રુદ્રસિંહની ફેકટરી આગળ ગાડી ઉભી રાખીને મનું અંદર ગયો. મેનેજર કમ માલિકની કેબિનમાં સૂરજસિહ રાઠોડ કશુંક હિસાબ કરતો હતો. સૂરજનું અસલ નામ સિદ્ધાર્થસિહ હતું એટલે તેને ક્યારેક સૂરજ કહેતા ક્યારેક સિધાર્થ કહેતા. મનું અને સૂરજને રુદ્રસિંહે એક સાથે ઉછેર્યા હતા. પોલીસ સ્કૂલમાંથી મનું ઘરે આવતો ત્યારે સૂરજ સાથે એ રમતો. એને પોલીસની, જાસૂસીની, પોતે વાંચેલી ક્રાઈમ કહાનીઓની વાતો કહેતો. સિદ્ધાર્થ તદ્દન રુદ્રસિહ જેવો જ દેખાતો. મજબુત શરીર, ગોરો વાન, પણ કાનમાં તે રાજપૂતી કડીઓ પહેરતો. અને દેખાવે કોમળ છોકરા જેવો લાગતો. તેના ચહેરા ઉપર ભોળપણ હતું. રુદ્રસિહ જેમ તેનો ચહેરો કડક ન લાગતો.
મનુને આમ અચાનક આવેલો જોઈને સિદ્ધાર્થ કેબિન બહાર દોડી આવ્યો.
"મનું અત્યારે આમ એકાએક?" સ્માર્ટ દેખાવવાળો પણ સ્વભાવે રુદ્રસિંહ જેમ જ ભોળો સિદ્ધાર્થ કઈક ખરાબ બન્યું હશે એવી ચિંતા કરવા લાગ્યો.
"સૂરજ બરાબર છ સાત મિનિટ પછી તું વડોદરા અમદાવાદ હાઇવે તરફ આવ." નજીક આવતા જ મનુએ એને કહ્યું.
"પણ ક્યાં અને અત્યારે?"
"તું અત્યારે સવાલ ન કર યાર હું બધું રસ્તામાં સમજાવું છું."
"એક મિનિટ મોબાઈલ લઈ લઉં?"
"હા એ જોઈશે. અને સાંભળ તારે તારી સાથે કોઈ માણસ લેવાનો છે. હાઇવે ઉપર હું તને કિડનેપ કરવાનો છું."
"શુ?" સિદ્ધાર્થ જોરથી બોલી ઉઠ્યો એટલે કામ કરતા મજૂરો જોવા લાગ્યા.
"ધીરે બોલ તું. મેં કહ્યુંને તને કિડનેપ કરવાનો છે. બીજું તને પછી સમજાવીશ. હવે ધ્યાનથી સાંભળ આ લોકો મને ઓળખે છે તારો ડ્રાઈવર પણ મને ઓળખે છે. એટલે તને કિડનેપ મારા માણસો કરશે. હું ત્યાં હાજર નહિ હોવ. તું થોડા નાટક કરજે એટલે તારા ડ્રાઈવરને વહેમ ન જાય."
"પણ તું મારી પાસે આ બધું કેમ કરાવે છે?" સિદ્ધાર્થને કઈ સમજાયું નહિ એટલે પૂછ્યા વગર રહી શક્યો નહી. આમ તો મનુ માટે એણે આવા ઘણા કામ કર્યા હતા પણ તેનું જ કિડનેપીંગ મનુ કરાવે એ વાત જ આશ્ચર્યથી ભરોભર લાગી.
"શુ કરું યાર, પણ પ્રોમિસ હવે પછી તને ક્યારેય બકરો નહિ બનાવું." મનુએ હસીને કહ્યું.
"આ તારી પ્રોમિસ મેં દસ વાર સાંભળી છે..." નારાજ સિદ્ધાર્થ કેબિનમાં ચાલ્યો ગયો.
મનુ બહાર આવ્યો. પૃથ્વી ગાડીમાં જ બેઠો હતો. બંને ત્યાંથી રવાના થયા. જીપ થોડી આગળ ગઈ એટલે મનુએ લખુંભાને ફોન કર્યો.
"લખું ભા રેડી છો?"
"હા રેડી છું."
"તમે બે જણ જ આવજો આપણે ખાલી તાયફો જ કરવાનો છે. જોરાવરને ત્યાં રાખજો. પેલા સમીર ઉપર નજર રાખવા."
"ઓકે." લખુંભાએ ફોન કાપ્યો.
મનું એ જીપ ફરી અમદાવાદ હાઇવે તરફ ભગાવી.
*
સૂરજસિહ કમને ડ્રાઈવરને લઈને અમદાવાદ હાઇવે તરફ રવાના થયો.
મનુએ સાવ આવું મારું જ કીડનેપીંગ કરવાનું શું કામ નક્કી કર્યું હશે? એનું હવે ખસકી ગયું છે. મનોમન એ વિચારતો રહ્યો.
ખાસ્સી દસેક મિનિટ ગાડી ચાલી પછી આગળથી એક ગાડી આવતી દેખાઈ. ડ્રાઈવરે ડીપર આપ્યા પણ ગાડીએ લેન બદલી નહિ રોંગ સાઈડમાં જ આવતી રહી.
“ધીમી કર પેલો પીધેલો હશે.” સિદ્ધાર્થ આમેય કંટાળેલો હતો જ અને એમાં આ ડ્રાઈવરે ગાડી ધીમી કરી નહિ એટલે એ છંછેડાયો.
ડ્રાઈવરે ગાડી ધીમી કરીને બ્રેક કરી. ગાડી ઉભી રહી. પેલી ગાડી નજીક આવી. અને એ પણ ઉભી રહી. એમાંથી એક મૂછડ ધોતી અને બનીયન પહેરીને ઉતર્યો. ગાડી નજીક આવ્યો. સિદ્ધાર્થ ગાડી નીચે ઉતર્યો. બંને ગાડીના અજવાળામાં એકમેકના ચહેરા દેખાયા.
"શુ છે તારે?"
પણ પેલા એ તો કઈ જવાબ આપ્યા વગર જ તમંચો કાઢીને સિદ્ધાર્થના કપાળે એની નળી ભીંડાવી દીધી.
"ચાલ ગાડીમાં બેસી જા..."
સિદ્ધાર્થને નાટક કરવાની જરૂર ન હતી કેમ કે તમંચાની નળી ઉપર સામેવાળો જેમ કહે તેમ જ કરવાનું હોય.
સિદ્ધાર્થ જઈને ગાડીમાં બેઠો એટલે અંદરના માણસે એના મોઢા ઉપર ટેપ મારી. બંને હાથ બાંધી દીધા. લખુંભાએ સિદ્ધાર્થના ડ્રાઈવર પાસે કારમાં ડોકિયું કર્યું. પેલો આ મૂછડ દારુ અને હુક્કો પી પીને લાલચોળ થયેલી આંખોવાળા સાવ અજાણ્યા દેહાતી માણસને જોઇને જ ધ્રુજવા લાગ્યો. એ જાણે ચંબલનો ડાકુ હોય એવો લાગ્યો. ગાડીની ચાવી કાઢીને લખુંભાએ એને ત્રાડ નાખી, "રુદ્રસિંહને કહેજે કે દીકરો જોઈતો હોય તો મર્દ બનીને આવી જાય... હમણાં ફોન કરું છું એને."
ડ્રાઈવર તો એટલો ગભરાઈ ગયો હતો કે હકારમાં ડોકું પણ હલાવી ન શક્યો. તેની ગાડીના બે ટાયરની હવા કાઢીને લખુંભા જઈને પોતાની ગાડીમાં બેઠો તમંચો ખાનામાં મુક્યો ગાડી રિવર્સ લીધી યુ ટર્ન લઈને ચિત્તાની જેમ ગાડી દોડાવી.
*
લખુંભાએ ચાલુ ગાડી એ જ રુદ્રસિંહને ફોન કર્યો.
"કોણ રુદ્રસિંહ?"
"હા તમે?"
"કેમ મને ન ઓળખ્યો? હું તારો કાળ હુકમસિંહ વાઘેલા." કહીને લખુંભા ખડખડાટ હસ્યો.
"હુકમસિંહ..." રુદ્રસિંહના મગજમાં એક ચહેરો દેખાયો. હુકમસિંહ વાઘેલા દાણચોરીનો ધંધો કરતો ત્યારે રુદ્રસિંહે એને પકડ્યો હતો. એમાં અદિત્યએ જ એની મદદ કરી હતી. પણ એ ક્યારે છૂટ્યો ક્યારે સાત વર્ષ થઈ ગયા એ વિચારમાં રુદ્રસિંહ સ્તબ્ધ થઈ ગયા. રુદ્રસિંહને સાત વર્ષ પહેલાની વાત યાદ આવી ગઈ.
"હું બહાર આવીને તારા આખા ખાનદાનને ખતમ કરી નાખીશ રુદ્રસિંહ..." હાથમાં બેડીઓ ખણખણાવતો હુકમસિંહ ભયાનક આંખો કાઢીને બોલ્યો હતો.
ખાસ્સા દિવસો સુધી રુદ્રસિંહને એ વાત યાદ રહી પણ પછી તો એ ભૂલી ગયા કે પોતાને કોઈએ એવી ધમકી આપી છે. પણ મનું જાણતો હતો કે હુકમસિંહે આવી ધમકી આપી હતી. મનુંને એ પણ ખબર હતી કે હુકમસિંહ ગયા મહિને છૂટ્યો હતો. એટલે મનુએ આ પ્લાન ઘડ્યો હતો
"કેમ ભૂલી ગયો? પણ દેખ હું નથી ભુલ્યો. હવે સાંભળ તારે તારો દીકરો જીવતો જોઈતો હોય તો મને હું કહું ત્યાં મળજે. આજે રાત્રે જ. અને હા પેલા તારા હરામી ભાઈબંધને લેતો આવજે. એણે મને પગમાં ગોળી ઠોકી હતી એનો પણ બદલો લેવાનો છે. એને લીધા વગર ન આવતો નહિતર તારો દીકરો ખલાસ..." એ ફરી ખડખડાટ હસ્યો.
રુદેસિંહ જડ બનીને સાંભળી જ રહ્યા.
"અને હા પોલીસને તો બોલાવતો જ નહીં. આ વખતે હુકમસિંહ છેતરાવાનો નથી. તને જ્યાં બોલાવીશ ત્યાં મારો માણસ જ હશે. હું નહિ. તું અને પેલો હરામી બે એકલા આવશો એની ખાતરી કર્યા પછી જ તને મારી પાસે લઈ આવશે." કહીને લખુંભાએ એડ્રેસ આપ્યું. અને ફોન મૂકી દીધો.
*
હુકમસિહ વાઘેલા નામનો એ દાણચોર વર્ષો પછી જાણે ધરતી ચીરીને એકાએક પ્રગટ થયો અને પોતાના દીકરાને ઉઠાવી ગયો. એ વાતથી જ રુદ્રસિંહ ક્યાંય સુધી ફોન પકડીને ઉભા રહ્યા. પછી ઘર બહાર નીકળી ગયા. નોકરને કહ્યું કે ઘરે કહેજે રુદ્રસિંહ કામથી ભાઈબંધના ખેતરે ગયા છે. કાલે આવશે. બહાર નીકળીને એમણે પહેલા જ સિધાર્થના ડ્રાઈવરને ફોન જોડ્યો.
“હેલો.... મ..... માલિક એ માણસ.....” ડ્રાઈવર બોલવામાં હજુય સ્વસ્થતા લાવી શક્યો નહી. પેલો ડાકુ જેવો લાગતો માણસ એની આંખોમાં તમંચો લઈને ઉભો હોય એમ એ તત ફફ કરવા લાગ્યો.
“અરે બોલને શું થયું. સામે વાઘ ઉભો છે કઈ....” રુદ્રસીહે ફોનમાં જ ત્રાડ પાડીને એને સ્વસ્થ થવા હિમત આપી.
“એ માણસ સિદ્ધાર્થ બાબુને ઉઠાવી ગયો... તમંચાના નાળચે...” પછી ફોન ઉપર પણ એ કહ્યા વગર રહી ન શક્યો એટલે ઉમેર્યું, “કોઈ ડાકુ જેવો ધોતી પહેરણ વાળો મૂછડ રાજપૂત લાગતો હતો...”
“ઠીક છે તું ઘરે પહોંચી જા ત્યાંથી અને સાંભળ આ વાત કોઈને પણ કહેતો નહી. તું સીધો જ તારા ઘરે જજે.”
“પણ એણે ગાડીની હવા કાઢી નાખી છે...”
“તો કોઈ લીફ્ટ લઈને ગાડી ત્યાં જ મૂકી દેજે.” રુદ્રસીહે ફોન મુક્યો અને તરત જ આદિત્યને ફોન કરીને જે થયું એ બધું કહી સંભળાવ્યું
*
મનુંને ખબર હતી કે સવાલ જ્યારે સિદ્ધાર્થના જીવન મરણનો હોય તો રુદ્રસિંહ પોલીસને જાણ નહિ કરે અને રુદ્રસિંહ માટે ધરતીના છેડેથી પણ આદિત્ય આવી જશે એટલે જ એણે આ આખોય પ્લાન કર્યો હતો.
*
અંધારું થયું એટલે નિધિ આશ્રમમાં ટહેલવાના બહાને દર્શનને શોધવા લાગી. એવી જ રીતે દર્શન પણ એને શોધતો હતો.
નિધીએ એને જોયો એટલે ઈશારો કરીને પેલી હારબંધ બનાવેલી ઓરડીઓ પાછળ આવવા કહ્યું. અને પોતે એ તરફ જવા લાગી.
ઓરડીઓ પાછળ તદ્દન અંધારું હતું. તમરા બોલવાનો અવાજ આવતો હતો. નિધિ ત્યાં જઈને ઉભી રહી. દર્શન થોડીવારે આવ્યો. દર્શન આવ્યો એટલે પહેલા તો એને થયુ દર્શન નામ સાંભળીને પોતે ઉતાવળ કરી બેઠી છે આમ કોઈને પૂછવું ઠીક નથી. પણ દર્શને જ એની મુંજવણ ઓછી કરી દીધી.
"તમે એન્જીના મિત્ર ને?"
અને નિધિના મગજમાં એક એક અવયવમાંથી એક ઝણઝણાટી વ્યાપી ગઈ. ખાસ્સો સરળ, સીધો અને સાલસ દેખાતો આ યુવાન એ જ દર્શન હોવો જોઈએ.
"હા તમે?"
"હું દર્શન. તમને મેં એન્જીના મોબાઈલમાં ફોટોમાં જોયા હતા." દર્શન નમ્રતાથી વિવેકથી વાત કરે છે એ એના ધ્યાન બહાર ન રહ્યું.
"તમે મને કેમ જોઈ રહ્યા હતા?"
"કેમ કે હું તમને જોતા જ ઓળખી ગયો હતો." તે જરાક સરખો હસ્યો.
"ઓકે તમારું મગજ અસ્થિર છે એવું મેં અહીંના લોકોને કહેતા સાંભળ્યા છે."
"નહિ એવું નથી પણ હું એન્જીને ભૂલીને અહીં રહું છું. મને લોકો જોડે હળવું મળવું હવે નથી ગમતું. એટલે હું એકલો એકલો રહું છું. પણ આજે તમને જોયા એટલે મને એન્જી યાદ આવી. થયું પૂછી લઉં કેમ છે એન્જી?"
"તમે મજાક કરો છો?" નિધિના ચહેરા પર ખરેખર નવાઈની રેખાઓ તણાઈ ગઈ. જે વ્યક્તિ દુનિયામાં રહી જ ન હોય એના ખબર પૂછનાર માણસ સાચે જ એને પાગલ લાગ્યો.
"શેની મજાક?" પણ દર્શન તો એમ જ તટસ્થ રહ્યો.
"એન્જી ગુજરી ગઈ છે એ તમને ખબર નથી શુ?"
"ગુજરી ગઈ છે? એ શું બોલો છો તમે? હું તો અહીં ચાર મહિનાથી છું. એન્જી પણ એક બે વાર અહીં આવેલી છે મને જોવા માટે પ્રવચનના બહાને. મારા હાલ જોવા."
"એટલે તમને આશ્રમમાં કોઈએ કહ્યું નથી કે એન્જી હવે નથી રહી?"
"ના...”
"પણ એવું કંઈ રીતે શક્ય છે? આચાર્યને હું ખુદ મળી હતી એન્જીની બધી રોકડ રકમ અહીં દાન કરી છે. અરે એના પિતા વિલિની રકમ પણ અહીં જ દાન કરી છે. કદાચ આચાર્ય તમને ન કહે પણ પેલા વિમલા દેવી..." એકાએક નિધિ અટકી ગઈ... બંને હાથે માથું દબાવી દીધું.
"માય ગોડ પેલા વિમલા દેવી ક્યાં છે? મને યાદ પણ ન આવ્યું એ બધું..." પણ દર્શન કઈ બોલે એ પહેલાં તો નિધીને છાપાના કાગળમાં ચિત્રાયેલો ડેડ બોડીનો ફોટો દેખાવા લાગ્યો. અંબાજીની પહાડીઓમાંથી મળી આવી એક અજાણ લાશ..!
"એ લાશ એની હતી... એ લાશ એની જ હતી..." નિધિ મુંજાઈ ઉઠી. એની મગજની નશો ફાટવા લાગી.
"વિમલા દેવી તો અહીંથી ચાલ્યા ગયા હતા. કોઈ બહારના પુરુષ સાથે એમને સબંધ હતા એટલે એ એક રાત્રે ભાગી ગયા હતા." એની મૂંઝવણ જોઇને દર્શને કહ્યું.
"એવું તમને કોણે કહ્યું?"
"આશ્રમમાં આવી વાત થતી હતી..."
"પણ વિમલા દેવી હવે નથી રહ્યા દર્શન..." નિધીએ એક બીજો ધડાકો કર્યો.
"વોટ?" હજુ દર્શનને એન્જીના મોતના સમાચારની કળ વળી ન હતી ત્યાં એક બીજો જાટકો લાગ્યો.
"પણ તમારું બ્રેકઅપ કેમ થયું હતું?" નિધીએ પૂછ્યું પણ ઓરડીની પાછળના ભાગે બાથરૂમ તરફ કોઈ સંચાર થયો એટલે બંને સાવધ બનીને ઓરડીની હારમાળની પેલી તરફ સરકી ગયા. જતા જતા દર્શને કહ્યું, "રાત્રે બે વાગ્યે અહીં મળીશ.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky