Jantar-Mantar - 21 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 21

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

જંતર-મંતર - 21

જંતર-મંતર

( પ્રકરણ : એકવીસ )

હંસા સામે પોતાના સફેદ, ચળકતા ડોળા તાકીને બિલાડો ઘૂઘવાટા કરવા લાગ્યો. એ બિલાડાની ચમકદાર મોટી આંખો એટલી બધી બિહામણી હતી કે, ગમે તેવો મજબૂત કાળજાનો આદમી પણ એ જોઈને છળી મરે...હંસા પણ ડરી ગઈ. એ આંખો મીંચીને રીમાને વળગી ગઈ. ત્યાં સુધીમાં તો હેમંતને રમાડતાં બેઠેલા હંસાની સાસુ રંજનાબહેન પણ આવી ગયાં. એમણે એકબીજાને વળગીને ઊભેલી નણંદ-ભોજાઈને પૂછયું, ‘અરે, હંસા-રીમા...શું થયું ?’

હંસાએ પોતાની સાસુનો અવાજ સાંભળીને આંખો ઉઘાડી. ગભરાટથી આસપાસ નજર નાખી પણ પેલો બિલાડો કયાંય ગાયબ થઈ ગયો હતો. હંસાએ છુટકારાનો દમ ખેંચતા, નિરાંતનો શ્વાસ લીધો અને રીમાને પોતાનાથી અલગ કરતાં કહ્યું, ‘રીમા, ડર નહીં....હવે અહીં કોઈ નથી.’

રીમાએ આંખો ઉઘાડીને આસપાસ નજર કરી. હજુ એની આંખોમાં ગભરાટ હતો જ. બિલાડાને ચાલ્યો ગયેલો જોઈને રીમા હંસાના ખભા ઉપર પોતાનું માથું પટકતાં બોલી, ‘ભાભી, આમ રોજ-રોજ ડરીને ગભરાઈને મરવા કરતાં તો મોત આવે સારું....’

‘મરે તારા દુશ્મન...રીમા..., આવા અશુભ શબ્દો અત્યારે ન કાઢ.... ઉપરવાળો બધું ઠીક કરશે...ચાલ મારી પાસે રસોડામાં બેસ.’ હંસા રીમાને સમજાવીને રસોડામાં લઈ જતાં, પોતાની સાસુ તરફ જોઈને બોલી, ‘બા, તમે ચિંતા ન કરો, કંઈ ફિકર જેવું નથી.’

દૃ દૃ દૃ

બીજે દિવસે સુલતાનબાબા સમયસર આવી પહોંચ્યા હતા. સફેદ કપડું બિછાવીને એમણે એ કપડા ઉપર બેઠક જમાવી હતી. રીમાને એમણે પોતાની સામે બેસવાની સૂચના આપતાં કહ્યું, ‘બેટી, તું સામે બેસી જા.’

રીમા બેસી ગઈ એટલે એમણે હળવેકથી રીમાના બાવડા ઉપરનું તાવીજ ખોલી નાખ્યું અને હંસાને આપી દેતાં કહ્યું, ‘લે બેટી, હમણાં આની જરૂર નથી. આને એક તરફ સાચવીને મૂક. અને મને ગઈ કાલવાળું લીંબુ આપ. વધારાની એક-બે સોય પણ આપ.’ અને ત્યારબાદ સુલતાનબાબા આંખો મીંચીને ઝડપથી હોઠ ફફડાવતા કંઈક પઢવા લાગ્યા. કયાંય સુધી સુલતાનબાબા એકીશ્વાસે પઢતા રહ્યા. પછી એમણે હંસા પાસેથી લીંબુ હાથમાં લીધું. ચારે તરફ ફેરવી ફેરવીને જોયું. જેમ જેમ લીંબુને તે જોતા રહ્યા તેમ તેમ કપાળ પર વધુ ને વધુ કરચલીઓ પડવા માંડી. એમના ચહેરા ઉપર ચિંતા દેખાવા લાગી. એમણે લીંબુ ઉપરથી નજર ખસેડીને હંસા ઉપર જમાવી, ‘બેટા, આ લીંબુને કોઈ અડયું હતું ?’

સુલતાનબાબાના ચહેરા ઉપર ચિંતાના ભાવ જોઈને હંસાના મનમાં પણ ચિંતા ઘેરાઈ ગઈ હતી. એણે ગભરાટ સાથે કહ્યું, ‘ના, લીંબુને કોઈ અડકયું નથી. કેમ કંઈ થયું છે ?’

‘હા, લીંબુમાં તિરાડો પડી ગઈ છે...!’ પછી તેઓ મનમાં બબડતાં હોય એવા ધીમા અવાજે બોલ્યા, ‘હા, આ બધું એ નાલાયક શેતાનનું જ કારસ્તાન છે.’

સુલતાનબાબા એ લીંબુ સામે કયાંય સુધી જોતા રહ્યા. વિચારતા રહ્યા પછી એમણે એ લીંબુ ડાબા હાથમાં પકડીને, જમણા હાથમાં સોય લીધી અને પછી એ સોય ઉપર પઢી પઢીને ફૂંકવાનું ચાલુ કર્યું અને પછી આંખો મીંચીને એમણે પૂરા જોશથી એ લીંબુમાં સોય ઘોંચી.

પણ સોય લીંબુમાં ઘોંચાતાં જ એક જોરદાર કડાકા સાથે લીંબુ તૂટી ગયું અને લીંબુમાંથી લોહીના રેલાઓ ઊતરીને સુલતાનબાબાની હથેળી ઉપર પથરાઈ ગયા. થોડીકવારમાં સુલતાનબાબાની હથેળી લોહીથી ભરાઈ ગઈ અને એમાંથી રેલા ઊતરીને નીચે પાથરેલા સફેદ કપડાં ઉપર પડવા લાગ્યા.

લીંબુ એક કડાકા સાથે ફાટયું. બરાબર એ જ વખતે સુલતાનબાબા સામે બેઠેલી રીમા જોશથી પછડાઈ. અને એની સાથોસાથ સિકંદરનું અટ્ટહાસ્ય સંભળાયું.

સુલતાનબાબાએ ગભરાટથી ત્રાડ નાખી, ‘સિકંદર છટકી ગયો...!’

સિકંદર આઝાદ થઈ ગયો.

સુલતાનબાબા માટે આ એક ચોંકાવનારી બાબત હતી. ગભરાટથી એમના ચહેરા ઉપરથી પરસેવો વરસાદના રેલાની જેમ ઊતરી રહ્યો હતો. એમનો ચહેરો તપાવેલા તાંબાની જેમ લાલચોળ થઈ ગયો હતો. એમના હોઠ અને આખુંય માથું ધ્રૂજતું હતું. એમની આંખોમાં ઝનૂન સાથે ખુન્નસ ઊતરી આવ્યું હતું.

‘સિકંદર છટકી ગયો...!’ એવી ત્રાડ પછી તરત જ એમણે બીજી ત્રાડ પાડી, ‘....જલદી બીજું લીંબુ આપો...!’ અને પછી એમણે પોતાના હાથ પરનું લોહી સાફ કર્યા વિના જ પોતાના એક હાથમાં સોય ઉઠાવી લીધી અને ઝડપથી હોઠ ફફડાવીને પઢવાનું ચાલુ કરી દીધું. એમની આંખો રીમા ઉપર સ્થિર હતી.

પણ રીમા અત્યારે સ્થિર નહોતી. રીમા જોશજોશથી ચિલ્લાતી હતી. ઊભી થતી હતી. નાચતી હતી. દીવાલો સાથે જોશથી પોતાનું શરીર પછાડતી હતી અને ઘરમાં પડેલા સામાનને ઉઠાવી-ઉઠાવીને આળોટતા-આળોટતા ઉછળી પડીને જમીન ઉપર પટકાતી હતી. રીમા જ્યાં જ્યાં જતી હતી ત્યાં ત્યાં સુલતાનબાબાની નજર પણ દોડતી હતી.

હંસાએ દોડીને રસોડામાંથી એક લીંબુ ઉઠાવી લાવીને સુલતાનબાબાએ થોડીકવાર સુધી પઢી-પઢીને હોઠ ફફડાવીને સોયને ત્રણેકવાર ફૂંક મારીને લીંબુમાં જોશથી સોય ઘોંચી દીધી અને પછી ઝડપથી એમણે બીજી સોય પોતાના હાથમાં ઉઠાવી.

સોય ઘોંચતાં જ જાણે ચમત્કાર થયો હોય એમ રીમા શાંત થઈ ગઈ. તોફાન બંધ કરીને એ જમીન ઉપર સૂઈ ગઈ. અને જોશ-જોશથી ત્રાડો અને બૂમબરાડા પાડવા લાગી.

સુલતાનબાબા હવે કંઈક શાંત પડયા હતા. એમણે ત્રીજી સોય ઉપાડી લીધી અને આંખો મીંચીને તેઓ હોઠ ઝડપથી ફફડાવવા લાગ્યા.

પણ એ વખતે ઘરના બધાંના જીવ ઊંચા થઈ ગયા હતા. સુલતાનબાબાથી થોડેક દૂર જ ઊભેલાં બધાં એકીટસે આંખો ફાડી-ફાડીને સુલતાનબાબાને જોવા લાગ્યા. સુલતાનબાબાએ ત્રીજી સોય હાથમાં લીધી ત્યારથી જ બધાંનાં દિલ જોશ-જોશથી ધડકવા લાગ્યાં હતાં.

ગયા વખતે ત્રીજી સોય લીંબુમાં ઘોંચતી વખતે જ જોરદાર ધડાકા સાથે લીંબુ ફાટી ગયું હતું અને સિકંદર આઝાદ થઈ ગયો હતો. હવે આ વખતે ફરી બે સોય તો લીંબુમાં બરાબર ગોઠવાઈ ગઈ હતી અને ત્રીજી સોય લીંબુમાં હેમખેમ ઘોંચાઈ જાય એની જ સહુને ચિંતા હતી. બધા મનોમન એ સોય લીંબુમાં બરાબર સહેલાઈથી ઘોંચાઈ જાય એ માટે મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં. કમરામાં બિલકુલ ખામોશી પથરાઈ ચૂકી હતી. સુલતાનબાબાના ફફડતા હોઠનો અવાજ પણ અત્યારે બિલકુલ સાફ સંભળાતો હતો. પઢતાં પઢતાં જ અચાનક સુલતાનબાબાએ એક જોરદાર ત્રાડ સાથે આંખો ઉઘાડી નાખી અને એની સાથોસાથ એમણે લીંબુમાં જોશથી ત્રીજી સોય પણ ઘોંચી દીધી. કમરામાં ઊભેલાં બધાંનાં દિલ ઉછળીને રહી ગયાં. કંઈ થયું નહીં. લીંબુ ફાટયું નહીં અને લીંબુમાં ત્રીજી સોય પણ પરોવાઈ ગઈ.

હવે સુલતાનબાબાએ નિરાંતનો દમ લીધો હોય એમ હંસા દોડી જઈને હાથ લૂછવા માટે એક સ્વચ્છ કપડું લઈ આવી. જેમ જેમ હાથ લૂછાતા ગયા તેમ તેમ અચરજથી બધાંની આંખો પહોળી થવા લાગી, હાથ બરાબર લૂછાયા પછી એ હથેળીમાં એક મોટો કાળો ડાઘ પડી ગયેલો દેખાયો. સળગતા કોલસાથી દાઝીને કાળો પડી ગયો હોય એવો રૂપિયા જેવો ગોળ ચાંદો સુલતાનબાબાની હથેળીમાં પડી ગયો હતો.

સુલતાનબાબાએ કહ્યું, ‘મારા હાથમાં પેલું લીંબુ ફાટયું એનો આ ડાઘ છે. એ તો સારું છે કે, મારા હાથમાં લીંબુ ફાટયું, જો બીજા કોઈકના હાથમાં એ લીંબુ ફાટયું હોત તો એના ફૂરચેફૂરચા ઊડી ગયા હોત.’ પછી એમણે ફરી રીમા તરફ નજર માંડી.

રીમા ચૂપચાપ બિલકુલ શાંત પડી હતી. સુલતાનબાબા કયાંય સુધી એકીટસે એને તાકી રહ્યા. પછી એમણે હળવેકથી કહ્યું, ‘હવે ખાસ કંઈ વાંધા જેવું નથી. મારે સળંગ તેર ગુરુવાર સુધી સાંજે આવવું પડશે. હવે હું ગુરુવારે આવીશ. અને તેર ગુરુવાર સુધીમાં એનો ફેંસલો લાવી દઈશ !’ અને ત્યારબાદ એમણે પોતાની સામે મૂકેલું લીંબુ હંસાને આપતાં કહ્યું, ‘દીકરી, આ લીંબુને તું ઠેકાણે મૂકી દે.’

હંસાએ લીંબુ પોતાના હાથમાં લીધું. લીંબુ હાથમાં ઉપડતાં જ એનો હાથ કંપી ગયો. ધગધગતી સગડીમાં તપાવેલું હોય એવું એ લીંબુ ગરમ હતું. એના મનમાં ફફડાટ જાગ્યો, ‘કયાંય લીંબુ ફાટી તો નહીં જાય ને...!’

પણ પછી હિંમત કરીને એ લીંબુને રસોડામાં લઈ ગઈ અને એક ઊંચા ગોખલામાં સાચવીને એણે એ લીંબુ મૂકી દીધું.

સુલતાનબાબાએ બધું સંકેલીને પોતાની ઝોળી ઉઠાવી પછી ઊભા થતાં એમણે ચુનીલાલને કહ્યું, ‘અત્યારે તમારી દીકરીની ખૂબ સંભાળ લેવાની જરૂર છે. તમે એને કયાંય બહાર મોકલતા નહીં. કોઈ અજાણ્યા માણસને એની નજીક જવા દેતા નહીં બસ, તેર ગુરુવાર હેમખેમ પસાર થઈ જાય પછી તમારી દીકરી બિલકુલ સાજી થઈ જશે.’

ચુનીલાલે સુલતાનબાબાની નજીક આવતાં ગળગળા અવાજે પૂછયું, ‘બાબા, મારી દીકરી સાજી થઈ જશે ને ?’

‘હા, હા, તમે બેફિકર રહો. એ શયતાન મારા હાથમાંથી છટકીને કયાંય નહીં જાય. હું એને ખતમ કરીને જ જંપીશ.’

એ દિવસ રીમા બિલકુલ શાંત રહી. રાત પણ બિલકુલ શાંતિથી વિતાવી, પણ એ રાતે હંસાભાભીને ખૂબ ખરાબ સપનાંઓ આવ્યાં. એક મોટો કાળો અને ચમકતી આંખોવાળો બિલાડો સતત દેખાતો રહ્યો. હંસા વારે-ઘડીએ ચોંકીને જાગી ઊઠતી અને ફરી પાછી મનોજની સોડમાં ભરાઈ જતી.

બીજે દિવસે સવારે હંસાની નાની બહેનના વિવાહ હતા. ઘરનાં બધાંને જવાનું હતું. વેવાઈને ત્યાં વહેવારિક પ્રસંગે ગયા વિના ચાલે એમ નહોતું. હંસા કે મનોજને પણ ઘરે રોકી શકાય એમ નહોતું. રંજનાબહેન અને ચુનીલાલ પણ ત્યાં જવાના હતાં. રીમાને તો સાથે લઈ જવાય એમ નહોતું. બધા મૂંઝવણમાં હતાં.

પણ એ બધાંની મૂંઝવણ દૂર થતાં વાર લાગી નહિ. કોઈ દિવસ સવારના પહોરમાં નહીં ડોકાનારો અમર એ દિવસે સવારે દસ વાગતાંમાં ટપકી પડયો ત્યારે હંસાએ ખુશીથી ઉછળી પડતાં કહ્યું, ‘સારું થયું અમરભાઈ તમે આવી ગયા.’

‘કેમ, મારી એટલી બધી શું જરૂર પડી ?’ કહેતાં અમર હસી પડયો. ત્યારે હંસાએ બધો જ ખુલાસો કરીને ઉમેર્યું, ‘હવે ચાર વાગ્યા સુધીમાં એને સાચવો...’

અમર હંસા તરફ જોઈને હસી પડયો, ‘ભાભી, તમે એની ચિંતા ન કરો. હું આજે સાંજ સુધી અહીં જ છું.’

બધાં ઝડપથી તૈયાર થઈને અગિયાર વાગતામાં તો ચાલ્યાં ગયાં.

બધાં ગયા પછી અમરે મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને રીમા સાથે રીમાના કમરામાં આવ્યો.

આજે ઘણા દિવસે બન્ને પ્રેમીઓ એકાંતમાં ભેગાં થયાં હતાં. પરંતુ ચિલકા સરોવરમાં તાવીજ ખોલતાં જ રીમાએ મચાવેલા તોફાનને યાદ કરીને, અમર રીમાની વધુ નજીક જતાં મનમાં ડરતો હતો. એનું હૃદય ખૂબ જોશજોશથી ધડકતું હતું. પણ રીમા આજે ખુશખુશાલ હતી. ઘણા દિવસે અમર આવ્યો હતો. લગભગ સત્તરેક દિવસ અમર કલકત્તા જઈ આવ્યો હતો. રીમાએ એને ઘણા દિવસ પછી જોયો એટલે જ રીમા એની વધુ ને વધુ નજીક સરકી રહી હતી. રીમાએ હળવેકથી અમરનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળ્યો, પછી અમરની આંખોમાં આંખો નાખતાં પૂછયું, ‘કેમ કલકત્તામાં મઝા આવી ?’

અમરે રીમાનો કોમળ હાથ દબાવતાં કહ્યું, ‘રીમા, તારા વિના હવે મને કંઈ ગમતું નથી. જો કામ ન હોત તો હું ત્યાં એક દિવસ પણ ન રોકાત...!’ અને પછી કંઈક યાદ આવ્યું હોય એમ બોલ્યો, ‘રીમા, હું તારા માટે એક સરસ ભેટ લાવ્યો છું.’

‘કયાં છે એ...?’ રીમાએ અધીરાઈથી પૂછયું ત્યારે અમર બોલ્યો, ‘રીમા, આમ અધીરી ન થા. એ ભેટ હું અહીં લાવ્યો નથી. એકાદ બે દિવસ પછી મારાં બા-બાપુજી જાતે આવીને એ ભેટ આપી જશે.’

‘પણ એ ભેટ શું છે ?’ રીમાએ ઉતાવળથી પૂછયું. ભેટ જાણવાની એની અધીરાઈ બેવડાઈ ગઈ હતી.

અમરે ખૂબ જ ઠંડે કલેજે જવાબ આપ્યો, ‘રીમા, એ ભેટ જ્યારે તારા હાથમાં આવે ત્યારે તું જોઈ લેજે.’ કહેતાં અમરે રીમાની કમ્મરમાં પોતાનો હાથ પરોવીને રીમાને પોતાની વધુ નજીક ખેંચી. રીમાના ગુલાબી, નરમ અને સુંવાળા શરીર સાથે પોતાનું શરીર ચાંપીને બેઠા પછી અમરે રીમાનો હાથ પોતાના હાથમાં લઈને ચૂમવા માટે ઊંચો કર્યો.

પણ અમર હાથ ચૂમે એ પહેલાં જ રીમાએ ગભરાઈને હાથ પાછો ખેંચી લીધો. એના શરીરમાં ધ્રૂજારી ફરી વળી.

અમરે ચોંકીને રીમા તરફ જોયુ. રીમાની નજર બારી તરફ હતી. અમરની નજર પણ એ તરફ ખેંચાઈ.

બારી ઉપર એક મોટો બિલાડો ઊભો ઊભો એકીટસે બન્નેને તાકી રહ્યો હતો. બિલાડાની વિકરાળ આંખો જોઈને એકાદ પળ માટે તો અમર પણ થરથરી ગયો. પણ પછી તરત જ એણે પોતાની જાત ઉપર કાબૂ મેળવી લીધો અને રીમાના માથા ઉપર હાથ ફેરવતાં બોલ્યો, ‘અરે રીમા, આ સાધારણ બિલાડાથી શું ડરી ગઈ ?’

‘અમર, આ બિલાડો કોઈ સામાન્ય બિલાડો નથી...!’ એવું રીમા અમરને કહેવા જતી હતી પણ રીમા પોતાના હોઠ સુધી આવેલા આ શબ્દો ન બોલી શકી. એનું ગળું જાણે સૂકાઈ ગયું હતું. એની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હતી.

રીમા ગભરાટ અને ડરથી અમરના પડખામાંથી એકાએક ઊભી થઈ ગઈ. અમર પણ ઊભો થઈને એની નજીક સરકયો ત્યારે રીમાએ એને કહ્યું, ‘અમર, તમે મને અહીંથી બહાર લઈ જાવ. આ ઘરની ચાર દીવાલોમાં રહી રહીને હું અકળાઈ ગઈ છું. ગોંધાઈ ગઈ છું. અમર મને લાગે છે કે જો હવે વધુ વખત આ ચાર દીવાલોમાં પુરાયેલી રહીશ તો ગુંગળાઈને મરી જઈશ-ખતમ થઈ જઈશ. તમે મારી ઉપર દયા કરો અમર અને મને આ ચાર દીવાલોમાંથી કાઢીને કયાંક બહાર લઈ જાવ.’

અમરને લાગ્યું કે રીમાની વાત સાચી છે. ઘરની ચાર દીવાલોમાં ગુંગળામણભર્યા વાતાવરણ કરતાં તો બહારની ખુલ્લી અને તાજી હવા રીમાની તબિયત માટે વધુ સારી છે. એણે રીમાને ધરપત આપતાં કહ્યું, ‘ગભરા નહીં રીમા, ચાલ હું તને બહાર લઈ જાઉં છું. આપણે આસપાસમાં જ થોડીક લટાર મારી આવીએ.’

હા અમર, જલદ ચાલ...મને અહીં કંઈક થઈ જાય છે.’

અમર તરત જ રીમાનો હાથ પકડીને બહાર નીકળ્યો. દરવાજા ઉપર તાળું મારીને, ચાવી પોતાના કોટના ખિસ્સામાં સેરવીને અમર રીમા સાથે રસ્તા ઉપર આવ્યો.

જોકે, અમરને ખબર નહોતી કે એની સાથે એણે વિચાર્યું પણ નહોતું એવું થવાનું છે.

પછી..? પછી શું થયું..? અમર સાથે શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું.? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? રીમાનું શું થયું ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રહસ્યો-ભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***