આ વાત છે વિક્રમની અગિયારમી સદીની. હિન્દ રાજાઓ એક બીજાના રાજ્યો જીતવા માટે અંદરો અંદર લડતા હતા. રાજ્યોની સ્થાપના અને વિનાશ ચાલ્યા કરતા હતા. ખંડન અને મંડનના આ કાળમા કેટલાક મહાપ્રતાપી રાજાઓ મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે મરણિયો પ્રયાસ કરતા હતા.
આજે વાત કરવી છે આ સદીમા થઈ ગયલા બે મહાપ્રતાપી રાજાઓની. તેમના શૌર્યની, તેમના યુદ્ધની, તેમની દુશ્મનાવટની. તેમાના એક છે તૈલંગણના ચાલુક્ય વંશના પ્રતાપી, રાજા તૈલપ. અને બીજા છે માલ્વાનરેશ, મહારાજા પૃથિવીવલ્લભ. તૈલંગણ કે જે માન્યખેટ તરીકે ઈતિહાસમા જાણીતું બન્યું છે અને માલ્વા કે જે અવંતી તરીકે ઓળખાતું હતું. માલ્વા અને માન્યખેટ વચ્ચે કટ્ટર દુશ્મનીના બીજ વર્ષો પહેલા નંખાઈ ચૂકયા હતા. પૃથિવીવલ્લભ એટલે કે મુંજ, તેના પીતા મહારાજા સિંગદત્તે તૈલપના માતા-પિતાની હત્યા કરી હતી. અને તેને નજરે જોનાર એક નાની બાળકી મૃણાલ કુમારી કે જે તૈલપની મોટી બહેન થાય. તેણે આનો બદલો લેવાનું નાનપણથી જ નક્કી કરી નાખ્યું હતું. પોતના માતા-પિતાની હત્યા વખતે તૈલપ હજુ સાવ નાનો હતો. એટલે તૈલપના પાલન-પોષણની જવાબદારી તેમની અક્કા મૃણાલવતીએ સંભાળી.
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મૃણાલ કુમારીના દિલમાં બદલો લેવાની ભાવના પ્રબળ થવા લાગી. તેના દિલો-દિમાગમાં કેમ કરીને માલ્વાનો વિધ્વંસ કરું તે જ રમ્યા કરતુ હતું. મૃણાલ કુમારીએ પોતાનું આખુ જીવન બદલાની આગમાં હોમી દીધું. તે આજીવન બ્રહ્મચારિણી રહી અને સતત માલ્વા પર ચઢાઈ કરવાના અને તેને હરાવવાના કાવત્રા ઘડતી રહી.
આ તરફ માલ્વામા રાજા સિંગદત્ત રાજ્ય કરી રહ્યા હતા. તેમના બે પુત્રો – પૃથિવીવલ્લભ અને સિંધુ. મહારાજા સિંગદત્તને મૃણાલ કુમારીના માતાપીતાની કરેલી હત્યાનો પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો. તેમણે તેમના મોટા પુત્ર મુંજને બોલાવીને કહ્યું, “દીકરા, તું આ બે રાજ્યો વચ્ચેના વેર મટે એવું કંઈક કર. વર્ષોથી ચાલ્યા આવતા વેરને ભૂલીને બંને રાજ્યો વચ્ચે પ્રેમ-ભાવ સ્થાપિત થાય” પૃથિવીવલ્લભે તેમના પિતાજીને વચન આપ્યું કે તે બંને રાજ્યો વચ્ચે મિત્રતાની સંધી સ્થાપિત કરશે.
સમયની ધારા આગળ વધતી રહી. કંઈ કેટલીય વખત મૃણાલ કુમારી અને તૈલપે માલ્વા પર ચઢાઈ કરી. પરંતુ પૃથિવીવલ્લભ જ્યાં સુધી માલ્વામા જીવિત હતો, ત્યાં સુધી માલ્વાને જીતવું શક્ય ન હતું. દર વખતે મૃણાલ કુમારીને કે તૈલપને બંદીવાન બનાવીને તેમની સામે મૈત્રીનો હાથ લંબાવવામાં આવતો પણ વેરનું ઝેર જેની નસેનસમા વ્યાપેલું હતું, તેવી મૃણાલ કુમારી કોઈ પણ શરતે મૈત્રી કરાર સ્થાપિત કરવા નહોતી માંગતી.
સ્યુન દેશના રાજા ભીલ્લામ્રાજ, તૈલપના મહાસામંત હતા. તેની પત્ની લક્ષ્મીદેવી, તૈલપની પત્ની જક્કલાની પિતરાઈ બહેન હતી. અને તેમની પુત્રી હતી વિલાશવતી. વિલાશ, તેમની બુઆ મૃણાલવતીથી અને તેમના વૈરાગ્ય જીવનથી ખૂબ પ્રભાવિત થઇ હતી. તે પણ મોટી થઇને મૃણાલબુઆની જેમ બહાદુર બનશે. તે પણ તલવાર લઈને, ઘોડે સવાર થઈને રણભૂમિમા લડવા જશે. એવા સપનાઓ જોતી હતી. જયારે વિલાશના માતા-પિતાની ઈચ્છા તૈલપરાજ અને જક્કલાના પુત્ર સત્યાશ્રય સાથે વિલાશના લગ્ન કરવાની હતી.
માલ્વા રાજ્ય, કલા અને સંસ્કૃતિની નગરી તરીકે ઓળખાતું. માલ્વામા કવિઓનું સન્માન કરવામાં આવતું. તેમની કલાને બિરદાવવામાં આવતી. રાજ્યમા સમયે-સમયે આનંદ ઉત્સવો પણ ઉજવાતા. પ્રજા અને રાજા બન્ને કલા પ્રેમી હતા. જયારે આ તરફ ઈર્ષાની આગમાં બળતી મૃણાલ કુમારીએ આખા માન્યખેટમા ઉત્સવો અને કલાના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રાજ્યમાં કોઈ કવિને પોતાની કવિતા વાંચી સંભળાવવાનો પણ અધિકાર ન હતો.
વારંવાર મૃણાલ કુમારી તરફથી થતા માલ્વા પરના હુમલાથી રાજ્યનું વાતાવરણ ડામાડોળ થઇ ગયું હતું. મહારાજા સિંગદત્ત પર થતા બધા જ હુમલાઓમા મુંજ તેના પિતાને બચાવી લેતો. મુંજનો નાનો ભાઈ સિંધુ રાજ્યની લાલચમાં એક વખત તેના પિતાની જ હત્યા કરી બેસે છે. પછીથી મુંજના સમજાવાથી તેમણે ઘણો પસ્તાવો પણ થાય છે. પિતાના દેહવિલય બાદ પૃથિવીવલ્લભ માટે એક જ લક્ષ્ય બની જાય છે “માલ્વા અને માન્યખેટ વચ્ચે મૈત્રી સબંધો સ્થાપવા”
એક વખતના યુધ્ધમાં તૈલપ અને મુંજ સામ-સામે લડતા હતા. તૈલપ ઘવાયો હતો. મુંજ તેણે માત કરી દેવાની તૈયારી જ હતી ત્યાં જ માન્યખેટ તરફથી લડતા મહાસામંત ભીલ્લમરાજે મુંજ પર વાર કર્યો અને મુંજ ઘાયલ થયો. મુંજને બંદી બનાવવામાં આવ્યો અને માન્યખેટ લઈ જવામાં આવ્યો. આટલી લડાઈમા પહેલી વાર માલ્વાનો વિજય થયો હતો અને મુંજ હાર્યો હતો.
ઘણા વર્ષો પછી માન્યખેટમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. મૃણાલ કુમારીની ઈચ્છા પુરી થઈ હતી. તૈલપની ઈચ્છા તો પૃથિવીવલ્લભને કઠોરમા કઠોર સજા કરવાની હતી. પૃથ્વીનો જાણે રાજા પોતે જ ના હોય તેમ પૃથિવીવલ્લભનો પ્રભાવશાળી ચહેરો જોવા માટે જ માન્યખેટની પ્રજા આતુર હતી. પૃથિવીવલ્લભને જેલ હોય કે મહેલ તેના માટે બન્ને સરખા હતા. તે તેના પોતાના નિજાનંદમા જ મસ્ત હતો.
બીજા દિવસે સવારે બન્દીવાન પૃથિવીવલ્લભને આખા નગરમાં ફેરવવાનો હતો. તેનું અપમાન થાય તે માટે પ્રજાની વચ્ચે લાવવાનો હતો. પરંતુ આખા નગરમાં જાણે કોઈ રાજાનું સરઘસ નીકળ્યું હોય તે રીતે પૃથિવીવલ્લભ બંદીવાન અવસ્થામાં પણ મહાલતો-મહાલતો ચાલ્યો આવતો હતો. રાજ્યની સ્ત્રીઓએ તો તેમને દુરથી જ જોઈને હરખના ઓવારણા લેતી હતી. આ નરબંકાને જોવા માટે વિલાસ તેના માતા-પીતા સાથે રાજમહેલના જરુખે આવી હતી અને તેની બુઆ મૃણાલવતી પણ મહેલના કાંગરેથી મહાપ્રતાપી પૃથિવીવલ્લભને બંદીવાન હાલતમા પણ મસ્ત થઇને ચાલ્યો આવતો જોઈ રહી હતી. પૃથિવીવલ્લભના મુખની ક્રાંતિ જોઈને મૃણાલ કુમારીના દિલમાં દુશ્મન પ્રત્યે ન સમજાય ટેવો પ્રેમભાવ જાગ્યો હતો.
પૃથિવીવલ્લભને આખા નાગરમા ફેરવ્યા બાદ કારાગૃહમા લોખંડની બેડીઓ પહેરાવીને રાખવામાં આવ્યો. મૃણાલ કુમારી તેને મળવા માટે કારાગૃહમા જતી ત્યારે પૃથિવીવલ્લભનું અપમાન કરવાનો ખૂબ પ્રયાસ કરવા છતાં પૃથિવીવલ્લભના કામ-બાણથી તે વીંધાઈ જતી અને જાતને સંભાળીને ત્યાંથી ઉતાવળે ચાલી નીકળતી. કારાવાસમા વારંવાર પૃથિવીવલ્લભને મળવા આવતી મૃણાલ કુમારી, મુંજની મુખક્રાંતિથી અંજાઈ ગઈ હતી. જયારે જયારે મૃણાલ, મુંજને મળવા કારાવાસમા આવતી ત્યારે મુંજ એ જ મુક્ત હાસ્યથી મૃણાલ કુમારીને આવકારતો. તેને બન્દીવાન થવાનું કોઈ દુઃખ ન હતું કે હાર્યાનો કોઈ શોક ન હતો. તેને મૃત્યુનો કોઈ ભય ન હતો કે જીવતા રહેવાની કોઈ જીજીવિષા ન હતી, તે તો પોતાની મસ્તીમા વર્તમાન સમયમાં જ આનંદમા રહેવાનું શીખ્યો હતો.
વારંવાર અને કસમયે થતી મૃણાલ કુમારી અને પૃથ્વી વલ્લભની મુલાકાતો વેરમાંથી ક્યારે પ્રણયમા પરિણમી તેનું ખુદ મૃણાલવતીને પણ ભાન ન રહ્યું. તે તેના મન સાથે સંઘર્ષ કરી રહી હતી. અત્યાર સુધી જે વૈરાગ્યનો અંચળો ઓઢ્યો હતો તે પલવારમાં સરી પડ્યો હતો.
આ તરફ ભીલ્લમરાજ તેની પુત્રી વિલાશના લગ્ન તૈલપરાજના પુત્ર અકલંક ચરિત જેને સત્યાશ્રય તરીકે ઓળખતા હતા તેની સાથે કરવા માટે તલપાપડ થઇ રહ્યા હતા. સત્યાશ્રય ગુરુકુળમાથી શિક્ષા ગ્રહણ કરીને રાજ્યમાં હમણાં જ પાછો ફર્યો હતો. સત્યાશ્રય ખૂબ જ ઘમંડી અને ક્રૂર મિજાજનો હતો. પણ મૃણાલ બુઆ સામે તે ગરીબડી ગાય જેવો બની જતો.
એક વખત વિલાશને સત્યાશ્રયે રાત્રે એકાંતમાં મળવા માટે બોલાવી અને ખુબ ડરાવી-ધમકાવીને કામની યાચના કારી. ત્યાં જ એક દાસી આવી જવાથી વિલાશ ત્યાંથી ભાગી છૂટી. વિલાશ ખુબ જ ગભરુ સ્ત્રી હતી. તેથી આ વાત મૃણાલ બુઆને કહેવા માટે તેની જીભ ઉપાડતી ન હતી. અને જો કહેશે તો સત્યાશ્રય તેના શું હાલ કરશે એ વિચારે જ વિલાશ ધ્રુજી ઉઠતી. આ રીતે સત્યાશ્રયે જયારે લાગ મળતો ત્યારે વિલાશને હેરાન કરતો. દિવસે દિવસે વિલાશ સાવ ગુમસુમ રહેવા લાગી. તેમના સ્વાસ્થ્ય પર પણ સત્યાશ્રયના વર્તનની અસર થવા લાગી.
હવે જયારે પૃથિવીવલ્લભને બંદીવાન બનાવ્યો ત્યારે તેની સાથે આવેલા કેટલાક કવિઓને પણ અલગ જગ્યાએ કારાવાસમા રાખવામાં આવ્યા હતા. કવિઓની કવિતાઓનું રસપાન કરવા એક વખત લક્ષ્મી તેની દીકરી વિલાશને લઈ ગઈ. વિલાશને નાનપણથી જ કલા અને કવિતાઓનો બહુ શોખ. ત્યાં મહાકવિ ભોજ કે જે પૃથિવીવલ્લભનો ભત્રીજો એટલે કે સિંધુનો પુત્ર હતો તેમની પાસે કવિતાઓ સાંભળીને ગદ્દ-ગદ્દ થઈ ગઈ. આ રીતે લક્ષ્મી, વિલાશને ખુશ કરવાનો પ્રયત્ન કરતી. સમય જતા મૃણાલવતી પાસેથી લક્ષ્મીએ યુક્તિ કરીને આ કવિઓને કારાવાસમાંથી છોડી દેવાનું વચન લઇ લીધું.
કવિઓ બધા કારાવાસમાંથી આઝાદ થઇ ગયા. સામાન્ય નગરજાનોની જેમ રહેવા લાગ્યા પણ જાહેરમા કવિતા કરવા પર મૃણાલ કુમારીનો પ્રતિબંધ કાયમ હતો. છતાં પણ ચોરીછુપીથી શીશિવ મંદિર પાછળ વિલાશ, મહાકવિ ભોજને મળવા આવતી અને તેને કવિતાનું રસપાન કરાવવા આગ્રહ કરતી. આવી સુંદર યુવતીની માંગને ભોજ ઠુકરાવી નહોતો શકતો અને તેમને કવિતાઓ સંભળાવતો. તેની કવિતાઓ સાંભળી વિલાશ તેના પર આફરીન થઇ જતી. એક-બે વખત વિલાશની માતા લક્ષ્મી, કવિભોજ અને વિલાશને શિવમંદિર પાછળ જોઈ ગઈ હતી. પણ તેને આંખ આડા કાન કર્યા. એક દિવસ બન્યું એવું કે વિલાશની શોધમાં સત્યાશ્રય શિવમંદિરે આવી ચઢ્યો અને તેણે વિલાશ અને ભોજને વાત કરતા પકડી પાડ્યા. સત્યાશ્રયના ગુસ્સાનો પાર ન રહ્યો. તે વિલાશનો હાથ પકડીને રાજ મહેલમા લઇ ગયો. રાજકુમાર હોવાથી કોઈ તેને કશું કહી પણ શકે એમ ન હતું. મહેલમાં જઈને વિલાશ સાથે બળજબરી કરવા લાગ્યો અને મારવા લાગ્યો. ત્યાં જ મૃણાલ કુમારી અચાનક ત્યાં આવી ચઢી. મૃણાલબુઆને જોઈને સત્યાશ્રયનાં મોતિયા મરી ગયા. તેણે વિલાશને છોડી દીધી. વિલાશ મૃણાલબુઆની પાછળ લપાઈ ગઈ. રડતા-રડતા વિલાશે અત્યાર સુધી બનેલી બધી જ હકીકત મૃણાલબુઆને જણાવી દીધી.
એક સ્ત્રી પર થયેલા અત્યાચારથી મૃણાલ કુમારીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. તેને સત્યાશ્રયને કોરડે-કોરડે ફટકારવા માંડ્યો. મારતા-મારતા સત્યાશ્રયને તૈલાપરાજ જ્યાં દરબાર ભરીને બેઠો હતો ત્યાં લઇ ગઈ. તૈલપ અને જક્કલા વચ્ચે પડ્યા ત્યારે માંડ મૃણાલ કુમારીનો ગુસ્સો કાબુમાં આવ્યો. પરિસ્થિતિની ગંભીરતા જાણી જક્કલા અને તૈલપે મૃણાલ કુમારીના પગ પકડીને માફી માંગી અને સત્યાશ્રયને પણ સમજાવ્યો.
આ તરફ મહાકવિ ભોજ બીજા કવિઓને લઈને દરરોજ રાત્રે એક સુરંગ ખોદી રહ્યો હતો. જે સીધી પૃથિવીવલ્લભ જ્યાં બંદીવાન હતો તે કારાગૃહમા ખુલતી હતી. માથા નીચે હાથ રાખીને આરામ ફરમાવતા પૃથિવીવલ્લભને જમીન નીચે કંઇક અવાજ આવવા લાગ્યો. એટલે તે ઉભો થઈને જોવા લાગ્યો. કારાવાસના પ્રહરીઓ મોડી રાત થવાથી સુઈ ગયા હતા. થોડીવારમા કારાગૃહમા વચ્ચો વચ્ચ એક પથ્થર હલ્યો અને તેને આઘો કરી, કવિભોજે માથું બહાર કાઢ્યું. પૃથિવીવલ્લભે નાક પર આંગળી મૂકી મૂંગા રહેવાનો ઇસારો કર્યો. પુત્રભોજ બહાર આવીને તેના કાકા પૃથિવીવલ્લભને ભેટી પડ્યો.
ભોજે પૃથિવીવલ્લભને તેની સાથે અત્યારે જ સુરંગના માર્ગે બહાર આવવાની તાકીદ કરી પણ પૃથિવીવલ્લભે ભોજ પાસે એક દિવસનો સમય માંગ્યો અને બીજા દિવસે મધરાતે બાર વાગે કારાગૃહમાંથી સુરંગ વાટે ભાગી છૂટવું એવું નક્કી કર્યું. અને ભોજ જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો જતો રહ્યો. ઉપર પથ્થર હતો તેમ જ ગોઠવી દીધો.
બીજા દિવશે મૃણાલ કુમારી પૃથિવીવલ્લભને મળવા આવી ત્યારે પૃથિવી વલ્લભે મૃણાલ કુમારી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. મૃણાલ કુમારીને કોઈ વાંધો ન હતો પરંતુ અત્યારે પૃથિવીવલ્લભ બંદીવાન હતો, એક કેદી હતો. તેની સાથે આવું કેમ બને...?!
પૃથિવી વલ્લભે સમજાવતા કહ્યું, “આ રીતે ચોરી છુપીથી થોડું કંઈ આખી જીન્દગી મળી શકાશે ? આજે મધરાતે અહીં આવો આપણે સુરંગવાટે નીકળી જશું અને માલ્વા ચાલ્યા જશું. અને પછી તમે ત્યાં માલ્વાની પટરાણી થઇને રહેજો નિરાંતે”
મૃણાલ ઊંડા વિચારમાં પડી ગઈ. જો અહીં આ માનહાની સાંખીને રહીશ તો પણ મારી હાલત તૈલપ, ગુલામ જેવી જ કરશે. અને ત્યાં માલ્વામા દુશ્મનોના રાજ્યમા રહીશ તો મારી સ્વતંત્રતા સાવ છીનવાઈ જશે અને જીવવા મળશે કે કેમ તે પણ ખબર નથી. કદાચ પૃથિવીવલ્લભ ત્યાં જઈને મારો ન રહે તો...?
મૃણાલ કુમારીના મનમાં વિચારોનું ઘમસાણ ચાલ્યું. તે પૃથિવીવલ્લભને મધરાતે આવવાનું વચન આપીને ચાલી ગઈ. તેમના મગજમાં વિચારોનું ઝંઝાવાત અટકતું જ ન હતું. તે કોઈ નિર્ણય પર નહોતી આવી શકતી. અંતે તેણે તેમના ભત્રીજા સત્યાશ્રયને બોલાવ્યો. આ રીતે રાત્રે અચાનક મૃણાલબુઆના બોલાવવાથી સત્યાશ્રય પહેલા તો ડરી જ ગયો પણ પછી સ્વસ્થ થઇને મૃણાલબુઆની વાત સંભાળવા લાગ્યો.
મૃણાલે સત્યાશ્રયને કહ્યું, “મને એવી બાતમ્મી મળી છે કે પૃથિવીવલ્લભ આજે રાત્રે કારાગૃહમાંથી ભાગી છૂટવાનો છે. તું આજે મધરાતે તેને કોઈ બીજી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી દે”
“પણ બુઆ તમને આ વાતની કેવી રીતે ખબર ? તમે કહો તો પિતાજીને ખબર આપું ?” સત્યાશ્રયે આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછ્યો.
“ના. તારા પિતાજી, એ વિરલ વિભૂતિ જેવા માણસની મર્યાદા નહિ જાળવે અને ક્યાંક મૃત્યુ દંડ દઈ બેસશે. એટલે જ મેં તને બોલાવ્યો છે. તું તેને સહી સલામત બીજી જગ્યાએ પહોંચાડી દે. પૃથિવીવલ્લભ કોઈ પણ હિસાબે આપણા હાથમાંથી છટકવો ન જોઈએ”
“તમે નિશ્ચિંત રહો બુઆ આ કામ હવે હું સંભાળી લઈશ”
“મને તારા પર વિશ્વાસ છે કે તું આ કામ સારી રીતે પાર પાડી શકીશ. અને આ જ તે વિલાશ સાથે આચરેલા દુર્વ્યવહારનું પ્રાયશ્ચિત છે, બેટા”
સત્યાશ્રય મૃણાલબુઆને પગે લાગીને ત્યાંથી નીકળીં ગયો.
મૃણાલને માલ્વામા દુશ્મનોના દેશમા આઝાદી મળે તેના કરતા આ રીતે બાંધી મુઠ્ઠી રાખીને જ પૃથિવીવલ્લભને પોતાની પાસે રાખવાનું સાણપણ ભર્યું લાગ્યું.
મધરાતે કારાવાસમા નીરવ શાંતિ હતી. પૃથિવીવલ્લભ હાથનું ઓશીકું બનાવીને પડ્યો પડ્યો મૃણાલ કુમારીની રાહ જોતો હતો. ત્યાજ તેની નીચે જમીનમાં કોઈએ પાંચ ટકોરા માર્યા. પૃથિવીવલ્લભ સફાળો બેઠો થઇ ગયો. અજુ બાજુ જોઈને કોઈ પ્રહરી જાગતો તો નથી ને, તેની તપાસ કરીને તેણે પણ તે જગ્યાએ પગની એડી વડે પાંચ ટકોરા દીધા. થોડીવારમા ત્યાનો પથ્થર ઊંચકાયો અને દુર હડસેલાયો. અંદરથી ભોજનું માથું બહાર આવ્યું.
“કાકા, બધું બરોબર છે ? તમે તૈયાર છો ને...?”
પૃથિવીવલ્લભ હજુ અસમંજસમાં હતો “ હા, પણ હજુ થોડી રાહ જોવી પડશે, ભોજ”
“રાહ...? કોની ? શા માટે ?” ભોજે અધીરા થઈને પ્રશ્નો કર્યા.
“મૃણાલ કુમારી પણ આપણી સાથે આવે છે”
“મૃણાલ કુમારી ? શું વાત કરો છો, કાકા ?”
“હા, પણ હજુ સુધી તે આવી કેમ નહિ ?”
ત્યાં જ બહાર કંઇક ખખડાટ થયો.
“લાગે છે મૃણાલવતી આવી ગયા” ભોજે આનંદિત થઈને કહ્યું.
ત્યાં તો રાજકુંવર સત્યાશ્રય તેના ચુનંદા સૈનીકો સાથે કારાવાસમા ઘૂસ્યો. સમયને પારખી પૃથ્વી વલ્લભે પુત્ર ભોજની માથે પગ દઈને સુરંગમાં ધકેલી દીધો. પણ ઉપરનો પથ્થર બંધ કરવા ગયો ત્યાં જ સત્યાશ્રય ત્યાં આવી પહોંચો અને આડી તલવાર ખોસી પથ્થરને બંધ થતો અટકાવી દીધો. સાત-આઠ સૈનિકોએ પૃથિવીવલ્લભને બાવડેથી પકડ્યો હતો. તે સૈનિકોને બીજા કારવાસમા પૃથિવીવલ્લભને લઇ જવાની સુચના આપી સત્યાશ્રય સુરંગમા પેઠો.
સુરંગમા ગાઢ અંધકાર વ્યાપેલો હતો. માત્ર આગળ કોઈક જઈ રહ્યું છે એવું પગલાના અવાજથી ભાષ્યમાન થતું હતું. સત્યાશ્રય ઉઘાડી તલવારે અંધારી સુરંગમાં ઝડપથી આગળ વધી રહ્યો હતો. આગળ ભોજ અને પાછળ સત્યાશ્રય. બન્ને વચ્ચે લગભગ આઠ-દસ હાથનું અંતર હતું. આ સુરંગ શિવ મંદિરની પાછળ નીકળતી હતી. પરસેવે રેબજેબ ભોજે શિવમંદિર પાસે તૈયાર ઉભેલી વિલાશને ખભે લીધી. વિલાશની મા વિલાશને લઈને ત્યાં શિવમંદિર પાસે જ ઉભી હતી. તેમની ઈચ્છા મૃણાલવતી દ્વારા સત્યાશ્રયનું સત્ય જાણ્યા પછી વિલાશનું લગ્ન ભોજ સાથે કરવાની હતી. ભીલ્લમરાજની સહમતી અને વિલાશની ઈચ્છાથી લક્ષ્મી આ પગલું ભરી રહી હતી. મૃણાલવતી અને પૃથિવીવલ્લભના પ્રેમની વાત ભોજ દ્વારા વિલાશને અને વિલાશ દ્વારા તેની માતા લક્ષ્મીને અને ભીલ્લમરાજને ખબર પડી ગઈ હતી. પણ કોઈ મૃણાલ કુમારી વિરુધ તૈલપરાજને આ વાત કહેવાની હિંમત નો’તું કરતુ.
રાજ્યમા મધરાતે ચહલ-પહલ થવાથી સૈનિકો અને ચોકીદારોમા નાશભાગ થઇ ગઈ. થોડી જ વારમા ઉઘાડી તલવારે સત્યાશ્રય ત્યાં આવી પહોંચ્યો.
તેણે શીવ મંદિરની બહાર ઉભેલી લક્ષ્મીને પૂછ્યું, “તમે અહીંથી કોઈને જતા જોયો છે?”
લક્ષ્મીએ સમય લંબાવવા આડી અવળી વાતો કરી “કુંવર, અહીં તો રાજના ઘણા સૈનિકો આવ-જાવ કરે છે. તમે કોની વાત કરો છો ?”
સત્યાશ્રય સમય બગડ્યા વિના સીધો શિવ મંદિરમાં દોડી ગયો. તેને શંકા હતી તે જ થયું. શિવ મંદિરમાં પોઠીયો થોડો આડો પડેલો દીધો. સત્યાશ્રય સમજી ગયો કે ભોજ આ સુરંગ વાટે જ નગરની બહાર નીકળવા ભાગી ગયો હશે. તેણે પગની લાત વડે પોઠીયાને ગબડાવી સુરંગનો દરવાજો ખોલ્યો અને ઉઘાડી તલવારે સુરંગના રસ્તે ઝડપથી આગળ વધ્યો. ભોજના ખભ્ભે વિલાશ હતી. વિલાશ બેભાન થઇ ગઈ હતી. સુરંગમા ગાઢ અંધકાર હતો. પ્રકાશનું નામોનિશાન ત્યાં નો’તું. આગળ ચાલતા ભોજની પાછળ સત્યાશ્રય લગભગ દોડતો આગળ વધી રહ્યો હતો. થોડે આગળ જતા સત્યાશ્રય એકદમ નજીક આવી ગયો હોય તેવો ભોજને અહેસાસ થયો.
આગળ જેમ જેમ વધતા જતા હતા તેમ તેમ સુરંગ સાંકડી થતી જતી હતી. એક માણસ પણ માંડ-માંડ ચાલી શકે તેટલી જગ્યામા ભોજ વિલાશને લઈને ચાલતો હતો. પાછળ આવનાર સત્યાશ્રયના પગલાનો અવાજ એકદમ નજીક આવી ગયેલો જાણી ભોજે ઉભા રહીને વિલાશને નીચે જમીન પર સુવડાવી અને તે ઉઘાડી તલવારે અંધારામા સામે ઉભો રહ્યો અને પડકાર કર્યો,
“કોણ છે અલ્યા તું ?”
“તારો કાળ” કહી સત્યાશ્રય પણ ઉઘાડી તલવારે ત્યાં અટકી ગયો.
સત્યાશ્રયનો અવાજ ભોજ ઓળખી ગયો. થોડીવારમાં જ ભીષણ યુદ્ધ શરુ થયું બન્ને યોધ્ધાઓ વચ્ચે. અંધારામા એક-બીજાની તલવાર અથડાઈ અને તેમાંથી ચક-મક જરી અને સુરંગ થોડી વાર માટે પ્રકાશિત થઇ. તલવારથી એક-બીજા પર વાર ઉપર વાર થવા લાગ્યા. તલવારો બાજુની દીવાલમાં પથ્થરો સાથે અથડાઈને તૂટી ગઈ. બન્ને યોદ્ધાઓ તલવારો બાજુ પર મૂકી મલયુદ્ધ પર આવી ચઢ્યા. અહીં બન્નેને જોનાર કોઈ ન હતું, બન્ને એકબીજાને મારવા મરણિયો પ્રયાસ કરતા હતા. અહીં તો જે જીવતો રહે તે જીતે એવું હતું. ગુફાની દીવાલોમા એક-બીજાના માથા અથડાયા અને હાથ-પગના હાડકાઓ ભટકાયા. સાંકડી જગ્યામાં બરોબરનું યુદ્ધ જામ્યું હતું. સત્યાશ્રય પણ મચક નો’તો આપતો અને ભોજ પણ તેણે નો’તો છોડતો. ખુબ લડ્યા પછી બન્ને થાક્યા અને સત્યાશ્રયની છાતી પર અંધારામા જ ભોજ ચઢી બેઠો. હાથેથી સત્યાશ્રયની ગળચી દબોચી દેવાનો પ્રયત્ન કર્યો પણ સત્યાશ્રયના કરગરવાથી તેને જીવતો છોડી દેવાનું વિચાર્યું.
ભોજે દાંત કચકચાવતા સત્યાશ્રયને કહ્યું “બોલ તને એક વાતે જીવતો જવા દઉં, કે તું અહીંથી જ પાછો જતો રહે અને અમારો પીછો કરવાનું છોડી દે”
સત્યાશ્રય એમ કરવા તૈયાર થયો. બન્ને થાકીને લોથ-પોથ થઇ ગયા હતા. સુરંગમા હવાનું નામ-નિશાન ન હતું એટલે બન્ને યોધ્ધાઓ પરસેવે નીતરતા હતા. સત્યાશ્રયને જીવતો છોડવાથી તેણે ભાગીને જે બાજુથી આવ્યો હતો તે તરફ ચાલવા માટે પ્રયત્ન કર્યો પણ બે હાથ વા ગયો ત્યાં જ નીચે પટકાયો.
“કેમ ઉઠશે કે મદદ કરું?” ઉપકાર અને અપમાન કરતો હોય તેવા સુરમા ભોજે હાકલ કરી.
પણ સામે કોઈ જ પ્રત્યુત્તર ના મળ્યો. અંધારા કંઈ જ જોઈ શકાતુ ન હતું. થોડીવારમા ત્યાંથી સત્યાશ્રય ઉભો થઇને અથડાતો કુટાતો ચાલ્યો ગયો તેવું તેના પગરવ પરથી ખ્યાલ આવ્યો.
ભોજને પણ કળ વળી. તેણે અંધારામા વિલાશને જ્યાં મૂકી હતી ત્યાં શોધવા માંડ્યું, બન્ને લડતા લડતા સુરંગમા ક્યાય આગળ નીકળી ગયા હતા. આગળ-પાછળ હાથ અડાડી-અડાડીને અંધારામા બેભાન થયેલી વિલાશને શોધવા ભોજે ખૂબ મથામણ કરી. બહુ શોધ્યા પછી વિલાશ હાથમાં આવી. તેણે ખભ્ભે લઈને ભોજે સુરંગના નિકળવાના દ્વાર તરફ આગળ વધવા માંડ્યું.
થોડું ચાલ્યા બાદ ભોજને ખ્યાલ આવ્યો કે વિલાશનું શરીર હલકું લાગતું હતું અને તેની પીઠ આખી ભીની થઇ ગઈ હતી. ભોજે ખભા પરથી વિલાશને નીચે ઉતારી અને હાથ વડે જોયું તો તેના પેટમાં ધ્રાસકો પડ્યો. વિલાશના ધળ ઉપર માથું જ ન હતું !
ખુબ ક્રોધાવેશમા આવીને તેણે રાડ નાખી “નપાવટ, રમત રમી ગયો !”
હવે તેને સમજાયું કે સત્યાશ્રય નીચે પડ્યો હતો ત્યારે ત્યાં વિલાશ સુતી હતી અને ત્યાં પડેલી બુઠી તલવાર લઈને વિલાશનું માથું વાઢી ગયો.
“બિચારી, વિલાશ..!” ભોજ પોક મુકીને રોવા લાગ્યો. તે તેના કાકાને પણ ના બચાવી શક્યો અને વિલાશને પણ ના બચાવી શક્યો.
સુરંગમા દુરથી પ્રકાશ આવતો દીઠો. બીજા કવિઓ સુરંગના દરવાજે પૃથિવીવલ્લભ અને ભોજની રાહ જોતા હતા. પણ ઘણો સમય થઇ જવા છતાં કોઈ ન આવવાથી સુરંગમા તે લોકો ભાળ મેળવવા નીકળ્યા હતા.
ભોજનો અવાજ સાંભળીને હાથમાં મશાલ લઈને કવિઓ બધા દોડતા ત્યાં આવી પહોંચ્યા. બાજુમાં વિલાશનુ માથા વગરનું શરરી જોઈને બધા વાત પામી ગયા. ભોજ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. તેના બરડે હાથ પસવારી કવિ રસનિધિએ સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. બધા મસાલના અજવાળે સુરંગમાંથી બહાર આવ્યા વિલાશના સબને ત્યાં ગોદાવરી નદીના તટ પર જ અગ્નિદાહ આપ્યો.
આ તરફ સત્યાશ્રય વિલાસનું કપાયેલું માથું લઇને શિવ મંદિરમા સુરંગ વાટે નીકળ્યો. ત્યાં પૃથિવીવલ્લભને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યો હતો. મહારાજા તૈલાપ અને ભીલ્લમરાજ થોડા સૈનિકો સાથે વાટ જોતા ઉભા હતા. કુંવરના હાથમાં લોહી નીતરતું વિલાશનું માથું જોઈ બધા ગભરાઈને પાછા હઠ્યા.
“આ શું ?” તૈલપે ભવા ચઢાવીને સત્યાશ્રયને પ્રશ્ન કર્યો ?
“પિતાશ્રી આ એ જ પાપીણી છે જેને તમે તૈલંગણની ભાવી સામ્રાજ્ઞી અને મારી પત્ની બનાવવા ઈચ્છતા હતા”
“વિલાશ..!!” ડોળા ફાળીને ભીલામ્મરાજ બરાડી ઉઠ્યો.
“હા, ભીલ્લમરાજ, આ તમારી વિલાશ છે જેને ભોજ લઈને અવંતી ચાલ્યો જવા માંગતો હતો. ભોજ તેના કાકાને નસાડવામાં સફળ ના થયો એટલે આપણી વિલાશને લઈને ભાગી જતો હતો. મે તેની સામે બાથ ભીડી અને હું તેને ના પહોંચી વળતા આ વિલાશનું માથું ઉતારી લાવ્યો છું” સત્યાશ્રયે એકી શ્વાસે બધો વૃતાંત કહી સંભળાવ્યો.
“કોનું માથું ?” પાછળથી મૃણાલવતીનો અવાજ આવ્યો. તેની સાથે જક્કલા અને લક્ષ્મી પણ હતા.
“કોનું તે આ – વિલાશનું” કહી મશાલના અજવાળામા લોહી નીતરતું વિલાશનું માથું સત્યાશ્રયે હવામાં ધર્યું.
વિલાશનું મુખ ભયંકર નિશ્ચલતાથી બધાની સામે જોઈ રહ્યું હતું.
“વિલાશશશ.....!!” કહીને લક્ષ્મી આગળ આવી અને સત્યાશ્રયના હાથમાંથી વિલાશનું માથું આંચકી લીધું.
ભીલ્લમરાજ પણ હોઠ પર હોઠ દાબી જોઈ રહ્યો. તેનું મગજ સુન્ન મારી ગયું હતું.
વિલાશનું લોહી નીકળતું માથું જોઈને લક્ષ્મી જાણે રણચડી બની. “જોઈલો ભીલ્લમરાજ, તમારી સ્વામીભક્તિનો બદલો”
કોઈ લક્ષ્મીના પ્રકોપની સામે બોલવાની હિંમત નો’તું કરતુ. લક્ષ્મીએ સત્યાશ્રય તરફ વેધક નજરે જોયું “મારી દીકરીને તે મારી ?” કહી બારડો પડ્યો.
અત્યારે એક માતૃ હૃદય વેદનાથી તરફળી રહ્યું હતું.
સત્યાશ્રયમા કંઈ જ સ્પષ્ટ જવાબ આપી શકવાની હિંમત નો’તી.
“જવા દો હવે” કહીને તૈલપરાજ આવનાર તોફાન પહેલા થોડી પાળ બાંધવા ગયા. પણ હવે બહુ મોડુ થઇ ગયું હતું.
ભીલ્લમરાજ સામે જોઈને લક્ષ્મીએ ત્રાડ પાડી, “ક્યાં ગઈ તમારી મર્દાનગી ? ધિક્કાર છે તમારી શુરવીરતાને. હાથમાં બંગડી પહેરી છે કે શું ? આ જુવો જેના ચરણની રજ તમે આખી જીન્દગી માથે ચઢાવી તેના જ પુત્રએ તમારી દીકરીની આ દશા કરી છે”
“લક્ષ્મી, આ શું બોલે છે ? તને કંઈ ભાન છે ?” મૃણાલ કુમારીએ વચ્ચે જંપલાવ્યું.
ક્રોધથી બેકાબુ બનેલી લક્ષ્મી વિલાશના ટપકતા લોહી વાળા માથામાંથી લોહી હાથમાં લેતા બોલી “ભાન ? ભાન મને નથી કે તમને નથી મૃણાલવતી ? મારી વિલાશે શો ગુનો કર્યો હતો ? અત્યારે પૃથિવીવલ્લભ જોડે તો તમે નાશી જવાના હતા. છતાં અત્યારે તમારું માથું ધડ પર છે કારણ કે તમે તૈલપરાજના બહેન છો અને મારી વિલાશનું માથું ધડ પર નથી કારણ કે તે શ્યુનદેશના કાયર રાજાની દીકરી છે”
વીજળી પડી હોય તેમ બધા ચમક્યા. તૈલપ સૌથી પહેલા સ્વસ્થ થયો અને ભીલ્લમરાજને કહ્યું “ભીલ્લમરાજ અત્યારે લક્ષ્મીદેવીને મહેલમા લઇ જાઓ”
લક્ષ્મી તૈલપરાજની સામે આવીને બોલી “હવે મને આ મહેલ નહિ ખપે, તૈલપ. હવે તો અમે અમારા શ્યુનદેશ જ જઈશું. તમારાથી રોકી શકાય તો અમને રોકી બતાવજો”
પુત્રીનું આ રીતે કરુણ મૃત્યુ જોઈને ભીલ્લમરાજ પણ અંદરથી હચમચી ગયો હતો. તણે લક્ષ્મીનો હાથ પકડ્યો અને કહ્યું “હા, દેવી ચાલો આપણે દેશ”
“ભીલ્લમરાજ અત્યારે તમે માન્યખેટ નહિ છોડી શકો” તૈલપે તલવાર મ્યાન મુક્ત કરી.
“જોવું છું કોણ રોકે છે મને” કહી ભીલ્લમરાજે નીચે પડેલો સંખ્ વગાડ્યો. થોડી વારમાં જ ભીલ્લમરાજના સૈનિકો આવી પહોંચ્યા. બધાએ લક્ષ્મીના હાથમાં રાજકુમારી વિલાશનું લોહી નીતરતું માથું જોયું. બધા સૈનિકો પરિસ્થિતિ પામી ગયા. અને કિલ્લાના મુખ્ય દરવાજા તરફ ઘોડાઓ દોડાવી મુક્યા. લક્ષ્મી અને ભીલ્લમરાજ પણ એક-એક ઘોડા પર સવાર થઇ ગયા.
“સૈનિકો, કિલ્લાના મુખ્ય દરવાજા બંધ કરો” તૈલપરાજે તેના સૈનિકોને હુકમ કર્યો.
તૈલપરાજે અકલંક ચરિત અને બીજા સૈનિકોને સાથે કિલ્લા તરફ ભીલ્લમરાજના કાફલાને રોકવા માટે મોકલ્યા.
કિલ્લાના દરવાજે બરાબરનું યુદ્ધ ખેલાયું. લક્ષ્મી રણચંડી બનીને યુદ્ધ કરતી હતી. થોડીવારમા કંઈ કેટલાય સૈનિકો વધેરાઈ ગયા. કિલાના દરવાજાની ભુમી રક્તરંજીત થઇ ગઈ. મરણિયો પ્રયાસ કરી બધા જ સૈનિકોને હરાવી, ભીલ્લમરાજ અને લક્ષ્મીદેવી મારતે ઘોડે માન્યખેટની સરહદ પાર કરી ગોદાવરી નદીને કાંઠે ભોજને મળ્યા. ભોજે સુરંગમા થયેલા સત્યાશ્રય સાથેના યુદ્ધની વાત કરી. મૃણાલની ચિત્તા હજુ સળગતી હતી. તે ચિતામાં જ ધ્રુજતા હાથે લક્ષ્મીએ વિલાશનું માથું મુક્યું.
ક્ષુદ્રમા ક્ષુદ્ર પ્રાણીની અધમતા અને માનહીનતા અત્યારે મૃણાલ કુમારી અનુભવી રહી હતી. તેનો પૃથિવીવલ્લભ હવે તેને કાયમી માટે નહોતો મળી શકવાનો. મૃણાલવતીને તેણે લીધેલા નિર્ણય પર પારાવાર પસ્તાવો થવા લાગ્યો. લક્ષ્મી અને ભીલ્લમરાજ તો ગયા પણ છેલ્લે છેલ્લે લક્ષ્મીદેવીએ બોલેલા એક વાક્યમા તો આખા જન્માંરાનું વેર વાળી લીધું. મૃણાલવતીનું સુખ ગયું, પ્રણય ગયો, વૈરાગ્ય ગયો, માન ગયું, સત્તા ગઈ છતાં ધરતીએ મારગ નો આપ્યો.
હજુ આટલું દુઃખ ઓછું હોય ત્યાં તૈલપનો પગરવ સંભળાયો. તૈલપે આટલી વારમાં મૃણાલ વિષે બધી જ માહિતી મેળવી લીધી હતી. અને તે પામી ચુક્યો હતો કે વૈરાગ્યનો ઢોંગ કરતી તેની બહેને જ વિષયની લાલસામા મુંજને છોડાવવાનું કાવતરું રચ્યું હતું. તૈલપ આવીને મૃણાલવતી સામે ની:શબ્દ ઉભો રહ્યો. તેની આંખોમાં તેની બહેન માટે ભારોભાર દ્વેષ અને તિરસ્કાર ભરેલો હતો.
“કેમ તૈલંગણના રાજમાતા ?” તેણે ક્રૂર અને શાંત અવાજે કહ્યું, “માલ્વા હવે કેટલું દૂર છે ?”
મૃણાલ કંઈ કરતા કંઈ જ બોલી શકવાની સ્થિતિમા ન હતી. હવે જે ઘટવાનું હતું તે સઘળું મૃણાલવતીને ખબર જ હતી. તે તૈલપના ક્રોધથી પણ સારી રીતે વાકેફ હતી.
“કુલંગાર ! આના કરતા તો માને પેટે પાણો પાક્યો હોત તો સારું. તને માન્યખેટમા કોઈ બીજું ના મળ્યું કે પૃથિવીવલ્લભ જેવા દુશ્મનના મોહમા તું મોહી પડી”
મૃણાલવતીના હૃદયમાં મુંજ રમી રહ્યો હતો તે મુંજનું જરા જેટલું અપમાન પણ ના સહન કરી શકી. તે સમસમી ઉઠી અને થોડીવાર રહીને બોલી : “માન્યખેટ તો શું પણ આખી પૃથ્વીમા એનો જોટો જડે એવો નથી. તારા જેવા સો તૈલપ ભેગા થાય તો પણ એક પૃથિવીવલ્લભ ના થઇ શકે”
દુશ્મન માટે પોતાની બહેનના મોઢે થતા વખાણ સાંભળી, તૈલપ ઉકળી ઉઠ્યો “બેશરમ, કુલટા, મારા મોઢે પણ આ કહેતા તને શરમ નથી થતી ?”
“હા, મને હવે કોઈ જ શરમ નથી, હું તાપસ બનીને જે ગર્વ ધારતી હતી, તારી બહેન અને આ રાજ્યની વિધાત્રી બનીને જે ગર્વ ધારતી હતી તેથી કંઈ વધારે ગર્વ પૃથિવીવલ્લભની વલ્લભા થવામાં ધારું છું” મૃણાલે બધી જ મર્યાદા નેવે મુકીને તૈલપની આંખમા આંખ પરોવીને વાત કરી.
“પહેલા તો તારા પૃથિવીવલ્લભને સ્વાદ ચખાડું છું પછી તું પણ જો, કુલટા !!” કહીને તૈલપ ત્યાંથી ચાલ્યો ગયો.
તૈલપે પૃથિવીવલ્લભની માનહાની કરવામાં કંઈ બાકી ના રાખ્યું, પૃથિવીવલ્લભ પાસે ઘેરે ઘેરે જઈને ભિક્ષા મંગાવી. પણ આખા નગરજનો એવું ઈચ્છતા હતા કે પૃથિવીવલ્લભને કોઈ સજા ન થાય. આવો વીર આ ધરતી પર ફરી નહિ પાકે.
જેમ જેમ પૃથિવીવલ્લભ આનંદિત ચહેરે હાથમાં બેડીઓ સાથે ઘેરે ઘેરે જઈ ભિક્ષા માંગતો ગયો તેમ તેમ તૈલપનો મુંજને મારી નાખવાનો સંકલ્પ દ્રઢ થતો ગયો. તેણે રાજ્યમા ઢંઢેરો પીટાવીને એલાન કરાવડાવ્યું કે આવતી કાલે સવારે ઉગતા સુર્યએ મૃણાલ કુમારી પાસે છેલ્લી ભિક્ષા મંગાવી પૃથિવીવલ્લભને હાથીના પગતળે કચડવામાં આવશે. નગરજનો સહુ, મુંજ બચી જાય તેવી કામના કરતા હતા.
બીજા દિવસે સવારે નગરના બાધા જ લોકો રાજ્યના ચોકમા ભેગા થઇ ગયા. તૈલપરાજે પૃથિવીવલ્લભને મૃત્યુદંડ આપતા પહેલા મૃણાલને છેલ્લી વખત મળવાની એટલે કે ભિક્ષા લેવાની પરવાનગી આપી. હાથમાં બેડીઓ સાથે મુંજ, મૃણાલવતી પાસે આવ્યો. તેના ચહેરા પર એજ નિશ્ચલ હાસ્ય રમી રહ્યું હતું. તેણે મૃત્યુનો કોઈ ભય ન હતો. બીજી તરફ ગજરાજને મદિરા પાઈને મદમસ્ત કર્યો હતો તેની ચીંઘાડો સંભળાઈ રહી હતી.
પૃથિવીવલ્લભ અને મૃણાલવતી બન્નેની આંખો એક થઇ. બન્નેએ એક-બીજાને આંખોથી જ આલિંગન આપ્યું.
“હવે શાનું દાન આપશો ? જે હતુ તે તો ક્યારનું આપી દીધું તમે” જેમ કોઈ પ્રેમી તેની પ્રિયતમાને પ્રેમથી પૂછે તેટલી જ મધુરતાથી મુંજે મૃણાલવતીને પૂછ્યું.
મૃણાલ - તૈલપનું, નગરજનોનું, લોકલાજનું ભાન ભૂલીને પૃથિવીવલ્લભના પગમાં પડી ગઈ “ક્ષમા કરો પૃથિવીવલ્લભ ! મે તમને જીવતા માર્યા !” કહી મૃણાલે મુંજના પગની રજ માથા પર ચઢાવી.
તૈલપ સમસમી ઉઠ્યો.
પૃથિવીવલ્લભે હસીને કહ્યું “મારું મૃત્યુ તો હું જન્મ્યો ત્યારથી જ નક્કી હતું તમે શું નક્કી કરવાના હતા. વળી મને કોઈ મોટા જ્યોતિષે કહ્યું પણ હતું કે મુંજ, તું તારા જીવનમા ગોદાવરી નદી એક જ વખત ઓળંગીશ. અને જુવોને બન્યું પણ તેમ જ”
આ બધું જોઈ તૈલપથી ના રહેવાયું. તે જાતે આવીને મૃણાલનો હાથ પકડી મુંજથી દુર લઇ ગયો અને સૈનિકોને જલ્દીમા જલ્દી આને હાથીના પગ નીચે કચડી નાખો એવો આદેશ આપ્યો.
પૃથિવીવલ્લભ બધા નગરજનોનું અભિવાદન કરતો-કરતો ગજરાજ તરફ આગળ વધ્યો. સાક્ષાત મૃત્યુને વહાલથી ભેટવા જઈ રહ્યો હોય તેમ મુંજ હાથીની સુંઢને પસવારતો ઉભો રહ્યો. એક ક્ષણ માટે પૃથિવીવલ્લભ રોકાયો બે ડગલા પાછો હટ્યો.
“કેમ પૃથિવીવલ્લભ ? કેમ ખંચાયો ? મૃત્યુથી ડરી ગયો કે શું ?” તૈલપે સિંહાસન પર બેઠા બેઠા પડકાર કર્યો.
પૃથિવીવલ્લભે ધરતી સામે જોઈએને કહ્યું “ના તૈલપરાજ મને મૃત્યુનો કોઈ ડર નથી. હું તો વિચારું છું કે આ મુંજ દુનિયામાંથી ચાલ્યો જશે પછી બિચારી સરસ્વતીનું શું થશે, વિદ્યાદેવી ક્યાં જઈને વસશે ?” આટલું કહી તૈલપ તરફ પીઠ ફેરવી પૃથિવીવલ્લભ ગજરાજ તરફ આગળ વધ્યો.
“હે ગજરાજ ! રાજાઓમા ગજ એવો પૃથિવીવલ્લભ આજે તારી પાસે આવ્યો છે” કહીને હાથીની સુંઢને વળગી પડ્યો.
નગરજનો બધા ઉંચા શ્વાસે જોઈ રહ્યા હતા. અને હજુ કંઇક ઘટના બને અને પૃથિવીવલ્લભ બચી જાય એવી સહુ કોઈને આશા હતી.
હાથીની સુંઢને વળગતા જ મહાવતે હાથીને અંકુશ માર્યો. હાથીએ સુંઢ વીંટી મુંજને ઊંચકી લીધો. હવામાં બે ત્રણ વાર ઉછળ્યો. પૃથિવીવલ્લભનો એ જ હસતો ચહેરો લોકોને જોવા મળ્યો. હાથીએ ફૂંફાડો માર્યો કે સાથે જ પૃથિવીવલ્લભના નામનો વિજય ઘોષ લોકોમા ગુંજી ઉઠ્યો. લોકોમાં હાહાકાર મચી ગયો. મૃણાલવતીની કારમી ચીસના પડઘા પડતા રહ્યા અને મુંજ હાથીના પગ તળે આવી ગયો. હાથીએ તેની છાતી પર પગ મૂકી ભાર દીધો. કચડવાનો અવાજ થયો અને હાથીએ પગ ઊંચકી લીધો. થોડી વારમાં મુંજનું નિશ્ચેતન શરીર ત્યાં પડ્યું હતું અને મૃણાલવતી ત્યાં વિલાપ કરતી બેઠી હતી.
આમ એક મહાન રાજા પૃથિવીવલ્લભનો આ ધરતી પર અંત થયો. બન્ને રાજ્યો વચે ચાલતા વેરનો અંત થયો. માલ્વાને ફરી પાછો આવો પૃથિવીવલ્લભ કયારેય નહિ મળે તેની ખોટ કાયમ માટે રહી જવાની હતી.
[સમાપ્ત]