Kashtmar care centre part 2 in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | કષ્ટમર કેર સેન્ટર પાર્ટ 2 : આયજ તો તારા કૂયતરાંને ભડાકે દેવું...!

Featured Books
Categories
Share

કષ્ટમર કેર સેન્ટર પાર્ટ 2 : આયજ તો તારા કૂયતરાંને ભડાકે દેવું...!

'કષ્ટ'મર કેર સેન્ટર પાર્ટ 2 : આયજ તો તારા કૂયતરાંને ભડાકે દેવું...!

હેલ્લો, કૂયત્રાંવાળા બોલે?

હેં?

શું હેં? વેખલીની...

વોટ ડુ યુ મિન સર?

હવે ડુ યુ મિનની ક્યાં કરે સો...

કંઈ સમજાઈ નથી રહ્યું સર...

એ તો મને ય નથી સમજાતું. મન તો થાય છે કે તમારાં કૂયત્રાને ભડાકે દઉં. કાં મારા જ લમણે ભડાકો કરું.

કોનું કૂતરું? શેનો ભડાકો? તમે કસ્ટમર કેરમાં ફોન કર્યો છે સર.

હા, તે તમે પેલાં કૂયત્રાંવાળા જ ને... તમારી જાહેરાતમાં નથ કેતાં કે અમે જ્યાં જાહુ ન્યા તમારું કૂયતરું ય ભેળું આવશે... છે ક્યાં ઈ નાગીનુ...? એને તો ભડવાને ભડાકે દેવું આજે...

અં... ત...ત...ત્ત...મારું નામ જણાવશો સર?

તારો બાપ જોરુભા બોલું.

સર...?

હવે સરની ક્યાં મા દે સો...? આ તમારું કૂયત્રું ક્યાં મરી ગ્યું ઈ કે...

વળી કૂતરું? તમારી કમ્પ્લેન શું છે? હું તમારી શું મદદ કરી શકું?

એ આંયા નેટવર્ક નથી આવતું નેટવર્ક. તમારાં કૂયતરાંની મા મરી ગઈ સે...

કોની મા?

તારી માઆઆ.... અંઅ... એ કવ સૂ આ નવરીનું નેટ નથ હાલતું....

તમને પડેલી તકલીફ બદલ માફી ચાહું છું સર. અમે તમારી તકલીફ સમજીએ છીએ.

શું ધૂળ હમજો હો...? આ તાર' બાને હેલારો હાંભળવો ને મારે રાવણહથ્થાનો ડાયરો જોવો... પણ આ ફોન માથે નકરા ભમેળા જ ફૈર્યે રાખે સે...

શું સાંભળવું છે સર?

હાંભળવાની તું થઈ સે, મારા મોંઢાની.... એ હેલારો હાંભળવો સે ને રાવણહથ્થાનો ડાયરો જોવો સે...

શેનો હાથો સર?

એ હાથો નૈ વેખલીની હથ્થો...રાવણહથ્થો....

સર, હું અમારા મોટા સાહેબને ફોન ટ્રાન્સફર કરી આપુ છું. તમે અમારા ઉચ્ચ અધિકારીને તમારી સમસ્યા કહી શકો છો.

હા, દે ઈ નીચના પેટનાને ફોન દે.... આપણને બાય માણા હાયરે જાજી લપ કરવી ફાવે નૈ...જણ ગુડાણો હોય તો બે-ચાર ગાયરું ય કાઢી હકાય. તું બટા ફોન દે ઈને...

(ઈનબિટવિન કસ્ટમરકેર સેન્ટરમાં...)

સર, કોઈ ભયંકર ઉલ્ટી ખોપડીના કસ્ટમરનો ફોન છે.

એમ? શું કહે છે?

ખબર નહીં, સમજાતુ નથી પણ કંઈક કૂતરૂં, ભડાકો, ચુનો ને કાથો ને એવી બધી લવારી કરે છે...

ઓહ...નો....'હ'નો 'હ' બોલે છે?

હા, 'હ'નું ઉચ્ચારણ કંઈક વિચિત્ર જ છે.

માયરા ઠાર... કાઠીયાવાડમાંથી જ કોલ છે ને?

હા, રાજકોટ પાસેનું કોઈ ગામ છે. કહું...

મરી ગયાં. કર ટ્રાન્સફર.

(ફોન ટ્રાન્સફર થાય છે.)

નમસ્કાર, હું નરેન્દ્ર બોલું છું. શું મારી વાત મિસ્ટર જોરુભા સાથે થઈ રહી છે?

મેં કઈરો સે તો હું જ બોલું ને... કાંય ડોલાન્ડ ટરમ્પ થોડો બોલે...અમ્બેરિકાથી...

જી, બોલો સર? હું તમારી શું સેવા કરી શકું?

હું નામ રાયખા...?

એટલે?

એટલે તારું નામ હું?

જી, નરેન્દ્ર.

નરેન્દ્રની આગળ ‘જી‘ કે પાછળ?

હેં?

કંઈ નૈ...કિયું ગામ?

હેં સર?

એટલે તું રે સો ક્યાં ઈ કે?

...પ...પણ કેમ સર?

રૂબરુ મળવું તને... તું કે તો ખરો...

ત...ત્ત...તમારે મ...મને કેમ મળવું?

તને કોથળો ઓઢાળીને મારવો ભડવા... તને ને તારા કુયતરાં બેય ને....આયજ તો ભડાકે દેવું ઈને...

સર, પ્લીઝ...

પ્લીઝનો ક્યાં હગલો થાશ? નેટવર્ક નો આવતા હોય તો હું કૂયતરાં લઈ હાલી મઈરા હોવ સો...

(અચાનક જ ફોન કટ થઈ જાય છે.)

(કસ્ટમર કેર સેન્ટરમાં...)

એ નંબર પરનો ફોન લેતા નહીં કોઈ હવે. એ પોર્ટેબિલિટી કરાવી લે તો ય ભલે.

સર, હું તો રાજીનામું આપી દઈશ, પણ એ નંબર પર વાત નહીં કરું.

...પણ પેલું કૂતરાંવાળું શું હતું?

લે આ નંબર તું જ પૂછી લે...

સન્નાટો...!

ફ્રી હિટ :

હેલ્મેટ કરતાં મતપેટી મોટી હોય. બહુ મોટી. હોવ...હમ્બો...હમ્બો...!