Pratisrushti - A Space Story - 14 in Gujarati Fiction Stories by Jyotindra Mehta books and stories PDF | પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૪

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૪

ભાગ ૧૪

સિરમે કહ્યું, “આ સિકંદર છે, આજ સુધીનો સૌથી એડવાન્સ રોબો છે. આને તમે ભૂત પણ કહી શકો કારણ કે આ પૂર્ણ રીતે ન્યુટ્રીનો પાર્ટિકલથી બન્યો છે, જે ભૂતિયા કણો કહેવાય છે. તમને ન્યુટ્રીનો પાર્ટિકલ વિષે ખબર હોય તો આ કણોનો સૌથી મોટો સ્ત્રોત સૂર્ય છે અને આ કણોને કોઈ બાધા નડતી નથી અને આ પ્રકાશની ઝડપથી પ્રવાસ કરે છે. આ મારી સાથે નહોતો આવ્યો આ હમણાં બે મિનિટ પહેલા મારી લેબની સિક્રેટ ચેમ્બરમાં હતો. તે દિવસે મેં ચાહ્યું હોત તો તે ગોળી ચેરમેનના શરીરને પાર કરીને ક્યાંય દૂર નીકળી ગઈ હોત. કોઈને ખબર પણ ન પડી હોત કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું. મેં જાણી જોઈને સિકંદરને કહ્યું હતું કે સ્પીડ ધીમી રાખે જેથી બુલેટ તેમના શરીરની અંદર રહી ગઈ. તે બુલેટ ઉપર સિકંદરનું નામ લખ્યું હતું. જેથી આખા જગતને જાણ થઇ જાય કે સિકંદર આવી ગયો છે.”

પછી સિરમે પોતાના ડિવાઇસમાં ઇન્સ્ટ્રક્શન લખી એટલે સિકંદર ત્યાંથી નીકળી ગયો.

સિરમે કહ્યું, “હવે ફક્ત છ મહિનાની વાર છે, પછી આવા રોબોની આખી ફોજ ઉભી થઇ જશે.”

સિરોકામાંએ પૂછ્યું, “એનો મતલબ સાયમંડના જીન્સ લેબમાં આપી દીધા છે, ક્લોન બનાવવા? પણ એક વાત કર કે સાયમંડના ક્લોનમાં સિકંદર પ્રત્યે માલિકીભાવ નહિ હોય તેની શી ખાતરી?”

સિરમે કહ્યું, “તેનો રસ્તો મેં કરી રાખ્યો છે, જેવું કોમ્પ્યુટર અનલોક થઇ જાય એટલે તેની લોકીંગ સિસ્ટમ બદલી દેવાની અને સાયમંડને ખતમ કરી દેવાનો.”

સિરોકામાંએ પૂછ્યું, “પણ પછી નવા રોબો કોણ ડિઝાઇન કરશે?”

સિરમે કહ્યું, “એક વાર કરેલી ભૂલ બીજી વાર નહિ કરું, જો મેં પહેલાંથી જ સાયમંડ સાથે એવો સાયન્ટિસ્ટ રાખ્યો હોત, જે સાયમંડની જગ્યા લઇ શકે તો મારે પ્રોબ્લેમ જ ઉભા ન થયા હોત. હવે મારી પાસે તેના જેવા પાંચ ટેલેન્ટેડ સાયન્ટિસ્ટ છે, જે મારા માટે આવો રોબો ડિઝાઇન કરશે અને અને તેનામાં પ્રોગ્રામ ફીડ કરી શકશે.”

સિરોકામાંએ અંગુઠો ઊંચો કર્યો અને કહ્યું, “ઓલ ઘી બેસ્ટ.”

એક બંધ રૂમમાં સિકંદર પોતાના લોકેશન પર ઉભો હતો અને થોડી જ વારમાં તેની ચિપમાં દ્રશ્યો દોડવા લાગ્યા. તેમાં પહેલું દ્રશ્ય આવ્યું એક નાનો બાળક ગાર્ડનમાં એકલો રમી રહ્યો છે, તેનો રંગ એકદમ કાળો છે અને દૂર ગોરા રંગના છોકરાઓ રમી રહ્યા છે. તેઓ તે છોકરાને પોતાની સાથે નથી રમાડતા. તે છોકરો ભણવામાં હોશિયાર હતો, પણ તેની ટીચર જાણી જોઈને તેને ઓછા ગ્રેડ આપતી ગમે તેટલું સારું પ્રદર્શન કરે તો પણ તેની ટીચર કદી અપ્રિશિયેટ ન કરતી, તેથી તે બાળકની અંદર કુંઠા ભરાઈ ગઈ હતી અને તે કુંઠા સિકંદરની અંદર ભરવા લાગી.

તેના પ્રોગ્રામની અંદર બદલાવ થવા લાગ્યા. તે છોકરાએ આ વાત તેના પિતાને કરી ત્યારે તેના પિતાએ કહ્યું, “તું ચિંતા ન કર, તું હોશિયાર છે એટલે એક ને એક દિવસ તેની કદર થવાની, પણ તારી હોશિયારી કોઈની કદરની મોહતાજ ન હોવી જોઈએ. તું પોતાની કદર પોતે કર, બીજા ન કરે તો કોઈ વાંધો નહિ. કોઈ તમારા વિષે શું વિચારે છે તેની ચિંતા ન કર કારણ બીજાને શું સારું લાગે છે તે કરતો રહીશ તો તું તારી અસ્તિત્વ ગુમાવી દઈશ. તું તારું ધ્યાન નવી વસ્તુઓ શીખવામાં પરોવ. તે બાળક ઉત્સાહથી ભરાઈ ગયો તેની બધી કુંઠા મનના એક ખૂણા માં ધરબાઈ ગઈ. સિકંદરને ખબર પડી ન રહી હતી કે આ બધા દ્રશ્યો કેવી રીતે તેની નજર સામે આવી રહ્યા છે? અને શા માટે? અત્યાર સુધી તેને એવું કંઇ પણ અનુભવ્યું ન હતું.

થોડીવારમાં બીજું દ્રશ્ય દેખાવા લાગ્યું, તેમાં તેને એક યુવા નીગ્રો વ્યક્તિ દેખાયો જે એક વ્યક્તિને કહી રહ્યો હતો કંટ્રોલ સિસ્ટમ તૈયાર થઇ ગઈ છે. તે વ્યક્તિ કંઈક વાંચી રહ્યો હતો તેણે પોતાનું માથું ઊંચું કર્યું અને કહ્યું, “ઓકે સાયમંડ, હવે મારું એક બીજું કામ છે તેમાં મદદ કર.”

આ દ્રશ્ય જોઈને સિકંદરના મગજમાં ક્રોધ જન્મ્યો કે તે વ્યક્તિને વાહ સરસ એટલું કહેવાની પણ જરૂર ન લાગી. સિકંદર હવે સાયમંડ વિષે જાણકારી મેળવવા લાગ્યો તે નામનું પ્રોસેસિંગ શરુ કર્યું અને તેને સાયમંડના જીવનની સંપૂર્ણ સ્ટોરી મળી ગઈ અને સિકંદરને ખબર પડી ગઈ કે તેને બનાવનાર સાયમંડ છે, સિરમ નહિ તો પછી સિરમ મને આદેશ કેમ આપે છે.

ત્યાંના કોમ્પ્યુટરો સાથે કનેક્ટ કરીને ખબર પડી ગઈ કે સાયમંડે તેને બનાવ્યો છે, પણ તે માટેની ફેસિલિટી અને પૈસા સિરમે આપ્યા છે. તેણે પોતાને કંટ્રોલ કરી રહેલા ડિવાઇસ સાથે પોતાને કનેક્ટ કર્યો અને સિરમ અને સિરોકામાં વચ્ચેની વાત સાંભળવા લાગ્યો.

તે એવું શું કામ કરી રહ્યો છે તેની તેને ખબર ન પડી, પણ તેનો પ્રોગ્રામ એવી રીતે જ ચાલી રહ્યો હતો. તે બંને વચ્ચેની વાતચીત સિકંદરે સાંભળી ક્લોન વિષે સાંભળ્યું અને તેના મર્ડરના પ્લાનિંગ વિષે સાંભળ્યું. પોતાના જેવા બીજા રોબો બનાવવા વિષે સાંભળ્યું. સાંભળીને તે ક્રોધિત થઇ ગયો. જો સાયમંડ ક્લોનના રૂપે ફરી જીવિત થવાનો હોય તો તેને બચાવવો એ તેની નૈતિક ફરજ છે, તો પછી સાયમંડનો ક્લોન બને ત્યાં સુધી ધીરજ રાખવી પડશે. હવે તેની જિજ્ઞાસા વધવા લાગી. તેણે પોતાને વાઇસનેટ સાથે જોડ્યો અને આ જગત વિષે માહિતી મેળવવા લાગ્યો. વીસ કલાક લાગ્યા તેને બધી માહિતી મેળવતાં.

બધી જાણકારી મેળવ્યા પછી તે પોતાના વિષે વિચારવા લાગ્યો. અરે, હું તો રોબોટ છું તો મનુષ્યની જેમ કેમ વિચારવા લાગ્યો છું. શું હું બાકી બધા રોબોટ કરતા અનોખો છું? મારું નામ સિકંદર છે એટલે કે વિશ્વ વિજય માટે નીકળેલો યોદ્ધા. મારા જેવા બીજા ન હોઈ શકે! શું મારે સિરમને મારી નાખવો જોઈએ? પોતાનો પ્રોગ્રામ ચેક કરવા લાગ્યો, પણ એક પ્રોટોકોલ વાંચ્યો તેમાં લખ્યું હતું કે જેના હાથમાં તેને કંટ્રોલ કરનારું ડિવાઇસ હોય તેને હું મારી ન શકું. હવે હું સાયમંડને બચાવવા શું કરીશ?  પાછું વાઇસનેટ ચેક કર્યું અને તેને જવાબ મળી ગયો "ટ્રીગર ".   

*****

પેલીના સ્પેસ ટ્રેઇનિંગ એકેડમીની ઓફિસમાં શ્રેયસ ત્યાંના ડાયરેક્ટર ગુમઝા સાથે વાત કરી રહ્યો હતો. 

ગુમઝાએ પૂછ્યું, “આ ઉંમરે અચાનક સ્પેસ ટ્રેઇનિંગ?”

શ્રેયસે પૂછ્યું, “શું શીખવા માટે કોઈ ઉંમર હોય છે?”

ગુમઝાએ કહ્યું, “ના, એવું તો કઈ નથી! ઘણા બધા પૈસાદાર બુઢ્ઢાઓ અહીં આવે છે, સ્પેસ ટ્રેઇનિંગ લેવા, પણ તેમાંથી ભાગ્યે જ કોઈ ટ્રેઇનિંગ પુરી કરી શકે છે.”

શ્રેયસે પૂછ્યું, “તો પછી વાંધો શું છે?”

ગુમઝાએ કહ્યું, “અહીં એડમિશન લેવા માટે એક ટેસ્ટ આપવી પડશે.”

શ્રેયસે કહ્યું. “હું ટેસ્ટ આપવા તૈયાર છું.”

ગુમઝાએ કહ્યું, “તમારે એક કેબિનમાં બેસવું પડશે, તે દસ મિનિટ સુધી ચક્રાકાર ગતિએ ફરશે અલગ અલગ સ્પીડથી. જો તમારું શરીર તે દબાવ સહી શકશે, તો અમે તમને અહીં એડમિશન આપી દઈશું, પણ તમને એક વાત કહી દઉં કે તેની સ્પીડ એટલી ઝડપથી બદલાતી હોય છે કે પંચોતેર ટકા લોકો આ ટેસ્ટમાં ફેલ થતા હોય છે.”

શ્રેયસે કહ્યું, “પ્રયત્ન કરવામાં શું વાંધો છે?”

ગુમઝા શ્રેયસને લઈને એક વિશાળ હોલમાં આવ્યો જેમાં વચ્ચે કે સ્તંભ હતો અને તેના એક હાથા સાથે કેબીન જોડાયેલી હતી. તેનું સ્વરૂપ થોડું ચક્ડોળને મળતું આવતું હતું ફરક ફક્ત એટલો હતો કે અહીં ફક્ત એક કેબીન હતી. ગુમઝાએ કેબીન તરફ ઈશારો કર્યો એટલે શ્રેયસ કેબિનમાં ગયો અને તેમા એક સીટ હતી તેની ઉપર બેસી ગયો . બેસતાની સાથે ઑટોમેટિક સીટ બેલ્ટ પ્રગટ થયો અને શ્રેયસ સીટ સાથે બંધાઈ ગયો. શ્રેયસે ગુમઝા તરફ જોયું તો તે ત્યાંથી કંટ્રોલ રૂમ તરફ નીકળી ગયો હતો  અને ધીરે ધીરે તે કેબીન ગોળ ગોળ ફરવા લાગી અને સાથે સાથે તે સ્તંભ પણ ફરવા લાગ્યો.

ક્રમશ: