25 most frightful earthquakes in Gujarati Moral Stories by Siddharth Chhaya books and stories PDF | કાળજું કંપાવી દેતા ૨૫ ભયાનક ધરતીકંપ

Featured Books
Categories
Share

કાળજું કંપાવી દેતા ૨૫ ભયાનક ધરતીકંપ

કુદરત જો સર્જન કરે છે તો સંહાર પણ કરે છે. ૨૦૦૧નો ગુજરાતનો ધરતીકંપ આજે પણ આપણા માનસપટ પર એટલોજ તાજો છે, કારણકે તેણે ભયંકર વિનાશ વેર્યો હતો. આજે પણ જ્યારે નાના આંચકા આવે છે ત્યારે આપણું હ્રદય બે ધબકારા ચૂકી જાય છે.

ધરતીકંપ એ કદાચ કુદરતનું સહુથી વિનાશક શસ્ત્ર છે. જ્યારે ધરતીની નીચે ખૂબ ઊંડે તેની બે પ્લેટ આપસમાં ટકરાય છે ત્યારે તેમાંથી ખૂબ મોટી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જાને બહાર નીકળવા માટે રસ્તો કરવો પડે છે. આ રસ્તો તેને ધરતીનું પડ ચીરીને જ શોધવો પડે છે અને જ્યારે આમ થાય છે ત્યારે પૃથ્વીની સપાટી પર ધરતીકંપ સર્જાય છે.

આમ તો દુનિયામાં દરરોજ નાનામોટા ધરતીકંપ આવતા રહેતા હોય છે, પરંતુ આપણે જાણીશું એ ધરતીકંપ બાબતે જે એટલા બધા તો વિનાશક હતા કે તે આપણું કાળજું કંપાવી દેશે.

૨૫ – અલેપ્પો, સીરિયા (૧૧૩૮)

સીરિયાના ઉત્તરમાં આવેલું અલેપ્પો તે સમયે નાનું નગર હતું. આ શહેર અરેબિયન જીઓલોજીક પ્લેટ અને આફ્રિકન પ્લેટ વચ્ચે આવેલું છે. ૧૦ ઓક્ટોબર ૧૧૩૮ના દિવસે આ શહેરમાં ધરતીકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આ આંચકાથી ભયભીત થઈને નગરના અસંખ્ય નાગરીકો અહીંથી ભાગી છૂટ્યા હતા.

પરંતુ, મુખ્ય અને ખૂબ મોટો આંચકો આવ્યો તેના બીજા દિવસે એટલેકે ૧૧ ઓક્ટોબર ૧૧૩૮ના દિવસે જ્યારે સમગ્ર અલેપ્પો નગર તબાહ થઇ ગયું. કહેવામાં આવે છે કે ધરતીકંપ અગાઉ આ શહેરની વસ્તી દસ લાખની હતી અને બાદમાં તે ઘટીને માત્ર અઢી લાખ રહી ગઈ હતી. માત્ર અલેપ્પો જ નહીં પરંતુ તેની આસપાસના ગામડાઓમાં પણ ભારે તબાહી જોવા મળી હતી.

૨૪ – શાંકશી, ચીન (૧૫૫૬)

લગભગ સાડા ચારસો વર્ષ પહેલા ચીનના શાંકશીમાં આવેલો ધરતીકંપ આજે પણ દુનિયાના સહુથી ભયંકર ભૂકંપોમાં સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માત્ર અમુક જ સેકન્ડ ચાલેલા આ ધરતીકંપની માત્રા રિક્ટર સ્કેલ ૮ હતી અને તેણે સાડા આઠ લાખ લોકોનો જીવ લઇ લીધો હતો.

આટલા મોટાપાયે થયેલા ધરતીકંપને કારણે લોકોના ઘર તો ખેદાનમેદાન થઇ જ ગયા હતા પરંતુ ઘણી નદીઓએ પોતાનો માર્ગ બદલી લીધો હતો જેને કારણે પૂર આવ્યું અને તેમાં પણ અસંખ્ય લોકોના જીવ ગયા હતા. જાણવા અનુસાર આ ધરતીકંપે ચીનના એ સમયના બે રાજ્યોની ૬૦% વસ્તીનો નાશ કરી દીધો હતો!

૨૩ – સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા (૧૯૦૬)

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ૧૮ એપ્રિલ ૧૯૦૬ની વહેલી સવારે એક ભયાનક ધરતીકંપ અનુભવાયો. આ ધરતીકંપ સેન એન્દ્રીયાઝની ફોલ્ટલાઈન પરથી ઉત્પન્ન થયો હતો. આ ધરતીકંપ એટલો તો જબરદસ્ત હતો કે તેના આંચકા દૂર ઓરેગોન રાજ્યની દક્ષિણ સુધી અનુભવાયા હતા. ઘણા બધા દિવસો સુધી શહેરમાં આગ લાગી હતી જેને કારણે તેમજ મકાનો પડી જવાને કારણે ત્રણ હજારથી પણ વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અઢી લાખ લોકો બેઘર બની ગયા હતા.

૨૨ – મેસીના, ઇટાલી (૧૯૦૮)

૨૮ ડિસેમ્બર ૧૯૦૮ની સવારે ૫.૨૦ વાગ્યે દક્ષિણ ઇટાલીના મેસીનામાં ૭.૫ની તીવ્રતા ધરાવતો ધરતીકંપ થયો અને તેણે આ શહેરમાં એવી તો જબરદસ્ત તબાહી મચાવી કે લગભગ આખું શહેર નાશ પામ્યું હતું. આ ભયાનક ધરતીકંપની સાથે ત્સુનામી પણ આવતા ઉત્તરી સીસીલીના કાંઠે ચાલીસ ફૂટ ઊંચા સમુદ્રી મોજાં ઉઠ્યા અને તેણે પણ હજારો લોકોનો જીવ લીધો. એક અંદાજ પ્રમાણે આ ધરતીકંપને કારણે એંશી હજાર લોકોના જીવ ગયા હતા.

૨૧ – ટોકિયો, જાપાન (૧૯૨૩)

ધરતીકંપ સાથે જાપાનનો કાયમી સંબંધ છે. ટોકિયોથી ત્રીસ માઈલ દૂર આવેલા આ ધરતીકંપે હજી તો તબાહી મચાવવાની શરુ જ કરી હતી કે થોડા જ સમય બાદ ત્સુનામીના ભયંકર મોજાઓએ ટોકિયો અને યોકોહોમામાં વિનાશક તાંડવ શરુ કર્યું અને આ બંને સ્થળોએ બરબાદી સિવાય બીજું કશું જ બચ્યું નહીં. ઇતિહાસમાં આ ધરતીકંપને ગ્રેટ કાંટો અર્થક્વેક તરીકે ઓળખવામાં આવે છે જેમાં એક લાખ ચાલીસ હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

૨૦ – અશ્બાગાટ, તુર્કમેનિસ્તાન (૧૯૪૮)

માત્ર પંદર સેકન્ડમાં કોઈ નગર કેવી રીતે તબાહ થઇ શકે તેનું ઉદાહરણ જો જોવું હોય તો તે પૂર્વ સોવિયેત રશિયાના તુર્કમેનિસ્તાનમાં આવેલા અશ્બાગાટને જોઈ લે. ૭ ઓક્ટોબર, ૧૯૪૮ના દિવસે રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપ 10 ની તીવ્રતા ધરાવતો હતો. જેણે માત્ર અશ્બાગાટ જ નહીં પરંતુ આસપાસના અસંખ્ય વિસ્તારોને વેરાન કરી દીધા હતા. સરકારી આંકડા અનુસાર આ ધરતીકંપમાં એક લાખ દસ હજાર માનવીઓ મૃત્યુ પામ્યા હતા. ધરતીકંપ બાદ આ વિસ્તારની હાલત એટલી તો ખરાબ થઇ ગઈ હતી કે તે પોતાની મેળે ઉભું થઇ શકવાની ક્ષમતા ધરાવતું ન હતું. આથી સમગ્ર સોવિયત સંઘમાંથી મદદનો પ્રવાહ ચાલુ થયો જેમાં ઘર, હોસ્પિટલો તેમજ શાળાઓના બાંધકામથી માંડીને ખાવાપીવાની સામગ્રી તેમજ દવાઓ, કપડાંઓ પણ સામેલ હતી.

૧૯ – હાઈયુઆન, ચીન (૧૯૨૦)

૧૬ ડિસેમ્બર ૧૯૨૦ના રોજ ચીનના હાઈયુઆનમાં ૮.૫ની તીવ્રતા ધરાવતો ધરતીકંપ આવ્યો હતો. બદનસીબે આ સમયે સમગ્ર ચીન ગૃહયુદ્ધમાં સપડાઈ ગયું હતું. આથી અહીં હજારો નિવાસીઓના મૃત્યુ બાદ કે પછી ઈજાગ્રસ્ત થયા બાદ તેમને મદદ બહુ ઓછી મળી અથવાતો ઘણી મોડી મળી હતી. આટલું ઓછું હોય તેમ ધરતીકંપ થયાના વર્ષમાં જ આ વિસ્તાર જે ક્ષેત્રમાં આવતો હતો તે ઉત્તર ચીનમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો.

૧૮ – વાલ્ડીવિઆ, ચીલી (૧૯૬૦)

આ એક પ્રકારે આંતરરાષ્ટ્રીય ધરતીકંપ થઇ શકાય. આમ તો આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ ચીલીના વાલ્ડીવિઆ સમુદ્ર કાંઠે હતું પરંતુ ૯.૫ની તીવ્રતા ધરાવતા આ ધરતીકંપે ચીલી ઉપરાંત જાપાન, હવાઈ અને ફિલિપાઈન્સ સુધી ત્સુનામીની તબાહી પહોંચાડી હતી. આ ચારેય દેશોમાં આ ધરતીકંપને કારણે કુલ ૧,૬૫૫ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૩,૦૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

૧૭ – યુંગે, પેરુ (૧૯૭૦)

૩૧ મે ૧૯૭૦ના રોજ પેરુમાં બે કુદરતી આફતો એક સાથે આવી પડી હતી. પહેલા તો ૪૫ સેકન્ડ્સ સુધી ચાલેલા ધરતીકંપથી જે ૭.૯ની તીવ્રતા ધરાવતો હતો અને ત્યારબાદ આ ધરતીકંપને કારણે માઉન્ટ હુઆસકારન પર બરફનું તોફાન સર્જાયું. હજારો ટનનો બરફ અને ખડક આ પર્વતની નીચે આવેલા યુંગે અને રાનરાહીર્કા નામના બે શહેરો પર પછડાયા જેને કારણે પંચોતેર હજાર લોકોના જીવ ગયા અને લગભગ પચીસ હજાર જેટલા લોકો ગુમ થયેલા જાહેર કરવામાં આવ્યા.

૧૬ – માનાગુઆ, નિકારાગુઆ (૧૯૭૨)

આમતો માનાગુઆના લોકોને ધરતીકંપની કોઈ નવાઈ નથી હોતી. પરંતુ ૨૩ ડિસેમ્બર ૧૯૭૨ના દિવસે આવેલા ધરતીકંપે અહીં સહુથી વધુ માત્રામાં તબાહી મચાવી હતી. ધરતીકંપને કારણે તો અહીં ઈમારતો પડી જવાને કારણે જાનહાની થઇ જ હતી પરંતુ ધરતીકંપને કારણે લાગેલી આગને લીધે આ જાનહાનીનો આંક દસ હજારને પણ પાર કરી ગયો હતો.

૧૫ – તેંગશેન, ચીન (૧૯૭૬)

ચીનના તેંગશેન પ્રાંતના લોકો ઊંઘમાં જ હતા ત્યારે સવારે ૩.૪૫ વાગ્યે એક જબરદસ્ત ધરતીકંપ આવ્યો અને તેમનું બધું જ નાશ પામ્યું. મૂળ ધરતીકંપ ૨૮ જુલાઈ ૧૯૭૬ના દિવસે આવ્યો હતો અને ચારેય તરફ કુલ ૬૮૦ માઈલ્સમાં તેની અસર વર્તાઈ હતી. આ દિવસે તો વિનાશ વેરાયો જ હતો પરંતુ બીજે દિવસે ૭.૧ની તીવ્રતાનો આફ્ટરશોક આવ્યો હતો જેણે ખરાબ પરિસ્થિતિને વધુ ખરાબ કરી દીધી હતી. કહેવાય છે કે આ ધરતીકંપમાં સાત લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બે લાખ પંચાવન હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

૧૪ – બુખારેસ્ટ, રોમાનિયા (૧૯૭૭)

આજે પણ રોમાનિયાના બુખારેસ્ટના લોકોને ૪ માર્ચ ૧૯૭૭ના દિવસે આવેલો ભયંકર ધરતીકંપ આજે પણ કંપાવી જાય છે. રિક્ટર સ્કેલ પર ૭.૨ની તીવ્રતા ધરાવતો આ ધરતીકંપ ૫૬ સેકન્ડ્સ ચાલ્યો હતો અને ૩૫,૦૦૦થી પણ વધુ આવાસો જમીનદોસ્ત થયા હતા જેમાં ૧૫૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

૧૩ – મેક્સિકો સીટી, મેક્સિકો (૧૯૮૫)

દુનિયાના અત્યારસુધીના સહુથી ભયાનક ધરતીકંપમાંથી એક ૧૯ સપ્ટેમ્બર ૧૯૮૫ના દિવસે મેક્સિકો સીટીમાં આવ્યો હતો જેની તીવ્રતા ૮.૧ હતી પરંતુ તે ત્રણ મિનીટ સુધી ચાલ્યો હતો. આ ધરતીકંપ બાદ શહેરમાં દરેક સ્થળે બદનસીબી, લાચારી અને દુઃખ સિવાય બીજું કશું જ જોવા મળતું ન હતું. સમગ્ર શહેરમાં ગેસની પાઈપો ફાટવાની ઘટનાઓ, આગ લાગવાના બનાવો તેમજ આવાસો ધ્વસ્ત થઇ જવાની ઘટનાઓ બનવા લાગી હતી. આ ધરતીકંપમાં ત્રણ હજાર મકાનો પડી ગયા હતા અને દસ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

૧૨ – આર્મેનિયા (૧૯૮૮)

૭ ડિસેમ્બર ૧૯૮૮ની બપોરે આવેલા ધરતીકંપે અર્મેનિયાની ત્રીજા ભાગની વસ્તીને અસર કરી હતી. ૬.૮ની તીવ્રતા ધરાવતા આ ધરતીકંપથી આવાસો ઉપરાંત શાળાઓ અને હોસ્પિટલો જેવી મહત્ત્વની ઈમારતો પડી ભાંગી હતી. આ ઉપરાંત પાણીની પાઈપલાઈન પણ દબાઈ જતા આર્મેનિયામાં પાણીની ભયાનક તંગી ઉભી થઇ ગઈ હતી. પચીસથી સાઈઠ હજાર લોકો મૃત્યુ પામ્યા અને દોઢ લાખ લોકોને ઈજા પહોંચી હતી.

૧૧ – ઇઝમીત, તૂર્કી (૧૯૯૦)

ઇઝમીતના નાગરિકોને ૧૭ ઓગસ્ટ ૧૯૯૦ની વહેલી સવારે ધરતીના પેટાળમાંથી થયેલી જબરદસ્ત હલચલે જગાવી દીધા. તેઓ હજી કશું સમજી શકે તે પહેલા જ ૭.૪ની તીવ્રતાનો ધરતીકંપ તેમના ઘરોને હચમચાવવા લાગ્યો. ત્યારબાદ એટલા જ તીવ્ર બે આફ્ટરશૉક્સ પણ આવ્યા. કુલ સત્તર હજાર લોકો મૃત્યુ પામ્યા અને પાંચ હજાર લોકો ઘરવિહોણા થયા.

ત્યારબાદ મુખ્યત્વે ગ્રીસ અને અન્ય આંતરરાષ્ટ્રીય મદદ દ્વારા તૂર્કી ફરીથી બેઠું થયું. જૂના અને નબળાં ઘરોના સ્થાને નવા અને મજબૂત ઘર બનાવવામાં આવ્યા. જે લોકોએ નબળું બાંધકામ કર્યું હતું અને તેમના દ્વારા બાંધવામાં આવેલા આવાસો આ ધરતીકંપમાં તૂટી પડ્યા તેમના પર તૂર્કીની સરકારે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

૧૦ – સુમાત્રા, ઇન્ડોનેશિયા (૨૦૦૪)

સુમાત્રાના આ ધરતીકંપને છેલ્લા સો વર્ષમાં આવેલો ચોથો સહુથી ભયાનક ધરતીકંપ ગણવામાં આવે છે. આ ધરતીકંપની અસર નવસો માઈલ લાંબી હતી. આવા ભયંકર ધરતીકંપે ઇન્ડોનેશિયાની તેમજ આસપાસની ધરતીને દસ મિનીટ સુધી હલાવી હતી. આ ધરતીકંપને કારણે ઇન્ડોનેશિયાના કેટલાક ટાપુઓ દરિયામાં ડૂબી ગયા હતા તો કેટલાક અચાનક જ અસ્તિત્વમાં આવી ગયા હટતા. સમુદ્રમાં અચાનક આવેલા તોફાનને લીધે ત્સુનામી થઇ હતી અને સો ફૂટ ઊંચા મોજાંઓએ ભયંકર તબાહી મચાવી હતી.

૯ – POK, પાકિસ્તાન (૨૦૦૫)

૮ ઓક્ટોબર ૨૦૦૫ના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વહેલી સવારે ભયાનક ધરતીકંપ આવ્યો હતો. આ ધરતીકંપની તીવ્રતા ૭.૬ માપવામાં આવી હતી અને આ વિસ્તારના લગભગ તમામ મકાનો ધ્વસ્ત થઇ ગયા હતા અને હજારો લોકો માર્યા ગયા હતા. આ ધરતીકંપની અસર ચીનના સિચુઆનમાં પણ થઇ હતી અને અહીં ફસાયેલા લોકોને બચાવવા માટે ચીનની સરકારને ખૂબ મહેનત કરવી પડી હતી. આ બંને સ્થળોએ અંદાજે એંશી હજાર લોકોના મૃત્યુ થયા હતા અને હજારો બેઘર થયા હતા.

૮ – શિચુઆન, ચીન (૨૦૦૮)

લોંગમેનશાન ફોલ્ટ લાઈનમાં થયેલી અથડામણને કારણે ૨૦૦૮માં ધ ગ્રેટ વેન્ચુઆન ધરતીકંપ અસ્તિત્વમાં આવ્યો હતો. ચીનના દુજીઆનગ્યાન શહેરની નજીક આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૯ માપવામાં આવી હતી. ચીની સરકારે ધરતીકંપના સમાચાર આવતાની સાથેજ એકદમ ઝડપથી પગલાં લીધા હતા અને લગભગ દોઢ લાખ સૈનિકોને આ વિસ્તારમાં ઉતારી દીધા હતા. પરંતુ બદનસીબે અહીં અગાઉથી જ ખૂબ મોટી તબાહી થઇ ચૂકી હતી અને ખાસકરીને દૂરના ગામડાઓમાં પહોંચવું ચીની સેના માટે પણ કપરું હતું. હજારો લોકોએ માત્ર પોતાના જીવ જ નહોતા ગુમાવ્યા પરંતુ લાખો લોકોને ઈજા થઇ હતી અથવાતો તેઓ બેઘર બની ગયા હતા.

૭ – લ’એક્વીલા, ઇટાલી (૨૦૦૯)

આ ધરતીકંપની તીવ્રતા ૬.૩ની હતી પરંતુ તેની અસર પશ્ચિમ ઇટાલીના છવ્વીસ શહેરોને થઇ હતી. અંદાજે પંદરસો લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અસંખ્ય લોકો ગુમ થયા હતા. દસ હજાર મકાનો પડી ભાંગ્યા હતા અને ત્રીસ હજારથી પણ વધુ લોકો બેઘર બન્યા હતા. એ સમયે સિલ્વિયો બર્લુસ્કોની ઇટાલીના વડાપ્રધાન હતા અને તેમણે ઝડપભેર અદભુત કાર્ય હાથમાં લીધું અને એ નિશ્ચિત કર્યું કે કોઇપણ લાંબા સમય સુધી વ્યક્તિ બેઘર ન રહે. બર્લુસ્કોનીએ બાદમાં બીબીસીને જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિ બેઘર નહીં રહે અમે વિક્રમી સંખ્યામાં બચાવ કાર્યકર્તાઓને કામે લગાડ્યા છે.

૬ – પોર્ટ ઓઉ પ્રિન્સ, હૈતી (૨૦૧૦)

હૈતીની રાજધાનીથી પંદર માઈલ દૂર ૭.૦ની તીવ્રતા ધરાવતો ધરતીકંપ વહેલી સવારે ૪.૫૩ વાગ્યે આવ્યો. આ પ્રકારનો ધરતીકંપનો અનુભવ હૈતીવાસીઓએ ત્રણસો વર્ષ અગાઉ કર્યો હતો. મુખ્ય ધરતીકંપ કરતા વધુ ખરાબ અસર ત્યારબાદ અનુક્રમે ૫.૯ અને ૫.૫ની તીવ્રતાવાળા આફ્ટરશૉક્સને કારણે આવી હતી. ગરીબ રાષ્ટ્ર હોવાને કારણે હૈતીની સરકાર આ ધરતીકંપની અસરથી પોતાના લોકોને બચાવવા માટે ખાસ કશું કરી શકી ન હતી. પરિણામે ત્રણ લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા તેમજ એટલીજ સંખ્યામાં લોકો બેઘર બન્યા અને મેડિકલ સેવાઓથી વંચિત બન્યા. આ ધરતીકંપને કારણે હૈતી અને ડોમિનિકન રિપબ્લિકના નકશામાં પણ પરિવર્તન આવી ગયું.

૫ – જાપાન (૨૦૧૧)

જેમ અગાઉ આપણે વાત કરી તેમ જાપાનને ધરતીકંપથી કોઈ નવાઈ નથી લાગતી કારણકે જાપાનમાં દર વર્ષે પંદરસોથી પણ વધુ ધરતીકંપ આવતા હોય છે. પરંતુ એક રીતે જોવા જઈએ તો જાપાનમાં આટલા બધા ધરતીકંપ આવતા હોવાથી જાપાનીઝ લોકો સદાય સચેત રહે છે અને નાના અમથા ઝટકાની પણ તેઓ અવગણના કરતા નથી. તેમ છતાં ૧૧ માર્ચ ૨૦૧૧ના દિવસે જે ધરતીકંપ જાપાનીઝોએ જોયો તેના માટે તેઓ ક્યારેય તૈયાર ન હતા કારણકે એ પ્રકારના ધરતીકંપની તેમણે કલ્પના પણ નહોતી કરી.

જાપાનના વૈજ્ઞાનિકો ત્યારે દંગ થઇ ગયા જ્યારે જાપાનના હોન્શુ ક્ષેત્રમાં ૯.૧ની તીવ્રતાનો જબરદસ્ત ધરતીકંપ આવ્યો હતો. બદનસીબે જાપાનની મુશ્કેલીઓ ત્યાં પૂરી નહોતી થઇ. આ જબરદસ્ત ધરતીકંપ બાદ વિશાળ ત્સુનામી સર્જાઈ અને બે લાખ ત્રીસ હજારથી પણ વધુ જાપાનીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

૪ – પોખરા, નેપાળ (૨૦૧૫)

નેપાળનું પોખરા એક ઐતિહાસિક નગર છે પરંતુ ૨૫ એપ્રિલ ૨૦૧૫ના દિવસે આ સમગ્ર ઐતિહાસિક નગર જમીનદોસ્ત થઇ ગયું હતું. અહીં ૭.૮ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો અને તેણે માત્ર નગરના ઐતિહાસિક સ્મારકો જ નહીં પરંતુ લોકોના આવાસોને પણ માટીમાં મેળવી દીધા. અહીંના પ્રાચીન મંદિરો, નવ માળનો સ્તંભ અને રાજાનો મહેલ બધુંજ ધ્વસ્ત થઇ ગયું. આ ભયાનક દિવસે પાંચ હજાર લોકોના જીવ ગયા અને દસ હજાર લોકો ઈજાગ્રસ્ત પામ્યા હતા.

૩ – ઇક્વેડોર (૨૦૧૬)

૧૬મી એપ્રિલ, ૨૦૧૬ના દિવસે ઇક્વેડોરના મનાબી, એસ્મેરાલ્ડાઝ, સાંતા એલિના, સેન્ટો દોમીન્ગો અને લોસ રીયોસ પ્રાંતોમાં જબરદસ્ત ધરતીકંપ આવ્યો હતો જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૭.૮ની રહી હતી. આ સમગ્ર વિસ્તાર દરિયાકાંઠે આવેલો હતો અને તેને હજારો આવસો, પૂલો, રસ્તાઓ તેમજ શાળાઓ અને હોસ્પિટલો તોડી પાડી હતી. લગભગ સાતસો લોકોના મૃત્યુ થ્યા હતા અને એક લાખથી પણ વધુ લોકો બેઘર બની ગયા હતા.

૨ – મેક્સિકો સીટી, મેક્સિકો (૨૦૧૭)

૧૯૮૫ના ભયાનક ધરતીકંપની જ વરસીએ એટલેકે ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે જ મેક્સિકોના મેક્સિકો સીટીમાં જાણેકે ઈતિહાસ પુનરાવર્તન પામ્યો હતો અને એક બીજો જબરદસ્ત ધરતીકંપ થયો હતો. કેન્દ્રીય મેક્સિકોમાં ૭.૧ની તીવ્રતા વાળો ધરતીકંપ અનુભવાયો હતો અને ત્વરિત તબાહી મચી હતી. હજારો બિલ્ડીંગો તૂટી પડ્યા હતા અને બસ્સો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

૧ – લોમ્બોક, ઇન્ડોનેશિયા (૨૦૧૮)

ઇન્ડોનેશિયાના લોમ્બોક શહેરમાં એક પછી એક ચાર ચાર ધરતીકંપ આવ્યા જેણે અહીંની પરિસ્થિતિ વધુને વધુ વણસી દીધી હતી. આ ધરતીકંપથી જબરદસ્ત ભૂસ્ખલન થયું અને લોકો પોતાના જીવ બચાવવા માટે અહીંથી તહીં દોડવા લાગ્યા હતા. આને કારણે લગભગ પાંચસો લોકોના જીવ ગયા હતા અને અસંખ્ય લોકો બેઘર બન્યા હતા.