I don't like in Gujarati Poems by Er.Bhargav Joshi અડિયલ books and stories PDF | નહિ ગમે મને

Featured Books
Categories
Share

નહિ ગમે મને


નહિ ગમે મને...


આવી શકે મળવા તો છેક સુધી આવ,
આમ અડધે રસ્તે તો નહિ ગમે મને;

ભળવું હોય મારામાં તો સંપૂર્ણ ભળ,
આમ અધૂરો વિલય તો નહિ ગમે મને;

છે મને તૃષ્ણા ઘણી તો ભરી પી લેવા દે,
આમ મૃગજળ ને પીવું તો નહિ ગમે મને;

પ્રેમની આ નાવ ને હવે મજધારે લઇજા,
આમ સાવ કિનારે તરવું તો નહિ ગમે મને;

પાનખરની ઋતુ છે તારા જુદાઈમાં હાલ,
પણ વસંતમાં કરમાય તો નહિ ગમે મને;

વિષમ છે પરિસ્થિતિઓ તો જીવી લઈશ,
આમ હિંમત હારી જવું તો નહિ ગમે મને;

મહોબ્બત છે મુજથી તો આવી એકરાર કર,
"બેનામ" સાવ ગુંગી પ્રીત તો નહિ ગમે મને.


****** ****** ******* ******** *******


ક્યાં સમજાણી છે??

જિંદગીએ જોને આ કેવી ક્ષણ આણી છે,
છે ખોફનું આ શહેર, કેડે કટારી તાણી છે;

ઝગમગતા સૌન્દર્ય ઉપર પછેડી તાણી છે,
ચહેરા ઉપર ચહેરાની છાપો સજાણી છે;

શેતાનો કેરી હેવાનિયતો ક્યાં અજાણી છે,
હવે સજ્જનોથી સ્ત્રીની લાજ ખેંચાણી છે;

સમજદારો કેરા શહેરમાં સમજની ઘાણી છે,
મૂર્ખાઓ ની જાણે આજે જમાત મંડાણી છે;

"બેનામ" ..આ પાગલો કેરી આતમવાણી છે;
વિદ્વાન લોકો ને આ વાતો ક્યાં સમજાણી છે??



******* ******** ******** ******* *******

કેમ આવું થાય છે??

ખૂટ્યા છે અંતર તણા હેત કે પછી ઘટી ઉદારતા,
લોકો તારે દ્વારથી આજે કેમ પાછા જાય છે ??

ગગન વિહારી વિહંગ આજે ધરતી પર દેખાય છે,
એવું લાગે છે જાણે એનીય ક્યાંક પાંખો કપાય છે;

તારી હાજરીમાં તો સૂકા ફૂલમાં પણ સોડમ ભરાય છે,
તો હર્યાભર્યા બાગમાં આજ કેમ પાનખર દેખાય છે ??

પ્રભાતના ઝાકળની અલિને હજુ તરસ જણાય છે,
કેમ જાણે કુસુમો પણ આજે વિરહમાં દેખાય છે ??

ધરાના પાપ ધોનાર બધી સરિતાઓ પણ સુકાય છે,
ગૃહલક્ષ્મીની લાજ આજ કેમ ભરેબજાર લૂંટાય છે??

જંગલનો રાજા કેસરી પણ આજે વિવશ દેખાય છે,
"બેનામ"કેમ શિયાળવાંઓ જ રાજ કરતા જણાય છે??


******* ******* ******* ******* ********

થોડી વાર છે..

ધોમ તપતા આ સૂરજને ક્ષિતિજે ધરા સાથે મિલનની થોડી વાર છે,
ગુલાબ સમી એ સંધ્યાને પણ ચોમેરથી ખીલવાની થોડી વાર છે.

ભલેને ખીલ્યા પુષ્પો, વિના મધુકર પીમળને પ્રસરવાની થોડી વાર છે,
શરમાતા એ ગુલાબને કહો, પ્રેયસીના ગાલે સ્પર્શવાની થોડી વાર છે.

આંખોથી વરસાવી લ્યો પાણી, ધરાને ભીંજવવા વર્ષાની થોડી વાર છે,
લાગણીઓ છુપાવી દો છાની, હમરાઝના પગરવની થોડી વાર છે.

કઠણ છે થોડો મારો લહેજો, તાસીર બદલવાની થોડી વાર છે,
તમે કહો તો વદી દઉં વાણી, સંતોને આવવાને થોડી વાર છે.

ચણાવી લ્યો અહીં મકાન, બસ ઘર બનવાની થોડી વાર છે,
સ્વજનો તો રેહવા આવી ગયા છે, ગૃહલક્ષ્મીને થોડી વાર છે

કરી લઉં અંતરમાં યુદ્ધ, રણમેદાનમાં ઉતરવાને થોડી વાર છે,
સામે દુશ્મનો ઊભા છે, સગા સંબંધીઓને થોડી વાર છે.

તું ક્યાં ભાગે છે જીવ.? ઊભો રે.! શમણાંને ઉગવાને થોડી વાર છે,
"બેનામ" અડધી રાત ગુજરી છે, પ્રભાત થવાને થોડી વાર છે.

****** ******* ******* ******* ********

તું શરૂઆત કર.

બહુ યાદો અતીતમાં વિતાવી બસ નવી શરૂઆત કર,
જિંદગીમાં દરેક પળ છે સુહાની બસ તું યાદ તો કર;

માનું છું કે મંદિર ઘણા દૂર છે તું હાથ જોડીને પ્રણામ કર,
સાહિલ નદીને સામેથી ન મળે, તુ ચાલવાનો પ્રયાસ કર;

પવન છે દિવડાને ઓલવવા, તું બચાવવાની આશ કર,
બુઝાવી લેવાશે દિલની પ્યાસ, તું ઝાપટા ને સાદ કર;

માનું છું કે પથ્થર તૂટતાં નથી તો થોડા ઘસીને ધાર કર,
ચમકી ઉઠશે ઘરના ઓરડા તું જુગનું બની પ્રકાશ કર;

વ્યથાઓ ઘણી છે દિલ મહીં, તું ભૂલવાને હાશ કર,
જીરવી લેશું કારમાં ઘા "બેનામ" બદલાવની આશ કર..

******* ******* ******* ****** ***** *******