૧૫ જાન્યુઆરી, ૨૦૧૯
સામાન્ય સંજોગોમાં આવી ક્ષણે કોઇ પણ વ્યક્તિની આંખો બંધ જ થઇ જાય. મારી પણ બે ચાર સેકન્ડ માટે તો બંધ જ રહી, પણ પછી મેં ખોલી અને તો પણ મને અંધારું જ દેખાયું. મારા માટે એ નક્કી કરવું અઘરું હતું કે હજી મારી આંખ બંધ જ છે કે ખરેખર ચારેબાજુ અંધારું છે! જો કે મને કશી ચિંતા નહોતી, અને હું કશું બોલી શકું એમ પણ નહોતો. નિમિષાના હોઠ હજુ પણ મારા હોઠ પર જ હતાં. એનાં હોઠની મધ્ય સપાટી જાણે મારા હોઠ પર કશું શોધી રહી હતી. એ સુંવાળી લાગણી મારા હોઠના એક ખૂણેથી બીજા ખૂણે અને ફરી પરત એમ સતત ફરી રહી હતી. અને આ ગતિ ધીરે ધીરે મંદ થઇ રહી હતી. આખરે એના હોઠની પાંખડીઓ મારા હોઠની મધ્ય પર આવીને અટકી ગઈ. હલચલ બંધ થઈ ગઈ. અને કંપન ચાલુ થયું. એના અધરની ફરફરાહટ જાણે મારા હોઠ પર કોઇ પતંગિયું બેઠું બેઠું કશું ગણગણતું હોય એવી મને લાગી. હું સમજી ના શક્યો કે આ પતંગિયું મારા હોઠ પર વર્ષોથી બેઠું છે તો પણ મને એક પળ જેવું લાગી રહ્યું છે કે એક પળથી જ બેઠું છે અને મને વર્ષોનો અનુભવ થઇ રહ્યો છે! ચાર હોઠ વચ્ચેની ગુફ્તેગો જાણે કલાકો સુધી ચાલતી રહી.એ દરમિયાન મને કોઈ જ વિચાર ન આવ્યો. ખાલી એટલી ખબર પડી કે, આંખ ખોલ્યા છતાં અંધારું લાગવાનું કારણ એ હતું કે હું મારા 'ડબલ બેડ' પર સૂતો હતો અને એણે એનો ચહેરો મારી નજીક લાવતા લાવતા એના લાંબા વાળ ચારે તરફ ફેલાવી દીધા હતાં. એના ગાઢ વાળની દીવાલો વાળી અને એના ચેહરાની છત વાળી આ ઝૂંપડીમાં અમારા હોઠ એકરસ થઈ ચૂક્યાં હતાં. નિમિષાએ પોતાના હોઠ સહેજ ખોલ્યાં, અને રાહ જોવા લાગી કે હું મારો ઉપરનો કે નીચેનો કોઇ પણ હોઠ તેમાં સમાવી દઉં. એટલે કે કુલ ચાર ભેગા થાય અને હોઠની સેન્ડવીચ બને... ના, ચારેય હોઠ એક ઉપર એક હોય એટલે બર્ગર કહેવાય. આવા બિન પ્રાસંગિક વિચારો ચાલુ જ હતાં અને હું એના ચહેરા સામે જોઈ રહ્યો, એ ચુંબનમાં વ્યસ્ત હતી. બીજી કોઈ દુનિયામાં હતી, એકલી. હું તો હજી અહીંયા જ હતો. મારા હોઠ પર એનું નકશીકામ, શિલ્પકામ જે ગણો એ ચાલ્યા જ રાખ્યું, મને શ્વાસ લેવાના ફાંફા પડે તે રીતે.
મેં વિચાર્યું કેટલા વાગ્યા હશે? અઢીની ઉપર તો થયા જ હશે. મારા ફ્લેટ પર એને લઈને આવ્યો ત્યારે જ બે વાગવાની તૈયારી હતી. પછી તો મેં ચા બનાવીને પીવડાવી એની પંદર વીસ મિનિટ ગણો. વોલ ક્લોક પર ટાઇમ જોવો હોય તો પહેલા તો મારે મારા હોઠ છોડાવવા પડે, પછી વાળોનું આવરણ ખસેડવું પડે. કોઇપણ સ્ત્રી રતિક્રિડામાં મગ્ન હોય ત્યારે તેને ધ્યાનભંગ કરવી એ નૈતિકતાથી વિરુદ્ધ કહેવાય. એ વિચારે બીજો અડધો કલાક નીકળી ગયો, અને નિમિષા વધુ ને વધુ ધ્યાનસ્થ થતી ગઈ. આજે એ મને પહેલી જ વાર મળી હતી અને પૂર્ણ થવા જ આવી હતી.
આખરે જ્યારે હું ઘડિયાળ જોવા જેવો થયો ત્યારે શર્ટના બટન બંધ કરતાં કરતાં મેં જોયું કે ત્રણની ઉપર પાંચ મિનિટ થઈ હતી. એણે તો એનું જીન્સ અને ટોપ પહેરી જ લીધા હતાં. કેટલી નાની અને નમણી છોકરી છે આ! પણ આવી ત્યારે જેવી મલકતી, શરમાતી, ઉત્સાહી રેખાઓ ચહેરા પર હતી એ ઉદાસીમાં બદલાયેલી હતી. મેં ડ્રોઅર ખોલીને બાઇકની ચાવી કાઢી ત્યાં સુધીમાં એ ખભે પર્સ લટકાવી ડ્રોઇંગરૂમ તરફ પહોંચી ગઈ હતી. 'જરુર નથી હું જાતે જતી રહીશ', રડું રડું થતા અવાજમાં એ બોલી. 'શું થયું તને?' જવાબ જાણતા જ હોઈએ છતાં સવાલ પૂછવાનું આવું દુ:સાહસ ઘણી વાર અનિવાર્ય હોય છે. 'તમને હું પસંદ જ નહોતી તો શું કામ છેલ્લા બે મહિનાથી મારી સાથે ચેટીંગ કર્યું? ફ્રેન્ડ રીક્વેસ્ટ પણ તમે જ મોકલી હતી. મારી સાથે ચીટીંગ કર્યું ને?' ડૂસ્કું માંડ માંડ રોકીને બોલાયેલા વાક્યો હતાં. 'અરે! તું મને પસંદ જ છે, આ તો આજે હું એ મુડમાં ના આવી શક્યો.' મને લાગ્યું કે મારો આ બચાવ એણે પૂરો સાંભળ્યો પણ નહીં હોય. 'મને બધી ખબર પડે છે... મને રૂબરૂમાં જોઈને તમને મારી સાથે ઈચ્છા જ ના થઈ... ખબર છે મારી પાછળ કેટલાં છોકરાઓ પાગલ છે!... અને તમને મળ્યા પહેલા જ હું તમારી પાછળ ગાંડી થઇ ગઇ...' રડવાના તૂટક અવાજો હવે આવવા લાગ્યા હતાં.
માંડ માંડ એને શાંત પાડીને હું બસ સ્ટેન્ડ મૂકી આવ્યો. સાંજે બાલ્કનીમાં ઉભો રહીને વાસી ઉતરાયણના પતંગો જોઇ રહ્યો હતો. પતંગની જેમ બધી ઈચ્છાઓ ઉંચે ઉડી ઉડીને અને એકબીજાને કાપી કાપીને અંતે તો નીચે જ આવતી હોય છે અથવા તો ક્યાંક ઝાડવામાં ફસાઈને ફાટી જતી હોય છે. મોબાઈલ કાઢીને જોયું, આજે તો પતંગ ઉપર ઘણી બધી કવિતાઓ ફેસબુક પર જોવા મળશે! ચાલ ને, હું પણ એકાદ લખી નાખું.