ગઠીયા નહીં, પણ સાગઠીયા: 'કષ્ટથી મર' કેર સેન્ટર!
કસ્ટમર કેરમાં તમારું સ્વાગત છે. નમસ્કાર, શું મારી વાત મિસ્ટર કરુણ ગઠીયા સાથે થઈ રહી છે?
(તરડાઈ ગયેલા અવાજમાં) હેંએએએએ...? ઓ બેન... કરુણ ગઠીયા નહીં, તરુણ સાગઠીયાઆ.
(પેલાના તરડાતા અવાજની કોઈ અસર ન થઈ હોય એ રીતે) આમાં તો કરુણ ગઠીયા જ લખ્યું છે. નામ સુધરાવી લેજો કરુણ સર.
(થોડી ચીડ સાથે) પણ મેં તમને સાચુ નામ કહ્યું ને હવે તો મને કરુણ ન કહો. પ્લીઝ.
(ઠંડકભર્યા અવાજમાં) ઓકે, તો મિસ્ટર ગઠીયા...
(ઉશ્કેરાટભર્યા અવાજમાં) અરે, ગઠીયા નહીં સાગઠીયા...
(વધુ ઠંડક સાથે) ઓકે, મિસ્ટર સાગ ગઠીયા...
(ગુસ્સામાં) એ તારી સાસુનું શાક દાઝે...શાક ગઠીયા નહીં, સાગઠીયાઆઆ...
(ભોળપણભર્યા અવાજમાં) ઓહ ઓકે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી મિસ્ટર કરુણ.
કરુણ તમે મારી હાલત કરી નાંખી છે મારું નામ તરુણ છે.
ઓહ, ઓકે તરુણ! યુ મીન ટીનએજ?
હા, એ જ. ટીનએજ.
પણ, અમારા રેકોર્ડ મુજબ તો તમારી ઉંમર 35 વર્ષ છે.
તારા રેકોર્ડની હમણાં કહું ઇ...ઉંમર તો મારી 45 વર્ષ છે. એને અને મારા નામને શું લેવા દેવા?
લે, તમે જ તો કહ્યું કે તમે ટીનએજ છો!
એ તારું નખ્ખોદ જાય રાભી, મેં કોઈ ટીન કે તપેલુએજ નથી કીધી.
માઈન્ડ યોર લેંગ્વેજ સર. આ ફોન તાલીમ અને ગુણવત્તા માટે રેકોર્ડ થઈ રહ્યો છે.
તમને કોઈ તાલીમ મળી લાગતી નથી અને તમારો રેકોર્ડ ભંગાર છે.
ઓકે. તમને પડેલી મુશ્કેલી બદલ માફી ચાહુ છું સર. તમારી કમ્પ્લેન મેં નોંધી લીધી છે. આવતા 48 કલાકમાં તમારી સમસ્યાનું સમાધાન આવી જશે.
કમ્પ્લેન? કમ્પ્લેન તો મેં હજુ કંઈ કરી જ નથી બેન. તમે શું મારું કપાળ નોંધી લીધું?
તમે હમણાં જ કહ્યું કે અમારો રેકોર્ડ ભંગાર છે. મેં એ કમ્પ્લેન રેકોર્ડ વિભાગમાં મોકલી આપી છે. આવનારા 48 કલાકમાં તમારી કમ્પ્લેન પર એક્શન લેવામાં આવશે. હું તમારી બીજી કોઈ સેવા કરી શકું?
તારા બાપનું કપાળ ડોબી...તું...
માઈન્ડ યોર લેંગ્વેજ સર. આ કોલ તાલીમ અને ગુણવત્તાના હેતુસર રેકોર્ડ થઈ રહ્યો છે.
તમારી સર્વિસમાં કંઈ ગુણવત્તા જેવું જ નથી.
ઓકે. તમને પડેલી મુશ્કેલી બદલ માફી ચાહુ છું સર. તમારી કમ્પ્લેન મેં નોંધી લીધી છે. આવતા 48 કલાકમાં તમારી સમસ્યાનું સમાધાન આવી જશે.
(મેક્સિમમ તરડાયેલા અવાજમાં) વળી કમ્પલેન નોંધી લીધી? મેં હજુ ક્યાં કોઈ કમ્પલેન નોંધાવી જ છે પણ...
સર, તમે જ તો કહ્યું કે અમારી સર્વિસમાં ગુણવત્તા નથી. તમારી કમ્પલેન હું અમારા ક્વોલિટી કન્ટ્રોલ વિભાગમાં ટ્રાન્સફર કરી રહી છું.
ક્વોલિટી કન્ટ્રોલ વિભાગ? ઓ હાળી બુહીઈઈઈઈઈ....
માઈન્ડ યોર લેંગ્વેજ સર. આ કોલ...
હા, ખબર છે આ કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. થવો જ જોઈએ. જેથી કંપનીને ખબર પડે કે કંપનીએ કેવા કેવા નમૂના ભરી રાખ્યાં છે. તમારી ઉપર કોણ છે?
મારી ઉપ્પર ઝુમ્મર છે સર.
હા, તે ઈ તારા માથે ખાબકતું કેમ નથી? તારું માથું ફૂટે ને અમારે કપાળ કૂટવા મટે...
એક્સયુઝ મી...? વોટ ડુ યુ મિઈઈન?
આઈ મિન કે તમારી ઉપર કોઈ માણસ છે?
સર, તમે આવી ગંદી ગંદી વાતો ન કરો. આ કોલ તાલીમ અને ગુણવત્તા માટે...
ગંદવાડ તારા મગજમાં છે ડોબી. મારો મતલબ એ છે કે તમારી ઉપર કોઈ મેનેજર જેવું કોઈ પ્રાણી છે?
એક્સયુઝ મી સર...! મેનેજર જેવું પ્રાણી એટલે?
પ્રાણી એટલે જનાવર. તારા જેવું.
સર, તમે મારી ઈન્સલ્ટ કરી રહ્યાં છો.
તે તને હવે છેક ખબર પડી?
તમારે જોઈએ છીએ શું?
મારે મેનેજર સાથે વાત કરવી છે.
કોના મેનેજર સાથે?
નરેન્દ્ર મોદીના મેનેજર સાથે?
કેમ એમની સાથે?
તારા જેવા લોકો કોલ સેન્ટરમાં બેઠા છે એ જ બતાવે છે કે એમનું 'સ્કિલ ઈન્ડિયા' મિશન ફેલ ગયું છે! તારા મેનેજર સાથે વાત કરવી છે મારી માઆઆ... તારા મેનેજર સાથે...
માઈન્ડ યોર લેંગ્વેજ સર. હું તમારી મા નથી. હું કોઈની મા નથી. હું હજુ કુંવારી છું.
તું પરણતી પણ નહીં બકા...!
કેમ?
બાળકો મંદબુદ્ધિ પેદા થશે.
કોના સર?
રાહુલ ગાંધીના. તું તારા મેનેજરને કોલ ટ્રાન્સફર કરને.
કરું છું સર, પણ રાહુલ ગાંધીના તો લગ્ન...
શટઅપ. કંઈ જ બોલતી નહીં આગળ. તારા મેનેજરને કોલ ટ્રાન્સફર કર. મારે તારી સાથે તો વાત જ નથી કરવી. મારે એમને જ કમ્પલેન કરવી છે.
આપની કમ્પલેન તો મેં નોંધી લીધી ને સર?
એ ખુબ ખુબ આભાર આપનો. છતાં મારે તમારા મેનેજર સાથે વાત કરવી છે. ઈફ યુ ડોન્ટ માઈન્ડ.
આઈ ડોન્ટ હેવ માઈન્ડ સર.
એક્ઝેટલી. હવે કોલ ટ્રાન્સફર કરશો? પ્લીઝ.
કોલ ટ્રાન્સફર થાય છે.
નમસ્કાર, હું દિનેશ કારતુસવાલા વાત કરું છું. શું મારી વાત કરુણ ગઠીયા સાથે થઈ રહી છે?
એ ગઠીયો હશે તારો બાપ. હું સાગઠીયો બોલું છું કારતૂસિયા.
કારતૂસિયા નહીં સર, કારતૂસવાલા.
એ જ કહું છું કે ગઠીયા નહીં સા ગ ઠી યા. (દરેક અક્ષર પર મણ મણના ભાર સાથે) તમારા કારતૂસ ફોડવામાં જરા ભાન રાખો.
તમને પડી રહેલી અસુવિધા બદલ માફી ચાહુ છું સર. તમે નિશ્ચિંત રહો. તમે નોંધાવેલી બન્ને કમ્પ્લેનનો સમયસર નિકાલ થઈ જશે.
અરે, કહું છું મેં કોઈ કમ્પ્લેન નોંધાવી જ નથી પણ...
માફ કરશો સર, પણ અહીં અમારા રેકોર્ડમાં તમારા નામે બે કમ્પ્લેન રજિસ્ટર્ડ દર્શાવે છે.
ધૂળ પડી તમારા રેકોર્ડમાં. તમે આમ મંડી ના પડો. પહેલા શાંતિથી મારી આખી વાત સાંભળો.
જી, બોલો સર.
શું બોલે? આ તમારી કષ્ટથી મારવાવાળી બૈ કંઈ સાંભળતી જ નથી અને સમજતી પણ નથી.
શું કહ્યું સર? સાંભળતી નથી? શક્ય જ નથી. અમે થોડા સમય પહેલા જ તમામ સ્ટાફ માટે આંખ, કાન, નાક અને ગળાના ચેકઅપનો કેમ્પ રાખ્યો હતો.
તમે દિમાગના ચેકઅપનો કેમ્પ નથી રાખતાં? પેલી છોકરીએ મારું દિમાગ ખરાબ કરી નાંખ્યું કારતુસિયા.
સર, તમને કોઈપણ પ્રકારની શારિરીક કે માનસિક તકલીફ હોય તો તમે અમારી હેલ્થ ટીપ્સ સુવિધા યુઝ કરી શકો છો. એમાં તમને નિયમિત હેલ્થ ટીપ્સના એસએમએસ મળશે. આઈ થિંક, માનસિક સમસ્યાઓ માટે અમારી યોગા ટીપ્સ સુવિધા બેસ્ટ રહેશે. એક્ટિવેટ કરી આપું સર?
અરે મગજ મારું નહીં પેલીનું ખરાબ છે. એને ડિએક્ટિવેટ કરો.
સર, હમણાં જ તો તમે કહ્યું કે તમારું દિમાગ ખરાબ છે.
ખરાબ છે એમ નહીં પણ ખરાબ થઈ ગયું છે એમ કહ્યું.
હા, એ જ ને. તમારું દિમાગ ખરાબ છે.
દિમાગ તમારું ખરાબ છે કારતૂસિયા...
કારતૂસિયા નહીં સર કારતુસવાલા.
(ગુસ્સાથી થરથરતા અવાજમાં) કારતુસવાલા ભલે તમે હોવ, પણ હવે ભડાકો હું કરીશ હોં.
સર, તમે એમ ધમકી ન આપી શકો. આ કોલ તાલીમ અને ગુણવત્તાના હેતુસર રેકોર્ડ થઈ રહ્યો છે. આના આધાર પર તમારા પર કમ્પલેન થઈ શકે.
મેં ક્યાં ધમકી આપી?
તમે જ તો કહ્યું કે હું ભડાકો કરીશ!
એ તો ખાલી એક વાત હતી.
તમે ખાલી વાતો કરવા કસ્ટમર કેરમાં કોલ ન કરી શકો મિસ્ટર પગથિયાં.
એ પગથિયાં નહીં સાગઠીયાઆઆઆ...%$#%#$....%$#%@$%
ફ્રી હિટ :
सोचते है कि धूल बन जाएं उनकी गली की,
घुस जायेंगे उस निगाह में जो भी सनम पर पड़े।
- પાર્ટટાઇમ કવિ