સમી સાંજના ઉતરતા ઓળાઓએ એ સૂની અને ભેંકાર જગ્યાને વધુ ઉદાસીન અને ગમગીન બનાવી દીધી. ચોતરફ સ્તબ્ધતા છવાયેલી હતી. સુસવાટા મારતો પવન પણ વાતાવરણમાં પ્રસરેલા શોકને જ વધારતો હતો. અંધારું છવાતા નિશાચર પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ નિરવતાને ડહોળી ભયાનકતામાં ફેરવતો હતો. ચારેબાજુ ચીર નિંદ્રામાં સૂતેલા માનવીઓની કબરો વચ્ચે એક જ જીવતો માણસ બેઠો હતો. અને એ પણ લાશ જેવો જ ... તે એકી નજરે હજુ હમણાં જ માટી વાળેલી કબર તરફ જોઈ રહ્યો હતો. લાશને દફનાવવા આવેલા લોકો ત્યાંથી વિદાય થઈ ચૂક્યા હતા. “ રોબર્ટ ...ચાલ હવે જે થવાનું હતું તે થઈ ગયું.. હવે તારી જાતને સંભાળ.. જરા હિંમત રાખ... ચાલ ઘરે ચાલ... “ આવા મિત્રોના વાકયોના પડઘા હજુયે હવામાં ઘૂમરાતા હતા. જે થોડા ઘણા મિત્રો તેની સાથે આવ્યા હતા તેમની અવગણના કરીને રોબર્ટ ત્યાંથી ખસવાનું નામ લેતો નહોતો. આખરે , થાકી-હારીને બધા પોતપોતાને રસ્તે વળી ગયા હતા.
રોબર્ટ આ વેરાન કબરસ્તાનમાં એક પથ્થર ઉપર બેઠા બેઠા સામેની કબર ઉપર મૂકેલી મીણબતીઓને ધીરે ધીરે બુઝાતી જોઈ રહ્યો હતો...તે સ્વગત બબડતો હતો.. “આમ જ બસ.. આમ જ.. મારી મર્સી આ મીણબત્તીની જેમ વિલાઈ ગઈ.. ઓ મર્સી .. તું મને મૂકીને કેમ ચાલી નીકળી...? હવે હું જીવીને શું કરીશ..? તેં મને એકલો અટૂલો બનાવી દીધો. આવી રીતે મને અધવચ્ચે છોડીને જવું હતું તો તું મારી જિંદગીમાં આવી જ શું કામ..?” તેનો વિલાપ વધતો જતો હતો.. તેની આંખોમાંથી આંસુને બદલે જાણે કે રક્ત ટપકતું હોય તેમ તે વલવલતો હતો. પણ તેના આ રુદનને સાંભળવા મૂંગા ઊભેલા વૃક્ષો સિવાય ત્યાં કોઈ નહોતું.. ધીરે ધીરે કબર પરની બધી જ મીણબત્તીઓ બૂઝાઈ જતાં ત્યાં ગાઢ અંધકાર છવાયો.. કશું જ કળાય નહીં એવી અમાસની કાળઝાળ રાત્રિમાં સામે જ અહેલી કબર પણ ઝાંખી ઝાંખી દેખાવા લાગી.
તેને શું કરવું એ સમજાતું નહોતું. આ શ્વાસોચ્છવાસ ઇચ્છા મુજબ બંધ થઈ જતાં હોત તો કેવું સારું થાત...! પણ તેના શ્વાસ તો હજુ ચાલતા હતા. એ હજુ જીવતો હતો. આખરે લગભગ મધ્યરાત્રિ થવા આવી ને કબ્રસ્તાનનો ચોકીદાર ડંગોરો પછાડતો પછાડતો ત્યાં આવી ચડ્યો. એકદમ નજીક આવ્યા પછી અંધકારમાં બેઠેલી માનવ આકૃતિને જોઈને તે છળી ઊઠ્યો. “ કોણ છે...? કોણ છે.. ત્યાં ? “
“ હું.. હું.. રોબર્ટ ..મારી મર્સી અહી સૂતી છે.. “ ચોકીદારને એ માણસ છે એવી ખાતરી થતાં તે નજીક આવ્યો. તેને જોઈને ફરી પાછો રોબર્ટ પોક મૂકીને રડવા લાગ્યો. ચોકીદારે તેને આવડતી ભાષામાં સમજાવવા માંડ્યુ.” ભાઈ .. તું ઘરે જા. મરેલા માણસો કદી પાછા આવતા નથી. અને જો આ દુખ તારાથી સહન ના થતું હોય તો, હું તને ઉપાય બતાવું... અહીથી બહાર નિકળીશ એટલે ડાબી બાજુ વળી જજે. ત્યાં તારો “ગમ” ભૂલાવવાનો ઈલાજ મળી જશે.. જા હવે ઊભો થા “ ચોકીદારે તેને આ વેદના ભૂલવા માટે કેફી પીણાં નો આશરો લેવાનું સમજાવતા કહ્યું.
રોબર્ટના પગ કબ્રસ્તાનના ઝાંપા બાજુ કમને દોરવાયા. તેની ચાલ લથડતી હતી. ચોકીદારે તેને જે ઈલાજ બતાવ્યો હતો એનાથી તો એ ખૂબ જ પરિચિત હતો...કારણ અત્યાર સુધીનું જીવન તેણે એમાં જ ગુજાર્યું હતું. નાનો હતો ત્યારે તે ઘણો સમજદાર અને શરમાળ પ્રકૃતિનો હતો. પણ તેની દસેક વરસની ઉમ્મરમાં તેણે તેના મા-બાપ બંને ગુમાવી દીધા. અને કાકાઓના ઘરે તેણે ફાંગોળાવું પડ્યું.કેટલીયવાર તેનું સ્વમાન ઘવાતું રહ્યું.અનાથપણાની લાગણી તે સતત અનુભવતો રહ્યો.સગાઓના સ્વાર્થી વલણે તેના દુખમાં વધારો કર્યો..એટલે જ કિશોરાવસ્થા વટાવતા તે આ સમાજ પ્રત્યે અને સગાઓ પ્રત્યે વિદ્રોહી બનતો ગયો. એમાથી છટકવાના ઉપાય તરીકે મિત્રોએ બતાવેલા રસ્તે ચઢી ગયો. તેને કુછંદે ચડેલો જાહેર કરી સગાઓએ તેની સાથેનો સંબંધ કાપી નાખ્યો, જે આમ તો ક્યારનો ય તૂટેલો જ હતો. હવે તે સાવ એકલો થઈ ગયો. કોઈની રોકટોક નહીં.. કોઈની શેહ શરમ નહીં..કોઈ આગળ-પાછળ નહીં.. બસ આખો દિવસ નશામાં પડી રહેવાનુ અને એના માટે પૈસા મેળવવા નાની મોટી ચોરી કરવાની કે લોકોને છેતરવાનું કામ કરી લેવાનું.. અંધારા કૂવામાં તે ઊંડો ઊંડો ઊતરતો જતો હતો.
એવામાં એક દિવસ તેના પીણાંમાં ઝેર આવી જતાં તે મોતના મુખમાં જઈ ચડ્યો. તેના જેવા બધા વ્યસનીઓ જોડે તેને પણ જનરલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. તેમાંથી કેટલાક તો મૃત્યુ પામ્યા.પણ ખબર નહીં કેમ તે મોતની સામે જીતીને પાછો આવ્યો. તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે જનરલ વોર્ડની પથારીમાં પડ્યો હતો. તે પોતાની જાતને અહી જોઈને ચોકી ગયો. તે ઊભો થવા જતો હતો ત્યાં પાસે ઊભેલી નર્સે તેને વારતા કહ્યું. “ હજુ તમારામાં અશક્તિ છે સૂઈ રહો.. સારું થાય પછી તમને રજા આપવામાં આવશે. “ આમ થોડા દિવસ ફરજયાત પણે તેને હોસ્પીટલમાં ગાળવા પડ્યા. તે શાંત બનીને ત્યાંની હિલચાલ જોયા કરતો.જનરલ હોસ્પિટલ હોવા છતાં ત્યાંનો સ્ટાફ સારો હતો. સમય થાય ત્યારે દવા અને ખોરાકની વ્યવસ્થા કરતો હતો. એમાં પણ એક નર્સ જે તેની સંભાળ રાખતી હતી એની આંખોમાંથી જાણે કે કરુણા વરસતી હતી. તેને જોઈને બાળપણમાં જોયેલી “માં " ની યાદ આવી જતી. “ માં "પણ ક્યારેક તે બીમાર પડતો ત્યારે આમ જ તેની ચાકરી કરતી . એક દિવસ “ માં” ની યાદ આવતા તેની આંખો આંસુ થી છલકાઈ ગઈ. ત્યારે પેલી નર્સ ત્યાં જ હતી. તેણે ખૂબ જ સ્નેહથી પૂછ્યું. “ કોઈની યાદ આવે છે.. ? તમારા કોઈ સગા કેમ દેખાતા નથી..?” તે જવાબ આપવો ના પડે માટે મ્હો ફેરવી ગયો. લગભગ પાંચેક દિવસની સારવાર પછી તેને સારું થઈ ગયું. ડોક્ટરે તપાસ કરી તેને ઘરે જવાની રજા આપી. પણ હવે તેને અહીથી જવું ગમતું નહોતું. જતાં જતાં પેલી નર્સે તેના હાથમાં દવાઓ આપતા કહ્યું.. “ હવે નુકશાનકારક વસ્તુઓથી દૂર રહેજો” તેનાથી પૂછાઈ ગયું.."હવે ફરી ક્યારે આવવાનું...? " નર્સે મંદ મંદ હસતાં જણાવ્યુ.."આવતા અઠવાડિયે.. આવતા અઠવાડિયે ફરી અહી ચેક-અપ માટે આવજો..”
ઘરે ગયા પછી તે અઠવાડિયું ક્યારે પૂરું થાય તેની રાહ જોવા લાગ્યો. આ દરમ્યાન કોણ જાણે કેમ તેને પોતાની જાતને ભૂલવા માટે કોઈ ઉપાય કરવાની જરૂર જણાઈ નહીં.. ઊલટાનું તેણે તેના ઘર પાસેની જ ગલીના નાકા પરના ગેરેજ ચલાવતા ફારૂખને ત્યાં કામ શીખવા જવા માંડ્યુ. અઠવાડિયું વીત્યું ને તે સીધો હોસ્પિટલ પહોચી ગયો. તેની નજર તો પેલી નર્સને જ શોધતી હતી..એટલામાં તે દેખાઈ એ પણ રોબર્ટને જોઈને ઓળખી ગઈ.. તેણે પ્રેમાળ સવારે પૂછ્યું.. “ હવે તમને કેમ છે.. ? સારું લાગે છે..?” રોબર્ટે ખુખુશાલ થઈને જવાબ આપ્યો.." હા. ઘણું જ સારું લાગે છે..તમારી સંભાળ અને આ દવાઓથી ખૂબ સારું થઈ ગયું.. " “ બહુ સરસ.. તો મેં તમને જે કહેલું તે યાદ રાખજો.. બરાબર.. “ તે જવા લાગી એટલે રોબર્ટે થોડું શરમાતા અને થોડું અચકાતાં કહ્યું.. “ હું ક્યારેક ક્યારેક તમને મળવા અહી આવી શકું..? “ આ સાંભળી તે ખડખડાટ હસી પડી “ મને મળવા ..કેમ..?” “ બસ એમ જ..” અને તે ઝડપથી હોસ્પિટલના પગથિયાં ઊતરી ગયો.
પછી તો રોબર્ટની જિંદગીમાં નવો અધ્યાય શરૂ થયો.. પેલી નર્સ જેનું નામ મર્સી હતું તેણે રોબર્ટના જીવનમાં જાદૂ કર્યું. એક બુઝાયેલી જ્યોતને તેણે ફરી સળગાવી દીધી ..મર્સી પણ એકલી જ હતી અને કુંવારી હતી. રોબર્ટ વિષે બધુ જ જાણ્યા છતાં તેણે રોબર્ટનો હાથ પકડવાની હિંમત કરી.
રોબર્ટ અને મર્સી ના લગ્ન જીવનની હજુ તો શરૂઆત જ હતી. હજુ તો જૂની કુટેવો અને આદતો માંથી રોબર્ટે ધીરે ધીરે બહાર આવવાનું શરૂ કર્યું હતું. મર્સીના પ્રેમમાં હજુ પૂરેપૂરો તે ખોવાઈ જવા માંગતો હતો.. ને અચાનક જ ગંભીર એવી ચેપી બિમારીનો ભોગ બનીને મર્સી મૃત્યુ પામી.
રોબર્ટ ફરી વખત સાવ એકલવાયો થઈ ગયો. આ એકલતા જીરવવી તેના માટે આકરી હતી. કારણકે કેટલાય વર્ષો લાગણી વિહોણા ગાળ્યા પછી મર્સી ના રૂપમાં તેને સાચી લાગણી મળી હતી. અને મર્સીનું આમ અચાનક વિખૂટાં પડી જવું ... એટલે તેના માંડ માંડ સમેટાયેલા જીવનનું વેરવિખેર થઈ જવું.. હજુ તો ગયા અઠવાડિયે જ મર્સી કેટલી ખુશ હતી...! કારણકે રોબર્ટે નવું ગેરેજ શરૂ કર્યું હતું. અને આજે ...આજે મર્સી આ કબરમાં...! ! મર્સી વગર કબરસ્તાનના ઝાંપા સુધીનું અંતર કાપવું તેના માટે મુશ્કેલ થઈ પડ્યું.
“ હે ઈશ્વર , મારી સાથે જ આવું કેમ... ? મારુ કોઈ ના રહ્યુ..મારુ બધુ જ છીનવાઈ ગયું.. હવે હું શું કરીશ...? " તેને પેલા ચોકીદારના શબ્દો યાદ આવ્યા.. તે ઝાંપાની બહાર આવ્યો.. કબ્રસ્તાન માંથી બહાર નીકળતા સામે દીવાલ ચણેલી હતી.. તેણે વિચાર્યું.. “ મર્સી વગર મારા નવજીવનના રસ્તે પણ આમ જ દીવાલ ચણાઈ ગઈ છે..” તેની નજર ડાબી બાજુની ગલી તરફ વળી. આ એ જ ગલી હતી.. અંધારી ગલી.. જેમાં તે દિવસ રાત પડ્યો રહેતો હતો..ત્યાંથી જ બેભાન અવસ્થામાં તેને ઊંચકીને હોસ્પીટલમાં લઈ જવાયો હતો.. “ હા.. મારી જિંદગી તો આ જ છે.. આ જ હોઈ શકે.. હું ત્યાં જ ઠીક હતો.. મર્સી સાથેનું આનંદિત જીવન ..મર્સી નામની પ્રેમાળ સ્ત્રી.. છેવટે એ બધુ સપનું હતું... ખુલ્લી આંખોએ જોયેલું મીઠું સપનું...પણ સપનું આખરે સપનું હોય છે... એ તૂટવા માટે જ સર્જાયું હોય છે... મર્સી નામની સ્ત્રી મારા જીવનમાં ઝબકારાની જેમ આવી અને ચાલી ગઈ.. મર્સીનો પ્રેમ મારી ભ્રમણા હતી. મારી બાકીની જિંદગી.. બાકીના શ્વાસો તો આ ગલી માં જ પૂરા થશે... અને એ ગલી તરફ વળવા તેણે પગ ઉપાડ્યા... પણ એ પહેલા તેણે છેલ્લી નજર કબ્રસ્તાન તરફ નાખી..
અંધારામાં મર્સીની કબર હવે દેખાતી નહોતી.. પણ અજાયબ જેવી સુગંધ તેના નાકમાં પ્રસરી.. એ તો મર્સીની કબર પર ચઢાવેલા તાજા ફૂલોની સુવાસ હતી. મર્સીને ફૂલો ખૂબ ગમતા. તેના વેરાન અને વિખેરાઈ ગયેલા ઘરને મર્સી એ થોડા જ દિવસોમાં બગીચાથી મઘમઘતો બનાવી દીધો હતો. દરેક નવો છોડ લાવીને તે રોબર્ટના હાથે જ રોપાવતી. રોબર્ટ, મસીની બધી જ વર્તણૂકને મુગ્ધતાથી જોયા કરતો.. એક દિવસ ફૂલ છોડને પાણી પીવડાવતા તે કહેવા લાગી.. “ જો રોબર્ટ, આ છોડને બરાબર પાણી ના મળે ને તો એ કરમાઈ જાય.. હું કદાચ ક્યારેક ના હોઉ તો તું આ છોડોને પાણી જરૂર પીવડાવજે.. "અને ત્યારે એણે કહેલું.. “ મર્સી એવી તો વાત જ તું ના કરીશ તારા વગર તો હું જીવી જ નહીં શકું.." મર્સી તેનો હાથ પોતાના હાથમાં લેતા બોલી હતી.. “ રોબર્ટ કોણ પહેલા જશે ને કોણ પછી એ તો ઈશ્વરના હાથમાં છે, પણ મારે તને એક વાત કહેવી છે કે તેં હંમેશા કોઈનો પ્રેમ ચાહ્યો છે . કદી પ્રેમ આપવાનું વિચાર્યું નથી..એટલે જ તું પ્રેમ માટે ઝૂરતો રહ્યો છે.. અને તેથી જ તું મારા વગર નહીં જીવી શકે એવું કહે છે.. તું તારી પોતાની અંદર જો.... બીજાને પ્રેમ કરતાં શીખ.. તને એક અજાયબ જેવા પ્રેમ નો અનુભવ થશે... એ પ્રેમ તારામાંથી ઝરણું બનીને વહેશે... એ ઝરણાના પાણી થી કેટલાય મૂરઝાએલા છોડ પર ફૂલ ખીલશે અને એની સુગંધ પ્રસરાવશે..
અને એજ સુગંધ અત્યારે મર્સીની કબર પરના ફૂલો દ્વારા પ્રસરી રહી હતી. તેણે રોબર્ટના હ્રદયમાં ફેલાયેલી નિરાશા અને હતાશાની ગંદકીને નાબૂદ કરી દીધી..
“ હા, મર્સી સાચું જ કહેતી હતી. મર્સી એ મારા જીવનને બદલ્યું છે.. હવે આ ખીલેલા ફૂલને હું ફરી કાદવમાં ફેંકવા નથી માંગતો.. હું મર્સીની પ્રેમાળ યાદોના સહારે જીવી લઈશ.."અને તેના પગલાં તેણે પોતાના ઘરની દિશા તરફ વાળ્યા... જ્યાં મર્સી એ સજાવેલો બગીચો તેની રાહ જોઈ રહ્યો હતો..