સેજલ અને ધવલ સાથેનો સંપર્ક તૂટી ગયા પછી અંદરના ચારેય મિત્રોએ કોન્ફરન્સ-કોલથી સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું હતું અને કલાસની બહાર આવ્યા હતાં. ટૉર્ચનો પ્રકાશ દૂર ક્યાંક તેમને દેખાયો. કૌશલ અને કૃશાલ ડાબી બાજુથી- જીઓલોજીની લેબ બાજુથી મુખ્ય ઓફિસ તરફ ચાલ્યા અને રાકેશ તથા સચિન જમણી બાજુ- કેમેસ્ટ્રી લેબ તરફ ચાલ્યા. અંદર આવનાર માણસ પરબ તરફ ગયો. કૌશલ અને કૃશાલ ઝડપથી ચાલ્યા. ફોન પર સચિન અને રાકેશને સૂચના આપી કે એ માણસ આ તરફ વળ્યો છે.
અંધકાર પૂરતો હતો. જરા દોડીને કૌશલ અને કૃશાલ કોલેજની ઓફિસ પાસે પહોંચી ગયા અને ધીમા પડ્યા. તેઓ ગભરાઈ રહ્યા હતા. ખબર નહોતી કે આવનાર માણસ પાસે કોઈ હથિયાર હશે કે કેમ. આ મિત્રોને એ પણ સ્પષ્ટ નહોતું કે તેમણે હવે શું કરવાનું છે. તેઓ આ માણસનો પીછો કરીને પછી શું કરશે? કંઈ સમજાતું નહોતું. ક્ષણવાર માટે તેમને થઈ આવ્યું કે વૃંદા સાથે હોત તો ઘણું સારું હતું.
આ બાજુ ધવલે વિચારી લીધું હતું કે ઓટલા પર ચડી ઊભેલા માણસનું શું કરવું. તેણે ઝાટકા સાથે એ માણસના પગ પકડ્યા અને ઊભો થઈ ગયો. એ માણસે આવી કોઈ અપેક્ષા નહોતી રાખી. અચાનક થયેલા હુમલાથી તે ચોંકી ગયો, હાથમાંથી સિગારેટ નીચે પડી ગઈ. સિગારેટ સેજલના હાથ પર પડી અને સેજલ જરા દાઝી. ઘટનાઓ ઘણી ઝડપી બની હતી. સિગારેટ પડી ત્યારે જ ધવલે બળ અજમાવ્યું હતું અને જ્યારે સેજલે દાઝવાના કારણે ધીમી બૂમ પાડી ત્યારે ધવલે હતું એટલું જોર લગાડીને પેલાના બંને પગ ખેંચ્યા હતાં. અંધારામાંથી અચાનક થયેલાં હુમલાથી તે સંતુલન ન જાળવી શક્યો. તેના પગ ઓટલા પરથી ખેંચાઈ આવ્યા હતાં. ક્ષણનાંય છઠ્ઠા ભાગ પૂરતો તે હવામાં ઊલળ્યો અને ધવલે પગ વધારે પાછળ ખેંચ્યા... તેનું નીચે પડી રહેલું શરીર જરા ફંગોળાયું અને તેનું માથું ઓટલા પર ધડામ લઈને અફળાયું... ને એ જમીન પર પડ્યો. સેજલે એની જ સિગારેટ એના ગળા પર દબાવી અને તે બૂમ પાડવા ગયો ત્યાં જ સેજલે તેના મોં પર એક હાથ દબાવી દીધો. તેની બૂમ દબાઈ ગઈ. ગળા પર થયેલી બળતરાની પીડા અને ખાસ તો માથામાં વાગેલો જોરદાર ફટકો તેને માટે અસહ્ય હતો. જરા વાર કણસીને તે બેભાન થઈ ગયો. સેજલે અને ધવલે રાહતનો શ્વાસ લીધો. ગાઢ અંધકારમાં આ ખેલ બે-ત્રણ સેકન્ડમાં જ પૂરો થયો હતો. સેજલે તેના બંને બૂટમાંથી દોરી ખેંચી કાઢી. એક ધવલને આપી. બંનેએ એ દોરીથી તેના હાથ અને પગ બાંધી દીધાં. મોબાઈલની લાઈટ કરીને તેનો ચહેરો જોયો - પ્રતાપ ડામોર.
ને અહીંયા પેલો ભાઈ ટૉર્ચ લઈને કેમેસ્ટ્રીની લેબોરેટરીના બારણા તરફ જઈ રહ્યો હતો. કૃશાલે ફોનમાં રાકેશ અને સચિનને કહ્યું-
‘હું અને કૌશલ આને અમારી તરફ ફેરવીએ અને આ બાજુ બિઝી રાખીએ. એ સમયે તમે બંને પાછળથી હુમલો કરીને આને બેભાન કરી દેજો અને વાયર કે દોરી જેવું કંઈક મળે તો લેતાં આવો.’
કૃશાલે ફોન મૂકીને એક પથ્થર પેલાંની પીઠ પર માર્યો. તે હજી આ તરફ ફર્યો જ હતો ત્યાં તો કૌશલ દોડ્યો અને કૂદ્યો પેલા પર. તે પણ અણધાર્યા હુમલાને કારણે ચોંક્યો હતો. કૌશલ તેને લઈને નીચે પડ્યો. આ માણસને સ્થિતિની ભાળ મેળવતાં વધુ સમય ન લાગ્યો. આ માણસ ઘણો ચપળ અને ઘણો શક્તિશાળી હતો... તેણે જોયું કે એની છાતી પર ચડી બેઠેલાં છોકરાંએ ખીસામાંથી ચપ્પુ કાઢીને તેની સામે ધર્યું હતું. પાછળ ઊભેલાં કૃશાલને પણ તેણે જોઈ લીધો હતો. કૃશાલે પણ ચપ્પુ કાઢ્યું. એ માણસે નીચે પડ્યા-પડ્યા કૃશાલ સામે એવી નજરે જોયું કે જાણે કંઈ આશ્ચર્યજનક ઘટના તે તરફ બની હોય. એના કારણે કૌશલે એ તરફ નજર ફેરવી. આ જ તકનો લાભ ઊઠાવીને એ માણસે ઝાટકા સાથે કૌશલના હાથમાંથી ચપ્પુ દૂર ફેંકી દીધું અને કૌશલને પણ આઘો ફેંક્યો. એ જ સમયે કૃશાલ એ માણસ તરફ ચપ્પુ ધરીને દોડ્યો. આણે સૂતાં-સૂતાં જ પોતાની તરફ આવી રહેલા કૃશાલના હાથ પર લાત મારી અને કૃશાલના હાથમાંનું ચપ્પુ હવામાં ઉલળ્યું. કૃશાલે ઉછળતાં ચપ્પુ તરફ જોયું અને આણે તેના પેટમાં જોરદાર લાત મારી. કૃશાલ પેટ પર હાથ દબાવીને નમી પડ્યો. કૌશલ ઊભો થવા ગયો ત્યાં આ માણસે તેની છાતી એક મુક્કો મારીને તેને પાછો સૂવડાવી દીધો. ને આ માણસ ઊભો થયો.. હાથમાં ચપ્પુ લઈને...
(વધુ આવતા અંકે)