બીજી સવારે લખુભાએ ઈંગ્લીશ દારુનું કોટર લાવ્યું. બ્રાન્ડનું લેબલ એને વાંચતા આવડતું ન હતું પણ એના ઉપર લખેલું નામ ક્યારેક એને કોઈ વાંચી સંભળાવતું.
સમીરને પરાણે થોડો દારૂ પાઈને સ્વસ્થ કર્યો. એ પછી મનુને અદિત્યએ બધું સમજાવ્યું અને મનુએ અદિત્યને બધું સમજાવ્યું. મનું કઈ રીતે આ કેસમાં પડ્યો એ પણ સમજાવ્યું.
"તો એનું નામ અનુપ છે એમ ને?" આખીયે વાત સાંભળીને મનું બોલ્યો.
"હા બાકીના લંકેશ, રઘુ અને બીજા ચાર પાંચની ટોળકી છે." સમીરે કહ્યું અને પછી કોઈક પાસેથી સિગારેટ માંગી.
પાટો બાંધેલ આંગળીમાં સિગારેટ પકડતા પણ આંગળીમાં પીડા થતી હતી.
"સમીર બધી જ માહિતી લાવવાનો હતો. એ દીપને રિપોર્ટ આપોત અને પછી બધું થઈ જવાનું હતું. તે સમીરને ઉઠાવીને આખોય પ્લાન ચોપટ કરી નાખ્યો." એજન્ટ એ નારાજ થઈને બોલ્યા.
"પણ મને શું ખબર કે એ કોણ છે?" મનુએ દલીલ કરી.
"વેલ હવે અહીં એ બધું રિવાઇન્ડ થવાનું નથી. હવે તો બધું આગળ જ કરવાનું છે." રુદ્રસિંહ બોલ્યા.
એ જ સમયે મનુના ફોનની ઘંટડી રણકી ઉઠી. મનુએ મોબાઈલમાં જોયું. ખબરીનો ફોન હતો.
"બોલ ખબરી."
"સાહેબ પેલી નિધિની સેક્રેટરીને મળવા પેલો માણસ આવ્યો હતો."
"વોટ? એની સેક્રેટરીને એ મળવા આવ્યો?" મનુંને માન્યામાં આવ્યું નહી.
"હા સાહેબ પણ ઘણા દિવસે એ દેખાયો છે બોલો શુ કરું?"
"તું એ માણસને છોડ સેક્રેટરી ઉપર નજર રાખ." કહીને મનુએ ફોન મૂકી દીધો.
"શુ કહ્યું ખબરીએ?" તરત જ પૃથ્વીએ પૂછ્યું.
"નિધિની સેક્રેટરીને પેલો માણસ મળવા આવ્યો હતો આજે."
"એટલે સેક્રેટરી એમાં ભળેલી છે?"
"બીજું તો શું હોઈ શકે પૃથ્વી?"
સમીરને પણ ખબર ન હતી કે જુહીને લંકેશે પૈસાની લાલચ આપીને ફોસલાવી હતી. થોડાક રૂપિયા પણ આપ્યા હતા. એટલે આ વાત સમીરને પણ સમજાઈ નહી.
આ વાત ચાલતી હતી ત્યાં એજન્ટનો ફોન રણક્યો. સુલેમાન નામ જોઈને તરત એજન્ટે ફોન લીધો.
"બોલ સુલેમાન."
"સલામ માલેઈકુમ સાબ..... પેલો સરફરાઝ આવ્યો હતો કહેતો હતો કે સમીરને કોઈ ત્રીજી પાર્ટીએ ઉઠાવ્યો છે. એ બહુ અકળાયેલો હતો. સમીરના કોણ દુશ્મન હોઈ શકે એ જાણવા મારી પાસે આવ્યો હતો હમણાં જ ગયો છે. મને એમ પણ કહ્યું છે કે સમીરના ખબર મળે તો મને આપજો." સુલેમાન ગભરાહટમાં એકધારું બોલી ગયા પછી ઉમેર્યું, "આ ત્રીજી પાર્ટી તો કોણ હોઈ શકે?"
"સમીર તો મળી ગયો છે. પણ એ ત્યાં આવ્યો કેમ હશે?"
"એણે મને કહ્યું છે કે સમીરના કોઈ પણ સમાચાર મળે તો મને જાણ કરજો."
"નહીં તું એને કોઈ ખબર આપતો નહિ. સમીર મારી પાસે છે. હું પછી તને મળું છું."
એજન્ટે ફોન મૂકયો એ સાથે જ સમીરે પૂછ્યું, "કોણ હતું સર?"
"સુલેમાન."
"એ શુ કહેતા હતા?"
"સરફરાઝ એની પાસે ગયો હતો. એણે સુલેમાનને ખબર કરી કે સમીરને કોઈકે ઉઠાવ્યો છે. તમને કોઈ સમાચાર મળે તો મને જાણ કરજો."
"એક મિનિટ આ સરફરાઝ અમદાવાદ નજીક છે અને અનુપ કે લંકેશ કે કદાચ બંને વડોદરામાં છે. એવું કેમ?" મનુને હજુ આ તંત્ર સમજાયું નહી.
"સરફરાઝ બિચારો કુટાઈ ગયેલો માણસ છે." સહાનુભૂતિ સાથે સમીર બધાને સરફરાઝની વાત કહેવા લાગ્યો.
*
સરફરાઝ ડોગ હાઉસથી નીકળ્યો પણ તેને અહીં કોઈ સાધન મળે તેમ નહોતું. જોકે એને ક્યાંય જવાની ઉતાવળ ન હતી. કોઈ પણ રીતે હવે સમીર એને મળે એ આશા રહી ન હતી. સમીર કોઈ જાદુઈ રીતે ગાયબ થયો હતો. ઉઠાવવાવાળો કોણ હશે એની કલ્પના પણ થઈ શકે તેમ ન હતી. અરે ઉઠાવનારે કોઈ ધમકી આપવા કોઈ ફિરોતિની રકમ માંગવા એક ફોન પણ અનુપ એન્ડ ટીમ્સને કર્યો ન હતો.
એનું માથું ભમતું હતું. નશો ફાટ ફાટ થતી હતી. પારાવાર અફસોસ એને ઘેરી વળ્યો. અબ્બા સાચું કહેતા હતા.
ચાલતા ચાલતા એને અબ્બુ યાદ આવ્યા.
અબ્બુ સાચું કહેતા હતા... ખોટું કરે એનું અલ્લાહ ક્યારેય સારું કરતો નથી. યા અલ્લાહ સમીર ક્યાં હશે? એના કેવા હાલ હશે? જહન્નુમમાં તડપતા આત્મા જેવી એની હાલત હશે એ તો સ્પષ્ટ જ હતું. એને કમકમાટી છૂટી ગઈ.
વિચારોમાં એ ક્યારે ત્રણ રસ્તા સુધી આવી ગયો એનો પણ એને ખ્યાલ રહ્યો નહિ. ડોગ હાઉસથી ત્રણેક ખેતર છેટે અમદાવાદ તરફ ત્રણ રસ્તા ફંટાતા હતાં. ત્યાંથી કોઈ એક રસ્તે રીક્ષા કે લોકલ જીપ મળી રહે તેની શકયતા વધુ રહેતી.
એકાએક એનો ફોન રણક્યો. ભાડમાં જાય ફોન પહેલા તો એને થયું પણ પછી એકાએક વિચાર આવ્યો કદાચ અનુપને કિડનેપરનો કોઈ ફોન કોલ આવ્યો હોય.
“યા અલ્લાહ જો મારો દોસ્ત મળી જાય તો હું આજથી જ કોઈ પણ છોકરીને બ્લેકમેઈલ નહિ કરું...” એણે મનોમન પોતાના ખુદાને યાદ કર્યો. પરિવાર ખોયા પછી હવે એકમાત્ર દોસ્ત એ ખોવા માગતો ન હતો. આમેય એ એક રસ્તો ભટકેલો નેક બાપનો બેટો હતો.
એણે તરફ ફોન કાઢ્યો અને એની આંખો ફાટી ગઈ. સમીર નામ જોતા જ એના મગજમાં - કોષમાં પ્રવાહી દોડવા લાગ્યું. ચોક્કસ ઉઠાવવાવાળે ફોન કર્યો છે. મારે શું વાત કરવી? એ જે કહે તેમાં હા એ હા કરવી કે પછી થોડીક કડક વાત કરવી જેથી સામેવાળાને લાગે કે સમીરના મિત્રોનો કોન્ફિડન્સ તૂટ્યો નથી?
અવઢવમાં જ એણે ધ્રૂજતી આંગળી સ્લાઈડ કરી અને મોબાઈલ કાને ધર્યો. પણ એની ધારણા ખોટી હતી.
"હેલો સરફરાઝ હું સમીર." સાવ શાંત સ્વરે સમીર બોલ્યો એટલે એને માન્યામાં જ ન આવ્યું હોય એમ ડઘાઈ ગયો.
"સ...મી....ર.....?" અક્ષર છુટા છુટા પાડીને એ બોલ્યો – બોલી શક્યો. હમણાં કિડનેપર ફોન લેશે અને પોતાની માંગણી રજૂ કરશે. એવી એની ધારણ પણ ખોટી પડી.
"હું કિડનેપર પાસેથી ભાગી છૂટ્યો છું."
"હે? મોબાઈલ લઈને ભાગી છૂટ્યો?"
"હા એ બધા શરાબી હતા એમાં હું ફાવી ગયો." સમીરે સસ્મિત કહ્યું. હજુ સમીર રૂબરૂ મળ્યા વગર વાત કહેવા માંગતો ન હતો. "મારી આંગળી ચીરી મને ડામ દીધા પણ આખરે અલ્લાહ મિયાની રહેમ થઈ અને મને એક મોકો મળી ગયો. બીજું પછી સમજાવું છું પહેલા તું મને મળ અને હા અનુપ અને ટીમ્સને કહેજે કે એ હવે મારી તપાસ ન કરે. હું એમને તરત મળું છું. પણ પહેલા તો તને મળીશ." સમીર જાણે સાચોસાચ ક્યાંકથી ભાગી છૂટ્યો હોય એમ બોલતો રહ્યો.
સરફરાઝ કહેવા તો માંગતો હતો કે અનુપે કોઈ તપાસ કરી જ નથી. પણ એ જીભ ઉપાડે એ પહેલાં તો એક ટેક્સી પુરપાટ ઝડપે આવતી દેખાઈ. સરફરાઝ ઝડપથી રોડ પરથી હટીને ખેતરની વાડમાં ઘૂસ્યો. એને થોરના બે ચાર કાંટા વાગ્યા પણ નજીક આવેલી ટેક્સીને એણે સહજ રીતે જ જોઈ અને એ ડઘાઈ ગયો. ટેક્સીમાં નિધિ હતી. એણે જોરથી માથું ધુણાવી દીધું.
હા સો ટકા એ સફેદ વસ્ત્રોમાં નિધિ જ હતી. પણ સાથે કોણ હશે? અને આ રસ્તા ઉપર આવી ભયાનક ઝડપે એ ક્યાં જતી હશે? એ વિચારે એ પહેલા તો એન્જીન ફાટી જાય એવી ઝડપે ટેક્સી અમદાવાદ તરફ જતા રસ્તા પર અદ્રશ્ય થઈ ગઈ.
"હેલો તું સાંભળે છે?" કેટલીયે વાર સુધી સરફરાઝ બોલ્યો નહિ એટલે સમીરે જોરથી કહ્યું.
સમીરનો અવાજ ફોનમાં આવતો રહ્યો પણ સરફરાઝને બે નવાઈ થઈ હતી એક તો સમીર ભાગી છૂટ્યો અને બીજું કે નિધિ પુરપાટ ઝડપે ક્યાંકથી આવીને અમદાવાદ તરફ જતી હતી.
એને ભાન થયું કે સમીરે ફોન મૂકી દીધો છે ત્યારે એ વિચાર બહાર આવ્યો. ત્યાં ફરી રિંગ વાગી. એણે ફોન લીધો.
"સરફરાઝ શુ થયું તને? આર યુ ઓકે?"
પણ સરફરાઝ કઈક કહે બોલે એ પહેલાં તો એક બીજી ગાડી આવીને એ જ્યાં ઉભો હતો ત્યાં ત્રણ રસ્તે સખત બ્રેક મારીને ચોંટી ગઈ.
"હું સાંભળું છું સમીર..." એ એટલું બોલ્યો ત્યાં પેલી ગાડીમાંથી એક માણસ ઉતર્યો. અને એની તરફ આવવા લાગ્યો.
"હમણાં અહીંથી કોઈ ગાડી નીકળી?" નજીક આવતા જ એણે પૂછ્યું.
"ગાડી તો નથી નીકળી." સરફરાઝે કહ્યું. સમીરે એ સાંભળ્યું. એની પહેલા ગાડીની ભયાનક બ્રેકનો અવાજ પણ સમીરે સાંભળ્યો હતો. એ પણ ડઘાઈ ગયો હતો. એને તો એમ જ થયું કે સરફરાઝ કોઈ ગાડી નીચે આવી ગયો હશે પણ પછી સરફરાઝનો અવાજ સાંભળી એનો જીવ હેઠો બેઠો.
"ગાડી મતલબ ટેક્સી." પેલા માણસે વધુ સ્પષ્ટતા કરી એટલે સરફરાઝ સમજી ગયો કે આ લોકો નિધિની વાત કરે છે. અને ભેજાબાજ સરફરાઝની છઠ્ઠી ઇન્દ્રીય બોલવા લાગી. આ અનુપના માણસ હશે? અનુપ આમ ખુલ્લે નિધિની પાછળ પડે? ભાઈ... તેને કૌશલનો અવાજ સંભળાયો. ભાઈજાન મને પણ આમ જ ઉઠાવી ગયા હતા યાદ છે ને? સરફરાઝના હ્રદયની ધમની અને શીરા બંનેમાં લોહીનું જાણે પરિભ્રમણ કોઈ મોટર ચાલુ કરીને વધાર્યું હોય તેમ તેનું હ્રદય ધબકવા લાગ્યું. તેના હાથની હથેળી જાણે સુન પડી ગઈ હોય તેમ તેને લાગ્યું. તેણે તરત જ ફેસલો લીધો.
"હા હમણાં જ એક ટેક્સી ફૂલ સ્પીડે આવી હતી. તમારી ગાડી ઉભી રહી બરાબર ત્યાં જ બ્રેક મારીને આ તરફ ડાબી તરફ ટર્ન લીધો." સમીરે આંગળી કરીને રસ્તો બતાવ્યો.
પેલો માણસ આભાર કહ્યા વગર જ ચાલ્યો ગયો. જોકે આભાર કહેવાની જરૂર પણ ન હતી કેમકે ટેક્સી સીધી ગઈ હતી કોઈ ટર્ન લીધો ન હતો. પેલી ગાડી ઉપડી નહિ ત્યાં સુધી સમીર ફોનમાં કઈ બોલ્યો નહિ. ગાડી ડાબી તરફ વળીને ખાસ્સી આગળ નીકળી એટલે તરત સરફરાઝે ફોન કાને ધર્યો.
"કોણ હતું? શેની ગાડી? તું ક્યાં છે?" એ કઈ બોલે એ પહેલાં જ સમીર એને પ્રશ્નો પૂછવા લાગ્યો.
"હું હમણાં જ ડોગ હાઉસથી બહાર આવ્યો છું. ત્યાંથી નીકળીને ત્રણ રસ્તે આવ્યો."
"પણ એ શું હતું? કોની ગાડી?" સમીરે વચ્ચે જ પૂછી નાખ્યું.
"સાંભળ પહેલા નિધિ એક ટેક્સીમાં પુરપાટ ઝડપે આવીને ચાલી ગઇ. પછી આ ગાડીમાં મેં ક્યારેય ન જોયા હોય એવા માણસો આવ્યા અને ટેક્સી વિશે મને પૂછવા લાગ્યા."
"અને તે કહી દીધું?" સમીરના અવાજમાં ફોન ઉપર પણ ભય સ્પસ્ટ વર્તાયો.
"કદાચ પહેલાનો સરફરાઝ હોત તો કહી દોત. પણ મેં બધું છોડી દીધું છે હું કોઈ ખોટા કામ કરવાનો નથી સમીર, એટલે મેં એ લોકોને અવળે રસ્તે ચડાવ્યા છે."
"પણ એ માણસો અનુપના હશે ને? એ લોકો તને ક્યારેક અનુપ સાથે દેખશે ત્યારે ઓળખી નહિ લે?"
"અનુપ સાથે હવે હું શું કામ જાઉં? અને એ માણસો તો આમેય અનુપના માણસો નથી. એમાં એક બે તો અંગ્રેજ જેવા લાગતા હતા અને બીજો એક ઇન્ડિયન હતો."
"ઠીક છે તો તું એ લોકોનો પીછો કર. મતલબ નિધીનો...."
"નહિ સમીર હવે હું આ કામ કરવાનો નથી અને તને પણ કરવા દેવાનો નથી."
એના અવાજમાં સમીરને અફસોસ સાથે દોસ્તીનો રણકો દેખાયો. સમીરને એ સમયે કેટલી રાહત થઈ હતી એ લખવું અશક્ય છે. પણ સરફરાઝ જેવો બંદો ગમે તેમ કરીને ખુદાના રાહ તરફ પાછો ફરે એ માટે જ તો સમીરે ઘણા પ્લાન વિચાર્યા હતા.
"અરે પણ આપણે કશું ખોટું કરવાનું નથી. આપણે તો નિધીને બચાવવાની છે. તું નિધિની પાછળ રહે અને મને ખબર કરતો રહેજે. હું પોલીસને લઈને આવું છું."
"પણ આપણે શું કામ જફામાં પડવું?" સરફરાઝ બોલ્યો પણ એ જ સમયે એને યાદ આવ્યું હમણાં જ તો ખુદાના રસ્તે નેક રસ્તે જવાની મેં કસમ લીધી છે. આટલો અંદરનો અવાજ ઓછો હોય એમ સમીરના શબ્દો સંભળાય.
"ધ્યાનથી દેખીશ તો તને એમાં પણ કૌશલ દેખાશે..."
અને જાણે કોઈએ વર્ષોથી દુઃખતા ગુમડા ઉપર દવા લગાવી હોય એવી રાહત સરફરાઝના હૃદયમાં થઈ. એટલે જ તો આ સમીર મને ગમ્યો હતો. એ મનોમન બોલી ઉઠ્યો.
"હવે તું સમય ન બગાડ."
"પણ મારી પાસે કોઈ વીહીકલ નથી અને અહીં કોઈ ટેક્સી પણ નથી."
"એક મિનિટ તું ત્રણ રસ્તા જોડે છે ને. હું સુલેમાન ચાચાને કહું છું એ ગાડી લઈને આવશે તું નિધીનો પીછો કર હું પોલીસ લઈને આવું છું."
પણ સમીર ફોન મૂકે એ પહેલાં જાણે કઈક યાદ આવ્યું હોય તેમ એ ઝડપથી બોલ્યો, "પણ સમીર આ નિધીએ સફેદ સાડી કેમ પહેરી હશે? અને એની સાથે જે માણસ હતો એણે પણ એવા જ સફેદ કપડાં પહેર્યા હતા. મને કાઈ સમજાયું નહી."
અને સમીરને એક ધ્રાસકો પડ્યો પણ એણે સ્વસ્થતા સંભાળી રાખી, "એટલે જ તો આપણે એને બચાવવાની છે. હું તને પછી બધું સમજાવું છું." કહીને સમીરે ફોન મૂકી દીધો.
સરફરાઝ એકાએક આ બધું શુ થયું છે કઈ રિતે થયું છે એ અવઢવમાં સુલેમાનની રાહ જોતો ઉભો રહ્યો પણ એને એક વાત સમજાતી ન હતી પોતે એકાએક સુધરી ગયો હૃદય પરિવર્તન થયું એમ સમીર પણ કેમ બદલાઈ ગયો? એવું શું થયું હશે કે સમીર હવે નિધીને બચાવી લેવા માંગે છે?
કારણ કે તે જાણતો ન હતો કે સમીર તો પહેલેથી જ ખુદા એ બતાવેલા માર્ગે જ ચાલતો હતો...
*
સફેદ સાડીમાં નિધિ અને એની સાથે પણ એવા જ સફેદ કપડામાં કોઈ પુરુષ હતો એ વાત સાંભળીને સમીર અવઢવમાં પડ્યો. સુલેમાનને ફોન કરીને સરફરાઝ સાથે જવા કહ્યું એટલીવાર પણ એની ધીરજ કેમ ટકી એ એને પોતાનેય સમજાતું ન હતું.
"એ લોકો નિધીને ખતમ કરી નાખશે... વી મસ્ટ ડુ સમથિંગ..." એક જ જટકે લખુંભાએ પાયેલા કોટરના આલ્કોહોલના નશામાંથી એનું મગજ બહાર આવી ગયું.
"પણ થયું છે શું?" પૃથ્વીએ એને શાંત કરવા પૂછ્યું.
"એજન્ટ એ, એ લોકો નિધિની પાછળ છે. એને ખતમ કરી નાખશે. ગીવ મી યોર ગન એન્ડ કિ ઓફ યોર કાર..." એ એજન્ટ એ તરફ ધસ્યો.
"કોણ અનુપ?" આદિત્યએ પૂછ્યું.
"નહિ બીજા કોઈ છે."
"કોઈ આશ્રમના માણસો છે. નિધિ આશ્રમ ગઈ હશે." પછી એ અટકી ગયો કઈક વિચાર્યું. અને ફરી બોલ્યો, "માય ગોડ નિધીએ સન્યાસ લીધો હતો. યસ એટલે જ એ આશ્રમના સફેદ કપડામાં હતી. પણ ત્યાંથી ભાગી કેમ હશે?" ફરી એ વિચારમાં પડ્યો.
"સમીર..." એજન્ટે ત્રાડ નાખી, "યુ આર એન એજન્ટ. આમ ગાંડો ન થઈ જા." એને પકડીને હચમચાવી નાખ્યો.
સમીરે ત્યાં લખુંભા પાસે મુકેલો પાણીનો લોટો ઉઠાવ્યો અને એક જ શ્વાસે પી ગયો.
"હવે કઈક સમજાય એમ બોલ." મનુએ કહ્યું.
"વેલ, વેલ મી. આદિત્ય, સર નિધિ પાછળ માણસો પડ્યા છે. એ અનુપના માણસો નથી. સરફરાઝ પણ નથી ઓળખતો એવા માણસો. એટલે ચોક્કસ આશ્રમના બીજા માણસો હશે. બીજું કે નિધીને સફેદ કપડાં હતા એની સાથે કોઈ બીજો પુરુષ છે એને પણ એવા જ કપડાં હતા." સરફરાઝે જે કહ્યું એ બધું સમીરે ઝડપથી બધાને સમજાવ્યું.
એજન્ટ એ, મનું, પૃથ્વી, લખુભા, જોરાવર, રુદ્રસિંહ બધા ઘડીભર વિચારે ચડ્યા. પછી એજન્ટે એક ફેંસલો કર્યો.
"મનું તું અમદાવાદ જા સરફરાઝને સમીરે નિધિ પાછળ લગાવ્યો છે. એ સમીરને ખબર આપતો રહેશે. તું પહેલા તો એને અહીં લઈ આવ."
"પૃથ્વી તું પણ મનું સાથે જા. અને હા સમીરનું ધ્યાન રાખજો એ માત્ર જાસૂસ છે. એક્સન એનું કામ નથી."
"પણ મને એક્સન લેતા ય આવડે છે સર. લેટ મી ફાઈટ." સમીર પહેલી જ વાર એજન્ટની ચાલુ વાતે વચ્ચે બોલ્યો.
"ગુડ પણ તે હજુ લડાઈ જોઈ નથી સમીર એટલે મનું અને પૃથ્વી કહે એમ તારે કરવાનું છે બેટા." આદિત્ય હવે ઉંમર થતા બધા એજન્ટને ઘણીવાર વ્હાલમાં બેટા કહેતા અને એટલે જ બધા એજન્ટ માટે એ પિતા સમાન જ હતા.
"ઓકે સર."
આંખના ઈશારે સમીરને ગુડ બોય કહીને મનું તરફ ફરીને એમણે વધુ સુચના આપી, "શક્ય હોય ત્યાં સુધી એ લોકોને જીવતા પકડજે જેથી આપણી પાસે માણસો સહિતના સબૂત છે એમ કહીને આચાર્યને વધારે મજબૂત રીતે બ્લેકમેઈલ કરી શકીએ. અને બ્લેકમેઇલની રકમ મળ્યાના બધા જ પ્રુફ સાથે પછી એને ખુલ્લો પાડીશું."
"ઓકે સર." મનું ઉભો થયો.
પૃથ્વીએ જઈને ઢાંકેલી બ્લેક વેન ખુલ્લી કરી અને લઈ આવ્યો. મનું સમીર અને પૃથ્વી વેનમાં બેઠા. સેફટી માટે સમીરને પણ ગન આપી. પછી એ ત્રણેય અમદાવાદ ભણી નીકળી પડ્યા.
*
નિધીને એમ હતું કે તેને મારવા માટે એ લોકો ગન લઈને આવ્યા હશે અંધારાનો લાભ લઇ એ અને દર્શન ભાગી છૂટ્યા અને પછી બિલ્ડીંગમાં હોબાળો થયો એટલે ગેટ પાસેનો ચોકીયાત અને પાછળ પડેલા માણસો એ તરફ ભાગ્યા પરિણામે એમને ભાગવાનો મોકો મળી ગયો પણ ગનવાળા માણસોનો ઈરાદો તો અલગ જ હતો. એ લોકોએ તો નિધીને દેખી જ નહોતી. દર્શન નીકળ્યો એની પાછળ જ એ લોકો બીજી તરફથી આવ્યા હતા. એમનો ઈરાદો દર્શનને મારીને એન્જીનું પ્રકરણ કાયમ માટે બંધ કરી દેવાનું હતું.
દર્શનને ખબર જ ન હતી કે આશ્રમમાં એને મારી નાખવાનો સતત પ્લાન બની રહ્યો છે. વિમલા દેવી જેમ જ... કારણ એને હજુ એ ખબર ન હતી કે એન્જીનું બ્રેકઅપ એ એક પ્લાન હતો. એન્જીની આત્મહત્યા એ પ્લાનનો જ હિસ્સો હતો. અને થોડાક સમય પછી નિધીને ખરાબ સમજીને ત્યજી દઈને સન્યાસ લઈને આશ્રમ આવેલા દર્શનને પણ ખતમ કરી દઈને આખું પ્રકરણ બંધ કરવાનો એક પ્લાન હતો.
પણ કોઈ ઈશ્વરીય રીતે નિધિ અને દર્શન બંને બચી ગયા. એ નીકળી ગયા. રાત્રે છ સાત કિલોમીટર ચાલીને એ રોડ પર ખાસ્સા દૂર નીકળી ગયા. અને પછી થોડોક આરામ કર્યો.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky