Mahekta Thor - 22 in Gujarati Fiction Stories by HINA DASA books and stories PDF | મહેકતા થોર.. - ૨૨

Featured Books
Categories
Share

મહેકતા થોર.. - ૨૨

ભાગ-૨૨

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ પહેલી વખત કોઈના ઝઘડામાં વચ્ચે પડે છે ને વ્રતી પાસે માફી માગવા પણ જાય છે હવે આગળ...)

કાળું વ્રતી પાસે લેશન કરતો હતો. વ્યોમ હજી મૂંઝાતો હતો. વ્રતી વ્યોમની મુંઝવણ સમજી ગઈ. એ બોલી,

"કઈ કહેવું છે ?"

વ્યોમ થોડો ખચકાતા બોલ્યો,

"તમને સમાચાર તો મળી જ ગયા હશે આમ તો છતાં મારે વાત કરવી છે. એ સમયે એ બેનને મદદ કરવામાં ખબર નહિ પણ મને તમારો જ વિચાર આવ્યો ને એટલે જ હું કોઈ અજાણ્યાના મામલામાં પહેલી જ વખત પડ્યો. ને પહેલી વખત મને અહેસાસ થયો કે તમે લોકો ગાંડા તો નથી જ થઈ ગયા બીજા માટે આમ હેરાન થાઓ છો એ. અંદરથી કઈક અલગ જ અનુભવ થયો. જો કે સારો અનુભવ થયો. ને હવે મને મારી ભૂલ સમજાઈ તમારું જીવન ધૂળધાણી કરનાર હું જ છું. હું એની સજા ભોગવવા તૈયાર છું...."

વ્યોમની આંખોમાં પશ્ચાતાપના આંસુ હતા. વ્રતીની આંખો પણ ભીની થઇ ગઇ. વ્રતી બોલી,

"તમને ખબર ડૉકટર સાહેબ પ્રમોદકાકા આ જ ચાહતા હતા કે તમને તમારી ભૂલનો અહેસાસ થાય, ને આજે એ સફળ થયા. ને રહી વાત વિરલની તો કદાચ જો તે સમયે મેં ઈચ્છયું હોત તો તમને સજા આપી દીધી હોત. પણ તમને સજા મળી હોત તો તમે વધુ બરડ બની ગયા હોત. આ બદલાવ તો ન જ આવ્યો હોત. મારે કોઈ સજા નથી આપવાની. બસ આજે જેમ એકને માટે લડ્યા એમ બીજા માટે પણ લડો હું એવું ઈચ્છું છું બસ. તમને એક વાત કહું...."

વ્રતી કાળુંને લેશન કરાવતી કરાવતી બોલી,

"વિરલ આ ગામમાં ફક્ત ઇન્ટર્નશીપ માટે જ આવેલો. એણે પણ બહુ ઉંચા સપના જોયેલા મોટી હોસ્પિટલના, શહેરમાં એક પ્રખ્યાત ડૉકટર બનવાના. પણ નિયતીએ કઈક અલગ જ ધાર્યું હતું એના માટે. આ કાળું જેને તમે હંમેશા મારી સાથે જુઓ છો ને એ આમ તો નિમિત્ત બન્યો. કાળુના જન્મ વખતે કાળુની મા વિરલ પાસે એડમિટ થઈ. કાળુનો જન્મ થયો ને ખબર નહિ વિરલથી શું ચૂક થઈ ગઈ એ સ્ત્રી આ છોકરાને વિરલના હાથમાં સોંપી જતી રહી. એ કહેતી ગઈ કે,

'સાયબ, હવી તો તમી જ ભગવાન, મારો તોય ઠીક ને તારો તોય ઠીક, પણ આ સોકરો તમની દઈને જાવ શુ, ઇ ના બાપા તો ગરીબડી ગાય જીવા ઇ આ જીવને કિમ કરીને હાસવસે....' એ સ્ત્રીએ ત્યાં જ દમ તોડી દીધો. ને એનો પતિ તો હાથ જોડી ઉભો રહ્યો. વિરલ હવે કરે તો કરે વળી શુ. એ તો એક માસુમને લઈને આવ્યો મારી પાસે કે હવે હું શું કરું...

'એની માને ખબર હતી કે એનો જીવ મારા હાથે ગયો છે તો પણ મને એનો છોકરો સોંપીને ગઈ, ને એનો પતિ તો કહે કે તમે જે કરવું હોય એ કરો, એની મા નક્કી કરીને ગઈ પછી હું કહેનાર કોણ, હું તમારી ઘરે જીવનભર મજૂરી કરીશ સાહેબ પણ આ છોકરો હવે મારે ન જોઈએ, એ તો તમને આપી દીધો. વ્રતી તું જ કે હવે હું શું કરું, આ કેવા માણસો છે કે જે મારા પર આટલો વિશ્વાસ કરે છે. જ્યારે કે મને તો સજા મળવી જોઈએ...."

વ્રતીએ ઊંડો શ્વાસ લીધો ને ફરી બોલવાનું ચાલુ કર્યું,

"મને હજુ પણ યાદ છે એ દિવસ જ્યારે વિરલ મારી પાસે ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો. એની આંખોમાં પણ આપના જેવો જ પસ્તાવો હતો. વિરલે પોતાનો નિર્ણય મને જણાવી દીધો કે,

વ્રતી, હું મારું જીવન એ અબુધ લોકો વચ્ચે ગાળવા માંગુ છું કે જેમની આંખોમાં વેર નથી, જે મને ભગવાન માનીને પૂજે છે, ભૌતિક સુવિધા ભલે ઓછી હોય પણ એમના હૈયાની વિશાળતા બહુ ઊંડી છે, તું ચાહે તો મને છોડી શકે, ચાહે તો મારી સાથે આવી શકે, હું મારું જીવન આ બધાની સેવામાં વિતાવા માંગુ છું.....

ને હું પણ વિરલ સાથે ચાલી નીકળી એના સંકલ્પને સિદ્ધ કરવા, પણ અફસોસ એનો સંકલ્પ અધુરો મૂકીને જ એ જતો રહ્યો...."

એક નિઃશબ્દ નિઃસાસો નાંખી વ્રતી ચૂપ થઈ ગઈ.

કાળું લેશન કરતો કરતો જ બોલ્યો,

"રતીમા મારી મા હોત ને તો ઈ ય મને તમારા જીવો તો ન જ હાસવત...."

વ્રતી હસી પડી. કાળુને સુવાની સૂચના આપી પોતે વ્યોમ પાસે બેઠી. કાળુના પિતા કઈક કામ કરતા હતા, એને બતાવતા એ બોલી,

"વિરલ ગયો પછી આ માણસે એક દિવસ નહીં હોય કે મારા ઘરની બહાર ચોકી ન કરી હોય, હું ના પાડું છતાં એ મને માલકીન તરીકે ને ખુદને ગુલામ માની બસ બધું કામ કર્યે રાખે છે, હવે આવા માણસોને છોડી હું કઈ રીતે જઈ શકું, પ્રમોદકાકા ને સૃજનકાકા બંનેએ મને ખુબ મદદ કરી છે, તમે આવ્યા પછી પણ ઘણી વખત પ્રમોદકાકા અહીં આવ્યા છે મારી પાસે પણ હા તમને જાણ નથી થવા દીધી......"

હળવું સ્મિત કરતા એ ફરી બોલી,

"અહીં એક સુંદર શાળા ને મોટી હોસ્પિટલ બને બસ એવું વિરલનું સપનું પૂર્ણ કરવા હું ને પ્રમોદકાકા મથી રહ્યા છે, શાળાનું કામ તો પૂર્ણતાને આરે છે બસ હવે હોસ્પિટલનું બાકી છે, બસ એ થઈ જાય પછી બીજી કોઈ અપેક્ષા નથી આ જીવનમાં......"

રાત્રીના આકાશમાં શર્મિષ્ઠાના ઝગમગતા તારા જેવો વ્રતીનો ચમકતો ચહેરો વ્યોમ જોઈ રહ્યો, ને વ્રતી આકાશ તરફ જોઈ વિરલની યાદ કરતી બેઠી રહી...

થોડી વાર બંને મૌન જ રહ્યા, મૌન ભંગ કરતા વ્રતી બોલી,

"ડૉકટર સાહેબ હવે ઘરે જાઓ ઘણું મોડું થઈ ગયું છે.."

વ્યોમ બોલ્યો,
"એક શરત તમે મને આ ડૉકટર સાહેબનું મેણું ન મારો તો જ..."

વ્રતી હસતા હસતા જ સહમત થઈ,

"ઠીક છે વ્યોમજી જાઓ આરામ કરો બસ.."

વ્યોમ વ્રતીની રજા લઈ ઘર તરફ નીકળી ગયો....

(પશ્ચાતાપના આંસુ પછી કેવા હશે વ્યોમના પ્રયત્નો, વધુ વાત આવતા ભાગમાં..)

©હિના દાસા