backpacking in Gujarati Travel stories by Sarthi M Sagar books and stories PDF | બેકપેકિંગ

Featured Books
Categories
Share

બેકપેકિંગ

પાર્ટ વન

જાલોર એક કામથી જવાનું હતું પણ એ થોડું ડીલે થયું એટલે માઉન્ટ આબુ જવાનું વિચાર્યું. વધારે ડિટેલમાં ન પડતા અમદાવાદથી વિક્રાંત પર મહેસાણા ત્યાંથી ગાડીમાં બીજા ચાર મિત્રો સાથે પહોંચ્યો. ત્યાં પહોંચવામાં પહેલો દિવસ ખર્ચાઈ ગયો. બીજે દિવસે રોક કલાઇમ્બ કર્યું. ઘણા દિવસ બાદ કલાઇમ્બ કર્યું. આ વખતે બીલે વગર. જો કે ઇન્સ્ટ્રક્ટર મિત્ર નીચેથી રુટ ફાઈન્ડ કરવામાં હેલ્પ કરતા હતા. આખો દિવસ રખડીને રાત્રે ડિનર બાદ દેલવાડાના દેરા પહોંચ્યા ત્યારે ૧૦ વાગ્યાની આસપાસનો સમય હતો. તારાઓના અજવાળે નીચે બેસીને ચાની ચુસ્કીઓ મારી રીંછ આવવાની રાહ જોતા હતા. જોકે તે ન આવ્યું ચાવાળાએ કહ્યું થોડા દિવસો અગાઉ જ તેનો દરવાજો તોડી ખાંડ ખાઈ ગયો હતો. કલાક બેઠા. અવનવી વાતો કરી પ્રાણીસૃષ્ટિ, ભૂત-પ્રેતથી લઈને અન્ય વિષયો ઉપર.

નોંધવાલાયક વાત: કલ્પવૃક્ષ ઘણી જગ્યા હોય છે. અમે બેઠા ત્યાં જ કલ્પવૃક્ષ મેલ-ફીમેલ મિક્સ હોય એવું આખી દુનિયામાં એકમાત્ર આબુમાં છે. તેમના કહેવા મુજબ. સમુદ્રમંથન વખતે કલ્પવૃક્ષ નીકળ્યું હતું. માઉન્ટ આબુ પોતાની અંદર કેટલીય વાતો છુપાવી બેઠો છે એવું તેમની વાતો પરથી લાગ્યું. ડુંગરી-ગરાસિયા ટ્રાયબલ હોય કે જડીબુટ્ટીઓ, ઇન્ડિયન આર્મી હોય કે જંગલોમાં છુપાયેલા અજાયબ સ્થળો. એક કિસ્સો એમણે કહ્યો “અઘોર નગારા વાગે” પુસ્તકમાંથી. મેં હજુ સુધી નથી વાંચી, એ બુક. તેના ટાઇટલ ઉપરથી ખ્યાલ આવે છે કે અગોચર વાતોથી ભરપૂર હશે. ફોટા જોયા. જે ટુરિસ્ટ નહિ પણ ક્લાઇમ્બર્સ , ટ્રેકર કે લોકલ લોકોને જ ખબર હોય એવી જગ્યાના.

અગાઊ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટીટયુટ વિશેના આર્ટિકલમાં કદાચ લખી ચુક્યો છું. માઉન્ટ આબુ ફક્ત એક એવી જગ્યા છે જ્યાં દરેક પ્રકારના રોક મળી આવે છે. અન્ય પર્વતો મોટેભાગે વોલ કે ચીમની જેવાં કોઈપણ એક પ્રકારના રોક જોવા મળતા હોય છે. જ્યારે અહીં માઉન્ટ આબુમાં ક્લાઈમ્બીંગ માટે જોઈએ તેવા દરેક પ્રકારના રોક મળી આવે છે. જેથી પણ આ સ્થળ ક્લાઇમ્બર્સમાં વિશેષ પ્રિય છે. ભારતમાં રહેતા દરેક ક્લાઈમ્બરનું સપનું એક વખત માઉન્ટ આબુ માં આવવાનો હોય છે એવું મારા મિત્રે મને જણાવ્યું.

ત્યાંથી નજીક આવેલાં મિત્રના એડવેન્ચર પાર્ક ગયા. અચાનક સાબર દેખાયું, રસ્તાની બાજુમાં. જે ગાડીની લાઈટ થી ગભરાઈ એક જ ફલાંગમાં દિવાલ ઓળંગી ગયુ. એડવેન્ચર પાર્કમાં 12:30 વાગી ગયા. પરત આવ્યા બાદ હું સુઈ ગયો. રવિવારની રાતથી અલબત બાર વાગ્યા પછી હવે સોમવારથી શરૂ થઇ ગયો હતો. સવારે મારે આગળ જવાનું હતું એકલાએ. મિત્રો મોડીરાત્રે મસ્તીએ ચડયા હતા એટલે થોડી થોડી વારે મારી આંખ ખૂલી જતી હતી. માંડ આંખ ભેગી થઈ ત્યાં જ “ચાલો ફટાફટ રીંછ જોવો હોય તો કુતરાએ કોલ આપ્યો છે.” અવાજ કાને પડ્યો તરત બેઠો થયો. એ બધા દોડ્યા પાછળ પણ હું પણ ગયો. કૂતરાં ભસી રહ્યા હતા. મોબાઇલમાં જોયું. અઢી વાગ્યા હતા મધરાતના. ગાડી લઈને રીંછ શોધવા નીકળ્યા. થોડું રખડ્યા. રીંછના મળ્યો, પોલીસ મળી ગઈ. થોડું પૂછપરછ કરી અમને જવા દીધા. પાછા જઈને હવે ડાયનાસોર આવે તો પણ નથી ઉઠવું એવો નિર્ધાર કરી સુઇ ગયો.

બાય ધ વે, જંગલ માં જ્યારે કોઈ હિંસક પ્રાણીઓ આવે ત્યારે અન્ય પશુ પક્ષીઓ અમુક પ્રકારના અવાજ શરૂ કરે તેને કોલ કહેવાય. તેના પરથી કયું પ્રાણી હશે એ પણ અંદાજો લગાવી શકાય. સામાન્ય રીતે પ્રાણીઓની પણ ટેરેટરી હોય એટલે જગ્યાનો જાણકાર હોય તેને ખ્યાલ આવી જાય કે કયું પ્રાણી આવ્યુ છે. ઉદાહરણ તરીકે, આબુ સેન્ચ્યુરીમાં રીંછની ‘સ્લોથ બિઅર’ જાત વસે છે. તે આવે ત્યારે કુતરા અને વાંદરા અવાજ કરવાનું શરૂ કરે છે. એ રાત્રે રીંછ અમને દેખાયો નહી. જોકે ઇન્સ્ટ્રક્ટર મિત્રએ એના નિશાન બતાવ્યા હતા. ઉપરાંત કૂતરાનું ઝૂંડ પણ ચોક્કસ દિશામાં ભસતું હતું.