Hu raahi tu raah mari - 30 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 30

Featured Books
Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 30

રાહી દુખી થઈને શિવમથી દૂર રહેવા મુંબઈ તો આવી ગઈ પણ તેનું મન ત્યાં પણ નહોતું લાગતું.તે હોટલના મોટા બેડ પર સૂતી સૂતી શિવમના ફોટા જોઈને રડ્યા કરતી હતી.છેલ્લા થોડા દિવસમાં બધી વાતો કરીને ખંજનને પણ તેણે પરેશાન કરી દીધો હતો . હવે તેની પાસે ખંજનને કરવા માટે પણ કોઈ ફરિયાદ નહોતી.આમ પણ માણસનું મન પણ ફરિયાદ કરતાં થાકી જાય ત્યારે તે પરિસ્થિતી સ્વીકારી જ લે છે.રાહીએ પણ પરિસ્થિતી સ્વીકારી લીધી કે શિવમના જીવનમાં તે તેની એક સારી મિત્ર જ હતી તે વાત અત્યારે તેણે સ્વીકારી જ લીધી.તેણે પોતાના આંશું લૂછયા અને પોતાની જાતને સમજાવી.ભલે તે શિવમને પ્રેમ કરતી હોય પણ તેણે શિવમને ક્યારેય આ વિષે વાત જ નથી કરી તો શિવમનો શું ગુનો?તેણે અત્યાર સુધીમાં શિવમના ૫ ફોન ઉપાડ્યા નહોતા.રાહીએ જ્યારે હોટલમાં ચેક-ઇન કર્યું ત્યારે લગભગ વહેલી સવાર જેવુ હતું.તે રડીને આટલી થાકી ગઈ હતી કે તેણે પોતાના જમવા વિષે કે મમ્મી-પપ્પાને ફોન કરવા વિષે પણ ધ્યાન આપ્યું નહોતું.રાહીએ બારીનો લાંબો પરદો હટાવીને જોયું તો મુંબઇનો ટ્રાફિકવાળો રસ્તો,બીચ પર ફરવા આવેલા પ્રેમીઓ,કોલેજ મિત્રો , પાણિપુરીવાળાઓની લાઇનમાં ગોઠવાયેલી લારીઓ દેખાયું.મુંબઈની એક રંગીન સાંજ થઈ ચૂકી હતી સાથે ઘડિયાળનો કાંટો પણ ૫:૦૦ વાગ્યાનો સમય બતાવી રહ્યો હતો.રાહીને ખબર હતી કે પોતે એકલી રહેશે તો ઘણી સ્વસ્થ થઈ જશે.રાજકોટ જ રહી હોત તો સતત શિવમના જ વિચાર કરતી રહી હોત.જો કે અત્યારે પણ શિવમના વિચાર તો ચાલુ જ હતા પણ મન હવે શાંત થયું હતું.અહિયાં જેટલું મન મૂકીને રડી તેટલું ઘરે ન રડી શકી હોત.આમ પણ માણસ જ્યારે એકલો રહે અને કોઈપણ પરેશાની વિષે પોતે જ તેમાંથી નીકળવાનો રસ્તો શોધે ત્યારે તે એક મોટી સફળતા હોય છે.પણ તેના માટે થોડીવાર એકલું રહેવું ખૂબ જરૂરી હોય છે.રાહીને પોતાનું મુંબઈ આવવું સફળ લાગ્યું.તેને હવે ભૂખ પણ લાગી રહી હતી.જમવાનું ઓર્ડર કરી તેને ઘરે પાછા ફરવા વિષે પણ વિચાર્યું.રાહીને ટ્રેનમાં સફર તો ખૂબ જ ગમતી હતી આથી તેણે ઉતરાયનના બીજા દિવસે ઘરે જવા માટે તપાસ કરી તો કોઈ સીટ ખાલી નહોતી.રાહીને ઉતરાયણ પહેલા તો ઘરે જવું જ નહોતું પણ મમ્મી-પપ્પાની પણ યાદ આવતી હતી પછી તેણે ઉતરાયનના આગલા દિવસની મતલબ કે કાલની જ તારીખમાં તપાસ કરી તો સીટ મળી આવી.આ તે જ ટ્રેન હતી જ્યારે શિવમ પહેલી વખત ટિકિટ ચેકર બનીને આવ્યો હતો.રાહીને શિવમની ફરી યાદ આવી ગઈ.
*****************
ખંજન તે જ બપોરે રાહીના ઘરે પહોચી ગયો હતો.રાહી ઘરે નહોતી છતાં ખંજન આવ્યો તેથી વીણાબહેનને થોડું વિચિત્ર લાગ્યું.રાહીના પપ્પાએ ખંજનને આવ્કાર્યો.વિરાજ ખંજનને પોતાના રૂમમાં ફ્રેશ થવા માટે લઈ ગયો ત્યાં વીણાબેહેને જમવાનું તૈયાર કર્યું.જમીને બધા બેઠા પછી ખંજને પોતે અહી રાહી પાસે ઉતરાયણ કરવા આવ્યો છે તેમ જણાવ્યુ.
“બેટા રાહી તો મુંબઈ ગઈ છે.તમારી વાત નથી થઈ?”વીણાબહેન.
“ હા અમારી વાત થઈ ગઈ છે.પણ મારે રાહીને મળવું હતું અને રાહીની ગેરહાજરીમાં તમારી સાથે એક વાત પણ કરવી હતી માટે રાહીના આવવા પહેલા જ હું અહી આવી ગયો.”ખંજન.
રાહીના ઘરના લોકો વિચારમાં પડી ગયા કે એવી તે કઈ વાત છે જે ખંજન રાહીની ગેરહાજરીમાં કરવા માંગે છે? પછી ખંજને રાહી અને શિવમ વિષે તેમના ઘરના લોકોને વાત કરી. રાહી અહી રહી શિવમ સાથે વાત કરવા કેટલી તડપતી અને બીજા સાથે શિવમના સંબંધ છે તે સ્વીકારી નહોતી શકતી તે જણાવ્યુ.
“શિવમ પોતાની મમ્મી-પપ્પાને પણ આ ઉતરાયણ પર બોલાવી પોતાની પ્રેમિકા અને તેના પરિવારને લગ્ન વિષે વાત કરવાનો છે અને આ માટે શિવમ રાહીની મદદ ચાહે છે કેમ કે શિવમને હવે રાહી પર ખરો વિશ્વાસ થઈ ગયો છે કે જેમ રાહીએ તેને તેનો પહેલા પ્રેમ સંબંધ ભૂલવામાં મદદ કરી તેમ તેને આ નવો સંબંધ શરૂ કરવામાં પણ મદદ કરશે.માટે રાહી આ બધી પરિસ્થ્તિનો સામનો કરવો ન પડે માટે તે મુંબઈ જતી રહી છે.હું કહેત તો રાહી અમદાવાદ ન જ આવે માટે મારે આવવું પડ્યું.”ખંજન.
“સારું થયું બેટા તું આવ્યો.હું રાહીને કોઈ પણ હાલતમાં દુખી નથી જોવા માંગતો.મને વિશ્વાસ છે કે રાહી તારી સાથે રહેશે તો ખુશ રહેશે.” જયેશભાઈ.
“પણ રાહીનો સવારથી ફોન પણ નથી આવ્યો મને ખૂબ જ ચિંતા થાય છે.” વીણાબહેન.
“આંટી ચિંતા નહીં કરો. રાહી શાંત થશે ત્યારે પહેલા તમને જ યાદ કરશે.”ખંજન.
***********************
શિવાંશ અને દિવ્યાબહેન પણ તે દિવસે સવારે જ રાજકોટ આવી ગયા હતા.શિવમને દિવસની નોકરી હતી. આથી તે સાંજના સમયે ઘરે આવી ગયો હતો.આજ શિવમે મમ્મી અને શિવાંશ માટે જમવાનું બનાવવાનું નક્કી કર્યું હતું.શિવમે ખાસ શિવાંશને ભાવતા સમોશા બનાવ્યા હતા.શિવાંશ પણ તેના ભાભીને લઈને ખૂબ જ ઉત્સુક હતો.જમીને બધા વાતો કરવા બેઠા.
“ભાઈ હું ભાભીને મળવા માટે ખૂબ જ ઉત્સુક છું.ચાલોને કાલે જઈને જ તેમને મળીને બધી વાત નક્કી કરી લઈએ.”શિવાંશ.
“કાલ શું મારી ઈચ્છા તો આજની જ છે પણ કોઈ કામ એવા હોય જે યોગ્ય સમયે થાય તે જ બરાબર હોય છે.”શિવમ.
“ભાઈ હું ભાભીને પહેલી વખત મળીશ.મે તેમના માટે દેવા માટે ગિફ્ટ પણ લીધું છે.અચ્છા મને ભાભીના ફોટો તો બતાવો.હું પણ તો જોવ મારા થનારા ભાભી કેવા છે?”શિવાંશ.
“મારા ફોનમાં રાહીના નામે એક ફોલ્ડર છે તેમાં તેના બધા ફોટા છે.તું મન ભરીને જોઈ લે.”શિવમ.
“ બેટા તું આખો દિવસ આજ તો નહોતો પછી હું અને શિવાંશ થોડી શોપિંગ કરી આવ્યા.આમ તો જરૂરી જે વસ્તુ હતી તે બધી તો હું સુરતથી જ લાવી છું પણ બાકીની જે રાહી માટે થોડી શોપિંગ કરવાની હતી તે પણ કરી અને હવે તું કહે તમારા સંબંધો ક્યાં સુધી પહોચ્યા છે? કોઈ વાત થઈ રાહી સાથે પછી?”દિવ્યાબહેન.
“બહુ ખાસ નહીં મમ્મી.તે હમણાં મારા ફોન ઉઠાવતી જ નથી.છેલ્લે મે લોંગ ડ્રાઇવમાં તેની સાથે વાત કરી તે કરી ત્યારથી મે તેની સાથે સરખી વાત પણ નથી કરી.મને તો જરા પણ નથી ગમતું.પણ હા એક વાતનો સંતોષ છે કે રાહીની આ વાત પરથી મને હવે નક્કી થઈ ગયું છે કે તે પણ મને તેટલો જ ચાહે છે જેટલો હું તેને.પણ હું કોઈના પ્રેમમાં છું તેમ જાણી પોતાની ખુશી છુપાવી મારી ખુશી અને મારા પ્રેમ ખાતર તે મારાથી દૂર થઈ ગઈ.”શિવમ.
“મને રાહીનો આ ગુણ સૌથી વધારે ગમ્યો.પોતાની ખુશી માટે સૌ કોઈ પ્રયત્ન કરે પણ કોઈની ખુશી માટે પોતાની જાતને સંયમીત રાખે તે વાત દરેક વ્યક્તિમાં નથી હોતી.મને ખુશી છે તે વાતની કે મારી થનારી પુત્રવધૂમાં આ ગુણ છે.”દિવ્યાબહેન.
“મમ્મી હવે નથી વધારે રહેવાતું તેના વગર.ખબર નહીં હું તેને ક્યારે જણાવી શકીશ મારા મનની વાત?”શિવમ.
“બેટા તારા પપ્પા આવે કે તરત જ અમે રાહીના પરિવારને મળવા માટે જશું.બસ હવે થોડી રાહ જોઈ લે રાહીની.”દિવ્યાબહેન.
*******************
રાહીએ જમીને તરત જ ઘરે ફોન કર્યો.મમ્મી-પપ્પા બંને સાથે વાત થઈ જતાં રાહીને હવે સાવ હળવાશ લગતી હતી પણ શિવમની યાદ પહેલા કરતાં પણ વધી ગઈ હતી.રાહી તે જગ્યા પર આવી જ્યાં શિવમ અને પોતે પહેલી વખત મળ્યા હતા.રાહીએ તે જગ્યા પર જઈ વિચાર્યું કે પહેલી અને છેલ્લી મુલાકાત.પછી તો શિવમ ફ્રી પણ નહીં થાય મારી સાથે વાત પણ કરવા માટે...માટે હું જ તેની આદત અત્યારથી જ છોડવાની કોશિશ કરીશ...તો શું થયું કે હું તેને પ્રેમ કરું છું?શિવમ એક સ્વતંત્ર વ્યક્તિ છે.તે પણ કોઈને ચાહી શકે છે. “કોશિશ કરીશ તારી ખુશીઓમાં તારો સાથ આપવાની પણ ન થાય તો શિવમ માફ કરજે.કેમ કે તારા દુખની સહભાગી થવાની હિંમત હતી પણ સુખમાં કદાચ થોડું મુશ્કેલ થશે.” રાહી શિવમનો ફોટો પોતાના ફોનમાં જોતાં કહી રહી હતી.
*********************
શિવાંશ અને દિવ્યાબહેન સૂઈ ગયા પછી શિવમ ઉતરાયણના દીવસનો પ્રોગ્રામ બનાવવા લાગ્યો.પપ્પા-મમ્મીને રાહીના ઘરે જવાનું કહીશ.મારે તો મોરબી જવાનું છે.હું રાહીને સવારે જ મારી સાથે મોરબી લઈ જઈશ.ત્યાં જ હું રાહીને બધી હકીકત જણાવી દઇશ.સાથે હેમ માં શું કહે છે તેની પણ સાથે જ ખબર લગાવી લઈશું.પણ હેમ માં શું કહેશે?શિવમને લાગ્યું કે પોતે પોતાના જીવનના સૌથી આકરા સમયમાથી પસાર થઈ રહ્યો છે.તેને રાહી સાથે વાત કરવાની ઈચ્છા થઈ પણ તે ફોન નહીં જ ઉઠાવે માટે શિવમે પોતાના કાબોર્ટમાથી એક બોક્સ કાઢ્યું.એક સુંદર હીરાની અંગૂઠી હતી તેને જોઈને કહ્યું, “રાહી તું મારી રાહ છો...બસ હવે થોડી જ વાર.”
***********************
રાહી તે રાત્રે ટ્રેનમાં ફરી રાજકોટ આવવા માટે બેઠી.આજ તો શિવમ આવવાનો પણ ન હતો ટિકિટ ચેક કરવા માટે. 1 દિવસ પછી હજુ ઉતરાયણ હતી.ખંજનને પણ ફોન કર્યો.તે પણ રાજકોટ નથી આવવાનો.ખબર નહીં પણ હવે રાહીને લાગ્યું કે પોતાનો સાથ તો પોતે જ આપવો રહ્યો.
******************
સવારે સ્ટેશન પર પપ્પા સાથે ખંજનને પણ આવેલો જોઈ રાહી એકદમ ખુશ થઈ ગઈ.જયેશભાઇ પણ કઈ નથી બન્યું તેમ જ વર્તતા હતા.તેમણે બધાને નોર્મલ રહેવા અને શિવમ વિષે વાત નહીં કરવા પહેલેથી જ કહી દીધું હતું. રાહીએ ઈશારાથી કઈ ઘરે કહ્યું તો નથીને? તેમ પૂછ્યું.ખંજને પણ નકારમાં જ જવાબ આપ્યો.રાહી અને ખંજન પૂરો દિવસ સાથે રહ્યા.રાહી ખુશ તો હતી પણ જે ખુશી તેને શિવમ સાથે મળતી તે કદાચ કોઈ તેને નહીં આપી શકે તેવું તેને લાગ્યું.પણ હવે તો શિવમને ભૂલવો જ રહ્યો.જ્યારે શિવમ યાદ આવતો ત્યારે રાહી કૃષ્ણ ભગવાનને મનોમન યાદ કરી તેની ભૂલાવવા માટે પ્રાર્થના કરતો.છેવટે રાતના સમયે ન રહેવાતા શિવમનો ફોન આવતા રાહીએ ઉપાડયો.
“હાય...કેમ છે?શું કરતી હતી?ક્યાં હતી આટલા સમયથી?કેટલી યાદ કરી મે તને ખબર છે?”શિવમથી એકદમ જ બોલાઇ ગયું.
શિવમના “તને કેટલી યાદ કરી” શબ્દથી રાહીના આંખમાંથી આંશું વહી ગયા.તો પણ તેણે નોર્મલ રહીને વાત કરી.તેણે વારે વારે ફોન મૂકવાની કોશિશ કરી પણ શિવમ કોઈને કોઈ વાતને લઈને ફોન પર વાત કર્યે જ જતો હતો.શિવમને રાહીનો અવાજ સાંભળી ખૂબ જ ખુશી થતી હતી.
“કાલ ઉતરાયણ છે.તું તૈયાર રહેજે હું આવીશ તારા ઘરે.મારા માટે તારા માટે એક સરપ્રાઇસ છે.તૈયાર રહેજે.અત્યારે તો હું નાઇટ ડ્યુટીમાં છું પછી વાત કરું.બાય.”શિવમ.
શિવમ સાથે થયેલી વાતો રાહીએ ખંજનને કરી.રાહી ખૂબ દુખી થયેલી થયેલી લાગતી હતી.
“ખંજન શિવમ કાલ સવારે આવશે.મને ખબર છે તે તેની પ્રેમીકાને લગ્ન માટે કાલ પૂછવાનો છે.મારે નથી જવું તેની સાથે.”રાહીએ રડમસ અવાજે કહ્યું.
“તેની સાથે નથી જવું પણ મારી સાથે તો આવીશ ને?” ખંજન.
“મતલબ?”રાહી.
“મતલબ તે કે હું તને એક સરપ્રાઇસ આપવા માંગુ છું અને તે પણ અત્યારે જ....” ખંજન..
“પણ શું?” રાહી.
“તું જ વિચાર .”ખંજન.
રાહી ખંજન સામે અવાક બનીને જોઈ રહી અને ખંજન તેને હાથ પકડી પાર્કિંગમાં લઈ ગયો....