(પ્રિય વાંચકમિત્રો,
બહુ રાહ જોવી પડી આ વખતે, ખરૂંને! આ સમયગાળો જેટલી ઉત્કંઠા સાથે તમે વિતાવ્યો છે એટલીજ ઉત્કંઠા સાથે મેં પણ વિતાવ્યો છે. પાછલા ભાગમાં કથાનક એવા પોઈન્ટ પર અટક્યું હતું કે ત્યાંથી આગળ વધવાની અનેકવિધ સંભાવનાઓ હતી. કદાચ એટલે જ હું વાર્તાની દિશા નક્કી નહોતી કરી શકતી. આ સમય દરમિયાન મેં ખૂબ મનોમંથન કર્યું છે અને હવે ફરી આપ સૌ સમક્ષ નવા એપિસોડ સાથે હાજર છું.
શક્ય છે કે હવે નવા એપિસોડ માટે આટલી લાં... આં.. બી રાહ ન જોવી પડે... શક્ય છે કે નવો એપિસોડ જલ્દી જ આવી જાય... પરંતુ એ પણ શક્ય છે કે સમયના અભાવે કદાચ નવો એપિસોડ રજૂ કરવામાં અંતરાલ લાંબુ પણ થાય... પણ મને પૂરો વિશ્વાસ છે કે તમારો સહકાર મને આમજ મળતો રહેશે અને મારી લેખિનીની તાકાત બનતો રહેશે.
આપશો ને સહકાર?
તો પ્રસ્તુત છે ભાગ ૫૪)
***** ***** ***** *****
"ધીઝ ઈઝ અ મિરેકલ. સિમ્પ્લી અમેઝીંગ. અનબીલીવેબલ. "
ડો. જોનાથનના અવાજમાં ભારોભાર ઉત્સાહ છલકાતો હતો. છેલ્લા ચાર દિવસથી કેકેના રિપોર્ટ પોઝીટીવ રિસ્પોન્સ દર્શાવી રહ્યા હતા. ડો. જોનાથન અને તેમની ટીમ કેકેના કેસ બાબતે હતાશ થઇ ગયા હતા, પણ રીપોર્ટમાં અચાનક આવેલા સુધારાને કારણે ફરી તેમનામાં ઉત્સાહનો સંચાર થયો હતો. તો સામે પક્ષે કોકિલાબેન અને કેદારભાઈએ તો હરખમાં ને હરખમાં માતાજીની માનતા પણ માની લીધી.
"ટેલ મી, હાઉ ધીઝ હેપ્પન્સ? "
અને કેદારભાઈએ ટુંકમાં રાગિણીની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળતી વખતે કેકેમાં જે ઉત્સાહ નોંધાયો અને ત્યારપછી ઉત્તરોત્તર રીપોર્ટમાં સુધારો જણાયો એ જણાવ્યું.
"ધેટ્સ ગ્રેટ. આઇ થિંક યુ શુડ કોલ હર હીયર, ટુ સ્પેન્ડ સમ ટાઇમ વીથ હીમ. "
"યા સર. એક્ચ્યુઅલી ધે બોથ વીલ બી હીયર ઓન નેક્સ્ટ સેટર ડે. "
"ગુડ. હોપ વી કેન ગેટ ધ બેસ્ટ રીઝલ્ટ. "
***
"હેલ્લો મિસીસ ખન્ના, સો આર યુ રેડી ટુ ફ્લાય? "
"અફકોર્સ યસ. "
કેયૂરે જેટલા મસ્તીભર્યા અંદાજમાં પૂછ્યું, એટલીજ મસ્તી સાથે રાગિણીએ જવાબ આપતા ખૂણામાં તૈયાર કરેલ સામાન તરફ ઇશારો કર્યો. નાના મોટા બધું મળીને પૂરા આઠ મુદ્દા હતા. કેયૂરની મસ્તી ધુમાડો બની ઉડી ગઇ. તેનો હાથ છાતી પર ચંપાયો અને ચહેરા પર ટેન્શન આવી ગયું.
"ઓહ માય ગોડ! ડિયર, આપણે ખાલી એક અઠવાડિયા માટે જ જવાનું છે, કાયમ માટે નહી. "
"યાહ, આઇ નો... એટલેજ તો બસ આટલોજ સામાન તૈયાર કર્યો છે. વધારે રહેવાનું હોત તો... "
"ઓ મારી મા! આટલા બધાને તું આટલો જ કહે છે? ગજબ છે... એક કામ કર. મારા બે બ્લેઝર, ત્રણ જીન્સ અને પાંચ શર્ટ લઇ લે એટલે પૂરૂ. વધારેની મારે જરૂર નથી. "
કેયૂરને ચીડવવાની રાગિણીને મજા આવતી હતી. ચહેરા પર એક નાનકડા સ્મિત સાથે તે બોલી,
"માય ડિયર હબી, યોર લગેજ ઈઝ ઓલરેડી પેક્ડ એન્ડ ઇટ્સ ઓવર ધેર. "
ફરી બીજા ખૂણા તરફ ઈશારો અને ત્યા હતી એક સુટકેસ અને એક બેકપેક.
"એટલે...!!! "
કેયૂરનો ચહેરો જોઈ રાગિણીએ માંડ માંડ હસવું ખાળ્યુ.
"એટલે કે... આ મારો સામાન છે. "
"ગોન ક્રેઝી? આટલો બધો સામાન... તારી એકલીનો? "
કેયૂર રીતસર હેબતાઈ ગયો. લગ્ન પછી આવી રીતે બહાર જવાનો પ્લાન પહેલી વાર બની રહ્યો હતો. આ પહેલા એકવાર સુરત ગયા હતા, પણ ત્યારે તો પરિસ્થિતિ જ અલગ હતી. અને અત્યારે... જો રાગિણીને ખરેખર આટલો બધો સામાન ફેરવવાની આદત હશે, તો.... માર્યા ઠાર! ત્યાંજ નટુકાકાએ દરવાજે ટકોરા માર્યા. કેયૂરે તેમની સામે જોયું, પણ આટલા બધા સામાનનો ભાર હજુ તેના મગજ પર હાવી હતો. તે કંઇ સમજે એ પહેલા તો રાગિણીએ કહ્યું,
"આવો કાકા. આ રહ્યા મુદ્દા. લઈ જાવ. "
કેયૂરની સમજમાં કશું આવતું નહોતું. તે ઘડીકમાં રાગિણી સામે, ઘડીક નટુકાકા સામે તો ઘડીક નજર સામે પડેલા એ મુદ્દા સામે જોઈ રહ્યો. વળી તે જાણે તંદ્રામાંથી જાગ્યો હોય તેમ બોલ્યો,
"પણ, ફ્લાઇટ તો રાત્રે સાડાબારે છે ને! તો અત્યારે સામાન... "
નટુકાકા સામાન ફેરવતા અટકી ગયા, એટલે રાગિણીએ ઈશારાથી તેમને કન્ટીન્યુ કરવાનુ કહી કેયૂર સામે બસ જોઈ રહી. જેવા નટુકાકા બહાર ગયા એટલે રાગિણી ખડખડાટ હસી પડી. અત્યાર સુધી દબાવી રાખેલુ હાસ્ય એકસાથે બહાર આવી ગયુ. અને કેયૂર બાઘાની જેમ તેની સામે જોઈ રહ્યો. એટલે રાગિણી તેની પાસે ગઇ અને તેના વાળ વીંખતા બોલી,
"ઓહ, કમ ઓન! તમને શું લાગ્યું? મેં ખરેખર આટલો બધો સામાન તૈયાર કર્યો હશે? ઓહ ગોડ! "
રાગિણીનું હસવાનું હજુ ચાલુ જ હતું. માંડ માંડ કંટ્રોલ કરી તે બોલી,
"ઓ મેરે સૈંયા બાવરે, આપણો સામાન તો એ રહ્યો. એ સુટકેસ અને બેકપેક... બસ. આ તો સામાન પેક કરતી વખતે ધ્યાન ગયું કે આ બધા લગેજમાં કંઇ ને કંઈ રીપેરીંગની જરૂર છે. એટલે મેં નટુકાકાને એની જવાબદારી સોંપી છે. સો નેક્સ્ટ ટાઇમ, એ બધાનો પણ ઉપયોગ થઇ શકે... આયા કુછ સમજ કે બીચમેં? "
ફરી એક નવો આંચકો. કેયૂરને પોતાના કાન પર ભરોસો ન થયો.
"યુ વોન્ટ ટુ સે ધેટ આપણો બંનેનો એક વીકનો સામાન તે માત્ર આ બે મુદ્દામાંજ સમાવી દીધો! સીરીયસલી? હાઉ? "
"મેજીક... ધેટ્સ ધ મેજીક ઓફ વેક્યૂમ... મેં બસ પાઉચમાં બધી વસ્તુઓ મૂકી તેને વેક્યૂમ કરી દીધું, તો હવે એ બહુ ઓછી જગ્યામાં સમાઈ ગયું. સિમ્પલ. આપણે બસ આ નાનકડું વેક્યૂમ પંપ સાથે ફેરવવું પડશે. પછી નેવર ટુ વરી અબાઉટ લગેજ. ગોટ ઈટ? "
કેયૂરે ખાલી હકારમાં માથું હલાવ્યું. ત્યાં ફરી નટુકાકા બાકી રહેલા મુદ્દા લેવા આવ્યા. નટુકાકા ગયા એટલે કેયૂરે કહ્યું,
"ચાલ, જમી લઈએ. પછી તું થોડો આરામ કરી લે. રાત્રે પાછો ઉજાગરો થશે. અને યાદ છે ને ડોક્ટરે શું કહ્યું છે? યુ હેવ ટુ ટેક મેક્સીમમ રેસ્ટ ફોર વન મન્થ. આ ટ્રાવેલીંગની રજા પણ માંડ માંડ મળી છે. ઓકે? "
"ઓકે, બોસ. એઝ યુ પ્લીઝ... "
રાગિણીએ અદાથી માથું નમાવ્યું અને રસોડા તરફ અગ્રેસર થઇ. કેયૂર પણ તેની પાછળ દોરવાયો.
"આપણે શાર્પ આઠ વાગ્યે નીકળવવું પડશે, તોજ થોડી શાંતિ રહેશે. ખોટી દોડાદોડીમાં મજા નહી. "
જમીને કેયૂર ઓફિસ જવા નીકળ્યો ત્યારે આઠ વાગ્યાનું અલ્ટીમેટમ આપતો ગયો. તેના ગયા પછી રાગિણી મનોમન બોલી,
"હા, એટલે જ તમારા મોબાઈલમાં સાત વાગ્યાનો એલાર્મ સેટ કરી દીધો છે. નહીંતર હું અહીં રાહ જોતી બેસી રહીશ અને સાહેબજી કામમાંથી જ નહિ પરવારે..."
***
"ફ્લાઇટ ઇઝ રેડી ટુ ટેક ઓફ. પેસેન્જર્સ આર રીક્વેસ્ટેડ ટુ ટાઇ ધેઇર સીટબેલ્ટ પ્રોપરલી. "
એક એર હોસ્ટેસ ડેમો સાથે એનાઉન્સમેન્ટ કરી રહી હતી, તો બીજી એર હોસ્ટેસ દરેક સીટ પાસે જઈને બેલ્ટ બરાબર બંધાયો છે કે નહિ તે ચેક કરતી હતી. રાગિણીએ સીટબેલ્ટ બાંધ્યો તો ખરો, પણ એ બંધન જાણે અંદરના જીવને ન ગમ્યું હોય એમ એને સતત મુંઝારો થવા માંડ્યો. પેટમાં એક તીણી ટીસ ઉઠી... તેણે તરતજ બેલ્ટ ખોલી નાંખ્યો અને.... ઇન્સ્ટંટ રાહત! તેણે ફરી બેલ્ટ બાંધ્યો અને ફરી એ જ હાલત... કેયૂર આ બધું જોઈ રહ્યો હતો. તેણે બેલ્ટને ખેંચી રાખીને રાગિણીના પેટ પરથી દૂર કર્યો. રાગિણીને થોડી રાહત થઇ. અને જેવી ફ્લાઇટ ટેક ઓફ થઈ કે તરતજ બેલ્ટ ખોલી નાંખ્યો. એક ઊંડો શ્વાસ લઇ તેણે કોલ્ડડ્રીંક લીધુ, પણ, એ પણ બે સીપથી વધારે ન પી શકી. તેને અજબ બેચેની થઈ રહી હતી. તેની હાલત જોતા કેયૂરે આઇપેડ ઓફર કર્યા અને રાગિણીએ એ આઇપેડ આંખ પર ચડાવી સૂઈ જવાનુંજ મુનાસિબ માન્યું.
***
દરિયાની ખારી હવા શ્વાસમાં ભરી તેણે આજુબાજુ નજર દોડાવી. સામે એક જૂની પુરાણી શીપ હતી, જે એકદમ શાંત હતી. આ જગ્યા તેને જાણીતી લાગી. તે ધીમે પગલે સાવચેતીથી શીપ પર ગઇ. શીપ સૂમસામ જરૂર હતી, પણ નિર્જીવ નહોતી લાગતી. તે ધીમે ધીમે, બીલ્લીપગે ડેક પરથી નીચે જવાની સીડી સુધી પહોંચી. પહેલા સ્હેજ ડોકાઈને જોયું! પણ કોઈ દેખાયું નહિ એટલે નીચે ઉતરી. લોબીમાં રહેલા બધાંજ દરવાજા બંધ હતા. તે વારાફરતી દરેક બારણા પાસે રોકાતી અને આંખ બંધ કરી, શ્વાસ રોકી સાંભળવાની કોશિશ કરતી... પણ ઘેરી નિરવતા સિવાય કશું જ નહોતું. એક પછી એક બારણું પસાર કરતી ગઇ અને બરાબર વચ્ચેના બારણે પહોંચી તો કંઈક હલચલ વર્તાઈ... દરવાજાની તિરાડમાંથી પ્રકાશની પતલી રેખા બહાર આવતી હતી... તેણે તિરાડમાં નજર માંડી સામે પાર જોવાની કોશિશ કરી...
લાકડાની ખુરશી પર તાલબધ્ધ રીતે પછડાતી સફેદ બુટની એડી, સફેદ મોજાં, સફેદ પેન્ટ, સફેદ શર્ટની ઉપર સફેદ બ્લેઝર, હાથમાં પણ સફેદ મોજાં, આંખો પર સફેદ ફ્રેમના ગોગલ્સ...આ તો એ જ મિ. વ્હાઈટ!!! તેનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. તેણે ફરી નજર માંડી. સામે એક વ્યક્તિના લમણે બંદૂકનું નાળચું અડેલું હતું અને... ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો...કોણ છે એ વ્યક્તિ? પાપા...??? પણ પાપા તો... ઓહ! આજે આટલા વર્ષે ફરી...!!!
અંદરથી જાણે એક વાવાઝોડું ફૂંકાયું અને રાગિણીની આંખ ખુલી ગઈ. તેનો શ્વાસ ભારે થવા માંડયો અને અકળામણ એટલી વધી ગઇ કે... બાજુમાં બેસેલા કેયૂરે પણ રાગિણીમાં આવેલુ પરિવર્તન નોંધ્યું. તેણે પ્રશ્નાર્થ નજરે રાગિણી સામે જોયું. રાગિણીની આંખોમાં રહેલી અકળ વેદના તે સમજી ન શક્યો. તેણે વિચાર્યું કે કદાચ હવાઇ મુસાફરીની આડઅસર હશે... કેયૂરે હળવેથી રાગિણીનો હાથ થપથપાવ્યો, ત્યાં જ જાહેરાત થઈ કે દસ મિનિટમાં તેમનું પ્લેન લેન્ડ થશે.
એક હાશકારો બંનેને ઘેરી વળ્યો, પણ એની અવધિ કેટલી એ તો...???