Ae matra gulab n hatu in Gujarati Short Stories by Dipti books and stories PDF | એ માત્ર ગુલાબ ન હતું !!!!!

The Author
Featured Books
Categories
Share

એ માત્ર ગુલાબ ન હતું !!!!!

જાન્યુઆરીની ગુલાબી ઠંડીમાં સવારે ઉગતા સૂર્યનો કેસરિયો રંગ નીલા આકાશ સાથે ત્રિરંગો લાગી રહ્યો છે, આજે રજાનો દિવસ છે પરંતુ , વહેલી સવારે ઉઠવા માટેનું દરેક પાસે ખાસ કારણ હતું. તેથી જ તો આજ માટેના ખાસ સાફ રસ્તાઓ પર માનવમેહરામણ દેખાઈ રહ્યુ છે, દોડમાં સૌથી આગળ ખાખી વર્દી ધારીઓ છે. ગાંધીજી હોય કે ભગતસિંહ, સરદાર પટેલ હોય કે સુભાષચંદ્ર બોઝ આજે દરેક સ્વાત્રંત સેનાની બાળકોના રૂપમાં ફરી એક વાર રાષ્ટ્રીય પર્વ ઉજવવા માટે આવ્યા છે. NCC ના બાળકો જાણે દેશ-સુરક્ષાની પ્રતિજ્ઞા લેવા કટિબદ્ધ છે. દેશ ભક્તિના દરેક ગીત વાતાવરણમાં નવો જોશ પુરી રહ્યા છે. ભારત માતાના વેશમાં શાળાએ જતી નાની દીકરીઓ પૂજનીય લાગે છે. આખરે આજે ભારતનો ગણતંત્ર દિવસ છે.


પોતાની આદત પ્રમાણે માહી આજે બસ સ્ટોપ પર પોંહચીને આસપાસસના વાતાવરણનું અવલોકન કરી રહી હતી.

મનગમતા આસમાની રંગની કુર્તીમાં તે એકદમ સરળ લાગે છે, તેના શણગારમાં નાના ઝુમકા , બ્લેક વૉચ અને બસ કાજળ આવે, ખભા સુધીના માહીના કર્લી વાળ હંમેશા ખુલ્લા જ જોવા મળશે. તે રોજ આમ કલાકો સુધી દરેક આવતા-જતાને જોયા કરે અને અજાણ્યા લોકોમાં જાણીતી વાર્તા શોધ્યા કરે...

કહે છે કે વાર્તાકારની પોતાની વાર્તા હમેશા અધૂરી રહી જાય છે , એવી જ એક વાર્તા પુરી કરવા માહી દરેક રાષ્ટ્રીય પર્વ પર મિલેટ્રી કેમ્પ જાય છે.

સિટી બસનો અવાજ સાંભળી પાછી વાસ્તવિકતામાં આવતા માહી પોતાની મોટી ગુલાબના ફુલોથી ભરેલી બેગ સાથે બસમાં ચડે છે. આટલા બધા ગુલાબ જોઈ દરેક મુસાફરનું ધ્યાન તેના તરફ જાય છે, દર વર્ષની જેમ તે બસ કંડક્ટર અને ડ્રાઈવરને ગુલાબ આપે છે અને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવે છે. તેઓના ચહેરા પર સ્મિત આવી જાય છે.

આ જોઈ માહી ફરીથી વિચારોમાં ખોવાઈ જાય છે...

************************

૨ વર્ષ પહેલા , ગણતંત્ર દિવસની એ સવારે માહી ઉદાસ હતી , દરેક વખતે વિદ્યાશાખામાં થતો ધ્વજારોહણ કાર્યક્રમ રદ થઈ ગયો હતો. સ્કૂલ સમયથી અચૂક માહી ધ્વજારોહણ કાર્યક્રમમાં જતી હતી. ન જઈ શકે તો ,એ દિવસ જાણે અધૂરી રહી જતો હતો. પોતાના દેશ માટે આટલું તો કરવું જ રહ્યું. લહેરાતા ત્રિરંગાને જોઈને તેના શરીરમાં જાણે નવી ઉર્જા આવી જાય છે.

માહીએ શોધ ચાલુ કરી કે બીજી કોઈ જગ્યા જ્યાં ધ્વજારોહણ થતો હોય ત્યાં જવું જ છે. તે મિલેટ્રી કેમ્પ પોહચે છે. આમ તો તેને ખબર છે કે આજના ચુસ્તબંદોબસ્ત વચ્ચે ત્યાં આસપાસસ પણ નહીં જવા દેવામાં આવે , તેમ છતાં માહીએ આજે કેમ્પમાં થતો કાર્યક્રમ જોવાનુ મન બનાવ્યુ હતુ.

સમય ઝડપથી સરકતો હતો , ઘડિયાળ જોતાં જોતાં ગેટની આસપાસ ૩ થી ૪ આંટા તો થઈ ગયા હતા , ગાડીઓ આવીને ચેકીંગ કરાવી અંદર જઈ રહી હતી અને માહીએ વાતથી અજાણ કે તેની હરકતો કોઈ જોઈએ રહ્યુ છે, હજી ત્યાં જ ઉભી હતી. અચાનક પેલી વ્યક્તિ માહીની પાછળ આવીને ઉભી રહી જાય છે. માહીએ પાછળ ફરીને જોયું તો એક સોલ્જર ત્યાં ઉભા હતા, યુનિફોર્મ સાથે માથા ઉપર પઘડી, હથિયારથી સજ્જ, એક સોલ્જરને શોભે તેવો બાંધો , અને હાઈટ એટલી કે પોતાની હાઈટ પર અભિમાન કરતી માહીને ઘણુ ઉંચુ જોવું પડે, તેઓ ગંભીર મુદ્રામાં ઉભા હતા.


માહીએ અચકાતા અહીં આવાનું કારણ જણાવ્યું, તો એક અદબ સાથે તેમને કહ્યું કે " તેઓ અહીં ખાસ આજ માટે સુરક્ષામાં છે , અંદર જવા અંગે તેમના સિનિયરને કહેવું પડે, તે કોઈ મદદ કરી શકે તેમ નથી ". આટલું કહી તેઓ પાછા પોતાના સ્થાને ઉભા રહી ગયા. માહી ઘણી વાર સુધી જોઈ રહી. સામે સોલ્જર એક જ મુદ્રા માં ઉભા હતા. તે છતાં આદત મુજબ તેઓમાં માહીને વાર્તા દેખાઈ રહી હતી.


માહીએ પ્રથમ વખત એક સોલ્જર ને સાંભળ્યા હતા. હિમ્મ્ત ભેગી કરીને માહીએ વાત કરવાના હેતુથી તેમની સામે જઈને કહ્યું ,
" શું તમે અંદર નહીં જાઓ? આજે જાહેર રજા હોય છે? પરંતુ તમારુ કામ વધી જાય " .

એટલામાં સામેથી સિનિયર આવતા દેખાયા , માહી ત્યાંથી જવા લાગી ત્યારે તે સોલ્જરએ સ્મિત સાથે કીધું કે , " હું મારી ડ્યુટી કરું છું. મારી ફરજ પરથી રજા તમારા સુરક્ષા સામે ઘણી નાની છે. જે દિવસે ત્રિરંગામાં ઘરે જઈશ ત્યારબાદ આરામથી રજા માણીશ. " માહી એકીટ્સે તેમને જોઈ રહી. હજુ પણ તે સોલ્જર સાવધાન મુદ્રામા ઉભા હતા.


પાછા ફરતા સમયે માહીએ ઘણા બધા ગુલાબ લઈ લીધા અને રસ્તામા આવતા દરેક પોલીસ, ટ્રાફિક પોલિસ, સફાઈ કામદાર, સિપાહી દરેકને કે જેઓ આજે ડ્યુટી પર હતા તેમને ગુલાબનુ ફૂલ આપીને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી અને આભાર માન્યો. દરેકે એ ઉત્સાહભર તેનો સ્વીકાર કર્યો અને તેઓના મુખ પર સ્મિત જોઈ માહીને સોલ્જરની યાદ આવી ગઈ જે આમ અનોખી રીતે રાષ્ટ્રીય પર્વ ઉજવવાના પ્રેરણા સ્ત્રોત હતા. તેને છેલ્લું ૧ ગુલાબ સાચવી રાખ્યુ અને ફરીથી કેમ્પ પોહચી જાય છે.

ત્યાં પોંહચીને જોયું તો પેલા સિનિયર સર કંઈક ઇન્સ્ટ્રક્ટન આપી રહ્યા હતા, માહી તરફ ધ્યાન જતા તેઓ એ અહિ ઉભા રેહવાનુ કારણ પુછ્યું તો માહીએ આખી વાત કહી સંભળાવી, અને તે સોલ્જર સામે જોયુ તો તેઓ હજી પણ બસ અદબ સાથે ઉભા હતા.


હવે સિનિયર પણ હસવા લાગ્યા, તેમને માહી પાસેથી ગુલાબ લઈને, સોલ્જર ને આપ્યું અને આભાર સ્વીકાર કર્યો. માહીએ જોયુ તો હજી તેઓ એમજ સાવધાનમા પોતાની ડ્યુટી કર્તા ઉભા હતા. પાછા ફરતા સમયે માહીની આખો માથી આસું આવી ગયા હતા જેનુ કારણ માહીને એ સમયે સમજાયું ન હતુ.

૧ વર્ષ પછી ફરી એ દિવસે માહી ગુલાબ લઈને ત્યાં પોહ્ચે છે , પરંતુ પેલા સોલ્જર ક્યાંયે નઝરે ચડતા નથી. તેમનું નામ પણ ખબર ન હોવાથી કોઈને કહી શકે એમ ન હતું , ઘણી વાર ત્યાં ઉભા રહી તે પાછી ફરે છે , ત્યારે જ કોઈક ફરીથી એક વાર તેની પાછળ આવીને ઉભુ હોય છે, તે ખુશીમાં પાછળ ફરે છે તો પેલા સર જોવા મળે છે , માહી ગુલાબ તેમને આપીને તે સોલ્જરને આપવા કહે છે, ત્યારે તેઓ માહીને જણાવે છે કે " તે હવે શક્ય નથી. આજે તે સોલ્જર અહિ આપણી વચ્ચે નથી રહ્યા. તે રજા પર છે. અને માત્ર ત્રિરંગો પોતાની સાથે લઈ ગયા છે. "


પાછા ફરતા સમયે માહીની આખોમા ફરીથી આસું હતા. આજે માહી તેનુ કારણ સમજાતુ હતુ......


***********************************

માહી આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ પર ફરજ બજાવતા દરેકને ફૂલ આપીને આભાર વ્યક્ત કરે છે. અંતે એક ગુલાબ સાચવી રાખે છે.

આજે ફરીથી માહી કેમ્પના ગેટ સામે ઉભી રહી છે એક ગુલાબ સાથે...

Ⓒ દીપ્તિ ઠક્કર " માહી "