માથાભારે નાથો (31)
નાથાની ચિંતામાં સતત ત્રણ દિવસ પસાર થયા.મગન,રાઘવ અને રમેશ બોહોશ નાથાને જોઈ જોઈને રુદનને રોકી રહ્યા હતા.ડો.સંદીપ પેઠે ખ્યાતનામ ન્યુરોસર્જન હતા.ઓપરેશન પણ સફળ રહ્યું હતું. જે કાર સાથે નાથાનો અકસ્માત થયો હતો એ યુવકને પણ મહાવીર હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ કર્યો હોવાથી નાથાની સારવારનો ખર્ચ વીમા કંપની તરફથી મળી જવાનો હતો.પણ મગનને કે એના દોસ્તોને એવી કંઈ ચિંતા નહોતી.એકવાર બસ નાથો આંખો ખોલે,એની રાહમાં બેચેન બનીને સમય પસાર કરી રહ્યાં હતાં.
નાથાના હાથ અને પગમાં પણ ફેક્ચર થયું હોવાથી ત્યાં પણ ઓપરેશન કરવા પડ્યા હતા.
દિવસમાં દસવાર મગન અને રાઘવ ડોકટરને મળીને આશ્વાસન મેળવતા હતા.
આખરે ત્રીજે દિવસે નાથાની આંખ ખુલી હતી.
નાથાની સારવારમાં ખડે પગે રહેતી પેલી નર્સ નાથાને ભાનમાં આવેલો જોઈને ખુશીથી ઉછળી પડી હતી.
અને જાણે બાળકનો જન્મ થયો હોય એની વધામણી આપવા દોડે એમ જ એ ડોકટરની કેબીન તરફ દોડી હતી.એને એકાએક દોડી જતી જોઈને બહાર બેઠેલા મગન અને મિત્રોના પેટમાં ફાળ પડી ગઈ હતી..
ડોકટર પણ ઉતાવળે પગલે icu તરફ ભાગ્યા હતા.
નાથના બા અને બાપુજી સહિત બધા જ ઉભા થઈને icu ના દરવાજે ટોળું વળી ગયા હતા.
નાથાને તપાસીને બહાર આવેલા ડો.પેઠેના ચહેરા પર ખુશીની લહેર જોઈને મગન, રાઘવ અને રમેશના ચહેરાઓ પણ ખીલી ઉઠ્યા.
"હી ઈઝ આઉટ ઓફ ડેંજર નાઉ.." ડો. પેઠેના આ શબ્દો સાંભળીને મગન અને રાઘવ ભેટી પડ્યા. રમેશ પણ એ લોકોને ચોંટી ગયો. ત્રણેયની આંખોમાંથી ખુશીના આંસુઓ વહી રહ્યાં હતાં.બરાબર એ જ વખતે ચમેલી ટિફિન લઈને આવી.મગને એને જોઈ. નાથાને બચાવવામાં ચમેલીએ પણ રાત દિવસ જોયા નહોતા.
"ચમું, નાથો ભાનમાં આવી ગયો છે...હો..હો..હો..'' કહીને એ ચમેલીને ભેટી પડ્યો. ચમેલીના દિલમાં જાણે કે પ્રેમનો બંધ તૂટી પડ્યો. મગનની પીઠ પર એણે પોતાના હાથ વીંટાળી
દીધા. મગનના આલિંગનને પામવા તડપી રહેલી ચમેલીના ચમનમાં હજારો ગુલાબો એકસાથે ખીલી ઉઠ્યા.
મગને એના ગાલ પર ચુંબન કર્યું.
એ દ્રશ્ય જોઈને મિત્રોનો આનંદ અનેક ગણો વધી ગયો. આ લોકોની આવી હરકતો જોઈને ડોકટર અને નર્સનો સ્ટાફ પણ ભાવ વિભોર બની ગયો..
નાથાના સારા સમાચાર સાંભળીને મગનની ખુશીનો પાર રહ્યો નહીં.સુકીભઠ ધરતી ઉપર એકાએક કોઈ વાદળ વરસી પડે એમ એના દિલમાં ખુશીઓની બોછાર થવા લાગી.એના ગળે ડૂમો બાજી ગયો. ચમેલીથી વિખૂટો પડીને સૌ પ્રથમ એ નાથા પાસે દોડ્યો. પેલી નર્સ નાથાનું કાંડુ પકડીને પલ્સ માપી રહી હતી.નાથો અધખૂલી આંખોથી એને જોઈ રહ્યો હતો.
નાથાને હવે ચાર દિવસ પહેલાનો સમય યાદ આવી રહ્યો હતો.
ચમેલી, મગનને પ્રેમ કરતી હતી અને એ વાત કહેવા માંગતી હતી એટલે એ બન્નેને મોકળાશ રહે એ હેતુથી પોતે યુનિવર્સીટીના ગેટ તરફ આંટો મારવા ગયો હતો. ગેટની સામે જ એક લારી પર ગરમાં ગરમ સમોસા તળાઈ રહ્યા હતા.
હવે પહેલાના લુખ્ખા દિવસો રહ્યાં નહોતા. નાથના પર્સમાં આજે પૈસા હતા.સ્વાદનો શોખીન નાથો મોંમાંથી ઝરતો રસ ગળતો ગળતો રોડ ક્રોસ કરીને સમોસા ખાવા ગયો હતો. ચાર સમોસાની આખી પ્લેટ નાથો અને મગન ક્યારેક ખાતા.એ વખતે કાયમ અસંતોષ રહેતો.પણ ખિસ્સુ બે ડિશનો ભાર ખમી શકે તેવી પોઝીશનમાં ન્હોતું.મગન તો પહેલાથી જ ઠન ઠન ગોપાલ હતો..
નાથાએ સમોસાનો ટેસ્ટ ભરપૂર માણ્યો હતો.દસ રૂપિયા ચૂકવીને એ રોડ ક્રોસ કરવા ગયો ત્યારે પુરપાટવેગે આવતી કારે નાથાને ઉડાવ્યો હતો.અને રોડની કિનારી સાથે એનું માથું ભટકાયું હતું.આંખો આગળ અંધારું છવાઈ જવા લાગ્યું હતું.અને નાથાના જીવનના નાટકનો પડદો જાણે કે પડી ગયો હતો.!
ત્યારબાદ આજે માથામાં અને હાથ પગમાં અસહ્ય પીડાથી આંખ ઉઘાડી ત્યારે ધૂંધળા ચિત્રમાં એક રૂપાળો ચહેરો જાણે કે વાદળોની વચ્ચે ચંદ્રની જેમ પ્રકાશિત થઈને હસું હસું થઈ રહ્યોં હતો.પળવાર માટે નાથો એની પીડા ભૂલી ગયો...!
પણ એ જ ક્ષણે પેલો ચંદ્ર વાદળો પાછળ સંતાઈ જાય એમ એ ચહેરો દૂર ચાલ્યો ગયો.નાથાએ ડોક ઉંચી કરવા પ્રયત્ન કર્યો પણ એનું માથું કોઈ વજનદાર શીલા નીચે દબાઈ ગયું હોય એવું એને લાગતું હતું ! પારાવાર પીડાથી નાથો કણસી ઉઠ્યો.અને આંખ બંધ કરીને સુઈ ગયો.
થોડીવારે કપાળ પર કોમળ હાથ ફરવા લાગ્યો.નાથાની બંધ આંખો ઉપર એ હાથ થોડીવાર ઢંકાયો અને ચહેરા પર ગરમપાણીનું સુંવાળુ પોતું ફરવા લાગ્યું.
નાથાના આખા શરીર પર એ નર્સ ખૂબ જ પ્રેમથી સ્પંજ કરી રહી હતી. આટલા દિવસથી નાથો બેભાન હતો પણ હવે એ સ્પર્શની અનુભુતી કરી શકતો હતો. માથામાં વાગેલા ઘાવના સણકાની વેદના સામે એ સ્પર્શ અનેરી રાહત આપી રહ્યો હતો.
આખરે નાથો સંપૂર્ણપણે ભાનમાં આવ્યો. બા અને બાપુજી સૌ પ્રથમ એને મળવા અંદર આવ્યા હતા.બાની આંખોમાંથી આંસુ સુકાયા નહોતા.કંઈ કેટલી માનતાઓ એમણે માની હતી. નાથાના બાપુજી પણ ખૂબ રડ્યા હતા.
પણ હવે નાથાની તબિયત સુધરી રહી હતી.છતાં એને હોસ્પિટલમાંથી રજા મળે તેમ નહોતું.માથામાં થયેલી ઈંજરીને કારણે ત્રણ મહીના હોસ્પિટલમાં રહેવું પડે તેમ હતું.મગન અને રમેશે નવી રૂમ ભાડે રાખી લીધી હતી. નાથાના બા-બાપુજીને ત્યાં રાખ્યા હતા.
થોડીવારે નાથના બા બાપુજી નાથાને મોતના મોં માંથી બહાર આવેલો જઈને હાશકારો લઈને બહાર નીકળ્યા. એ સાથે જ મગન અને રમેશ અંદર દોડ્યા હતા.
ICU ના કોટમાં, માથાપર અને એક હાથ અને એક પગ પર પ્લાસ્ટર વીંટીને નાથો ટગર ટગર બન્નેને આવતા જોઈ રહ્યોં. મગન અને રમેશની આંખો ભરાઈ આવી હતી.
"નાથીયા..તેં તો ભારે કરી..સાલ્લા આ શહેર છે, તારા બાપનું ખેતર નથી તે ઊંધું ઘાલીને ધોડવા મંડો છો...અમારો તો જીવ નીકળી ગયો.."રમેશે નાથાનો હાથ પકડીને કહ્યું..
"શી..ઈ... ઈ... સ..ઓ ભાઈ આ હોસ્પિટલનો ICU વોર્ડ છે.બિલકુલ અવાજ ન કરાય..અને દર્દીને તો વાત બિલકુલ કરવાની જ નથી..." પેલી નર્સ સ્વાતિ શર્મા આવી ગઈ હતી.એણે મગન સામે જોઇને કહ્યું, "પ્લીઝ.."
મગનના ગળે ડૂમો બાજી ગયો હતો. નાથાનો હાથ પકડીને એ બેઠો. નાથો પણ રડમસ અવાજે ધીરેથી બોલ્યો, "મગન, હું જીવતો છું ને ? મારે યાર મરી નથી જવું..!"
"તું જીવતો જ છો..જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તને હું મરવા નહીં દવ.." મગને નાથાનો હાથ દબાવ્યો.
"પ્લીઝ, એમને વાતો નહીં કરાવો.."સ્વાતિએ કહ્યું
"ઓકે...સિસ્ટર. અમે થોડીવાર એમ જ બેસીએ." કહીને બન્ને નાથાને જોઈને બેઠા. ત્રણેય મિત્રોએ આંખોથી જ વાતો કરી..પણ ત્યાં જ નર્સે નાથાને ચડતી બોટલમાં ઈન્જેકશન નાખ્યું..બીજી જ મિનિટે નાથાની આંખો ધીરે ધીરે બંધ થઈ ગઈ. મગનની તસ્વીર એના નેત્રપટલ પર લઈને નાથો ઊંઘી ગયો..
મગને સ્વાતિ સામે જોયું.
"એનું બ્રેઈન ડેમેજ છે,આ તો આપણા નસીબ કે એ બચી ગયો..પણ હજુ પરિસ્થિતિ નાજુક છે..."
મગન અને રમેશ વોર્ડમાંથી બહાર નીકળ્યા.અને અન્ય સંબધીઓ વારા ફરતી નાથાને જોવા આવવા લાગ્યા.
મગન, નરેશ રૂપાણી સાથે નરશી માધાને પણ નાથાની ખબર કાઢવા આવેલો જોઈને ખૂબ નવાઈ પામ્યો..! બીજા દિવસે વિરજી ઠૂંમર પણ આવી પહોંચ્યો હતો. નાથાની તબિયત પૂછીને એણે મગનને એકબાજુ બોલાવ્યો.
"પેલો ભીમજી મારી પચાસ હજાર 'બાકી' લઈને ભાગી ગયો છે. અને રામો ભરવાડ આમાં સામેલ છે..તું હવે કારખાને આવ તો એનું કંઈક કરીએ.."
વિરજીની વાત સાંભળીને મગન ગુસ્સે થયો.પણ વીરજીનું માન જાળવતા એણે કહ્યું, "નાથો સાજો થાય પછી જ હું કારખાને આવીશ. અને રામા ભરવાડને ખાલી ખાલી ડરાવવો એક વાત છે અને એની સાથે પંગો લેવો એ બીજી વાત છે. અને આ બીજી વાતમાં મને રસ નથી કારણ કે હું મારા હાથપગ સલામત રહે એવું ઈચ્છું છું..." મગને કહ્યું.
વીરજી મગનની વાત સાંભળીને નારાજ થઈને ચાલ્યો ગયો.
પંદર દિવસ પછી નાથાને ICU માંથી સ્પેશિયલ રૂમમાં લેવામાં આવ્યો અને થોડી ઘણી વાત ચીત કરવાની છૂટ આપવામાં આવી.
નાથાને સ્પંજ કરી રહેલી સ્વાતિ શર્માએ નાથાની આંખોમાં આંખ પરોવીને મીઠું સ્મિત વેરતા પૂછ્યું..
"મને ઓળખી..નાથા..?"
એ સવાલ થયો ત્યાં સુધી નાથો વિચારતો હતો કે આ છોકરીને ક્યાંક જોઈ છે..
પણ ઘણા દિવસથી એ સેવા કરતી હતી એટલે કદાચ એમ લાગતું હશે... પણ આજ એણે પૂછયું ત્યારે નાથાએ યાદદાસ્ત તેજ કરી..
"રહેવા દે..માઈન્ડ પર પ્રેશર ન નાખ.હું સ્વાતિ શર્મા છું.. નાથા તને હું ક્યારેય ભૂલી નથી..તને મેં ખૂબ શોધ્યો.. કેટલીય વાર હું કોલેજ પર આવી ગઈ.તે દિવસ પછીનો એક દિવસ પણ તને યાદ કર્યા વગરનો નથી ગયો.. તું મારા જીવનનો દેવદૂત છો .નાથા તું ન હોત તો આજે મારુ જીવન નર્ક બની ગયું હોત.."સ્વાતિએ હસુ હસુ થઈ જતા ચહેરાને નાથાની નજીક લાવીને આંખો પટપટાવી..
"પણ હું કેમ તને ઓળખતો નથી..તને ક્યાંક જોયેલી તો છે..પણ યાદ નથી આવતું.."નાથો એ આંખમાંથી ઝરતો સ્નેહ પી રહ્યોં.
"તું મગજને તકલીફ ન આપ.. હું જ તને યાદ કરાવું.. યુનિવર્સીટીની બાજુમાં બની રહેલા હાઇરાઈઝ બિલ્ડીંગની ટેરેસમાં કેટલાક હરામખોરો મારી ઈજ્જત લૂંટવાના જ હતા..ત્યારે તું ત્યાં આવી ચડ્યો હતો.તું મોતની પરવા કર્યા વગર એ લોકો જોડે લડ્યો..મને બચાવી લીધી અને હું ત્યાંથી નાસીને નીચે ઉતરતી હતી ત્યારે તારો દોસ્ત પણ મને સામો મળ્યો હતો.તમે બન્નેએ પેલા હરામખોરોની ખૂબ ધોલાઈ કરી હતી..મેં પોલીસ કંમ્પ્લેઇન પણ કરી હતી.તે દિવસ પછી તમે બન્ને કોણ જાણે કઈ દુનિયામાં જતા રહ્યાં ! મારા માટે તો આસમાનમાંથી ઉતરેલા બે દેવદૂતો જ છો તમે બન્ને..!
પોલીસ ઉપરાંત પેલા ગુંડાઓ હજી પણ તમને શોધે છે..નાથા.." સ્વાતિએ નાથાના બન્ને ગાલ પર પોતાની હથેળી મુકી.
નાથાને આટલી ફાટફાટ યુવાનીમાં કોઈ યુવાન છોકરીનો આવો સ્પર્શ થયો નહોતો. સ્વાતિના બન્ને હાથ પર નાથાએ પોતાના હાથ મુક્યા.. અને એની આંખોમાં જોઈ રહ્યોં..
"કોઈપણ છોકરીની સતામણી હું મારી સગી આંખે જોઈ શકતો નથી..
એ વખતે હું મોતનો પણ ડર રાખતો નથી..મને યાદ આવ્યું.. મેં તને મારા ક્લાસમાંથી ભાગતી જોઈ હતી અને તારી પાછળ આવતા એ ગુંડાઓને જોઈને જ હું સમજી ગયો હતો કે તારી સાથે શું થવાનું હતું..કાં તો તારે એ લોકોને તાબે થવું પડત અને કાં તો તું ત્યાંથી કૂદી ગઈ હોત.એ બન્નેમાંથી એકપણ મને મંજુર નહોતું..."
"કેમ તું મને ઓળખતો હતો..? મારી જેવી અજાણી છોકરી માટે જીવનું જોખમ લેવા વાળા હીરો રીલ લાઈફમાં જોવા મળે પણ રિયલ લાઈફમાં તો તું એક જ મળ્યો.." સ્વાતિએ નાથાના ગાલ પંપાળ્યા..
સ્વાતિના હાથોને પોતાના હાથમાં લઈને નાથાએ આગળ ચલાવ્યું, "જગતની કોઈ પણ છોકરી
ની ઈજ્જતની વાત આવશે ત્યારે આ નાથો, એની ઈજ્જત બચાવવામાં પાછી પાની નહીં કરે.. કારણ કે..." નાથાને એની બહેન યાદ આવી ગઈ.એની આંખો ભીની થવા લાગી..
"કેમ અટકી ગયો નાથા.." સ્વાતિએ ઉભા થઈને નાથાને સુવડાવ્યો.
"જવા દે..ફરી ક્યારેક કહીશ.."નાથો આંખ મીંચી ગયો.એની આંખોના ખૂણે અશ્રુબિંદુઓ ચમકી રહ્યાં હતાં..
સ્વાતિ કંઈ વધુ પૂછે એ પહેલા જ મગન અને ચમેલી આવી પહોંચ્યાં.
ચમેલી નાથા માટે ફ્રુટ લાવી હતી. થેલીમાંથી ચપ્પુ કાઢીને એ સફરજન કાપવા લાગી..
"મીંદડાને માખણ મળી ગયું લાગે છે.." મગન, સ્વાતિને નાથાની સેવા કરતી જોઈને હસ્યો..
એનો અવાજ સાંભળીને નાથાએ આંખો ખોલી.અને એ ભૂતકાળમાં સરી પડતો
અટક્યો..
"તું પેલા તારા આ માખણના તપેલાની ચિંતા કર.. શું કર્યું મગના..હા પાડી તેં..?" નાથાએ ચમેલી તરફ ઈશારો કર્યો.
"ટુ મને માખનનું ટપેલું ની કેવ..પેલ્લા સાજો ઠેઈ જા ની..પછી ટને કેવા.." ચમેલીએ સુરતી છણકો કર્યો.
નાથો અને મગન બન્ને હસી પડ્યા..
"ચમેલીભાભી..ટમે ગોટા કે ડીવસે ખવડાવશો એ કેવની..?" નાથાએ હસતા હસતા કહ્યું.
"ઓ..નાઠા... મને ફડીવાડ ભાભી કેવની..! મને બોવ જ ગમટું છે..હું ટને રોજ્જે જ ગોટા ખવડાવવા..જો.."
ચમેલી મગન સામું જોઈને આગળનું વાક્ય ગળી ગઈ. મગને, નાથા સામે ડોળા કાઢ્યા.નાથો મરક મરક હસી રહ્યો હતો..
"તું સાલ્લા એકવાર સાજો થઈને રૂમ પર આવને.ઘણાં હિસાબ બાકી છે..નાથીયા તે મને બહુ રડાવ્યો છે..સમોસા ખાધા વગરનો મરી જતો'તો તું..? અને ખેતરમાં ઢોર હાલ્યું જતું હોય એમ ઊંધું ઘાલીને રોડ પર નો હલાય..તારું ડોહુ આ સુરત શહેર છે.."મગને નાથાના પ્લાસ્ટરવાળા પગ નો અંગુઠો ખેંચતા કહ્યું.
"શું કરું..મગન,આ ચમેલીભાભીને ખાનગી વાત કરવી હતી.."નાથો આજ મગનને ખીજવવાના મૂડમાં હતો.."
"લાવો ભાભી હું જ સફરજન કાપી આપું.." સ્વાતિએ પણ ચમેલીને ભાભી કહ્યું. એ જોઈને નાથો ખખડી પડ્યો અને ચમેલી શરમાઈ ગઈ.
"કેમ હસે છે..? આ ચમેલી મગનની વાઈફ છે ને..?" સ્વાતિએ કહ્યું..
"ઓ મેડમ તમે સમજ્યા વગર દાળમાં ડોલચું ના ડાલો યાર..એ મારી ફ્રેન્ડ છે..બેસ્ટ ફ્રેન્ડ.." મગને સ્વાતિને કહ્યું..
"આને ઓળખી મગન..? પેલી બિલ્ડિંગમાં જઈને આપણે નો'તી બચાવી ? એ છોકરી છે, મગન.."નાથાએ સ્વાતિની ઓળખાણ આપતા કહ્યું.
"હા..યાર મને પણ ક્યાંક જોઈ હોય એમ લાગેલું. પણ તું ઝોલા ખાતો હતો એટલે મને ક્યાંય ચેન પડતું ન્હોતું..સરસ.ચાલો તો પછી નાથાની સારવાર સરખી રીતે કરીને બદલો વાળી આપજો મેડમ.." મગને કહ્યું.
"જરૂર પડશે તો મારી ચામડીના બુટ બનાવીને પહેરાવીશ તારા દોસ્તને..!'' કહીને સ્વાતિ હસતી હસતી ત્યાંથી ચાલી ગઈ.
"નાઠાનું બી ગોઠવાઈ જટું છે..એ નડ્સની આંખોમાં મેં લવ જોયો.."ચમેલીએ કહ્યું.
"તું બેહને શાંતીથી. સાલીને બધે લવ જ દેખાય છે.. નાથા જેવા જડભરતને એ નો પોહાય.જ્યાં નાજુક હાથોથી કામ લેવાનું હોય ત્યાં ઢીકો ઠોકે એવો છે આ તારો નાથીઓ.."મગને ફરી નાથાનો અંગુઠો ખેંચ્યો.
ચમેલી અને નાથો પણ હસી પડ્યા, "તો તું હિખવની..નાજુક હાઠોથી કેમનું કામ લેવાય ટે.. એને બિચાડાને બી દિલ ના હોય ? ટારે ટો કોઈના પ્રેમની કિંમટ જ ની મલે.."
ચમેલીએ મગનની આંખોમાં જોઈને કહ્યું.
મગન એ આંખો જોઈ રહ્યો.કેટલી તરસ હતી એ આંખોમાં..! જાણે કે મગનને પી જવા માંગતી હતી એ આંખો..ચમેલીના દિલમાંથી મગન પ્રત્યેના પ્રેમનું ઝરણું અવિરત વહી રહ્યું હતું.નાથો મગનના દિલની ધડકન હતો એ એણે આટલા દિવસોમાં જોયું હતું.જે માણસ પોતાના દોસ્તને આટલું ચાહતો હોય એ પોતાની પ્રેમિકા કે પત્નીને કેટલું ચાહે..! ચમેલી મગનને કોઈપણ હિસાબે મેળવવા ઇચ્છતી હતી.ભલે મગન એને પત્નીનો દરજ્જો ન આપે પણ બસ એકવાર એને પ્રેમ કરે..પ્રેમિકા બનાવે..મગનનું સાહિત્ય.. એની કવિતાઓ અને એના મોંમાંથી કોઈ કોઈ વખત શબ્દોની જે સરવાણી ફૂટતી હતી એની દિવાની હતી ચમેલી.
નાથાના અકસ્માતમાં એણે પોતાના સગ્ગા ભાઈ માટે જે કરવું પડે એ બધું જ કર્યું હતું.નાથો ભાનમાં આવ્યો તે ખબરની ખુશીનો ઉભરો મગનના હૈયામાં સમાયો ન્હોતો.દોડીને એ ચમેલીને વળગી પડ્યો હતો અને એના ગાલે એક ચુંબન પણ કરી લીધું હતું. ચમેલી માટે એ પળ સ્વર્ગીય આનંદની એક ક્ષણ હતી જાણે ! કેટલી ઉત્કટતાથી એ મગનને ચાહતી હતી..
કદાચ સહારાના રણમાં ભુલો પડેલો કોઈ મુસાફર શીતળ પાણીનો વીરડો જુએ એવી જ ચાહત ચમેલીના દિલમાંથી વહી રહી હતી..!
મગન આ બધું જાણતો હતો.ચમેલીના દિલમાં પ્રગટેલી પ્રેમની આગમાં ઘી હોમવાની નાથાએ ના પાડી હોવા છતાં મગને ઘી હોમવાનું ચાલુ રાખ્યું હતું.પણ એને એ ખબર નહોતી કે કોઈ સ્ત્રીના દિલ સાથે રમત કરવાનું પરિણામ શું આવે ! સ્ત્રી ફટાકડાની વાટ જેવી જ હોય છે..એકવાર સળગ્યા પછી ફટકડાંને ફૂટવું જ પડે છે.કદાચ જો ફટાકડો હવાઈ ગયેલો નીકળે તો પણ વાટ તો સળગી જ જાય છે..! અને ત્યારબાદ વાટ વગરનો ફટાકડો કોઈ કામનો રહેતો નથી.કાં તો એનું સુરસુરીયું થઈ જાય છે અને કાં તો ધૂળમાં રગદોળાઈને એનું અસ્તિત્વ કોઈપણ જાતના ધડાકા વગર ખોઈ બેસે છે !!
ચમેલી નામની વાટને મગને દીવાસળી ચાંપી હતી..!
નાથાને ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં રાખવો પડ્યો. સ્વાતિ નામનું નક્ષત્ર નાથના આકાશમાં ઉગ્યું હતું. ચમેલી, નાથા અને મગન માટે દરરોજ એના ઘેરથી ટિફિન લાવતી. ગણપતના ગોટાનો સ્વાદ નાથાના બા અને બાપુજીએ પણ માણ્યો. મગન ચમેલીની વધુ પડતી સેવાથી ચિંતિત હતો.હજુ પણ એ ચમેલીને પોતાની પ્રેમિકા કે પત્નીના સ્વરૂપમાં કલ્પી શકતો ન્હોતો.
** ** ** ** ** **
વિરજી ઠુમરનાં કારખાને મગનની સામે બેસીને ઘાટ કરતા ભીમજીએ પચાસ હજાર બાકી લીધી હતી અને હવે નરશી માધા એને પોતાના કારખાને બીજી પચાસ હજાર બાકી આપીને બેસાડવા માંગતો હતો. એટલે વિરજીના પચાસ હજારનું બુચ મારીને ભીમજી ભાગી જવા માંગતો હતો.આ માટે એને રામા ભરવાડની મદદ લેવી પડે એમ હતી.પણ રામો ભરવાડ મગન અને નાથાથી ડરતો હતો. અને હમણા ઉપરા ઉપરી એણે બે વખત માર ખાધો હતો.
એવામાં મગન દિવસો સુધી કારખાને આવ્યો નહીં અને એના કોઈ સમાચાર પણ નહોતા.કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરવાની એની હિંમત નહોતી. વળી ક્યાંક કંઈક કાયદો લાગે અને લોકઅપમાં પૂરીને બે ચાર ભાઠા ઠોક્યાં હોય તો ? રામા ભરવાડને પોલીસની બહુ જ બીક લાગતી હતી!
એટલે આ વખતે એણે ભીમજીનો કેસ પોતાના મિત્ર જોરુભાને આપ્યો.
જોરુભા નાગાઈ કરી જાણતો હતો.ચોરીના હીરા ખરીદવા, કોઈકના ઝગડામાં વચ્ચે પડીને બે બિલાડીને ન્યાય કરી આપતા વાંદરાની જેમ જોરુભા બન્ને બાજુથી બટાકા તોડી લેવામાં હોંશિયાર હતો.મકાન ખાલી કરાવવું, કોઈની મિલકત દાદાગીરીથી પચાવી પાડવી વગેરે એના ખાસ ધંધાઓ હતા.બાકી લઈને ભાગી જતા કારીગરોને પકડી લાવીને બાકીની વસુલાત કરી આપવાનું અને કોઈ શેઠિયાઓની બાકી લઈને ભગાડવાનું પણ કામ જોરુભા અને રામા ભરવાડ જેવા લોકો કરતા હતા. ડાયમંડ બિઝનેસને આવી ઉધઈ પણ લાગેલી હતી.કારખાનેદાર શેઠિયાઓ અને કારીગરો પણ આવા તત્વોથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. છતાં પણ આ તત્વો ડાયમંડ ઉદ્યોગની જરૂરિયાત પણ હતા..!
ભીમજી, જોરુભાને પાંચ હજાર આપીને વીરજી ઠૂંમરનું કારખાનું છોડીને ગયો હતો.અને નરશી માધાના કારખાને પચાસ હજાર બાકી લઈને ત્યાં કામે બેસી ગયો હતો.
મગન ઘણા દિવસોથી આવતો ન હોવાથી વિરજીએ રાઘવને મુંબઈ ફોન કર્યો ત્યારે નાથાના અકસ્માતની એને માહિતી મળી હતી. વીરજી મહાવીર હોસ્પિટલ જઈને મગનને મળ્યો હતો.અને ભીમજી બાકી લઈને નાસી ગયો હોવાની વાત કરી હતી. એ ભીમજી નામનું વાછડું, રામા ભરવાડ નામના ખીલાના જોરે કુદકા મારે છે અને એ રામા ભરવાડની નસ મગનના હાથમાં હોવાનું વીરજી સમજતો હતો.
મગન અને નાથાએ રામા ભરવાડને પોલીસથી બીવડાવ્યો હતો અને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં ઓફિસર હોવાની ગોળી પણ પીવડાવી હતી.પરંતુ વીરજી જે વાત કરતો હતો એના માટે તો ખરેખર સાચા પોલીસની જરૂર પડે તેમ હતું.
એ સમયમાં હીરા ઉદ્યોગના લોકો પોલીસની સંડોવણી ઈચ્છતા ન્હોતા. શક્ય હોય ત્યાં સુધી પોતાની રીતે જ મામલો પતાવી દેવામાં રૂપિયા ખર્ચ કરવા પડે તો પણ ખર્ચી નાખતા.
જો રામા ભરવાડને ખ્યાલ આવી જાય કે મગન અને નાથાને પોલીસખાતા જોડે નાવા નિચોવવાનો પણ સબંધ નથી..તો મગન અને નાથાને ભારે પડી જાય તેમ હતું.. મગન આવું સાહસ કરવામાં માનતો નહીં. અને નાથો તરત જ આવી બાબતમાં કુદી પડતો.પણ નાથો અત્યારે મોત સામે લડતો હતો.એટલે વીરજીનું કામ થઈ શકે તેમ નહોતું.
ભીમજીને શોધીને એની પાસેથી પચાસ હજાર કઢાવવાનું કામ મગન કરવા માંગતો ન્હોતો.એટલે વિરજીએ મુંબઈ ફોન કરીને રાઘવને વાત કરી.
રાઘવ દર અઠવાડીએ સુરત આવતો હતો.એટલે એણે "હું આવું ત્યારે વાત" એવું આશ્વાસન આપ્યું હતું.
મોટા કારખાનેદારો વચ્ચેની હરીફાઈનો ગેરલાભ ભીમજી જેવા નાલાયક કારીગરો લેતા હતા એ બાબતથી રાઘવને ખૂબ જ નફરત હતી. રાઘવ મુંબઈથી આવીને નાથાને મળવા હોસ્પિટલ ગયો ત્યારે મગનને વીરજી
એ કરેલી વાત કરી હતી.
"તું એકવાર રામા ભરવાડને ભીમજી વિશે પૂછ પરછ તો કર..આપણે કોઈની બબાલમાં પડવા માંગતા નથી.. પણ ભીમજી જેવા હરામખોરો સારા માણસોનો આવી રીતે ગેરલાભ ઉઠાવીને ભાગી જાય તે કેમ ચાલે.. એ જેના પણ કારખાને બેઠો હશે ત્યાંથી પણ બાકી ઉઠાવી હશે..જો રામાએ ભગાડ્યો હશે તો નરશીના જ કોઈ કારખાનામાં બેઠો હશે.અને જો ત્યાંથી બાકી ઉઠાવી હશે તો નરશીનું પણ એ બુચ મારશે..'' રાઘવે કહ્યું.
"વીરજી કે નરશી.. બે માંથી એકેયનું કામ આપણે શું કામ કરવું જોવે ? તું એ રામલાને નથી ઓળખતો ? ત્રણ દિવસ સુધી એના તબેલામાં તને પુરી રાખ્યો હતો.નરશીએ કીધું હોત તો તને મારીને ત્યાં દાટી પણ દેત.એની સાથે બહુ પંગો લેવામાં મજા નથી..યાર અત્યારે નાથો પણ ખાટલે પડ્યો છે..મારામારી થઈ હોય તો હું એકલો એ રામલાને પહોંચી ન વળું..
એટલે તું જવા દે.."મગને ચોખ્ખી ના પાડી.
રાઘવે વધુ દબાણ ન કર્યું પણ નાથો હવે સાજો થઈ જવામાં હતો.હોસ્પિટલથી બસ હવે થોડા દિવસોમાં જ એને રજા મળી જવાની હતી.
જો કે નાથાને હોસ્પિટલ છોડવી જરાય ગમતી નહોતી..છેલ્લા ત્રણ મહીના
માં એને એક અલૌકિક સુખ પ્રાપ્ત થયું હતું..
શુ હતું એ સુખ ?
વીરજી ઠૂંમરને આ ત્રિપુટી પર ભરોસો હતો કે આ લોકો જરૂર એનું કામ કરશે..
જોરુભાને હવે મગન અને નાથાનો પરચો કદાચ મળવાનો હતો..!
નોંધ.
પ્રિય વાચક મિત્રો,
નાથાનો આ એપિસોડ આપવામાં મોડો પડ્યો છું એ બદલ ક્ષમા કરશો.
શોપિંઝન એપ પર એક રહસ્યમય વાર્તા ( ખૂની કોણ ? અંતર્ગત સ્પર્ધા માટે) લખવાની હોવાથી
નાથાને હોસ્પિટલમાં સુવડાવી રાખ્યો હતો.
"કરોળિયો" નામની રહસ્યમય વાર્તા મેં પ્રથમ વખત લખી છે.આપ સૌને એ પસંદ આવશે એવી અપેક્ષા છે.અને શોપિંઝન પર આપ સૌ એ વાર્તા ચોક્કસ વાંચશો એવી આશા રાખું છું..ફેઈસબુક પર મેં આ વાર્તાની લિંક શેર કરી છે..નાથનો નવો પાર્ટ આવે ત્યાં સુધી આપ સૌને કરોળિયાનું ઝાળું જોઈ લેવા વિનંતી છે..અને બીજી એક વિનંતી પણ કરવાની છે કે આશરે 1000 લોકો નાથાને વાંચી રહ્યા છે પણ કોમેન્ટ માત્ર 30 થી 35 લોકો જ કરી રહ્યા છે.તો દોસ્તો વાર્તા વાંચીને જરૂર પ્રતિભાવ આપશો.અને આપના ગ્રુપમાં આ વાર્તા શેર કરીને શક્ય હોય તેટલા વધુ વાચકો સુધી પહોંચાડો.
એક લેખકને પોતાની વાર્તા વાચકોને પસંદ આવે એ જ મહેનતાણું હોય છે.વાર્તા લખવાની મહેનત સાર્થક થઈ હોય એમ લાગે છે. જેમ વધુ ને વધુ વાચકો વાંચશે એમ નાથો ફુલ્યો નહીં સમાય..💐💐💐
ભરત ચકલાસિયા..
સુરત.