Pal Pal Dil Ke Paas - Kishor Kumar - 27 in Gujarati Biography by Prafull Kanabar books and stories PDF | પલ પલ દિલ કે પાસ - કિશોર કુમાર - 27

Featured Books
Categories
Share

પલ પલ દિલ કે પાસ - કિશોર કુમાર - 27

કિશોર કુમાર

વિદેશમાં કિશોરકુમારનો લતા મંગેશકર સાથેનો શો શરુ થવાની તૈયારી હતી. હમેશાં ઉછળતાં કૂદતાં કિશોરકુમારે તે દિવસે એકદમ ગંભીરતાથી ધીમી ચાલે સ્ટેજ પર એન્ટ્રી કરી હતી. પહેલું જ ગીત છેડ્યું હતું “જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઈ સમઝા નહિ કોઈ જાના નહિ”. થોડા દિવસ પહેલાંજ પત્ની લીનાના છત્રીસ વર્ષના ભાઈએ કરેલી આત્મહત્યાનો ઘા હજૂ તાજો જ હતો. ઋજુ હ્રદયવાળો આ કલાકાર ગીત પૂરું કરી શક્યો નહોતો. તેના ગળે ડૂમો બાઝી ગયો હતો. આંખો વરસવા લાગી હતી. ઓડીયન્સમાં સોપો પડી ગયો હતો. આખરે સાજીન્દાઓએ બાકીનું ગીત સંગીતમાં જ પૂરું કરવું પડ્યું હતું. લતાજી કહે છે કિશોરદાને આટલા ગંભીર આ અગાઉ મેં ક્યારેય જોયા નહોતા.

તા. ૪/૮/૧૯૨૯ ના રોજ ખંડવા (એમ. પી. )માં જન્મેલા કિશોરકુમારનું સાચું નામ આભાસકુમાર ગાંગુલી હતું. પિતા કુમુદચન્દ્ર ગાંગુલી વકીલ હતા. કિશોર જયારે એક વર્ષનો હતો ત્યારે તેનાથી ૧૯ વર્ષ મોટાભાઈ અશોકકુમાર એક્ટર બનવા મુંબઈ જતા રહ્યા હતા. થોડા વર્ષો બાદ વચેટ ભાઈ અનુપકુમારે પણ મુંબઈની જ વાટ પકડી હતી. પિતાની ઈચ્છા કિશોરને સારું ભણાવીને કલેકટર બનાવવાની હતી. ઈન્દોરની કોલેજમાં હોસ્ટેલમાં રહીને ભણતાં કિશોરને ભણવામાં ખૂબ ઓછો રસ હતો. કોલેજનો અભ્યાસ અધુરો છોડીને તેણે પણ આખરે મુંબઈની જ વાટ પકડી હતી. કિશોરને તો ગાયક જ બનવું હતું પરંતુ અશોકકુમારના દુરાગ્રહને કારણે તેણે અભિનયમાં ઝંપલાવ્યું હતું. પહેલી ફિલ્મ હતી “શિકારી”. અભિનેતા તરીકે તેની યાદગાર ફિલ્મો એટલે આશા, ન્યુ દિલ્હી, ઝુમરૂ, ચાલતી કા નામ ગાડી, હાફ ટીકીટ, મનમૌજી, ગંગા કી લહેરે, મિસ્ટર એક્સ ઇન બોમ્બે તથા પડોશન. કિશોરે માત્ર ૧૯ વર્ષની ઉમરે જ “જીદ્દી” માટે પ્રથમ ગીત ગાયું હતું. જે દેવ આનંદ પર ફિલ્માવવામાં આવ્યું હતું. શબ્દો હતા “મરને કી દુઆ એ કયું માંગું” સંગીતકાર હતા ખેમચંદ પ્રકાશ. ત્યારબાદ એસ. ડી. બર્મન સાથે કિશોરની જોડી જામી હતી. એતો ખૂબ જાણીતી વાત છે કે કિશોરકુમારની અભિનેતા તરીકે શરૂઆતની ફિલ્મોમાં રફીએ કેટલાક ગીતોમાં કિશોરને પ્લેબેક આપ્યો હતો. અહી આપણે વાત કરવી છે કિશોરના એક જાણીતા ગીતની. ૧૯૫૩માં બિમલ દા ની ફિલ્મ નૌકરી”નું શુટિંગ ચાલુ હતું. કિશોર કુમાર હીરો હતો. સ્ક્રીન પર કિશોરે એક ગીત ગાવાનું હતું. સંગીતકાર સલીલ ચૌધરીની ઈચ્છા તે ગીત હેમંત કુમાર પાસે ગવડાવવાની હતી. કિશોરકુમારને નવાઈ લાગી કારણકે છેલ્લા પાંચ વર્ષથી તેનું નામ પ્લેબેક સિંગર તરીકે ખાસ્સું જાણીતું થઇ ચૂક્યું હતું. તેણે બિમલ દા ને દરમ્યાનગીરી કરવા વિનંતી કરી. બિમલ દા ની સમજાવટ બાદ આખરે સલીલ ચૌધરી સમંત થયા પરંતુ તેમણે કિશોરનો વોઈસ ટેસ્ટ લેવાનો આગ્રહ રાખ્યો. પાંચ વર્ષથી ફિલ્મના ગીતો ગાતા આ કલાકારે ટેસ્ટ આપ્યો પણ ખરો અને એ પણ એ ગીત માટે જે સ્ક્રીન પર તેને ખુદને જ ગાવાનું હતું. આખરે તે ગીત સલીલ ચૌધરીએ કિશોર પાસે જ ગવડાવ્યું. જે આજે પણ રેડીઓ પર સંભાળવા મળે છે. યસ્સ તે ગીત એટલે “છોટા સા ઘર હોગા બાદલો કી છાંવમેં”. વાસ્તવમાં સલીલ ચૌધરીનું માનવું હતું કે કોઈ પણ જાતની શાસ્ત્રીય સંગીતની તાલીમ વગરનો કિશોર કુમાર ગાયક તરીકે સફળ નહિ નીવડે. સમય જતાં સલીલ ચૌધરીએ પોતાનો અભિપ્રાય બદલવો પડયો હતો માત્ર એટલું જ નહિ “મેરે અપને” માં “કોઈ હોતા જીસકો અપના હમ અપના કહ લેતે યારોં પાસ નહિ તો દુર હી હોતા કોઈ મેરા અપના” જેવું જોરદાર સેડ સોંગ કિશોર કુમાર પાસેજ આગ્રહ રાખીને ગવડાવ્યું પણ હતું.

”ઉપકાર”ના પ્રખ્યાત ગીત “કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતો કા ક્યા”માટે કલ્યાણજી આણંદજીએ પહેલાં કિશોરકુમારનો સંપર્ક કર્યો હતો. કિશોરકુમારે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે જે હદે અવાજને ઉંચો લઇ જવાનો છે તેવી બંદિશ તેને નહિ ફાવે. આખરે તે ગીત મન્નાડે પાસે ગવડાવવામાં આવ્યું હતું. ”આરાધના” ના ગીતોથી કીશોરકુમારના અવાજનું રીતસરનું વાવાઝોડું ત્રાટક્યું હતું.

કટોકટી દરમ્યાન દિલ્હી ખાતે એક સરકારી પ્રોગ્રામમાં કિશોરકુમારની ગેરહાજરીને સરકારી હુકમનો અનાદર ગણવામાં આવ્યો હતો. રેડીઓ આકાશવાણી પર તેના ગીતો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. કટોકટી ઉઠતાં પાર્શ્વ ગાયનમાં કિશોરકુમારનો સૂર્ય મધ્યાન્હે તપવા લાગ્યો હતો. રાજેશ ખન્નાની જેમજ અમિતાભને પણ કિશોરનો અવાજ બરોબર સેટ થતો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભ જયાની હીટ ફિલ્મ “અભિમાન”ની થીમ કિશોરકુમાર અને તેની પ્રથમ પત્ની રૂમા ગુહાની અંગત જિંદગી પર જ આધારિત હતી. આ જિનિયસ કલાકારે શરૂઆતમાં ઓડેલિંગ મારફત તથા ત્યારબાદ અસંખ્ય રોમેન્ટિક તથા સેડ સોંગ ગાઈને પ્લેબેક સિંગર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી માત્ર એટલું જ નહિ કરોડો લોકોને તેના અવાજ પાછળ પાગલ કરી દીધા હતાં.

ગુજરાતીમાં કિશોર કુમારે ખૂબ જ અલ્પ પ્રમાણમાં ગીતો ગયા છે. જેમાં હું અમદાવાદનો રિક્ષાવાળો (મા બાપ ),મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી(સંતુ રંગીલી )તથા ચાલતો રહેજે (કુળવધુ )ખુબ જ લોકપ્રિય થયા હતા.

હકીકતમાં કિશોરકુમારનું ફિલ્મ ઉદ્યોગમાં પ્રદાન જોવામાં આવે તો તેની ઓળખ માત્ર સિંગર તરીકે જ નહિ બલ્કે સિંગર, એક્ટર,ગીતકાર, કમ્પોઝર, પ્રોડ્યુસર તથા ડાયરેક્ટર તરીકે જ આપવી પડે. આઠ વાર ફિલ્મફેરના એવોર્ડ જીતનાર કિશોરકુમારે ચાર વાર લગ્ન કર્યા હતા. રૂમા ગુહા (૧૯૫૧થી૧૯૫૮) મધુબાલા (૧૯૬૦થી૧૯૬૯) યોગિતા બાલી (૧૯૭૬થી૧૯૭૮) અને છેલ્લે લીના ચંદાવરકર (૧૯૮૦થી૧૯૮૭). તેના પ્રથમ પુત્ર અમિતકુમારની મા રૂમા ગુહા હતી. કિશોરકુમારના ચોથા લગ્ન લીના ચંદાવરકર સાથે થયા ત્યારે લીનાની ઉમર કિશોરના પુત્ર અમિતકુમાર કરતા માત્ર બે વર્ષ જ વધારે હતી. બંનેને એક પુત્ર થયો જેનું નામ સુમીત કુમાર. સુમિતના જન્મ સમયે કિશોરકુમારની ઉમર ત્રેપન વર્ષની હતી. તા. ૧૩/૧૦/૧૯૮૭ ના રોજ કિશોરકુમારનું અવસાન હાર્ટએટેકને કારણે થયું હતું. જોગાનુજોગ તે દિવસે મોટાભાઈ અશોકકુમારનો જન્મ દિવસ હતો. અશોક કુમારે ત્યાર બાદ જીવ્યા ત્યાં સુધી ક્યારેય જન્મ દિવસ ઉજવ્યો નહોતો. આવતી કાલે કિશોરકુમારની જન્મજયંતી છે.

***