Jantar-Mantar - 18 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 18

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

જંતર-મંતર - 18

જંતર-મંતર

( પ્રકરણ : અઢાર )

રીમાના બાપુજીએ હાથ જોડતાં ફકીરબાબાને કહ્યું, ‘બાબા, આ વખતે તમને અમે ખૂબ પરેશાન કર્યા છે. પણ હવેથી અમે ખૂબ ધ્યાન રાખીશું....!’

ચુનીલાલની વાત સાંભળીને ફકીરબાબા બોલ્યા, ‘હવે તો ઘણું મોડું થઈ ગયું છે. કદાચ હવે હું વધારે નહીં જીવું.’ કહેતાં એકાદ પળ માટે તેઓ અટકી ગયા. પછી બોલ્યા, ‘હું મરી જાઉં તોય તમે તમારી દીકરીનો ઈલાજ ચાલુ જ રાખજો. અહીંથી દસ માઈલ દૂર સંબલપુરની સીમમાં એક પીરની દરગાહ છે. એ દરગાહ ઉપર સુલતાનબાબા નામના એક ઈલ્મી ફકીર છે. તેમણે અનેક ભૂત-પ્રેત અને ચુડેલ-ડાકણોને બાટલામાં ઉતારીને કૂવામાં નાખી દીધા છે. મારા કરતા પણ તેઓ વધુ જાણકાર છે. જરૂર પડે તો એમને બોલાવી લેજો.’ કહેતાં કહેતાં ફરી વાર તેઓ અટકી ગયા. હવે એમનો શ્વાસ વધી ગયો હતો. અવાજમાંની ધ્રુજારી પણ વધી ગઈ હતી. કયારેક એમનો અવાજ તરડાઈ પણ જતો હતો. થોડીવાર ચુપ રહી થાક ખાઈને એમણે આગળ ઉમેર્યું, ‘એ સુલતાનબાબા આમ તો કયાંય જતા નથી, પણ તમે એમની પાસે મારું નામ લેશો તો તેઓ જરૂર આવશે...!’ એટલું કહેતાં ફકીરબાબા જમીન ઉપર બેસી ગયા.

એમના ચહેરા ઉપર ભારે થાક વર્તાતો હતો. તેમણે હાથથી ઈશારો કરીને ચુનીલાલને પોતાની નજીક બોલાવ્યા અને પછી ખૂબ ધીમા અવાજમાં કહ્યું, ‘હવે તમે અહીંથી મને મારા ઠેકાણે પહોંચાડો.’

ચુનીલાલે તરત જ મનોજ તરફ જોયું. ‘મનોજ, તું જલદી આ ફકીરબાબાને મૂકી આવ.’

મનોજ બહાર જઈને રિક્ષા કરી લાવ્યો અને પડોશમાંથી પોતાના બે-ત્રણ મિત્રોને પણ બોલાવી લાવ્યો. એ મિત્રોએ મળીને ફકીરબાબાને રિક્ષામાં બેસાડયા. મનોજ આગળ રિક્ષા ડ્રાઈવરની બાજુમાં બેસી ગયો.

મનોજ ગયો પછી હંસાએ ફોઈબા સામે કડવી નજરે જોઈને પૂછયું, ‘ફોઈબા, તમે તાવીજ શું કામ ખોલ્યું ?’

‘મેં કયાં ખોલ્યું છે...?’ એવું કહેવા જતા ફોઈબા સાચું જ બોલી ગયાં, ‘મેં...ખોલ્યું...!’ પણ શા માટે ખોલ્યું એ કારણ તેમણે આપ્યું નહીં અને એ કારણ બધાને આપી શકાય એવું પણ હતું જ નહીં.

પણ હંસા એમ ફોઈબાને છોડે એમ નહોતી. એ બોલી, ‘ફોઈબા, તમને તો મેં પહેલેથી જ ચેતવી દીધાં હતાં, છતાંય તમે તાવીજ ખોલ્યું ?’

ફોઈબાએ કંઈ જવાબ ન આપ્યો. એમનું મોઢું પડી ગયું. અને એમણે ગરદન ઝૂકાવી લીધી. ચુનીલાલ અને રંજનાબહેનને પણ ખોટું લાગ્યું હોય એમ એ ત્યાંથી ચાલ્યાં ગયાં.

ફોઈબાને લાગ્યું કે હવે અહીં રહેવામાં સારાવાટ નથી. વળી ઘરે જઈને એમને પણ રીમાએ બતાવ્યા મુજબ પેલું ચણાના લોટનું પૂતળું બનાવીને, લાલ લૂગડામાં લપેટીને પોતાની પાડોશણના ઘર સામે દાટવાનું હતું. એ વિધિ જલદી પતી જાય તો પોતાને પણ જલદી સંતાન થાય એવી ગણતરીએ એમણે ત્યાંથી જવા માટે તૈયારી કરવા માંડી.

એ દિવસે સાંજે જ ફોઈબા ચાલ્યાં ગયાં. રીમાએ તો ફોઈબાને રોકાઈ જવા માટે ઘણો આગ્રહ કર્યો, પણ ફોઈબા રોકાયાં નહીં. ત્યારબાદ પણ ખાસ કોઈ ઘટના બની નહીં.

રાતના રીમા ઊંઘી ગઈ. પછી તેને ભયંકર-ભયંકર અવાજો સંભળાયા. ભયાનક-ભયાનક સપનાં આવ્યાં એથી વિશેષ કંઈ થયું નહીં.

બીજા દિવસની સવારે મનોરમા માસીનો ટીનુ સમાચાર લાવ્યો કે, ‘ફકીરબાબા આખી રાત ઊલટીઓ કરતા રહ્યા અને આજે વહેલી સવારે ગુજરી ગયા છે.’

ફકીરબાબાના અવસાનના સમાચારથી ઘરમાં ગમગીની ફેલાઈ ગઈ. પોતાનું કોઈ અંગત સગું મરણ પામ્યું હોય એવું દુઃખ બધાંને થયું. હંસા તો ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. બધાંની આંખો પણ ભરાઈ આવી. એકપણ પાઈ-પૈસો લીધા વિના કે બીજા કોઈ સ્વાર્થ વિના રીમા માટે મહેનત કરનાર એ માણસ એક તાવીજ ખોલવાની નજીવી ભૂલથી ખતમ થઈ ગયો. એનો સૌને અફસોસ અને પસ્તાવો થયો હતો.

એ આખો દિવસ ગમગીનીમાં પસાર થઈ ગયો. ફકીરબાબાના અવસાનનું દુઃખ બધાના ચહેરા ઉપર પથરાયેલું હતું. પણ રીમાના મનમાં ઊંડે ઊંડે જાણે કોઈક આનંદ છલકાતો હતો. એ પોતે જાણતી હતી કે ફકીરબાબા મરી ગયા પછી એ શયતાન સિકંદર બહુ જોર કરશે. ખૂબ પરેશાન કરશે...કદાચ એનો જીવ પણ લઈ લેશે. છતાંય મનમાં ઊંડે ને ઊંડે જાણે કોઈક એને કહી રહ્યું હતું. સારું થયું ફકીરબાબા ખતમ થઈ ગયો. હવે મોજથી રહેવાશે...

રાતે રીમા પથારીમાં પડી ત્યારે હંમેશ મુજબ હંસાભાભી આવીને પાણીનો લોટો અને ગ્લાસ મૂકી ગયાં. પલંગની આસપાસ વેરાયેલા દાણાઓ ઉપર એણે એક નજર ફેરવી. જેટલા દાણાઓ ખસી ગયા હતા એટલા સરખા લાઈનમાં ગોઠવી દીધા. અને પછી બત્તી બુઝાવીને ચાલ્યાં ગયાં. જતાં-જતાં તેમને મનમાં વિચાર આવ્યો કે હવે દિવસે પણ રીમાને ઘરમાં બહુ હરવા-ફરવા દેવી નહીં. જરૂર લાગે તો જ એને ઊભી થવા દેવી અને બને ત્યાં સુધી તો કોઈ એક જગ્યાએ બેસાડીને એની આસપાસના આ દાણાઓ બિછાવી દેવા જોઈએ જેથી રીમા સલામત રહે અને પેલા પાપી શયતાન સિકંદરનો પંજો રીમા સુધી ન પહોંચે.

રીમા પથારીમાં પડયા પછી થોડી જ વારમાં ઊંઘવા લાગી હતી. પણ અચાનક એ ઝબકીને ચોંકીને પથારીમાં બેઠી થઈ ગઈ. તે વખતે બહારના કમરાની દીવાલ ઘડિયાળમાં બારના ડંકા પડી રહ્યા હતા. આકાશમાં વીજળી ચમકારા કરતી હતી અને પવનના સૂસવાટાથી બારીનું બારણું ઝડપથી ઉઘડતું અને બંધ થતું હતું. એક અજાણ્યા ભયથી રીમા ફફડી ઊઠી.

રીમા પાછી પથારીમાં લાંબી થાય એ પહેલાં એણે બહારથી પોતાના નામની બૂમો પડતી સાંભળી. એ અવાજ સિકંદરનો હતો. સિકંદર એને બહાર બોલાવી રહ્યો હતો. કદાચ બંગલાની પાછળના ભાગમાં એ ઊભો હશે. કોઈ લોહચુંબક લોખંડના ટુકડાને ખેંચે એમ રીમા એ અવાજ તરફ ખેંચાઈ હોય એમ એની આંખો બારીની બહાર તાકી રહી. એ જવા માટે ઉત્સુક હોય એમ એ પલંગની નીચે ઉતરીને ઊભી રહી.

રીમા હજુ પલંગની નીચે ઊતરી જ હશે, ત્યાં એક કાળો મોટો બિલાડો બારીમાં આવીને બેઠો. એની ઝગારા મારતી આંખો એણે ઝડપથી કમરામાં ફેરવી. અને પછી બારી પાસે જ પડેલા ટેબલની ઉપર એ કૂદી પડયો. ટેબલ ઉપર એક જાડું પુસ્તક પડયું હતું. બિલાડાએ એ પુસ્તકને લાત મારી જમીન ઉપર પટકી દીધું અને પછી જ એ પુસ્તકને બીજી જોરદાર લાત મારીને રીમા તરફ સરકાવી દીધું. એને બીજી જ પળે છલાંગ મારીને એ બિલાડો ટેબલ ઉપર થઈને બારીમાંથી બહાર સરકી ગયો.

બિલાડાએ સરકાવેલા જાડા પુસ્તકે પોતાનું કામ પૂરું કર્યું હતું. પેલા ફકીરબાબાએ મંતરીને આપેલા કાળા દાણાની લાઈન તૂટી ગઈ હતી અને એમાંના ઘણા બધા દાણાઓ દૂર હડસેલાઈ ગયા. લક્ષ્મણ રેખા જાણે તૂટી ગઈ અને રીમા માટે તો રસ્તો ખૂલી ગયો હોય એમ રીમા આગળ વધી. એને કોઈ ખેંચી રહ્યું હોય એમ એ એકધારી ખેંચાઈ રહી હતી.

બંગલાનો મુખ્ય દરવાજો તો ખુલ્લો જ હતો. રીમા ઝડપથી સરકતી-સરકતી એ દરવાજામાં થઈને બહાર રસ્તા ઉપર આવી.

એ વખતે રસ્તો બિલકુલ સૂનો હતો. કયારેક-કયારેક કૂતરાઓનો ભસવાનો અવાજ આવતો. એ સિવાય બિલકુલ શાંતિ હતી. રીમા ઝડપથી સપાટ અને સીધા રસ્તા ઉપર સરકી રહી હતી.

રસ્તો પૂરો કરીને એ મંદિર પાસે પહોંચી અને ત્યાંથી પગદંડી ઉપર સરકતી-સરકતી એ થોડી જ વારમાં પેલા ભેંકાર ખંડેર પાસે પહોંચી ગઈ.

ખંડેર પાસે જઈને એ ઊભી રહે એ પહેલાં જ અચાનક એક ઝાડ પાછળથી એક પડછાયો સરકી આવ્યો. રીમા ત્યાં જ થંભી ગઈ. પહેલી નજરે તો એ સિકંદરને ઓળખી પણ ન શકી.

તાજો-માજો માતેલા સાંઢ જેવો અને રૂપાળો સિકંદર અત્યારે સાવ નબળો પડી ગયો હતો. એનો ચહેરો બિલકુલ કાળો થઈ ગયો હતો. ચહેરા ઉપર કરચલીઓના થર જામી ગયા હતા. એકાએક જાણે એની ચાલીસ વરસની ઉંમર વધીને સિત્તેર વરસની થઈ ગઈ હતી. એની આંખોનું તેજ ગાયબ થઈ ગયું હતું. એની આંખો બુઝાવા આવેલા દીવા જેવી પીળી થઈ ગઈ હતી. રીમા એકીટસે સિકંદરની સામે જોઈ રહી.

સિકંદર ધીમા અવાજે બોલ્યો, ‘શું જોઈ રહી છો...મારી આ હાલત તેં અને તારા ઘરના લોકોએ કરી છે...!’ એનો અવાજ ગુસ્સાથી કંપી રહ્યો હતો.

રીમા પણ એકાએક ઉશ્કેરાઈ ગઈ....‘એમાં મારો અને મારા ઘરવાળાનો શો વાંક છે ?’

‘તેં જ આપણા સંબંધોની વાત બધાને કરી અને ઘરના લોકોએ પેદા ફકીરને બોલાવ્યો. એ ફકીરે મને અહીં બાંધી રાખ્યો છે...હું કેટલાય દિવસનો ભૂખ્યો અને તરસ્યો છું.’ આટલું બોલતાં એ હાંફી ગયો પછી એકાએક એ બોલ્યો, ‘હવે તો લોહી પીધા વિના નહીં ચાલે. તારા ઘરમાંથી જ કોઈકનું લોહી હું પીશ...!’ ફરી સિકંદરનો અવાજ કંપી ગયો. એટલું બોલતાં-બોલતાં તો એને ભારે મહેનત પડી હોય એમ એ હાંફી રહ્યો હતો. થોડીકવાર હાંફી લીધા પછી કંઈક રાહત થઈ એટલે એણે આગળ ચલાવ્યું, ‘તારા ઘરમાં મને સૌથી વધારે કોઈ પરેશાન કરતું હોય તો તારી ભાભી જ છે....એને હું જીવતી નહીં મૂકું....પણ પહેલાં એના દીકરાનો વારો....!’ ફરીવાર સિકંદર હાંફી ગયો.

રીમાની આંખોમાં ઝળહળિયાં ભરાઈ આવ્યાં. એના બાવડા ઉપર તાવીજ બાંધેલું હતું. એટલે સિકંદરના પ્રભાવમાં હોવા છતાંય એ બધું સમજી શકતી હતી. સારા-નરસાનું એને થોડું ભાન હતું.

અચાનક સિકંદરનો અવાજ કંપી ઊઠયો, ‘હરામજાદી ચાલી જા અહીંથી...હું બંધાયેલો છું. નહીંતર તને આજે ખતમ કરીને હું છૂટો થઈ જાત...!’

રીમા પાછી વળી ગઈ અને થોડી જ વારમાં એ પોતાના કમરામાં આવીને સૂઈ ગઈ.

બીજા દિવસની સવારે રીમા નાહી-ધોઈને રસોડામાં નાસ્તો કરવા પહોંચી ત્યારે હંસાભાભી રોટલી વણતી હતી.

રીમાને ભાખરી અને અથાણું આપી હંસાએ ચા મૂકતાં પૂછયું, ‘કેમ રીમા, હવે તબિયત કેમ છે ?’

રીમાએ કોઈ જવાબ ન આપ્યો. એટલે હંસાને મનમાં ફાળ પડી. એણે ચિંતાભર્યા અવાજે પૂછયું, ‘કેમ રીમા, તબિયત ઠીક નથી શું ?’

‘ભાભી, હજી એવું ને એવું જ છે....!’ રીમાની આંખે ઝળહળિયાં આવી ગયાં.

‘કેમ, હજી એ શેતાન તારી પાસે આવે છે ?’

‘ના, એ તો બંધાયેલો છે. એ મારી પાસે આવવાને બદલે મને પોતાની પાસે બોલાવે છે.’

‘કયાં...?’

‘દૂર-દૂર એક ખંડેર છે ત્યાં...!’

‘પછી એ શું કરે છે ?’

‘ફકીરબાબાએ એને બાંધી રાખ્યો છે, એટલે એ કંઈ કરી શકતો નથી. પણ જ્યારે છૂટશે ત્યારે એ આપણને બધાને ખતમ કરી નાખશે એવી ધમકીઓ આપે છે !’

હંસાના મનમાં ગભરાટ હતો, છતાંય રીમા સામે એ ગભરાટ છુપાવવા હંસા હસી પડી. બોલી, ‘રીમા, તું ચિંતા ન કર, જ્યાં સુધી તારા બાવડા ઉપર આ તાવીજ બંધાયેલું છે ત્યાં સુધી તો એ તારો વાળ પણ વાંકો કરી શકે એમ નથી.’ કહેતાં હંસાએ કપમાં ચા રેડીને રીમા તરફ સરકાવી. રીમા ચૂપચાપ ચા પીવામાં પરોવાઈ અને હંસાએ પાટલી ઉપર લુવો મૂકીને રોટલી વણવી શરૂ કરી.

હંસા હજુ તો પોતાની રોટલી પૂરેપૂરી વણી રહે એ પહેલાં જ રસોડાની બારીાંથી એક મોટો કાળો બિલાડો ડોકાયો.

હંસાનું ધ્યાન એની તરફ ખેંચાતા જ એણે વેલણ ઉગામી એને હંકારવા પ્રયત્ન કર્યો, પણ એ બિલાડો પાછો જવાને બદલે હંસા ઉપર કૂદવાની તૈયારી કરવા લાગ્યો.

‘મૂવો આવડો મોટો બિલાડો ઘરમાં કયાંથી ઘૂસી આવ્યો ?’ કહેતી હંસા બિલાડાને મારવા માટે વેલણ લઈને ઊભી થઈ.

હંસાભાભીને વેલણ લઈને બિલાડા તરફ ધસતી જોઈને રીમાએ બૂમ મારી, ‘રહેવા દો...ભાભી, એને ન મારશો...એ તો...એ તો સિ.....!’

પણ રીમા પોતાનું બોલવાનું શરૂ કરે એ પહેલાં બિલાડો હંસાના માથા ઉપર થઈને કૂદયો અને બીજી તરફ ઠેકી ગયો અને હંસાએ ઉગામેલું વેલણ એ બિલાડાના શરીરને અડયા વિના જ વચ્ચેથી તૂટી ગયું.

હંસાએ ગભરાઈને પાછળ જોયું તો બિલાડો દોડીને અંદરના કમરામાં ચાલ્યો ગયો. રીમા ભયથી ધ્રુજતી હતી. હંસાને પણ મનમાં ગભરાટ થયો. પણ એણે હિંમત ગુમાવી નહીં. એ ચૂપચાપ બીજું વેલણ શોધવામાં પરોવાઈ.

રોટલી વણી લીધા પછી હંસાએ ઝડપથી ઘરની સાફસૂફી કરવા માંડી. રીમા પોતાના કમરામાં ચાલી ગઈ. આજે હંસા માથે વધારે કામ હતું. મનોજ તો સવારનો પેઢીએ ચાલ્યો ગયો હતો. એના સસરા અને સાસુ એક વ્યવહારિક કામે ગયાં હતાં. આજે બપોરે એ ત્યાં જ જમવાનાં હતાં. ઘરનાં કામ પતાવીને, હજુ તો શાક લેવા માટે જવાનું હતું અને મનોજ આવે એ પહેલાં શાક બનાવી નાખવાનું હતું. દાળ-ભાત અને રોટલી તો એણે કયારનાય તૈયાર કરી નાખ્યાં હતાં.

ઝડપથી ઘર સાફ કરીને પોતાના ત્રણ વરસના હેમંતને રીમા પાસે મૂકીને હંસા શાક લેવા ગઈ.

લગભગ વીસેક મિનિટ પછી હંસા શાકભાજી ખરીદીને પાછી આવી ત્યારે બારણામાં પગ મૂકતાં જ ચોંકી ગઈ. હેમંત રીમાના બાવડા ઉપરના તાવીજ સાથે રમી રહ્યો હતો. એણે લગભગ અડધું તાવીજ ખોલી નાખ્યું હતું અને રીમાની આંખો ખુશીથી ચમકી ઊઠી હતી. આવી જ ચમક હંસાએ અગાઉ રીમાએ માવજીને ખતમ કર્યો ત્યારે રીમાની આંખોમાં જોઈ હતી.

હંસા શાકની થેલી એક તરફ ફગાવીને રીમા તરફ દોડી. ઝડપથી એણે રીમા પાસેથી હેમંતને ખૂંચવી લઈને, એક તરફ પટકી દીધો અને રીમાના બાવડા ઉપરથી ખૂલી જવા આવેલા તાવીજને એણે બરાબર કચકચાવીને સરખું બાંધી દીધું. પછી ધડકતા હૃદયે એણે હેમંતને ઊંચકીને પોતાની છાતી સાથે ચાંપી દીધો.

હંસાને લાગ્યું કે જો પોતે સહેજ મોડી પડી હોત તો કદાચ પોતાનો હેમંત...! એ આગળ કલ્પના ન કરી શકી. એની આંખો આંસુથી છલકાઈ ગઈ.

ફકીરબાબા ખતમ થઈ ગયા. એનું બધાને દુઃખ હતું, પરંતુ સૌથી વધારે દુઃખ હંસાને હતું. એને સતત ચિંતા રહેતી હતી કે ફકીરબાબાના અવસાન પછી હવે રીમાનો ઈલાજ કોણ કરશે ? જોકે, ફકીરબાબાએ રીમાનો ઈલાજ કરવા માટે સુલતાનબાબાનું નામ ચીંધ્યું હતું. પણ હંસાને ફકીરબાબા ઉપર વધુ પડતી શ્રદ્ધા હતી. સુલતાનબાબા રીમાની હાલત જોઈને રીમાનો ઈલાજ કરવાની ના પાડી દેશે તો રીમાનું શું થશે...? એ વિચાર આવતાં જ હંસા ધ્રૂજી ઊઠી.

પછી..? પછી શું થયું..? ફકીરબાબાના અવસાન પછી હંસા સુલતાનબાબા પાસે રીમાને લઈ ગઈ ? સુલતાનબાબા રીમાનો ઈલાજ કરવા તૈયાર થયા...? રીમાનું શું થયું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***