ધીમા અને મક્કમ પગલે નથુરામ ગોડસે આગળ વધ્યો. ચુસ્ત ભારતીય. ખાદીનો જ ડ્રેસ. ખિસ્સામાં હાથ. હળવી ભીડ વચ્ચે તેણે દૂરથી આવતા ગાંધીજીને પ્રણામ કર્યા. હવે ગાંધીજી લોનમાં આવી ચૂકેલા. સાથે ષોડશી મનુબેન અને યુવા તેજ પ્રસરાવતાં સુશીલા નય્યર. કોઈએ સુતરની આંટી અર્પણ કરી તો કોઈએ ફૂલ. ગાંધીજી એક હાથમાં તેમની નિશાની લાકડી અને બીજો હાથ મેદની સામે હલાવતા આગળ વધ્યા. સાંજનો સૂર્ય તેમના મુખારવિંદ પાછળ તેજપુંજ જેવો ચમકતો હતો. તેનાં સીધાં કિરણો ગોડસેના રતુંબડા મુખને ઓર લાલિમા આપી રહ્યા હતા. ગોડસેની આ લાલી ગુસ્સો, અજ્ઞાત ભય, કોઈ ધ્રુજારી કે કયા ભાવને લીધે હતી તે કહી શકાતું ન હતું.
ગોડસે નમ્યો. તેણે નજીકની ભૂમિની રજ લઈ માથે ચડાવી અને.. બીજા ખિસ્સા સાથે દબાવી રાખેલા હાથે પકડી રાખેલી પિસ્તોલનું ટ્રિગર ગાંધીજી સામે તાકયું.. અને.. ધાંય.. એક ધડાકો.
ઓચિંતો ગોડસે હવામાં ઊછળ્યો. તેને લાકડીનો ફટકો વાગ્યો. હવામાં જ તેની બે ગોળી છૂટી ગઈ. ધાંય.. ધાંય..
ગોડસેને ગડદા પાટુ મારવા લોકો ધસ્યા. ગાંધીજીનો ‘બસ’ કે 'સ્ટોપ' મુદ્રામાં હાથ ઊંચો થયો.. અહિંસાના પૂજારી. પોતે જીવી ગયા પછી મારવા પ્રયત્ન કરનારને મારીને શું કામ હિંસા આચરવી?
ગોડસેએ પિસ્તોલ તો તાકી પણ જેને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહીએ તેવી ક્રિયા ગાંધીજીથી થઈ ગઈ. જમણો હાથ લાકડી સાથે ઊંચો થયો અને ફટકો ગોડસેના કાંડા પર વાગ્યો. ગોડસેની પિસ્તોલ એક બાજુ ફેંકાઈ ગઈ અને તેનો પગ લાકડીમાં ભરાતાં તે પડવા ગયો. ત્વરાથી મનુબેને લાકડી ખેંચી જે ગોડસેની કમર પર વાગી. મનુબેને અજાણતાં જ લાકડી ઘુમાવતાં તેને વાગી અને તે ઊછળ્યો હતો.
થવાનું થતાં રહી ગયું. ગાંધીજીની હત્યા થતાં રહી ગઈ.
ગોડસેને પોલીસે પકડ્યો અને લઈ જાય તે પહેલાં ગાંધીજીએ તેને એકાંતમાં બોલાવ્યો. મનુબેનને સાથે રાખ્યાં.
ગોડસે અને મનુબેનની આંખો મળી. એક ક્ષણ તણખા ઝર્યા અને બીજી ક્ષણે બે હીંમતવાન આંખો મળી.
ગાંધીજીએ મનુને સામે ઉભેલા ગોડસે માટે આસન અને પાણી લઈ આવવા કહ્યું. મનુ અંદર તો ગઈ પણ ગોડસેને ગુસ્સાથી તાકી રહી.
ગોડસેએ પ્રથમ બાપુનો ચરણ સ્પર્શ કરવા પ્રયત્ન કર્યો પણ આ વખતે દૂરથી કરવા મળ્યો. ગોડસેએ કહ્યું કે તે ગાંધીજીને ખૂબ આદર આપે છે પણ તેમણે મુસ્લિમોને વધુ પડતું મહત્વ આપી દીધું છે અને આમ જ થતું રહેશે તો મુસ્લિમોના તકસાધુ તત્વો દેશ પર કબજો જમાવી દેશે. પાકિસ્તાનને છુટા પડ્યા બાદ ભારતના ખર્ચે બેઠું કરવાના નામે ભારતીયો ભૂખે મરે એ હદે ધન આપવાની તેમની હઠ તેને મંજુર ન હતી. ભાગલા બાદ હિન્દુઓના સામુહિક નરસંહાર અને ભાગલાને કારણે હિંદુઓને થયેલી પારાવાર યાતનાઓ, અપાર મુશ્કેલીઓ માટે ગાંધી જ જવાબદાર છે.
“એટલે તારી એકલાની હઠ માટે કરોડો ભારતીયો સહન કરે?” ગાંધીજીએ પૂછ્યું.
“ના. માફ કરજો. મારી એકલાની હઠ નહીં, તમારી એકલાની”. ગોડસેએ કહ્યું.
"તું વિચારી જો. મારો આગ્રહ એ સત્યાગ્રહ છે. હઠ નહીં. હિન્દૂ હોય કે મુસ્લિમ, ઈશ્વરે સહુને સરખા ઘડ્યા છે. ઝીણા સમજ્યો નહીં અને દેશ છૂટો પડી પાકિસ્તાન થયું. એને નાનો ભાઈ સમજો. નહીતો નાનો દુશ્મન ઉભો થશે તો કાયમી મોટી સમસ્યા કરશે. ઠીંગુંજી માંથી વિરાટ રાક્ષસ ઉભો થતો મારે અટકાવવો છે. નોઆખાલી, જ્યારે આખું ભારત આઝાદી મનાવતું હતું ત્યારે હું કેમ ત્યાં હતો?"
ગાંધીજી મર્યા તો ન હતા. હત્યાના પ્રયત્ન માટે ગોડસેને સજા થઈ પણ કોર્ટમાં તેણે પિસ્તોલ ચલાવેલી એ સાબિત થઈ શક્યું નહીં. પિસ્તોલ છટકીને ક્યાંય પડી ગયેલી. તે દિવસે સર્વધર્મ પ્રાર્થનાને નામે શુક્રવાર હોઈ મુસ્લિમોની પ્રાર્થના કરવાની હતી તેથી હિંદુઓ ઓછા હાજર હતા. આમેય ગણગણાટ તો હતો કે જે મંદિરમાં પ્રાર્થના થાય ત્યાં કુરાન વંચાય, તો જે મસ્જિદમાં નમાજ પઢાય ત્યાં જઈ ગીતા કેમ ન વંચાય? મુસ્લિમોનું કહેવું હતું કે તેઓ મસ્જિદમાં બપોરની નમાજમાં જાય કે સાંજની પ્રાર્થનામાં એક નેતા પાસે!
એટલે ખાસ કોઈ એક ધર્મના લોકો ન હતા.
ગોળી ચાલેલી તે ભીડ વિખેરવા કોઈ પોલીસની ગોળી હતી, કોઈ ગાંધી વિરોધી આતંકવાદીની કે ગોડસેની તે પુરવાર થયું નહીં. ગોડસે થોડો જેલવાસ ભોગવી છૂટી ગયો. ગોડસે એ અદાલતમાં આપેલું નિવેદન સરકારે આજે પણ ખાનગી રાખ્યું છે. કદાચ ખાનગીમાં ગાંધીજીએ જ કહેલું કે ગોડસેને છોડી દેવો. પોતે મર્યા નથી.
ગૃહપ્રધાન સરદાર પટેલ આમેય તેમના પાકિસ્તાનને થાબડવાના નિર્ણયની વિરુદ્ધ હતા. આ મનની તેઓને ગમી ન હતી એટલે જ નહેરુને ગમાડવી પડેલી. ગોડસે છૂટી ગયો.
આ બાજુ પાકિસ્તાનને આપવાના પૈસા બાબત સરકાર અને ગાંધીજી વચ્ચે મતભેદ પડ્યા. ગાંધીજી ઉપવાસ પર બેઠા અને નહેરુ તેમને મનાવતા રહ્યા. સરદાર તો રજવાડાના એકત્રીકરણમાં લાગી ચૂકેલા.
જે પૈસા મળ્યા તે ઓછા છે તેમ જિન્નાએ ચડામણી કરી અને એક દિવસ પાકિસ્તાન ભારત પર ભારતથી જ મળેલા પૈસે ચડી આવવા તૈયાર થયું. બાજુમાંથી ચીન ‘ચડજા બેટા શૂળી પર’ કહેતું પોરો ચડાવતું જ હતું.
આઝાદી મળી ત્યારે પણ નોઆખલીનો અગ્નિ ઠારવા ગયેલા બાપુ આ વખતે પાકિસ્તાન જવા તૈયાર થયા. સરદારે સમજાવ્યું કે અહીં તમારું ઉપવાસનું શસ્ત્ર કામ કરશે નહીં પણ ગાંધીજીને પોતાની નીતિઓ પર વિશ્વાસ હતો. તેમણે તો કહ્યું જ કે માગી માગીને કેટલું માગશે? ઝગડાળુ ભાઈને થોડું નમતું જોખીએ તો કુટુંબમાં શાંતિ રહે. ગાંધીજી શાંતિના સંદેશ સાથે જ પાકિસ્તાન જવા નીકળ્યા. હત્યાના આરોપમાંથી નિર્દોષ છુટેલો (મૂળ તો સરકારે જ ખાનગીમાં કહેલું કે તેને હવે છોડી મુકવો. ગાંધીજી પર કઈંક બ્રેક લાગી જે લગાવવી જરૂરી હતી.) ગોડસે પાકિસ્તાન જવા તૈયાર થયો અને ગાંધીજીએ તેને પોતાની સાથે લીધો. ભલે મારતો. અજમાવી લે પિસ્તોલની હિંસા. મારી લાઠીની અહિંસા સામે એક વાર તો તે હારી ચુકી છે. ગોડસેનું કહેવું હતું કે જ્યારે હિંદુઓ પર પાશવી અત્યાચારો થતા હતા ત્યારે ગાંધીજી ફક્ત ઉપવાસ કરતા બેસી રહેલા. ગાંધીજીએ કહ્યું 'તો આવ મારી સાથે. હિંસા સિવાય અજમાવ તારી પાસે હોય તે તરકીબો.'
ગાંધીજી મનુબેન અને ગોડસે સાથે પાકિસ્તાનમાં દાખલ થયા. ઓચિંતી ગોડસેને એક ચિઠ્ઠી મળી. તેણે મનુબેનને આગળ જતી અટકાવી. તેના અપહરણ બાદ દબાણ લાવી કોઈ બીજી મોટી માંગ મંજુર કરાવવાની હતી.
બાપુ ત્યાં ઉપવાસ પર બેઠા. લાબું ખેંચ્યું. જિન્ના તો આવ્યા જ નહીં. મનુબેને આખરે પાક વડાપ્રધાન લિયાકતઅલી ખાનનો સંપર્ક કર્યો. આખરે તેમના મુખ્ય સચિવની મુલાકાત ગાંધીજી સાથે બંધ બારણે ગોઠવાઈ.
સચિવ અંદર ગયા. ગાંધીજી સાથે મનુબેન હતાં. ઓચિંતાં મનુબેન સેક્રેટરીને જોઈ કહે ‘અરે હરિભાઈ, તમે?’ ગાંધીજી અવાક થઈ ગયા. તેમનો મુસ્લિમ થઈ ચુકેલો અને મુંબઈથી 10 વર્ષ પહેલાં ગુમ થયેલો પુત્ર હરિલાલ સચિવ હમીદખાન તરીકે તેમની સામે હતો!
જૂનાગઢના રાજવીને ડાબા હાથે સલામ કરી કહેનાર કે 'રાજકોટને જમણો હાથ અપાઈ ગયો છે', એ કુશળ દીવાન ક.બા. ગાંધીનો પૌત્ર પાકિસ્તાનનો મુખ્ય સચિવ હતો.
વાતચીતમાં ફલિત થયું કે પાકિસ્તાનમાં કુશળ નેતાગીરીનો અભાવ છે. ટાંટિયાખેંચને કારણે અરાજકતા છે. ચીન પાકિસ્તાનને ભારત પર ચડી આવવા ઉશ્કેરે છે. હમીદખાને પોતે જ દરમ્યાનગીરી કરી યુદ્ધ થતું અટકાવેલું. ગાંધીજી માત્ર ઉપવાસ નહોતા કરી જાણતા. શાંત રીતે ભલભલાને મહાત પણ કરી જાણતા હતા. લિયાકતને સમજાવી દીધા. થોડા વખતમાં જિન્ના જન્નતનશીન થયા. થોડું ખેંચાયું હોત તો ભારતે કાયમી દુશ્મન પાક.ને જન્મ જ ન આપ્યો હોત એમ ગોડસેએ કહ્યું. પણ થયું ન થયું થવાનું ન હતું.
એમ તો છાપાં લખતાં હતાં કે પાક. ફરી ભારતમાં ભળી જવા માંગે છે એવો જનમત છે પણ એમ એકવાર છુટા પડેલા બે દેશોને આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ ફરી એક કરી શકાય નહીં. અને સરદાર પટેલે મત આપ્યો કે ત્યાં એટલી સમસ્યાઓ છે કે તેઓ જાતે ઉકેલી શકે તેમ નથી અને આપણા પહેલેથી અલ્પ સ્રોતો પર તેમના ભળવાથી દબાણ આવીને ભયંકર તંગી ઉભી થઇ શકે છે. થોડી કૂદાકૂદ બાદ પાક. શાંત પડ્યું. હમીદખાન થાય એટલું પિતૃઋણ ચૂકવી બે દેશની સમસ્યાઓ દૂર રાખતો હતો. બાપુના કહેવા મુજબ તે અમીરી અને સત્તાભૂખને કારણે જ ભટકી ગયેલો. પણ આખરે ગાંધીપુત્ર હતો. લિયાકત તો પ્રજા કહે તેમ ઘડી આમ બોલે ઘડી તેમ.
ચીન કે કોઈ મહાસત્તાના ઈશારે ગાંધીજીનું વિમાન સરહદે નાશ કરવાની યોજના હતી પણ આવાં કામ કરી ચૂકેલા ગોડસેને બોમ્બની ગંધ આવી ગઈ. ઓચિંતું તેણે લોકજાગૃતિ અર્થે બોર્ડર સુધી મોટર પ્રવાસની યોજના બનાવી. ત્યાંથી ખાનગી વાહનમાં ખાનગી રીતે અમૃતસર અને પછીતો એ જ ત્રીજા વર્ગના રેલ ડબ્બામાં. વિમાનમાં બે ચાર સેક્રેટરી અને પત્રકારોનો ભોગ લેવાયો. સરહદે રણ ઉપર બૉમ્બ ફાટ્યો. તેની ખબર ફેલાતી અટકાવી દેવાઈ. નહીતો પ્રચંડ લોક જુવાળ ફાટી નીકળત અને યુદ્ધ અવશ્ય થાત.
ફરી ગાંધીજી અણી ચુક્યા. બે વાર અણી ચુક્યા ગાંધી શું બસો વરસ જીવશે?
ગોડસેને દેશસેવા અર્થે ઇઝરાયેલ જેવા દેશો પાસે તાલીમ લેવરાવી અંતરિયાળ વિસ્તારમાં કૃષિ વિકાસ માટે મોકલ્યો. ગાંધીજીએ મનુબેનને હવે સેક્રેટરી તરીકે રાખવા કરતાં બીજાં અગત્યનાં કામમાં રાખવા વિચાર્યું. સ્ત્રી શિક્ષણ માટે યોજનાઓ પર દેખરેખ રાખતાં મુંબઇ નજીક રહ્યાં. પોતાના દરેક અંગત સંપર્કોને સક્રિય રાજકારણથી દૂર રાખ્યા.
નહેરૂએ પુત્રી ઈન્દિરાને પારસી ફિરોઝ સાથે પરણાવી. ગાંધીજીએ તેમને તેમની જાહેર અટક 'ઈરાની' કે 'પારસી' રાખવા કહ્યું અને અમલ કરાવ્યો. 'ભવિષ્યમાં મારી ગાંધી અટકને કારણે બીજું કોઈ ફાયદો ઉઠાવે નહીં' તેમ કારણ કહ્યું.
તેમણે કહ્યું કે રાજકારણ કોઈની જાગીર નથી. બીજી ટર્મ માટે નહેરુને બદલે સરદારને વડાપ્રધાન બનાવવા કહ્યું. નહેરુએ પોતે દેશ માટે ખૂબ ભોગ આપ્યો છે એમ કહ્યું. ગાંધીજીએ કહ્યું કે દેશ એ કોઈ મીલ નથી કે તેમાં રોકાણ નફો રળવાની આશાએ કરાય. અહીં નહેરુ ઉપવાસ પર ઉતર્યા પણ સરદારે ઉપવાસ સમાપ્ત કરાવી દીધા. નહેરૂ પછી કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યા અને વતન કાશ્મીર કોઈ સમસ્યા ન બને તેનું ધ્યાન રાખ્યું. રાજકીય ક્ષેત્રે પોતે ફરી સરદારને હટાવી તખ્તનશીન થવા કે ઈન્દિરાને આગળ કરવા ધમપછાડા કર્યા પણ ગાંધીજીએ ફરી બાબરથી બહાદુરશાહની મુગલે આઝમ' ની જેમ 'નહેરૂ એ આઝમ' વંશપરંપરા ફરીથી થતી અટકાવી.
પાકિસ્તાન અન્ય કટ્ટરવાદી દેશોના ઈશારે અડપલાં કરતું હતું પણ હમીદખાન તેને નિષ્ફળ બનાવતો હતો. કમનસીબે હમીદખાનનું આકસ્મિક મૃત્યુ થયું. કરવામાં આવ્યું.
યુનાઇટેડ નેશન્સમાં ગાંધીજીનું ખૂબ માન હતું. ભારતને તેનું કાયમી સભ્ય બનાવવા ગાંધીજી ખુદ ગયા. તેમણે જાહેર કર્યું કે અહિંસક ભારત સામેથી સશસ્ત્ર મિસાઈલ હુમલો કે અણુ હુમલો કરશે નહીં. એક ગાલે તમાચો પડે તો બીજો ગાલ ધરવો એટલે સામેવાળાનો રોષ શાંત કરવો. પણ એનો અર્થ સામે ચાલી હારાકીરી કરવી એમ નહીં. જે દ્રઢતાથી આફ્રિકા કે દાંડીકૂચમાં તેઓ લડેલા એ જ દ્રઢતાથી યુએસ કે ચીન સામે છાતી કાઢી. પાંસળી સાથે મર્દાના કાળા વાળ પણ દેખાડવા વાળી છાતી. કેટલા ઇંચની એ સાબિત કરવાની તેમને જરૂર ન હતી. એટલે જ તેઓ મહાત્મા હતા.
ક્રિકેટ બ્રિટિશરોએ લોકપ્રીય રમત બનાવેલી. પાક. અને ભારતના દક્ષિણી રાજ્યોની મેચ રસાકસી ભરી રહેતી પણ હવે પાક અને ભારતની સંયુક્ત ટીમ બ્રિટન સામે રમે ત્યારે જાણે યુદ્ધ લાઈવ જોવાતું હોય તેવી રસાકસી જામતી. પાક. ને હવે દુશ્મન રહેવું પોષાય એમ ન હતું.
ગૃહ મોરચે આંબેડકરનો દસ વર્ષ માટે આરક્ષણનો પ્રસ્તાવ ગાંધીજીને શરૂઆત માટે ઠીક લાગ્યો પણ માત્ર નોકરી અને શિક્ષણમાં આરક્ષણથી વર્ગભેદ દૂર નહીં થાય તે કહ્યું. વ્યાજબી કારણો સિવાય જન્મે નિમ્ન વર્ગને ક્યાંય પ્રવેશબંધી કે આભડછેટનો સામનો કરવો પડે તે માટે કડક કાયદા બનાવ્યા. 1960માં તો દસ વર્ષ થતાં આરક્ષણ શબ્દ નાબૂદ થઈ ગયો. ગાંધીજીએ સહુએ પોતે પોતાનો ભાર ઉપાડવો, સ્વાશ્રયી થવું તેમ કહ્યું. આંબેડકર તો વિદ્વાન હતા. તેમણે કોઈ વાંધો ન ઉઠાવ્યો પણ કહેવાતા નેતાઓએ ગાંધીજી ઉચ્ચ વર્ણના છે એટલે ભેદભાવ કરે છે એમ કહી વિરોધ કર્યો. એ સામે ગાંધીજી વળી ઉપવાસ પર બેઠા. આખરે સરકારે જ નેતાઓને લાલ આંખ બતાવવી પડી. ધીમે ધીમે અગાઉના કહેવાતા નીચા વર્ણો મુખ્ય પ્રવાહમાં ભળી ગયાં. સરકારી કચેરીઓમાં અટક લખવી જ બંધ કરવામાં આવી. દક્ષિણી ઢબે નામ, સાથે ગામ, અટકનો એક અક્ષર.
અર્થતંત્રને વેગવંતું બનાવવા વિદેશી આર્થિક વ્યાપારની જરૂર પડી. ગાંધીજી બને તેટલું સ્વદેશી દેશમાં વેચાય તેના પક્ષમાં હતા. છતાં વિકાસ માટે 'તમારું સારું અમને આપો, અમારું તમે લો' કહી ગાંધીજીએ રશિયા અને યુ.એસ. બન્ને સાથે વ્યવહાર કર્યો. એ બન્નેએ 'બીજા દેશ સાથે ન જાઓ ને અમારી સાથે જ રહો' એવું કહ્યા કર્યું પણ હવે આઝાદ દેશમાં કુશળ રાજકારણીઓ અને વિદેશ સચિવો હતા જ. તે બે દેશોની કારી ફાવી નહીં.
શિક્ષણમાં અંગ્રેજીનો વ્યાપ વધાર્યો પણ ખાનગીકરણ નફા માટે જ ન રહે એનું ધ્યાન રાખવા પ્રયત્ન તો કર્યા પણ બધા થોડા સાદાઈની પરિસીમા જેવા ગાંધી હોય? ત્યાં નફાકારણ ચાલ્યું. શિક્ષણમાં પૈસો કમાવાની તકો શોધતા વેપારીઓ કૂદી પડ્યા પણ એક હદથી વધુ કમાઈ ન શકે તેના કાયદાઓ ગાંધીજીએ કરાવ્યા. છતાં તેઓ કેટલું કરી શકે? ગાંધીજીએ સ્વદેશી ચળવળની જેમ આવી સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું શીખવ્યું. કેટલાકે કર્યો પણ ખરો. દેખાદેખીમાં જેઓ વધુ પૈસા ખર્ચવા માંગતા હતા તેમના લીધે એ હાટડીઓ ફૂલી ફાલી શકી હોત. 'શિક્ષણ સહુનો પ્રાથમિક હક્ક છે' કહી ગાંધીજીએ બેરોકટોક ચાલતી શૈક્ષણિક લૂંટ એક વખતના શિક્ષક રાધાકૃષ્ણને શિક્ષણ ખાતું સોંપાવી અંકુશમાં રાખી. હા, ભાષાશુદ્ધિ, માતૃભાષાનું જ્ઞાન અને દેશનું જ્ઞાન આપતું શિક્ષણ ચાલુ રહ્યું. આખરે આદર્શ શિક્ષક રાધાકૃષ્ણ આગળ જતાં રાષ્ટ્રપ્રમુખ બન્યા.
ગાંધીજી તો કૃષ્ણ જેવા હતા. શસ્ત્ર ઉઠાવે નહીં પણ સત્યનો જ જય કરાવે. પોતે કોઈ પણ સત્તાથી દૂર રહ્યા.
ગાંધીજીના કુટુંબના કોઈ રાજકારણમાં આવ્યા નહીં. :પોતે જ પોતાનો ભાર ઉપાડો' તે એમના સંતાનોને પણ લાગુ પાડ્યું.
1962માં ચીને આક્રમણ કર્યું. સરદાર હવે ન હતા કે નહોતા કૃષ્ણમેનન. એકવાર થોડી તારાજી ભોગવી પણ તુરત યુનાઇટેડ નેશન ની દરમ્યાનગીરી અને તેમની, (ગાંધીજીની) ચીન મુલાકાતે સમજાવી દીધું કે સામે તમારો મુલ્ક ઝડપશું નહીં પણ તમે અમારો એક ઇંચ નહીં લઈ શકો. એમની કૂટનીતિ કામ લાગી. આખું વિશ્વ એક મોટો સત્યાગ્રહ કરી ચીનનો બહિષ્કાર કરે તેમ લાગ્યું. ચીન અડપલાં કરતું અટક્યું. પછી ખુદ ગાંધીજીએ જ કહ્યું કે વખતની વહેતી નદીમાં આપણે પણ વહેવું પડે છે. અહિંસા એટલે આપઘાત નહીં. અણુક્ષેત્રે આપણે કામ શરૂ કરી દીધું. ભવિષ્યમાં એમાંથી જ વિક્રમ સારાભાઈ અને અબુલ કલામ મળ્યા.
1969. ગાંધીજીના જ પૌત્ર કનુ ગાંધી નાસામાં ઉચ્ચ પદે હતા. ભારત-પાક. નું સંયુક્ત મિશન અવકાશ સંશોધન માટે યુ.એસ. સાથે જોડાયું. પૃથ્વીપરથી સંચાલનમાં તેમના સહુથી કુશળ વૈજ્ઞાનિકો હતા જ અને એ ત્રણ અવકાશવીરોમાં એક ભારતીય ચંદ્ર પર ગયા.
1971. ભારતનું મંગળ મિશન.
બટન દબાવી ગાંધીજીએ રોકેટ ભારતીય સીમામાંથી છોડ્યું. તે જગ્યા પોરબંદરના દરિયાકાંઠાની અંદર મધદરિયે હતી. સ્ટીમરમાંથી ઉતરતાં પગ લપસ્યો અને 101 વર્ષની ઉંમરે પોરબંદરની ધરતીમાંથી નિપજેલો મહાપુરુષ પોરબંદરના દરિયાએ જ સમાવી લીધો.
અણી ચુક્યો સો વર્ષ ઉપર જીવ્યો હતો અને એક દેશને સારી રીતે જીવાડતો ગયો હતો.
-સુનીલ અંજારીયા