મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
પરિસ્થિતિ કાબુ હેઠળ છે
‘હાલપૂરતી પરિસ્થિતિ ગંભીર પરંતુ કાબુ હેઠળ છે...’
દરેક વખતે આમ જ થાય છે, દરેક વખતે આમ જ કહેવાય છે. આ વખતે પણ એમ જ થયું છે અને આ વખતે પણ આમ જ કહેવાઈ રહ્યું છે.
ત્રણ દિવસથી આખું ગામ કર્ફ્યુંની પકડમાં છે. પૂરેપૂરી અને સાચી વાત તો હજી સુધી કોઈને ખબર પણ નથી પણ ઘટનાએ ખબર નહીં કેમ પણ ગતિ પકડી લીધી હતી. એ સાંજે એક ખાસ જ્ઞાતિનો મનસાલાલ શહેરથી પોતાનું ડોક્ટરનું ભણતર પૂરું કરીને બેન્ડવાજાં સાથે પૂરી શાનથી ગામ પરત આવ્યો હતો અને એ જ રાત્રે તેમની જ્ઞાતિના ઝુંપડામાં ભયંકર આગ લગાવી દેવામાં આવી હતી. બીજે દિવસે નહેર પાસે જ્યારે મનસાલાલની લાશ મળી ત્યારે બંને જ્ઞાતિઓ સામસામી આવી ગઈ હતી.
બન્ને તરફ લોકો એકબીજાને મારવા માટે તૈયાર થઇ ગયા હતા. ઘટનાએ વર્ગવિગ્રહનું સ્વરૂપ લઇ લીધું તો તોફાન તો થવાનું જ હતું. વાત રાજધાની સુધી પહોંચી તો ન્યૂઝ ચેનલોની ગાડીઓ ગામ તરફ દોડી પડી. દરેક તરફ માઈક, ચારે તરફ કેમેરાના ફ્લેશ.
“મને તો કશી જ ખબર નથી પડી રહી બાબુજી! હું તો બધી બાજુએથી લુંટાઈ ગયો સાહેબ. એક તરફ મારા દીકરાની લાશ નહેર પાસેથી મળી છે અને ઝુંપડીઓ સાથે અમારો બધો માલ સમાન પણ સળગી ગયો.” મનસાલાલનો બાપ જીંગાલાલ એક માઈકની સામે પોતાની મીંચાયેલી આંખોથી આંસુ લૂછતાં લૂછતાં કહી રહ્યો હતો.
“એ નાલાયકની એટલી હિંમત કે તેણે અમારી છોકરીઓની ઈજ્જત પર હાથ મૂક્યો!!” ચૌધરી ભીમ સિંહ આરોપ લગાડતા બીજા સંવાદદાતાના માઈક પર ગર્જના કરી રહ્યો હતો.
“મનસાલાલને તો અમે જાણતા જ નથી ભાઈ સાહેબ!” ચૌધરી ભીમ સિંહની દીકરી જ્યોતિ આસપાસ જોતા જોતા સંવાદદાતાને કહી રહી હતી.
રાજધાનીના અલગ અલગ ચેનલો અલગ અલગ ખૂણેથી આ સમાચારનું પિષ્ટપેષણ કરીને પોતાના ટીઆરપી વધારી રહી હતી. સરકારી ચેનલ એકના એક સમાચાર વારંવાર બોલી રહી હતી.. અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે, પણ ગંભીર છે... સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે…
***