Shikar - 29 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 29

Featured Books
Categories
Share

શિકાર : પ્રકરણ 29

આદિત્યએ કપડાં પહેર્યા. ઉપર કોટ ચડાવ્યો. ચશ્મા પહેર્યા. આયનામાં જોયું. દાઢી વાળ મૂછો બધું તદ્દન સફેદ થઈ ગયું હતું. આંખો નીચે કરચલી પડી ગઈ હતી. ગન હાથમાં લીધી પણ હાથ ઉપર ચામડી હવે પહેલાના જેમ કડક નહોતી રહી, જરાક ઢીલી પડી ગઈ હતી. જોકે સફેદ મૂછો હજુય એમની એમ હતી. ભસ્મનું તિલક એમનું એમ હતું. ચહેરાની ચમક એમની એમ હતી. શરીરના સ્નાયુઓ એમના એમ હતા. આંખોમાં ચમક એમની એમ હતી. બસ વધારે દોડી શકે તેમ ન હતા ન તો વધારે દૂર સુધી જોઈ શકતા. માણસ ગમે તેવો હોય ઉંમર સાથે શરીરમાં ફેરફાર તો થાય જ છે. આજે વર્ષો પછી ખુદ લડવાનું સમય આવ્યો ત્યારે આદિત્યને એ વાત સમજાઈ.

બધી જ તૈયારીઓ કરી લઈને કોઈ એજન્ટને સાથે લીધા વગર જ આદિત્ય પોતાની થાર જીપ્સીમાં બેઠા. હુકમસિંહ આજે તારી છેલ્લી રાત છે... તારી ગરદીશમાં તારા છે. દાંત ભીંસીને ચાવી ઘુમાવી અને પુરપાટ ઝડપે થાર ગાડી ખેતર બહાર લીધી.

*

રુદ્રસિંહ આદિત્યની રાહ જોઇને ઉભા હતા. હુકમસિંહે બંનેને અમદાવાદ હાઇવે ઉપર કોઈ ખેતરમાં બોલાવ્યા હતા. એ હરામી ચાલાક છે. જો પોલીસ આવે તો ખેતરોમાંથી રફુ ચકર થઈ જવાની એણે ગણતરી કરીને જ ખેતરમાં બોલાવ્યા છે. અલબત્ત જ્યાં બોલાવ્યા છે ત્યાં એનો માણસ જ હશે. ખાતરી કર્યા પછી જ એ કોઈ આસપાસના ખેતરોમાંથી આવશે.

રુદ્રસિંહે પણ ગન તપાસી લીધી. જોકે એ હરામી બધા હથિયાર લઈ લેશે પણ આદિત્યની ગન એને ક્યારેય મળવાની નથી. ગન મળી રહેશે તોય બીજા હથિયાર ક્યારેય મળવાના નથી.

રુદ્રસિંહ આ બધું વિચારતા હતા ત્યાં હણહણાટી કરતા ઘોડાની માફક આવીને થાર ગાડીના ટાયર ચોટયા.

રુદ્રસિંહે આદિત્ય સામે જોયું. આજે વર્ષો પછી એના ચહેરા ઉપર ભયાનક રેખાઓ ઉપસી હતી. જાણે વર્ષો પહેલા ગુનેગારોના ખૂન કરતો આદિત્ય સામે ઉભો હોય એવો જ લાગે છે. પણ ઉંમર તો મારી જેમ એની પણ વધી જ છે.!

"શુ વિચારે છે રુદ્ર? તું જરાય ગભરાતો નહિ. સિદ્ધાર્થને ઉની આંચ નહિ આવે. હું હેન્ડગ્રેન્ડઝ લઈને આવ્યો છું." આદિત્યના અવાજમાં જે સખ્તાઈ હતી તેમા જે ગુસ્સો હતો તે માપી શકાય તેમ નહોતો.

"પણ એમાં જોખમ?"

"એ જોખમ ખેડી શકે એવો બહાદુર હોત તો સિદ્ધાર્થને ન ઊઠાવોત તને કે મને ઊઠાવોત."

રુદ્રસિંહ બેઠા. અદિત્યએ થાર ભગાવી. એક જંગ લડવાની તૈયારી સાથે એ આવ્યા હતા પણ એમને ખબર ન હતી કે હુકમસિંહ તો બિચારો જેલમાંથી છૂટીને રાજસ્થાન ભેગો થયો હતો. હવે માત્ર ઘોડાનો વેપાર કરતો હતો. આ તો લખુંભાનો ફોન હતો... અને મનુનું પ્લાનિંગ હતું.

*

રાતના લગભગ બે વાગ્યે નિધી રૂમમાંથી બહાર નીકળી. દબાતા પગલે આજુબાજુ જોઈને બગીચા તરફ ગઈ. પાર્કિંગ તરફના થાંભલે જળતી લાઈટ આસપાસ ફૂંદાઓ ઉડતા હતા. તમારાંના અવાજ પાછળના વગડા જેવા વિસ્તારમાંથી હવે વધુ આવતા હતા.

તે ચક્કર મારવા લાગી. જો કોઈ દેખે તો કહી શકાય કે ઊંઘ નથી આવતી એટલે ચક્કર મારુ છું. ચક્કર લગાવતા લગાવતા એણીએ પેલી રૂમની હરમાળ પાસે જઈને આજુબાજુ દેખી લીધુ. કોઈ દેખાતું ન હતું એટલે ઝડપથી રૂમની પાછળ આડસમાં લપકી ગઈ.

તમરા બોલતા હતા. ઘોર અંધારું હતું. એ લપાતી લપાતી આગળ વધી. દર્શન પહેલેથી જ ત્યાં આવી ગયો હતો.

"આ તરફ..." અંધારામાંથી અવાજ આવ્યો પણ કઈ દેખાયું નહિ. દર્શન ક્યારનોય ત્યાં આવેલો હતો એટલે એની આંખો દેખવા ટેવાઈ ગઈ હતી.

"સસસ... આ બાજુ..." કહીને ફરીથી ધીમે અવાજે દર્શને કહ્યું. હવે સફેદ આકાર નિધીને દેખાયો.

નિધિ ઝડપથી એની પાસે ગઈ.

"કોઈએ દેખ્યા તો નથી ને તમને?"

"ના."

"ઠીક છે." કહીને એમણે ધીમે અવાજે વાતો શરુ કરી.

*

પણ નિધિ અને દર્શનને ખબર નહોતી કે એ બંને દિવસે મળ્યા ત્યારથી જ કોઈ એમના ઉપર નજર રાખતું હતું. હમણાં પણ દર્શન નીકળ્યો ત્યારે કોઈએ તેને જોયો હતો.

*

આચાર્યની તબિયત આજે વધારે બગડી હતી. એકાએક ઊંઘમાંથી જાગીને એ ખાંસવા લાગ્યા હતા. ચંદ્રાદેવી દોડી આવી.

"આચાર્ય જી હું પાણી લઈ આવું."

"નહિ દેવી. મારે વાત કરવી છે. અજય મહારાજને બોલાવી લાવો."

"જી આચાર્ય." કહીને ચંદ્રા દોડી. સીધી જ અજય મહારાજના ખંડના દરવાજે જઈને દરવાજો ખખડાવવા લાગી.

"મહારાજ દરવાજો ખોલો આચાર્યની તબિયત બગડી છે."

"શુ થયું આચાર્યને?" એકાદ મિનિટ પછી અજય મહારાજે દરવાજો ખોલ્યો.

"એમણે તમને બોલાવી લાવવા કહ્યું છે." સહેજ હસીને એ બોલી.

"હું આવું છું તમે જાઓ દેવી." કહીને અજય મહારાજે દરવાજો બંધ કર્યો.

ચંદ્રાદેવી ફરી આચાર્યના રૂમ તરફ દોડી.

*

નિધીને આ બધું સમજાતું ન હતું. પણ દર્શન અને નિધિ બંને એટલું જરૂર સમજી ગયા હતા કે વિમલા દેવી કોઈ સાથે ભાગી નથી. એને જરૂર મારી નાખવામાં આવી છે. બીજું કે દર્શનને એન્જીની મોત વિશે કઈ કહેવામાં આવ્યું નથી એમાં કોઈ ચાલ જરૂર છે.

ઉપરાંત આજે કોઈ ગાડીમાં આવ્યું હતું. આચાર્યને મળીને એ પાંચ જ મિનિટમાં રવાના થયો હતો. એટલે ચોક્કસ આશ્રમમાં કઈક રહસ્ય છે. પણ એ લોકો કઈ સમજી શકે એ પહેલા તો અનુયાયીઓ રૂમની પાછળના ભાગે આવીને ઊભા રહી ગયા. એમાંથી એક અનુયાયીના હાથમાં ગન હતી. સાયલેન્સર લગાવેલી ગન પહેલા બાથરૂમના દરવાજે લગાવેલા બલ્બના આછા અંધારામાં સ્પષ્ટ દેખાઈ.

નિધીએ એ જોયું. દર્શનને ઈશારો કરીને જોવા કહ્યું. હવે વિચારવાનો સમય ન હતો. દર્શને નિધીને ચૂપનો ઈશારો કરીને કહ્યું, "તમારી ગાડીની ચાવી ક્યાં છે?"

"એ તો કમરામાં છે, કેમ?"

"એ લોકોના હાથમાં ગન છે મતલબ એ આપણને મારવા માંગે છે."

નિધિના શરીરમાં ધ્રુજારી ઉતપન્ન થવા લાગી. પણ દર્શનને મૃત્યુ જીવનનો કોઈ ભય હતો નહિ. એણે નિધીનો હાથ પકડ્યો. અને ધીમેથી અંધારામાં સરકીને આ તરફ આવ્યા.

*

એ જ સમયે આશ્રમની બિલ્ડીંગમાં હો હા થઈ. એટલે પેલા બે અનુયાયી એ તરફ ભાગ્યા. દરવાજે ઉભો રાખેલો ચોકીયત પણ એ તરફ ભાગ્યો. અને એ જ સમયે નિધિ અને દર્શનને ભાગવાનો મોકો મળી ગયો. તે બંને ગેટ તરફ દોડ્યા.

*

લખુંભાના ખેતર આગળ થાર ઉભી રહી. રુદ્રસિંહે ઉતરીને દરવાજો ખોલ્યો. જાપો બંધ કર્યા વગર જ બંનેએ ગાડી અંદર લીધી.

ટેપ ઉપર વાગતું ગીત ગાડી જોઈને બંધ થયું. લખુંભા હુક્કો ગગડાવતો બેઠો હતો. રુદ્રસિંહ અને આદિત્યને એ ઓળખતો ન હતો. પણ એને ખબર હતી કે એ બંનેમાંથી કોટવાળો આદિત્ય હશે.

એ ઉભો થયો અને થારના બોનટ પાસે આવીને ઉભો રહ્યો. એને જોતા જ બંને સમજી ગયા જરૂર આ હુકમસિહનો માણસ છે.

"ક્યાં છે સિદ્ધાર્થ અને હુકમસિંહ?" આદિત્યએ ગાડીમાંથી ઉતરતા જ ત્રાડ નાખી.

લખુંભાને હવે કઈ બોલવાનું ન હતું. એણે જોરાવરને ઈશારો કર્યો. જોરાવર સિદ્ધાર્થને લઈ આવ્યો. એના હાથ પગ ખુલ્લા હતા. હેમખેમ હતો એ જોઈને બંનેને હાશ તો થઇ પણ સાથો સાથ નવાઈ પણ થઇ.

"હુકમસિંહ ક્યાં છે?" રુદ્રસિંહ સિદ્ધાર્થને જોયા પછી બોલ્યા.

"આ તરફ..." એક અવાજ આવ્યો.

આદિત્ય અને રુદ્રસિંહ બંનેએ એ તરફ નજર કરી ગન લઈને એક માણસ ઉભો હતો.

આદિત્ય ગન ખેંચવા ગયા પણ એ સાથે જ બીજો અવાજ આવ્યો.

"ચાલાકી નહિ એજન્ટ એ." એ અવાજ પરિચિત હતો એટલે આદિત્યના હાથ ગન સુધી જતા પહેલા જ અટકી ગયા. અને અવાજની દિશામાં જોયું.

હાથમાં ગન લઈને મનું ઉભો હતો. અને ત્યાં સુધી રુદ્રસિંહ કોઈ ચાલાકી ન કરે એ માટે પૃથ્વીની રિવોલ્વરનું નાળચુ પણ રુદ્રસિંહ ઉપર તકાઈ ગયું હતું. અંદર ઓરડીમાં જાગતા પડ્યા સમીરે એજન્ટ એ શબ્દ સાંભળ્યો અને તેના રોમરોમમાં ભયાનક ઉથલપાથલ શરુ થઇ.

"મનું તું?" બોર પાસે ઉભી કરેલી ભીંત ઉપર લટકતા બે મોટા લાઈટના બલ્બના અજવાળે મનુને જોઇને આદિત્ય બોલી ઉઠ્યા.

"એ લીટલ કરેકશન મી. આદિત્ય, કોલ મી ઇન્સ્પેકટર મનુ. ઇટ વિલ બે બેટર ધેન મનું. કેમ કે હું મનું નહિ ઈન્સ્પેક્ટર મનું તરીકે અહીં આવ્યો છું મી. બ્લેક મેઇલર... યુ આર અન્ડર એરેસ્ટ." ધારદાર અવાજમાં અસલ ઇન્સ્પેકટરની કરડાકી ભળી એ જોઈ આદિત્ય અને રુદ્ર્સીહ બંને સ્તબ્ધ થઇ ગયા. આ સામે ઉભેલો પોણા છ ફૂટનો અડીખમ આદમી જાણે ક્યારેય ચા વેચતો પોતાના હાથે ઉછેરેલો અનાથ બાળક હોય જ નહી એમ એને જોઈ રહ્યા.

રુદ્રસિંહ હવે પોતાના બયાન ઉપર અફસોસ કરવા લાગ્યા. પણ આદિત્યને ખબર હતી જ નહી કે મનુંને રુદ્રસિંહે આદિત્ય બ્લેકમેઇલર છે એવુ કહ્યું હતું. અલબત્ત મનું કેમ આમ અચાનક હુકમસિંહ બનીને ત્રાટક્યો છે એ પણ સમજાયું નહીં.

"આ તું શું બોલે છે મનું?"

"વાત આરામથી કરીશું. પહેલા તમારો કોટ ઉતારીને નીચે મુકો. પણ ચાલાકી નહિ. પછી પગમાં અને ગર્ડલમાં ખોસેલી ગન કાઢીને ફેંકો. પણ ચાલાકી નહિ." મનું જાણતો હતો કે કોઈ માણસને એજન્ટ એની પાસે મૂકીને કોટ ઉતારવો કે ગન લેવી એ મૂર્ખાઈ છે. આદિત્ય આંખના પલકારામાં ગન કાઢીને એ માણસને સિલ્ડ બનાવી દે. આમ જાતે જ આદિત્યને ઢાલ આપવા જેવું થાય.

આદિત્યએ કોટ ઉતર્યો. જોકે કોટ ઉતારતી વખતે જ એ હેન્ડગ્રેનેડ કાઢીને બાજી બદલી નાંખત પણ સામે હુકમસિંહ નહિ મનું હતો એટલે એવુ કઈ કરવાની જરૂર ન હતી. ગુરૂ દ્રોણ જેમ આદિત્યમાં પોતાના અર્જુન જેવા શિષ્ય ઉપર શસ્ત્રો વાપરવાની હિંમત ન થઈ. જરૂર મનુને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. પછી બંને ગન કાઢીને જમીન ઉપર મૂકી.

"આરામથી આ તરફ આવી જાઓ. અને પૃથ્વી તું ચાચુના બધા હથિયાર લઈ લે. સિદ્ધાર્થ તું મુંઝાતો નહિ બધું સમજાવું છું હું." મનુએ એક પછી એક સૂચનાઓ આપી.

પૃથ્વીએ રુદ્રસિંહના હથિયાર ખેંચી લીધા. કોટ ઉઠાવીને તપાસી લીધો. અંદરથી હેન્ડ નાઈફ અને હેન્ડગ્રેનેડ મળી આવ્યા.

"ઓરડીની પાસે ઢાળેલા ખાટલા તરફ ઈશારો કરીને મનુએ આદિત્ય અને રુદ્રસિંહને બેસાડ્યા. પછી ગન નીચે કરી.

"તો રુદ્રસિંહ તમે એમ કહ્યું કે ખાલી એજન્ટ એ જ બ્લેકમેઇલર છે. મેં માની લીધું. પણ તમે મને એજન્ટનો કોઈ અતોપતો ન આપ્યો. ગમે તેમ તો એ મારો દોસ્ત હતો કહીને મને બ્લેકમેઈલ કર્યો. પણ મેં બાજી ખેલીને બંનેને પકડી લીધા."

"વેલ્ડન." આવી સ્થિતિમાં પણ એજન્ટ એ મનુના વખાણ કર્યા વગર રહી ન શક્યા. અને હવે એજન્ટ એ’ને સમજાઈ ગયું કે રુદ્રસિંહે પોતાને બ્લેકમેઇલર કહ્યો એ મનુએ માની લીધું. પણ મનુએ મને આમ અર્ધી રાત્રે કેમ ઝડપ્યો એ સમજાયુ નહી.

હજુ આટલી વાત થઈ ત્યાં તો અંદરથી સમીર ખુરશી ખસેડીને દરવાજા પાસે આવીને ધમપછાડા કરવા લાગ્યો કારણ એણે વાતચીત સાંભળી લીધી હતી. ઓરડીની નજીકના ખાટલામાં એજન્ટ એ અને રુદ્રસિંહને બેસાડ્યા હતાં. એ અવાજ ગણકાર્યા વગર મનુએ વાત કરી.

"તમને એમ થતું હશે ચાચુ કે મનું કેમ અચાનક એજન્ટ એ’નો પતો પૂછવા આવ્યો અને રાતો રાત કેમ એજન્ટ એ’ને પકડવાનો પ્લાન બનાવ્યો. પણ તમને ખબર નથી એજન્ટ એ કેવા બ્લેક મેઇલર સાથે જોડાયા છે." મનુએ અનુપની ટોળકી વિશે વાત કરી.

હવે આદિત્યને બધું સમજાઈ ગયું. મનું કઈ રીતે આ કેસમાં પડ્યો. કઈ રીતે અનુપને ફોલો કર્યો. અને કઈ રીતે પોતાને પકડ્યો. પણ રુદ્રસિંહ હવે વધારે સમય અટકી શકે તેમ ન હતા. હવે મનુને સત્ય કહેવું જ રહ્યું.

"પણ મનું આદિત્ય આજેય એ જ કામ કરે છે જે કાલે કરતા હતા. તને દૂર રાખવા માટે જ મેં એમ કહ્યું હતું કે એ બ્લેકમેઇલર છે."

"એટલે?"

"એટલે એમ કે હું નહોતો ઇચ્છતો કે આ વખતે ગોળી સહેજ આઘા પાછીને બદલે સીધી તારી છાતીમાં ઉતરી જાય. ગોળી ન લાગે તોય શુ? તારી લાઈફ આમ ગુનેગારો સાથે જ પુરી થઈ જાય. એક દિવસ આદિત્ય જેમ તું પણ ઘરડો થાય અને તમારા બેમાંથી કોઈના વંશજ પણ ન રહે."

અંદર સમીર ઓર ધમપછાડા કરવા લાગ્યો. કંટાળીને પૃથ્વીએ દરવાજો ખોલ્યો અને એને બે ત્રણ લાફા મારીને બંધ કર્યો.

"એ કોણ છે?" આદિત્યએ પૂછ્યું.

"એ પેલી ટોળકીનો માણસ છે."

"શુ નામ એનું?"

"સમીર..."

"વોટ?" આદિત્ય ઉભા થઇ ગયા. "અરે સમીર તો આપણો માણસ છે."

"શુ?" મનું પણ ઉભો થઇ ગયો.

ભયાનક ગોટાળો થયો હતો. એજન્ટ રૂમમાં દોડી ગયા. સમીરને છોડીને બહાર લાવ્યો. એના હાલ ખરાબ હતા. થોડીવાર એને પાણી પાયું. બધા માટે ચાની વ્યવસ્થા કરવા જોરાવર કામે લાગ્યો. અહીં કોઈ દુશ્મન ન હતાં એ જોઈને લખુભાને પણ રાહત થઈ. પણ એક ભયાનક ભૂલ આ બધાએ કરી હતી...

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky