાથ મેળવ્યા અને ઇયાને કહ્યું, “ચાલો મજા આવશે.”
જમ્યા પછી રેહમને બધાંને ફરી કંટ્રોલ રૂમમાં આવવાની સૂચના આપી. ત્યાં રેહમને ફરી એન્દ્રીની ફેસિલિટી અને ડુસ અને ડોન્ટ ડુસ ઉપર લેક્ચર આપ્યું, જે બધાંએ બગાસા ખાતાં ખાતાં અને ઝપકી મારતાં મારતાં સાંભળ્યું.
મિશન પર આવતાં પહેલાં આ વિષય પર ઘણા બધા લેક્ચર સાંભળી ચુક્યા હતા.
છેલ્લે રેહમને કહ્યું, “હું જાણું છું કે આ વિષય પર ઘણા બધા લેક્ચર સાંભળી ચુક્યા છો, પણ હું અત્યારે જે કહેવા જઈ રહ્યો છું, તે પહેલાં સાંભળ્યું નહિ હોય તો ધ્યાનથી સાંભળજો. આ અંતરીક્ષયાન એન્દ્રીમાં આપણે બધાં આવતા બાર થી તેર વર્ષ સુધી રહેવાના છીએ એટલે જરૂરી છે કે દરેક સભ્યોનો એકબીજા સાથે મનમેળ સારો રહે અને જો કોઈ ઝગડો કે વિખવાદ થયો તો શક્ય છે આપણું મિશન ફેલ થઇ જાય.”
રેહમનની વાતથી બધાં વિચારમાં પડી ગયા. વુલ્મર્ગે તરત પૂછ્યું, “આટલી નાની વાતમાં મિશન ફેલ કેવી રીતે થઇ શકે?”
રેહમને કહ્યું, “સમજાવું છું! જુઓ જો આપણે પૃથ્વી પર હોઈએ અને બે વ્યક્તિ વચ્ચે વિખવાદ અથવા ઝગડો થાય તો તેઓ એકબીજાથી દૂર રહીને ઘર્ષણ રોકી શકે છે, પણ અહીં તે શક્ય નથી. અહીં તમારે એકબીજા સાથે હંમેશા કામ પાર પાડવાનું છે. સ્પેસમાં એવા ઘણા બધા કિસ્સા બન્યા છે કે નાનો વિખવાદ ખૂન સુધી પહોંચી ગયો હોય. એટલે જ દરેક જણ પોતાનો ઈગો છોડીને એકબીજા સાથે વર્તે, જેથી કોઈ જાતનો ઝગડો ન થાય અને હવે સફર લાંબી છે અને આરામ કરવાનો છે, એવું ન વિચારતા. અહીં કોઈ પણ પ્રોબ્લેમ આવે આપણે સોલ્વ કરવાનો છે અને કોઈ પણ રિપેરિંગ આવે બધાએ મળીને કરવાનું છે. આ સફરમાં સૌથી મોટા બે પ્રોબ્લેમ છે, એક છે લઘુગ્રહો અને બીજો છે કોસ્મિક કિરણોનો ધોધ. લઘુગ્રહોની પહોળાઈ દસ મીટરથી લઈને પચાસ કિલોમીટર સુધી હોઈ શકે અને મેં બનવેલા નકશા અનુસાર આવા પચાસ બેલ્ટમાંથી આપણે પસાર થવાનું છે અને કોસ્મિક કિરણોના ધોધમાંથી હજારો વખત પસાર થવું પડશે.”
પછી બધાં સાવધાન છે કે નહીં તે જોઇને આગળ કહ્યું, “જયારે એન્દ્રી એવી જગ્યાએથી પસાર થવાનું હશે ત્યારે રેડ લાઈટ ઓન થશે એટલે તરત બધાંએ પોતપોતાના ઇન્કયુબેટરમાં જતા રહેવાનું એટલે સુવાનું ફક્ત ઇન્કયુબેટરમાં અને જાગતા હો ત્યારે પણ ફુલ એલર્ટ પર રહેવાનું. એન્દ્રી મનોરંજનની પણ સગવડો છે, અહીં ગેમ્સ ઉપરાંત મુવીઝ, ઈ બૂક્સ એવું ઘણું બધું છે. તો બધાં તૈયાર છો, લાંબા સફર માટે?”
દરેક જણે યસ કહ્યું એટલે રેહમાન જોરથી બરાડ્યો, “તમારા યસમાં જોશ નથી, ફરી પૂછું છું તૈયાર છો સફર માટે?”
બધાં જોશમાં બોલ્યા, “યસ કેપ્ટ્ન.”
“ધેટ્સ બેટર. હવે મારી પાછળ એક સ્ક્રીન છે, તેની ઉપર ડ્યુટી ચાર્ટ છે તે જોઈ લો, તે પ્રમાણે બધાંએ ડ્યુટી કરવાની છે અને હવે ડો. સીકર બધાને પ્રાયમરી ટ્રીટમેન્ટ વિષે એક લેક્ચર આપશે જે બધાંએ જાગતા રહીને ધ્યાનથી સાંભળવાનું છે.”
ક્રમશ: