Once Upon a Time - 152 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 152

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 152

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 152

‘વર્લ્ડ ટ્રૅડ સેaન્ટર પરના હુમલાથી દાઝેલું અમેરિકા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકળાયેલા બદમાશોને ભીંસમાં લેવાની દિશામાં આગળ વધી રહ્યું હતું ત્યારે ભારતની નજર દાઉદ ઉપરાંત તેની ગેંગમાંથી છૂટી પડીને નવી ગેંગ બનાવનારા અને ભારત માટે માથાના દુખાવા સમા બનેલા કેટલાક ગેંગલીડર્સ પર પણ હતી. વિદેશમાં ધામા નાખીને બેઠેલા અબુ સાલેમ પર પણ હતી. 18 સપ્ટેમ્બર, 2002ના દિવસે પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં પોતાની હિરોઈન પ્રેમિકા મોનિકા બેદી સાથે ઝડપાઈ ગયેલા અબુ સાલેમને પ્રત્યાર્પણ દ્વારા ભારત પાછો લાવવા માટે ભારત સરકાર મથામણ કરી રહી હતી.

જોકે 2003ના અંત સુધી ભારત સરકારના પ્રયાસ સફળ થયા નહીં. 28મી નવેમ્બર, 2003ના દિવસે પોર્ટુગલની કોર્ટે બનાવટી પાસપોર્ટ રાખવાના આરોપ હેઠળ અબુ સામેલ અને મોનિકા બેદીને ચાર વર્ષની જેલસજા ફટકારી. એ પછી બીજી ડિસેમ્બર, 2003ના દિવસે પોર્ટુગીઝ કોર્ટે અબુ સાલેમની પ્રેમિકા મોનિકા બેદીના પ્રત્યાર્પણ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું.

***

આ દરમિયાન દાઉદ વિશે પાકિસ્તામાં ઈન્વેસ્ટિગેશન કરવા ગયેલા અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લના અપહરણને કારણે દાઉદ ફરી એક વાર ચર્ચામાં આવી ગયો. અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લ પાકિસ્તાની પત્રકારોની મદદથી ઓસામા બિન લાદેનનું પગેરું શોધવા પાકિસ્તાન પહોંચ્યા હતા. એ અગાઉ આઈએસઆઈએ દાઉદની પાકિસ્તાનમાં હાજરી વિશે તથા તેની અંડરવર્લ્ડની પ્રવૃત્તિ વિશે લખનારા ‘ન્યૂઝ લાઈન’ના પત્રકાર ગુલામ હુસેન પર ટોર્ચર કર્યું હતું. એ વાતની ડેનિયલ પર્લને ખબર પડી. એટલે લાદેનને પડતો મૂકીને પર્લ હિંમતભેર દાઉદની પાછળ પડી ગયા. દાઉદ વિશે તેમણે ઢગલાબંધ માહિતી શોધી કાઢી. પણ એ પછી અચાનક તેમનું અપહરણ થઈ ગયું.

દાઉદનાં કરતૂતોની માહિતી છાપનારા, ‘ન્યુઝ લાઈન’ના પત્રકાર ગુલામ હુસેનની જેવી હાલત આઈએસઆઈ દ્વારા થઈ હતી એથી પણ વધુ બદતર હાલત ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ જેવા અતિ પ્રતિષ્ઠિત અને પાવરફુલ અમેરિકી દૈનિકના પત્રકાર ડેનિયલ પર્લની થઈ. ડેનિયલ પર્લ ઓસામા બિન લાદેનનું પગેલું શોધવા ગયા હતા. એમાં તેમને દાઉદ અને આઈએસઆઈની સાંઠગાંઠ વિશે માહિતી મળી હતી. ડેનિયલ પર્લનું અપહરણ થયું અને ખૂબ જ ટોર્ચર કર્યા પછી તેમની હત્યા કરી દેવાઈ.

ડેનિયલ પર્લ મુંબઈમાં લાંબા સમય સુધી રહ્યા હતા અને તેમને દાઉદની તાકાતનો અંદાજ હતો, પણ પોતે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ જેવા શક્તિશાળી અખબારના પ્રતિનિધિ હતા એટલે કોઈ વાંધો નહીં આવે એમ માનીને તેઓ પાકિસ્તાનમાં દાઉદ વિરુદ્ધ ઈન્વેસ્ટિગેશન કરવા ગયા અને થાપ ખાઈ ગયા. ડેનિયલ પર્લના કમોત પછી મુંબઈના પત્રકારમિત્રોએ એક નાનકડી શોકસભાનું આયોજન કરીને પર્લને આદરાંજલિ અર્પી હતી. પણ કોઈ મુમ્બૈયા પત્રકારે એ શોકસભામાં એવો ઉલ્લેખ પણ કર્યો નહીં કે ‘ડેનિયલ પર્લ જીવની બાજી લગાવીને પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહિમ વિશે ઈન્વેસ્ટિગેશન કરવા ગયા હતા એટલે તેમણે કમોતે મરવું પડ્યું અને તેમના મૃત્યુ સાથે પાકિસ્તાનમાં દાઉદના નેટવર્ક વિશેનાં ઘણા કલ્પનાતીત રહસ્ય પણ ધરબાઈ ગયા!’

દાઉદ પાકિસ્તાનમાં જ છે એવું સાબિત કરવા મથનારા અનેક પત્રકારોની હાલત ગુલામ હુસેન અને ડેનિયલ પર્લ જેવી થઈ હતી. આ મુદ્દે દાઉદના માણસો કરતાં પણ આઈએસઆઈના અધિકારીઓ વધુ સતર્ક રહેતા હતા. પાકિસ્તાનમાં દાઉદની હાજરી છુપાવવા માટે આઈએસઆઈએ અપહરણ, ધાકધમકી અને જૂઠ્ઠાણાંથી માંડીને ખૂન-ખરાબા સુધીના ખેલ કરવા પડતા હતા. એમાંય અમેરિકાએ દાઉદને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કર્યો એ પછી તો આઈએસઆઈ અને પાકિસ્તાન સરકારે પાર વિનાના જૂઠ્ઠાણાં ચલાવવા પડ્યાં હતાં. અમેરિકાએ દાઉદને વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યા પછી આઈએસઆઈએ દાઉદના દોસ્ત એવા કેટલાક પત્રકારો દ્વારા એવી અફવા ફેલાવી કે આઈએસઆઈએ દાઉદનું સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે!

તો વળી એવા સમાચારો પણ વહેતા થયા કે આઈએસઆઈની ગુડ બુકમાંથી દાઉદ ઈબ્રાહિમનું નામ નીકળી ગયું છે. આઈએસઆઈએ દાઉદની મીડિયા લિન્ક દ્વારા એવું તિકડમ્ પણ ચલાવ્યું કે અમેરિકાના દબાણને કારણે દાઉદ અને છોટા શકીલ પડદા પાછળ જતાં રહ્યા છે અને તેમણે ગેંગની જવાબદારી વિશ્વાસુ માણસોને સોંપી દીધી છે. ‘અમેરિકાના દબાણને કારણે દાઉદને અપાયેલું આઈએસઆઈનું સિક્યુરિટી કવચ પાછું ખેંચી લેવાનો આદેશ ખુદ જનરલ પરવેઝ મુશર્રફે આપ્યો એ પછી દાઉદ અને શકીલ પાકિસ્તાનમાં રાવલપિંડી અને લાહોર વચ્ચે અપડાઉન કરી રહ્યા છે અને તે બન્ને ગમે ત્યારે પાકિસ્તાન છોડી નાસી છૂટે એવી શક્યતા છે’ એવા સમાચારો પણ કેટલાક ભારતીય અખબારોમાં છપાયા.

જો કે હકીકત એ હતી કે દાઉદ એ વખતે કરાંચીના ક્લિફ્ટન વિસ્તારમાં જ રહેતો હતો અને આઈએસઆઈના ડઝનબંધ માણસો તેની સિક્યુરિટીની જવાબદારી સંભાળી રહ્યા હતા. દાઉદને પાકિસ્તાન છોડીને જવાની ફરજ પાડવાની વાત તો ત્યાં રહી, દાઉદને ભારતને હવાલે કરી દેવાનું દબાણ પાકિસ્તાનના કેટલાક ત્રાસવાદી સંગઠનો અને પાકિસ્તાની અંડરવર્લ્ડના ખેરખાંઓ આઈએસઆઈ પર કરી રહ્યાં હતા, પણ આઈએસઆઈના અધિકારીઓ તેમને દાદ આપતા નહોતા.

જો કે આ દરમિયાન દાઉદે છોટા રાજનને કારણે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો!’

(ક્રમશ:)