Kamar ane jins in Gujarati Women Focused by Niyati Kapadia books and stories PDF | કમર અને જિન્સ

Featured Books
Categories
Share

કમર અને જિન્સ

શિયાળો આવ્યો નથી કે કેટલાક માણસોને જપ ના થાય. વજન ઉતારવાનું, ચોખ્ખા શબ્દોમાં કહું તો શરીર ઉતારવાનું ભૂત એમના મનમાં ધુણવા માંડે..!

જોકે મક્કમ મનોબળવાળા, જિદ્દીલા માણસો બે પાંચ કિલો વજન ઘટાડવામાં સફળ થઈ શકે...એમની વાત મારે નથી કરવી. જે લોકોની આ વજન ઘટાડવાની ઉપાધિમાં વજન વધી જાય એમની વાત મારે કહેવી છે, એ લોકો મને સમદુઃખિયા લાગે છે 🤣

હાસ્તો વળી વજન ઘટાડવાનું ભૂત કોઈક દિવસે મારા ઉપર પણ બરાબર ધુણેલું...પાક્કું યાદ કરીને કહું તો કોલેજ સમયના મારા ફેવરીટ જિન્સ જે દિવસે મને દગો આપી ગયેલા, મારી કમર કરતા નાના થઈ ગયેલા એ દિવસે મને લાગી આવેલું, મન દુઃખી દુઃખી થઈ ગયેલું અને ત્યારે મેં ડાયતિંગ કરવાનો નિર્ણય લીધેલો! બે મહિના યોગ, રેગ્યુલર વોકિંગ,એ પણ સવારે વહેલા ઊઠીને...

સવારે પાંચ વાગે ખરી ઠંડીમાં, જેકેટ ઉપર શાલ ઓઢીને હું રોડ ઉપર ચાલી રહી હોઉં ત્યારે મારી જ ગલીના કૂતરા પણ મને ઓળખી ના શકતા અને આ કયું અજાયબ પ્રાણી પૃથ્વી ઉપર ઉતરી આવ્યું છે એ જોવા મારી પાછળ પાછળ ચાલ્યા આવતા, હું ચાલવાની ઝડપ વધારું તો એ પણ વધારે, મનમાં થાય કે દોડીને આગળ નીકળી જાઉં પણ પછી બીક લાગે... એ ક્યાંક મને ચોર સમજીને બચકું ભરી લે તો! મારી નવલકથા “નિયતિ"માં ક્રિષ્ના ગલૂડિયાંથી બિવાઈને ભાગે છે અને મુરલીના ઘરમાં ઘૂસી જાય છે એ અફલાતૂન આઈડિયા પણ એ સમયે જ આવેલો! સવારે ચાલવા જવું વજન ઘટાડે ના ઘટાડે આવો બીજો ફાયદો પણ કરાવી શકે..😁

ઘરે આવ્યા બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ નીચોવી, મધ નાખીને પી લેતી. એના કલાક બાદ ગ્રીન ટી અને દસ વાગે જમીને હું ક્લિનિક જવા નીકળી જતી. બાર વાગતા સુધીમાં મારું વ્હાલું પેટ ખાલીખમ થઈ જતું! હું બિચારી પાણી પીધા કરતી, થતું કે કાશ ભગવાને પેટને બદલે કૂવો આપ્યો હોત, પાણીથી ભરાઇ તો જાત!

સાંજે ચાર વાગે ચા સાથે એક બે ખાખરા ખાતી વખતે તો આંખમાંથી આંસુ આવી જાય એટલું જ બાકી રહેતું! ગરમા ગરમ ગોટા અને દાળવડા નજર આગળથી ખસતા જ નહીં... રાતનું વાળું સાત વાગે પતાવી લેતી અને કંઈ વાંચતી હોઉં, લખતી હોઉં ત્યારે રાતના લગભગ અગિયાર વાગતા સુધીમાં પેટ પાછું ખાલીખમ! ખાલી થઈ ગયેલા આંતરડા એક બીજા સાથે ઘસાતા હોય એવો કુું...કુ...અવાજ આવતો, રસોડામાં જઈને નાસ્તાનો ડબ્બો ઉઠાવી લાવવાની ઈચ્છા બળવત્તર બની જતી અને એ જ વખતે હું મારું પેલું જિન્સ યાદ કરતી...મનને મજબૂત કરતી...ટીવી જોતી બેસી રહેતી. એ સમયે ઊંઘ પણ સરખી ના આવતી.

બે મહિના આ ત્રાસ વેઠ્યો હતો અને પછી બહુ જ ખુશ થઈ વજન કાંટા ઉપર ચઢી ગયેલી, મારો જુસ્સો જુઓ તો જાણે એવરેસ્ટ સર કરી રહી હોય એવું લાગેલું...

હિપ હિપ હુરરે..! વજન ઘટ્યું હતું, પોણા બે કિલો ઘટેલું...! હું રાજી રાજી થઈ અને એ જ દિવસે પેલું જિન્સ પહેરવા કાઢેલું. એ મારું બેટું હજી નાનું જ રહી ગયેલું...કાશ આપણી સાથે સાથે આપણા મનપસંદ કપડાં પણ મોટા થતાં હોત...

હું નવાઈ પામીને વિચારમાં પડી ગઈ. મેં મેજર ટેપ કાઢી અને કમર ફરતે એને વીંટાળી સેન્ટીમીટરમાં માપ લીધું, બહુ વધારે લાગતા ઈંચમાં માપ લીધું, એ પણ પહેલા કરતા વધારે હતું, મેં મેજર ટેપનો મારી કમર ફરતેનો ભરડો થોડો કસ્યો અને ઊંડો શ્વાસ લઈ પેટને શક્ય એટલું અંદર ખેંચીને માપ લીધું. કોલેજ સમયમાં ચોવિસની જ રહેતી કમર અઠ્યાવિસની હતી, ચાલવાનું ચાલું કર્યું એ સમયે જે માપ હતું એના કરતાં હવે એક ઇંચ વધારે બતાવતી હતી. મેં બીજી મેજર ટેપ લઈ ફરી માપ લીધું... વજન ઘટ્યું હતું તો કમર એક ઇંચ કેમ કરતા વધી ગઈ?

મારા સવાલોનો જવાબ મેળવવા મેં મારા ડૉકટર પતિદેવ ઉપર હલ્લાબોલ કરેલું. ત્રણ દિવસ મંદ મંદ હાસ્ય વેર્યા બાદ મેં એમની જોડે અબોલા લીધા ત્યારે એમણે મને એ પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવેલું... જે હું પહેલાથી જાણતી જ હતી, પણ કમર ફરી ચોવીસની કરવાની લાહ્યમાં ભૂલી ગયેલ... એ કારણોની ચર્ચા મારે નથી કરવી, તમારે જાણવું હોય તો તમારા ડોક્ટરનો જીવ ખાવ...🤣

બસ એ દિવસ છે અને આજનો દિવસ... મેં એક જ વ્રત આજીવન પાળવાનું નક્કી કર્યું, ભૂખ લાગે ત્યારે ખાઈ જ લેવું! તળેલું અને મસાલેદાર પણ ખાઈ લેવું પણ લિમિટમાં અને ઉનાળામાં આઇસ્ક્રીમ ખાવો હોય ત્યારે લસ્સી જતી કરવાની... બીજે દિવસે લસ્સી પીવો તો આઈસક્રીમની ઈચ્છા જતી કરવાની...અને તમે માનશો હું ખુશ છું, મારી કમરનું માપ લેવાની મને જરૂર નથી પડતી અને ચહેરાની ચમક પણ બરકરાર છે!

મારું ફેવરીટ જિન્સ મેં વાસણ વાળીને આપીને એક કઢાઈ લીધેલી અને એમાં જ્યારે શીરો શેકતી હોઉં ત્યારે એટલો આનંદ આવે છે...હા, દર વરસે હવે નવું જિન્સ ખરીદી લઉં છું જે મારા અનુરૂપ હોય, મને એના અનુરૂપ થવાની જીદ એવું નહીં!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏