Sukh no Password - 17 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 17

Featured Books
Categories
Share

સુખનો પાસવર્ડ - 17

અડધે રસ્તે પહોંચી ગયા પછી ખબર પડે કે ખોટી દિશામાં આવી ગયા ત્યારે શું કરવું જોઈએ?

મહાન અણુવિજ્ઞાની ડૉક્ટર હોમી ભાભાના જીવનનો પ્રેરણાદાયી કિસ્સો

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

મહાન અણુવિજ્ઞાની ડૉક્ટર હોમી ભાભાના પિતા તેમને એન્જિનિયર બનાવવા માગતા હતા. પિતાએ તેમને ઈંગ્લેન્ડની એક વિખ્યાત એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરવા મોકલ્યા.

એ વખતે ડૉક્ટર હોમી ભાભાને પોતાને પણ ખબર નહોતી કે પોતાને સૌથી વધુ રસ કયા ક્ષેત્રમાં છે, પણ પિતાએ તેમને ઇંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા એટલે તેઓ દિલ લગાવીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા.

ડૉક્ટર ભાભા ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરતા હતા એ સમયમાં ભૌતિકશાસ્ત્ર વિશેનું એક પ્રવચન સાંભળવા ગયા. એ પ્રવચન સાંભળીને તેમને ભૌતિકશાસ્ત્ર પ્રત્યે આકર્ષણ જાગ્યું. તેમને થયું કે મારે એન્જિનિયરને બદલે ભૌતિકશાસ્ત્રી બનવું જોઈએ.

તેમણે પોતાના પિતાને પત્ર લખ્યો કે મારે ભૌતિકશાસ્ત્રી બનવું છે. તેમના પિતાએ વિચાર્યું કે કદાચ યુવાનીના સમયને કારણે પુત્રને ક્ષણિક વિચારો આવતા હોય એવો જ આ એક વિચાર હશે. તેમણે વળતો પત્ર લખ્યો કે તું એક વાર એન્જિનિયર બની જાય પછી હું તને ભૌતિકશાસ્ત્ર ભણવાની પરવાનગી આપીશ.

ડૉક્ટર ભાભા ઉચ્ચ ટકાવારી સાથે એન્જિનિયરિંગની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. એ પછી તેમણે પિતાને કહ્યું કે હવે મને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવા દો. તેમના પિતાએ એ માટે પરવાનગી આપી.

ડૉક્ટર ભાભા એન્જિનિયર બન્યા પછી ભૌતિકશાસ્ત્ર તરફ વળ્યા અને અણુવિજ્ઞાની તરીકે જગવિખ્યાત બન્યા. તેમને ભારતમાં અણુવિજ્ઞાનના જનક તરીકે યાદ કરાય છે.

ડૉક્ટર ભાભાના જીવનના આ કિસ્સા પરથી એ બોધ લેવા જેવો છે કે ક્યારેક આપણે કોઈ દિશામાં આગળ પહોંચી ગયા હોઈએ અને પછી અહેસાસ થાય કે આપણી મંઝિલ બીજી દિશામાં છે તો અફસોસ કર્યા વિના રસ્તો બદલાવી લેવો.

એક મિત્રએે અઢી દાયકા એક ક્ષેત્રમાં વિતાવ્યા પછી સમજાયું કે પોતે આ ક્ષેત્રમાં આવીને ભૂલ કરી છે અને હવે એ ક્ષેત્રમાં જ બાકીનું જીવન પસાર કરવું પડશે એ વખતે તેમને ડૉક્ટર ભાભાના જીવનની આ પ્રેરણાદાયી વાત કરી હતી.

***