સામેની રાવ હોટેલના બીજા માળની બારીમાંથી અહીં સતત વોચ રાખીને બીજો ખબરી આલતુ બેઠો હતો. ખબરીઓના નામ ફાલતું, આલતુ, બેકાર એવા જ રખાતા એની પાછળના કારણ બહુ ગંભીર હતા.
પહેલા અનુપ લોકો નીકળ્યા. એ લોકોએ ઘરની ગાડીમાં અનુપ લંકેશ સરફરાઝ અને રઘુ ચાર જણ નીકળ્યા. પછી થોડી વારે બીજા લોકો ટેક્સીમાં નીકળ્યા. પછી દીપ અને શીલા નીકળ્યા. દસ દસ મિનિટના અંતરે નીકળેલા આ બધાની ટીમમાં દીપ અને શિલાને પણ ખબરીએ અનુપ અને ટીમ્સના મેમ્બર જ ગણી લીધા કેમ કે દીપ પણ અનુપ જે દિવસે હોટેલમાં આવ્યો એ જ દિવસે એ જ સમયે હોટેલમાં આવ્યો હતો. અને અનુપ નીકળ્યો એ જ દિવસે એ જ સમયે દીપ અને શીલા પણ હોટેલ છોડીને ગયા એટલે ખબરીને દીપ અને શીલા બંને અનુપની ગેંગના માણસો જ લાગ્યા. જોકે ખબરીને કે મનુને અનુપ અને ગેંગના નામ ખબર ન હતા માત્ર ચહેરાથી જ ઓળખતા હતા.
તેણે બાયનોક્યુંલર હઠાવ્યું અને થાકીને બેડમાં પડ્યો. આખા દિવસની વોચથી એ થાક્યો હતો.
પથારીમાં પડ્યા પડ્યા આલતુએ બે ગણતરી કરી કા’તો આ યુવાન પતિ પત્ની બનીને આવેલા બંને (દીપ અને શીલા) અનુપ અને ટીમ્સના સભ્ય હશે પણ કોઈની નજરે ન આવે તે માટે અલગ રહ્યા હશે અથવા તો અનુપ અહી કોઈ સોદો કરવા આવ્યો હોય અને આ પતી પત્ની બનીને આવેલા બેય સાથે સોદો પતાવીને નીકળી ગયા હોય.
પણ આ છોકરાને મેં ક્યાંક જોયો છે. ખબરીને બરાબર યાદ આવતું ન હતું. તેણે મગજ ઉપર ભાર આપવાનું શરુ કર્યું. એ છોકરો ક્યાં જોયો હતો તે તેને બરાબર યાદ આવતું ન હતું. અને તેને એ યાદ ન આવે તો કદાચ પરિણામ જુદું જ આવોત.
*
મહારાજા હોટેલમાં આ બધું થયું બરાબર એ જ સમયે મનું પૃથ્વીને સમીર વિશે બધું સમજાવી રહ્યો હતો. મનુનો ફોન રણક્યો. ખબરી ‘આલતુ’નો નંબર જોતા જ મનુએ તરત ફોન લીધો.
"બોલ આલતુ."
"સાહેબ હોટેલમાં કઈક બન્યું છે."
"બન્યું છે? શું બન્યું છે?" મનું ટટ્ટાર થઈ ગયો. પૃથ્વી પણ મનુની ક્રિયા જોઈ રહ્યો પણ એને સંભળાતું ન હતું. એટલે સ્પીકર કરવા ઈશારો કર્યો.
મનુએ સ્પીકર ઓન કર્યું.
"સાહેબ પહેલા એ લોકો પોતાની ગાડીમાં ગયા. દસ મિનિટ પછી બાકીના લોકો ટેક્સીમાં ગયા. અને પછી એક છોકરો અને છોકરી પણ ટેક્સીમાં ગયા."
"છોકરી?" મનું કઈક નવાઈથી બોલી ઉઠ્યો.
"હા સાહેબ એમની સાથે એક છોકરી પણ હતી."
"પણ એ લોકો કદાચ કોઈ બીજા હોય. હોટેલમાં આવેલા કપલ હોય એવું પણ બને ને?"
"નહિ સાહેબ. મને ખાતરી છે. કેમ કે જે દિવસે ગાડીમાં પેલા ચાર લોકો આવ્યા એ જ દિવસે એ જ સમયે આ છોકરો અને છોકરી પણ હોટેલમાં આવ્યા હતા. અને હમણાં જ્યારે પેલા બધા નીકળ્યા ત્યારે ગાડીમાં પૂરતી જગ્યા ન’તી એટલે બાકીના લોકો એક ટેક્સીમાં ગયા અને પછી પેલા છોરો અને છોરી પણ ટેક્સીમાં ગયા. ને સાહેબ આવી ત્યારે છોકરીને સાડી હતી. ગયા ત્યારે જીન્સ અને ટી શર્ટ..."
"આ સિવાય કોઈ બીજી માહિતી?"
"હા સાહેબ છોરાને મેં ક્યાંક દેખ્યો છે. ખૂબ યાદ કર્યું પછી મારુ ભેજું કામે લાગ્યું."
"ક્યાં વડોદરામાં?" મનુના ચહેરા ઉપર છોકરી શબ્દ સાંભળીને આવેલી રેખાઓ પોતાના ખબરીએ એ છોકરાને ક્યાંક જોયો છે એ સાંભળી ઓર તંગ થઇ. એ પૃથ્વીએ બરાબર નોધ્યું.
"નહિ આપણે પેલા ખેતરે ગયા હતાને ત્યાં આ છોકરો હતો."
"કયા ખેતરે? ખબરી સીધું બોલને." મનુ કંટાળીને બોલ્યો એટલે પૃથ્વીએ ઈશારો કર્યો.
"અરે સાહેબ પેલા બે ભાઈ બહેનવાળો કેસ હતો ને. શુ નામ એનું..... હા પેલા અમર અને આસ્થાવાળો કેસ. એમને મેં જ્યાં મુક્યા હતાને ત્યાં આ માણસને મેં જોયો હતો. એ ત્યાં કોમ્પ્યુટર ઉપર કામ કરતો હતો."
આ સાંભળી મનુના હોશ ઉડી ગયા હોય તેમ તેની આંખો પહોળી થઇ ગઈ. તે ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને મોટેથી પૂછ્યું..
"શું? પણ તને ખાતરી છે?"
"સાહેબ તમને શું કહું આપણે અભણ માણસ એટલે જ્યાં કોમ્પ્યુટર મશીન દેખાય ત્યાં ટપટપ બટન દબાવતા માણસનો ચહેરો સાત જન્મેય ન ભૂલું..." ખબરીએ પોતાની યાદશક્તિ ઉપર ગર્વ લેતા કહ્યું એ સાથે જ મનુના ચહેરાના ભાવ બદલાયા, તેમાં ભારોભાર ઉદાસી તરી આવી પણ સ્વસ્થ રીતે જ એણે જવાબ આપ્યો.
"ઓકે ખબરી ગ્રેટ તું હજુ નજર રાખજે. હોટેલમાં હિલચાલની રજ રજ માહિતી મારે જોઈએ."
"ઓકે સાહેબ." કહીને પેલે ફોન મુક્યો.
"આ ખબરી શુ કહે છે? અમર અને આસ્થાવાળા કેસનું શુ કહ્યું?" ફોન મુકતા જ પૃથ્વીએ સવાલ કર્યો.
"તે સાંભળ્યું છે તો મને શું કામ પૂછે છે પૃથ્વી?" ખુરશીના માથાની પટ્ટી હાથથી સજ્જડ ભીંસીને મનુએ કહ્યું.
"પણ મ......" ઉત્સાહમાં મનું બોલતા જ અટકીને સુધારી લીધું, "જિમી એ શક્ય નથી. એજન્ટે એ બધા એજન્ટને છુટ્ટા કરી દીધા છે. એ હવે આ બધા કામ નથી કરતા. ખબર નહિ ક્યાં ચાલ્યા ગયા છે."
"જેક વાંદરો સો વર્ષનો થાયને તો પણ ઝાડ ઉપર ચડ્યા વગર ન રહી શકે."
"તો બધા એજન્ટને છુટ્ટા કેમ કર્યા? રુદ્રસિંહને કહ્યા વગર ક્યાં ચાલ્યા ગયા એજન્ટ?" પૃથ્વી પણ ઉભો થઈને તેની નજીક ગયો.
"તને હજુ નથી સમજાતું પૃથ્વી?"
"એટલે તું એ વિચારે છે જે હું વિચારું છું?" પૃથ્વી હજુ ય પોતાના મોઢે એ વાત કહેતા ખચવાતો હતો એ મનુએ બરાબર નોધ્યું.
"બીજું તો શું હોઈ શકે? તને નથી મળતા. મને નથી મળતા. અરે રુદ્રસિંહને પણ નથી મળતા તો બીજું શું હોઈ શકે? સિવાય કે એ બદલાઈ ગયા હોય." આટલું બોલતા જાણે મોટો આઘાત લાગ્યો હોય એમ મનુંની આંખો ભીંજાઈ આવી.
"પણ કદાચ ખબરી ખોટો....."
"ખબરી ભૂલ ન કરે. એ એનું કામ છે. લોકોના ચહેરા યાદ રાખીને જ તો એ પરિવારનું પેટ ભરે છે. અને જો ખબરી સાચો હોય. એણે એ છોકરાને એજન્ટ એ’ના ફાર્મ હાઉસ પર જોયો હોય અને એ છોકરો અહીં હોય તો એનો અર્થ એ છે કે એજન્ટ એ અહીં હોવા જોઈએ. ક્યાંક આસપાસ. અને અહી હોવા છતાં પણ આપણામાંથી કોઈને પણ એજન્ટ વાત ન કરે એનો શુ અર્થ?"
"એજન્ટ ખુદ ગુનેગાર બની જાય એ હજુ પણ મને માન્યામાં નથી આવતું." પૃથ્વીએ કહ્યું તો ખરા પણ હાલાતનો ઈશારો સ્પસ્ટ બધું જણાવતો હતો. એણે કંટાળીને કઈક દ્વિધામાં જ સિગારેટ કાઢી અને સળગાવી.
"છતાંય એ હકીકત છે. આપણે રુદ્રસિંહને પૂછવું પડશે. એ જો કઈ પણ જાણતા હોય તો જ આપણને એજન્ટ એ મળશે બાકી એ શરીર વગરનો પડછાયો છે. તું અને હું નહિ આખા વડોદરાની પોલીસ ફરી વળે તો પણ એ મળવાના નથી." મનુએ ઉભા એના હાથમાંથી સિગારેટનું પેકેટ લીધું. કઈક એ રીતે સિગારેટ સળગાવી જાણે લાગેલા આઘાતને સળગાવતો હોય.
"પણ એજન્ટ ખુદ આવી ટોળકી ચલાવતા હશે?"
"પૃથ્વી તે ડ્રેક્યુલા વિશે સાંભળ્યું છે?” હવે મનુ જેક અને જીમી પણ ભૂલી ગયો એવો વંટોળ એના મનમાં ઉઠ્યો, “જે ડ્રેક્યુલાને મારે એ ખુદ ડ્રેક્યુલા બની જાય. જે શેતાનને મારવા નિકળે એ ખુદ પણ એક દિવસ શેતાન બની જાય છે."
"છતાય આ વખતે આપણે ખોટા પડીએ એવી હું ઈશ્વરને પ્રાર્થના કરીશ." તેણે મનુના ખભે હાથ મુક્યો.
"હું પણ....." કહી મનુ ટેબલ પાસે ગયો. એક થાળીમાં રોટલા શાક ભર્યા. અને મકાનમાં ગયો. દરવાજો ખોલીને લાઈટો સળગાવી. સમીરની પટ્ટી અને હાથ ખોલ્યા. એક પણ સવાલ જવાબ કર્યા વગર જ એ બહાર નીકળ્યો અને દરવાજો બંધ કરી દીધો.
સમીરે એ જોઇને અલગ જ ધારણા કરી. કદાચ આ જીમી સવાલ પૂછતાં પહેલા હું પુરેપુરો અકળાઈ જાઉં એમ ઈચ્છતો હશે એટલે હજુ સુધી મને એક પણ સવાલ કર્યો નથી. પણ એને ખબર ન હતી કે જીમીના મનમાં ભયાનક વંટોળ ઉમટ્યો છે. એ ખુદ જ સવાલ પૂછવાની હાલતમાં નથી.
*
ટેક્સીમાંથી ઉતરતા જ શીલાએ દીપના વાળ પકડીને એના પેટમાં લાત ઠોકી. બેવડો વળીને દીપ રોડ ઉપર બેસી ગયો.
"પણ હું શું કરું શીલા? તું એકટર છે અને એક્ટરે રડવું પડે. મેં તો બસ લાફો મારીને તને રડવામાં મદદ કરી."
"જલ્દી ચાલ હવે..." કહીને શીલા ચાલવા લાગી. દીપ દોડીને એની સાથે થયો. તેનો હાથ પકડીને દીપે તેને રોકી. રાતના અંધારામાં શીલા તેના ચહેરાને જોઈ રહી. તેના કપાળ પર છવાયેલા વાળ હાથથી એક તરફ કર્યા.
“શીલા.... સોરી મને ખબર ન હતી તને એટલું વધારે વાગી જશે...” શીલાના ગોરા ગાલ ઉપર છપાયેલા આંગળાની છાપ ઉપર તેણે હાથ ફેરવ્યો.
“ઇટ્સ ઓકે.. આપણે આ બધું તો કરવું જ પડે દીપુ તેમાં તારો વાંક નથી.” તે દીપને ભેટી. ચાંદનું આછું અજવાળું આ બંને પ્રેમીઓ ઉપર પડીને અનુપમ દ્રશ્ય રચાયું.
*
રાતના ઘોર અંધારામાં બે એક ખેતર ચાલીને ત્રીજા ખેતરનો દરવાજો ખોલી દીપ અને શીલા બંને અંદર ગયા.
જુના ફાર્મ હાઉસ પરથી એજન્ટ એ પોતાનું કામ અહીં ખસેડી લાવ્યા હતા. જેની મનું પૃથ્વી કે રુદ્રસિંહ શુદ્ધાને ખબર ન હતી. મનુંને હૃદયની સહેજ દૂર ગોળી વાગ્યા પછી એજન્ટ મનુંને આ સાહસમાં જોડવા માંગતા ન હતા. પૃથ્વી મનુને કહ્યા વગર રહે નહીં. આમ પણ મનુથી નજર બચાવીને પૃથ્વી એજન્ટ તરીકે કામ કરી શકે એ ઇમ્પોશીબલ હતું એટલે પૃથ્વીને પણ આ વખતે દૂર રાખવો પડ્યો હતો.
એ બધાની વાત તો અલગ હતી. ખુદ મી. આદિત્ય પણ વર્ષ દોઢ વર્ષ સુધી એકલા રહ્યા હતા. કોઈ કામ કર્યું ન હતું. ડિપ્રેશન ગમે તેવા માણસને અમુક સમયે ઘેરી જ વળે છે. પણ આખરે એક ભયાનક કેસ હાથમાં આવતા અદિત્યએ ટીમમાંથી અમુક માણસોને બોલાવ્યા હતા. અને છેલ્લા એક વર્ષથી અહીં કામ કરતા હતા.
ફરી મનુને એ જોડવા માંગતા હતા પણ રુદ્રસિંહે કહ્યું હતું, "તે તારી લાઈફમાં શુ મેળવ્યું આદિ?"
જવાબ હતો જ નહીં છતાંય પ્રયત્ન કર્યો હતો, "તું મળ્યો છે, મનું મળ્યો છે, પૃથ્વી મળ્યો છે, આટલા બધા એજન્ટ મળ્યા છે. બીજું શું જોઈએ?"
"અને તારા ગયા પછી તને કોણ યાદ કરવાનું છે? અરે તું તો વર્ષો પહેલા જ વિસ્ફોટમાં દુનિયાની નજરે ગુજરી ગયો છે. તને કોણ ઓળખવાનું છે?"
"એટલે હું શું નામ માટે આ બધા કામ કરૂં છું રુદ્ર?"
"નહિ પણ હું જે કહું છું એ બધું મનું વિશે એક વાર વિચારી જો. તારી આગળ પાછળ કોઈ નથી. કાલે તું ગુજરી જઈશ પછી તારી પાછળ તો કોઈ છે નહીં. તે આટલા ગુનેગારોને પકડ્યા. ઘણાને મારી નાખ્યા. લોહિયાળ જંગો લડ્યો પણ એથી શુ બદલ્યું? ફરી ગુનેગારો તો નવા જન્મ્યા ને?"
આદિત્ય બધું સાંભળે ગયા.
"આ મનુંને તારી જેમ જ ગુનેગાર પકડવાના મારવાના ઇમાનદારીના ભૂત ઉપડ્યા છે. મનેય હતા જ ને આદિ આવા અભરખા દેશ બદલવાના. પણ મનુએ હજુ લગન કર્યા નથી. છોકરીની વાત આવે એટલે ઉડાવી નાખે. મેં લગન માટે ઘણો ફોર્સ કર્યો એટલે તમારા ઘરે વહુ આવે છે મને મળવા આખો દિવસ અને રાત માણસો આવે એટલે હવે હું અલગ રહીશ કહીને ચાલ્યો ગયો. તારી જેમ એ પણ આમ જ લાઈફ પુરી કરશે તો એની પાછળ પણ કોઈ નહિ હોય." રુદ્રસિંહે છેલ્લે ઉમેર્યું, "મનુને મેં મોટો કર્યો છે જો એના ઉપર મારો હક હોય તો એને કોઈ કામમાં સાથે ન લેતો. ગઈ વખતે ગોળી થોડા માટે છેટી રહી હતી. દર વખતે કિસ્મત સાથ નહિ આપે." અને રુદ્ર્સીહ અવળું ફરી ગયા હતા.
"પણ એને હું શું કહીશ?"
"કઈ કહેવાની જરૂર જ નથી. એ એમ માને છે કે બધું જ બંધ કરીને આદિત્ય ચાલ્યો ગયો છે. ઉંમર સાથે મગજ ડીપ્રેશનમાં છે એટલે ક્યાંક દૂર ગયા છે." અવળા રહીને જ રુદ્ર્સીહે કહ્યું હતું.
"પણ એ ક્યારેક પૂછશે તો?"
"પૂછશે તો હું કહી દઈશ કે તું હવે એ માણસ નથી રહ્યો. તું બ્લેક મેઇલના ધંધા કરે છે. તું પણ હવે ગુનેગાર છે."
"અને એ માની લેશે?" આંખો લૂછીને અદિત્યએ છેલ્લો સવાલ પૂછ્યો ત્યારે પીઠ ફેરવીને ઉભા રુદ્રસિંહે પણ હળવેથી આંખો લૂછીને કહ્યું હતું, "હું કહીશ તો જરૂર માની જ લેશે ને આદી? તું હવે અહીંથી ચાલ્યો જા કદાચ મનુ સ્ટેશનથી આવતો હશે."
પછી કોઈ સવાલ જવાબ કરવાના ન હતા. આદિત્ય ત્યાંથી રવાના થઈ ગયા હતા. અને રુદ્રસિંહની વાત પણ સાચી હતી. ઘણા બધા એજન્ટ તો ઘર પરિવારવાળા હતા. એક મનું જ એજન્ટ એ જેમ ઘર વસાવતો નહોતો. કેમ કે એ કામમાં કોઈને લાવવા માંગતો ન હતો. રુદ્રસિંહે કહ્યા પછી આદિત્યને પણ લાગ્યું જ હતું કે મનુને હવે સાથે નથી લેવો. એના બદલે એને એકલા મૂકીને જતા રહેવું. એ એકલો પડશે એટલે રુદ્ર એને સમજાવી લેશે. એનું ઘર વસાવી લેશે. એટલે જ આદિત્ય એ દિવસે રુદ્ર્સીહ પાસેથી પાછા ફર્યા હતા. સજળ આંખે.
*
આદિત્ય પોતે પૃથ્વી, મનુ અને રુદ્રસિહ વગર એકલા પડી ગયા હતા. તે રાત્રે મોડા સુધી એ ત્રણેયને યાદ કરતા. ઘણીવાર તેમને ઊંઘ ન આવતી. આજે પણ તેઓ એમના રૂમમાં બેઠા હતા.
કાળો કોટ, સફેદ દાઢી અને મૂછો, સફેદવાળ અને ત્રીજી આંખ જેવું ભસ્મનું તિલક આજેય તેવું જ શોભતું હતું. તેમનું વ્યક્તિત્વ હજુ તેવું જ હતું. ચહેરાની ચમક અને ખુમારી, આંખોમાં ડર પેદા કરતી લાલાશ અકબંધ હતી. સિલાઈવાળા પાતલુન અને તેવા જ દરજીની સીલાઈવાળા પ્લેન તેમાય ખાસ સફેદ કે કાળા શર્ટ ઉપર કોટમાં તેઓ હજુ ય મજબુત અને બિઝનેશમેન કરતાય વધુ ઝાઝરમાન દેખાતા.
એ વિચારોમાં હતા ત્યાં દરવાજે કોઈએ નોક કર્યું.
“કમ ઇન...” દરવાજા તરફ જોઇને આદિત્ય બોલ્યા એ સાથે જ દીપ અને શીલા અંદર ધસી આવ્યા.
“અરે દીપુ, બેટા તમે અત્યારે આવી ગયા? તમને કામ...”
“સર....” તેમને વચ્ચે અટકાવી દીપે કહ્યું, “સર વાત જ એવી બની છે કે ત્યાં રોકવાનો કોઈ અર્થ ન હતો.”
“એટલે? વોટ હેપન્ડ? ઈઝ એનીથિંગ રોંગ ધેર?” આદિત્યએ બંનેના ચહેરા ઉપર નજર કરીને પૂછ્યું.
“હું સમજાવું છું તમને...” દીપે વાત શરુ કરી.
દીપ અને શીલાએ બનેએ બધી વાત તેમને કહી. અનુપ અને ટીમ્સ એકાએક કેમ ચાલી ગઈ. સમીર પહેલેથી જ એકલો ક્યાંક ગયો હતો. અને રાત્રે અનુપ એન્ડ ટીમ્સ પણ ચેક આઉટ કરીને ગઈ. આદિત્યને પણ એ બધું સમજાયું તો નહીં. સમીરનો પણ કોઈ ફોન આવ્યો ન હતો. ઘડીભર તો આદિત્ય વિચારમાં પડી ગયા પણ આખરે સમીર એક કાબીલ એજન્ટ હતો.
“સર પણ સમીરે તમારો કોન્ટેક નથી કર્યો?” શીલાએ તેવો જ સવાલ કર્યો.
“નહિ શીલા, એણે કોન્ટેક નથી કર્યો. પણ કદાચ અનુપે તેની પાછળ વોચ ગોઠવી હોય તો ચાલાક સમીરને તે ખ્યાલ આવ્યા વગર રહે નહી. અને તો સમીર મારો કોન્ટેક ન કરી શકે. આમ પણ તેણે મને એવું કહ્યું જ હતું એટલે જ મેં તમને મોકલ્યા.”
“સોરી સર...” દીપ બોલ્યો, “પણ એ લોકો અચાનક હોટેલ ચેક આઉટ કરીને નીકળી ગયા એટલે મને ત્યાં રહેવું ઠીક ન લાગ્યું.”
“તેમાં તારે નિરાસ થવાની જરૂર નથી. તે એ ઠીક કર્યું છે.” કહીને આદિત્ય ચુપ થઇ ગયા. તેમના કપાળમાં કરચલીઓ પડી. આમ અનુપ હોટેલ ખાલી કરીને રાત્રે જાય તે અશક્ય હતું એટલે કાઈ સમજાયું નહી પણ દીપનો ફેસલો યોગ્ય હતો.
“ડોન્ટ વરી સમીર કાબિલ એજન્ટ છે તે એનું કામ કરી લેશે.” થોડીવારે એ બોલ્યા, “આપણે હવે આગળનો પ્લાન ઘડવાનો છે. તમે આંજે રાત્રે આરામ કરો કાલે સવારે આપણે આગળનું આયોજન કરીશું.”
“ઠીક છે સર...” દીપે કહ્યું અને બંને રૂમ બહાર નીકળી ગયા.
આદિત્યને સમીર ઉપર દ્રઢ વિશ્વાસ હતો કે તે ગમે તેમ તેનું કામ સમીર કરી લેશે. અલબત્ત સમીરે તેનું કામ અત્યાર સુધી એક કાબિલ એજન્ટ જેમ પાર પાડ્યું હતું છેક અનુપની ગેંગ સુધી તેણે પગ પેસારો કરી લીધો હતો. એ કામ આસાન ન હતું.
આદિત્ય ઉભા થયા. કોટ ઉતારીને હેન્ગરમાં ભરાવ્યો, ચામડાનો બેલ્ટ કાઢીને ટેબલ ઉપર મુક્યો અને પથારીમાં આડા પડ્યા. તેમને મનમાં એક હાશ હતી કે હવે આ ટોળકીને જેર કરવાનો સમય નજીક જ છે પણ તેમને કલ્પના પણ ન હતી કે જે મિશન સાવ અંત પાસે પહોંચ્યું હતું તે મિશનની દુર્દશા બેઠી હતી. સમીર મનુની કેદમાં હતો અને મનુને ભારે ગૂંચવાડો થયો હતો. મનુ આ કેસમાં આવી ગયો છે તેની કલ્પના પણ આદિત્યને ન હતી.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky